Friday, 26 August 2011

મનુષ્ય જીવનનો આધારઃ ૧૬ સંસ્કાર




ઉપનયન સંસ્કાર એ સમાજમાં પ્રવેશવાનું પ્રમાણપત્ર હતું. વિદ્યાર્થી જીવનના અંતે અને ગૃહસ્થ જીવનના પ્રારંભમાં સમાવર્તન સંસ્કાર જરૂરી હતો. ઉપનયન અને વિવાહ સંસ્કાર કરવાથી તમામ પ્રકારના યજ્ઞો કરવાનો અધિકાર પ્રાપ્ત થતો હતો
હિન્દુ ધર્મની સંસ્કૃતિ સંસ્કારો પર જ આધારિત છે. આપણા ઋષિ-મુનિઓએ માનવ જીવનને પવિત્ર, સુખમય અને મર્યાદિત બનાવવાના હેતુથી સંસ્કારોનો આવિષ્કાર કર્યો છે. આ સંસ્કારો માત્ર ધાર્મિક કે સામાજિક રીતે જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ આપણા જીવનમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. સંસ્કાર શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃતના સમ+ક માંથી થઈ છે. જેનો અર્થ થાય છે શુદ્ધ કરવું, પવિત્ર કરવું અને સંસ્કરણ કરવું. જેનાથી માણસની લાગણી, રહેણી-કરણી, બુદ્ધિ વગેરે સમાજમાં પ્રકાશે તથા સમાજના હિતલક્ષી અને આધ્યાત્મિક ગુણો વધે એનું નામ જ સંસ્કાર.
મનુુષ્ય જીવનમાં આપણા જન્મના પહેલાંથી લઈને મૃત્યુ પછી સુધી એમ કુલ સોળ સંસ્કાર કરવામાં આવે છે. આ સંસ્કાર આપણા ધાર્મિક અને સામાજિક જીવનની ઓળખ હોય છે. તે સમાજ અને રાષ્ટ્રને અનુરૂપ થતાં તો શીખવે જ છે સાથે ઉત્તમ જીવનની દિશા પણ નક્કી કરી આપે છે. ભારતીય સંસ્કૃતિમાં મનુષ્યને રાષ્ટ્ર, સમાજ અને જનજીવન પ્રત્યે જવાબદાર અને કાર્યકુશળ બનાવવાના જે નિયમ નક્કી કરવામાં આવ્યા છે તેને જ સંસ્કાર કહેવામાં આવ્યા છે. સંસ્કારો દ્વારા જ ગુણોમાં વૃદ્ધિ થાય છે. સંસ્કારો માટે યોજાતા કાર્યક્રમોમાં જે પૂજા, યજ્ઞા, મંત્રોચ્ચાર વગેરે કરવામાં આવે છે તેનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ સિદ્ધ થઈ ચૂક્યું છે.
સંસ્કારોની સંખ્યા
સ્મૃતિઓમાં સંસ્કાર શબ્દનો પ્રયોગ એવા અનુષ્ઠાન માટે કરવામાં આવ્યો છે જેમાં વ્યક્તિના વ્યક્તિત્વની શુદ્ધિ માટે કરવામાં આવતા ધાર્મિક કાર્ય કરવામાં આવે છે. ગૌતમ સ્મૃતિમાં ચાલીસ પ્રકારના સંસ્કારોનો ઉલ્લેખ જોવા મળે છે. મર્હિષ અંગિરાએ તેમનો અંતર્ભાવ પચ્ચીસ સંસ્કારોમાં કર્યો છે. આપણાં ગૃહસૂત્રોમાં સંસ્કારોની સંખ્યા ૧૨થી ૧૮ સુધીની છે. આશ્વલાયન ગૃહસૂત્રમાં ૧૧, પારસ્કર અને બૌદ્ધાયન ગૃહસૂત્રોમાં આ સંખ્યા ૧૩ની દર્શાવાઈ છે. જોકે એક વાત મહત્ત્વની છે કે મોટાભાગનાં ગૃહસૂત્રો અંત્યેષ્ઠી સંસ્કારનો ઉલ્લેખ કરતાં નથી.  જ્યારે વ્યાસ સ્મૃતિમાં સોળ સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણાં ધર્મશાસ્ત્રોમાં પણ મુખ્ય સોળ સંસ્કારોનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દશકર્મ પદ્ધતિ ગ્રંથમાં સંસ્કારોની સંખ્યા ૧૦થી ૧૩ દર્શાવવામાં આવી છે. સંસ્કારોની સંખ્યા વિવિધ ગ્રંથોમાં ભલે જુદી-જુદી જોવા મળે પરંતુ સૌથી લોકપ્રિય તો સોળ સંસ્કાર જ છે.
