
બજારમાં મળતા વિવિધ પ્રકારના ક્રીમ્સ ગ્રાહકોને માટે મૂંઝવણ પેદા કરે છે. કેવા પ્રકારનું ક્રીમ ખરીદવું તે નક્કી કરવા માટે પ્રત્યેક ક્રીમમાં રહેલા ઘટકો અને તેમનું કાર્ય જાણવા જરૂરી છે. આ અંકમાં આપણે ઈમોલિયન્ટસ, મોઈશ્ચરાઈઝર્સ, લુબ્રીકેકટર્સ, નાઈટ ક્રીમ્સ અને મોર્નિંગ - ક્રીમ્સ વિષે ચર્ચા કરીશું. સૌ પ્રથમ આપણે ઈમોલિયન્ટ્સ વિષે જાણકારી મેળવીશું. ‘ઈમોલિયન્ટ’ શબ્દનો અર્થ થાય છે. ‘સ્કીન સોફનર’ એટલે કે ત્વચાને સુંવાળી બનાવનાર.
આગળ જણાવ્યું તે પ્રમાણે મોટાભાગના ક્રીમ્સ મૂળભૂત રીતે તેલ, પાણી અને સુગંધના સંયોજન હોય છે. તેમાં વપરાયેલું તેલ જો ઝડપથી ઓગળે એવું હોય તો તેનાથી ત્વચા ચીકણી બને છે. ઊંચું ગલન-બિંદુ ધરાવનાર તેલયુક્ત ક્રીમ્સ ત્વચા પર ચીકાશ નથી લાવતા. આવું ક્રીમ ત્વચા પર ઘસતા જ ત્વચામાં શોષાઈ જાય છે. તેથી તે વેનિશિંગ-ક્રીમ તરીકે ઓળખાય છે. દિવસ દરમિયાન વાપરવા માટે તેમ જ મેકઅપ નીચે લગાવવા માટે ઓછા તૈલી ક્રીમ્સનો ઉપયોગ કરવામાં આવે છે.
આ ક્રીમ્સ પોતાનું કાર્ય કેવી રીતે કરે છે ? આ પ્રકારની તમામ બનાવટોનો હેતુ ત્વચાની શુષ્કતાને દૂર કરવાનો છે. ક્રીમ લગાવવાને કારણે ત્વચા પર બનતું પાતળું આવરણ ત્વચામાંની ભીનાશના બાષ્પીભવનને રોકે છે. આથી ત્વચા ભીની તેમ જ સ્થિતિસ્થાપક રહે છે. ત્વચા પરના સૂકા, તરડાયેલા ભાગો સ્વસ્થ બનીને ત્વચાને લીસી અને સુંવાળી બનાવે છે. ત્વચા સૂકી બનવાનું મુખ્ય કારણ ત્વચાના બહારના પડમાંથી થતું પાણીનું બાષ્પીભવન છે. ક્રીમનો બાહ્ય ઉપયોગ અને પૂરતા પાણીનું સેવન ત્વચામાંના પાણીને જાળવી રાખે છે. પળોના રસ અને શાકભાજીના સુપ પણ પીવા જરૂરી છે. ઘણાં લોકો મને ‘કોકો-બટર’ અને તેની ઉપયોગિતા વિષે પૂછે છે. કોકો-બટર એ કોકોના બીજને શેકીને તેમાંથી કઢાતી ચરબી છે. કોકો-બટર એ ઈમોલિયન્ટ છે. તે ત્વચાને નરમ બનાવે છે. શરીરની ગરમીથી તે પીગળી જાય છે તે ઘણાં કોસ્મેટિક-ક્રીમ્સ અને લિપસ્ટિક્સમાં વપરાય છે. ફાર્માસ્યુટિકલ - ક્રીમ્સના ઉત્પાદનમાં પણ તે વપરાય છે. સૌંદર્ય - પ્રસાધનની દૃષ્ટિએ જોઈએ તો ત્વચાને નરમ બનાવવામાં ક્લીન્ઝીંગ ક્રીમની તુલનાએ કોકો-બટર વધુ અસરકારક છે.
અન્ય એક ખૂબ પૂછાતો પ્રશ્ન છે. પેટ્રોલિયમ જેલીની ઉપયોગિતા . પેટ્રોલિયમ - જેલીને પણ એક ઈમોલિયન્ટની જેમ વાપરી શકાય છે. તે પેટ્રોલિયમમાંથી નીકતળતો એક પદાર્થ છે. તેનો ઉપયોગ કોસ્મેટિક ક્રીમ્સ લોશન્સ, પાઉડર્સમાં તેમજ દાઝેલી ત્વચા, ઉખડેલી ત્વચા વગેરેમાં રાહત મેળવવા માટે મોટાં પ્રમાણમાં થાય છે. જેઓને સુગંધિત ક્રીમ્સ માફક નથી આવતા તેઓ શિયાળામાં પેટ્રોલિયમ-જેલી વાપરવાનું પસંદ કરે છે. ઘણી માતાઓ બાળકના નેપી-રેશ પર તે વાપરે છે.
શું લેનોલીન એક સારું નાઈટ-ક્રીમ છે ? લેનોલીન કેમિસ્ટની દુકાનમાં મળે છે. ક્રીમ્સ અને ઓઈન્ટમેન્ટસમાં લેનોલીન વપરાય છે કારણ કે તે સરળતાથી પ્રસરવાનો ગુણ ધરાવે છે. લેનોલીન એ અર્ધ-ઘન સ્વરૂપનું એક ચીકણું તત્વ છે તે ત્વચાને નરમ બનાવી શુષ્કતાથી બચાવે છે. જો કે તેને શુદ્ધ સ્વરૂપે વાપરવાની સલાહ હું નથી આપતી. તેની વાસ સારી નથી હોતી. તદુપરાંત, ઘણાં લોકોને તેનાથી એલર્જી થાય છે.
No comments:
Post a Comment