સંસ્કારોનું વિભાજન
સોળ સંસ્કારોમાં પ્રાગજન્મ સંસ્કારમાં ગર્ભાધાન, પુંસવન અને સીમંતોનયન, બાલ્ય અવસ્થાના સંસ્કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ સંસ્કારનો સમાવેશ થાય છે. શિક્ષણને લગતા સંસ્કારોમાં વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ, કેશાંત અને સમાવર્તન સંસ્કારોનો સમાવેશ થાય છે. આ સિવાય વિવાહ અને અંત્યેષ્ઠિ સંસ્કાર છે જેનું ખૂબ જ મહત્ત્વ છે.
સંસ્કારોનો ઉદ્દેશ
સોળ સંસ્કારોનો મૂળભૂત ઉદ્દેશ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ સાથે છે. આ સાથે  નકારાત્મક અને અશુભ શક્તિઓ સામે રક્ષણ મેળવવાનો ઉદ્દેશ પણ છે. અશુભ પ્રભાવોના પ્રતિકાર માટે શુભ શક્તિઓની સ્તુતિ કરાય છે એમને બલિ અને ભોજન આપીને પ્રસન્ન કરવામાં આવે છે જેથી તેઓ અશુભ તત્ત્વોથી આપણું રક્ષણ કરે. પ્રત્યેક સંસ્કાર કરતી વખતે આશીર્વાદ મેળવવા માટે દેવતાઓની પ્રાર્થના કરવામાં આવે છે. જેમ કે, ગર્ભાધાન સંસ્કાર વખતે ભગવાન વિષ્ણુનું, ઉપનયન સંસ્કાર સમયે બૃહસ્પતિનું અને વિવાહ સંસ્કાર સમયે પ્રજાપતિનું આહ્વાન કરવામાં આવે છે. સંસ્કારોનો ભૌતિક ઉદ્દેશ સંતાન, પશુ, સંપત્તિ, ધન-ધાન્ય, સમૃદ્ધિ, શક્તિ અને બુદ્ધિની પ્રાપ્તિનો હતો. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર પ્રાર્થનાઓ અને સ્તુતિઓ કરવાથી દેવી-દેવતાઓ રીઝતાં એટલે કે પ્રસન્ન થતા અને ભૌતિક સંપત્તિ સ્વરૂપે ઇચ્છાઓની ર્પૂિત કરતાં. સાંસ્કૃતિક ઉદ્દેશથી સંસ્કારોમાં ધર્મ અને પવિત્રતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મનુસ્મૃતિમાં જણાવ્યા અનુસાર બ્રાહ્મણોએ ગર્ભાધાન, જાતકર્મ, ચૂડાકરણ વગેરે શારીરિક સંસ્કાર વૈદિક કર્મો અનુસાર કરવા જોઈએ તેનાથી આ લોક અને પરલોક પવિત્ર બને છે.
વિશિષ્ટ પ્રકારના સામાજિક અધિકારો પ્રાપ્ત કરવા માટે પણ સંસ્કારો કરવામાં આવતા હતા. જેમ કે, ઉપનયન સંસ્કાર એ સમાજમાં પ્રવેશવાનું પ્રમાણપત્ર હતું. વિદ્યાર્થી જીવનના અંતે અને ગૃહસ્થ જીવનના પ્રારંભમાં સમાવર્તન સંસ્કાર જરૂરી હતો. ઉપનયન અને વિવાહ સંસ્કાર કરવાથી તમામ પ્રકારના યજ્ઞા કરવાનો અધિકાર પ્રાપ્ત થતો હતો.
સંસ્કારોની વર્તમાન સ્થિતિ
સંસ્કાર એ હિન્દુઓના અને ખાસ કરીને બ્રાહ્મણોના જીવનનું એક અભિન્ન અંગ ગણાય છે. જોકે સમયાંતરે તેમાં ઘણાં પરિવર્તનો થતાં રહ્યાં છે અને થઈ રહ્યાં છે. નામકરણ સંસ્કારનું મહત્ત્વ મર્યાદિત કુળ કે જ્ઞાતિઓ પૂરતું જ રહ્યું છે. ઉપનયન સંસ્કાર તેનું મહત્ત્વ ગુમાવતો જાય છે, તેને તો હવે વિવાહ સંસ્કારની પૂર્વભૂમિકાનું સ્થાન આપી દેવામાં આવ્યું છે.
આજે માત્ર ગણ્યાગાંઠયા સંસ્કારો જ કરવામાં આવે છે અને તે પણ ક્યારેક નામશેષ થશે તેવી ભીતી છે. અત્યારે ચૂડાકર્મ, ઉપનયન, વિવાહ અને અંત્યેષ્ઠી એમ ચાર સંસ્કાર ખૂબ જ પ્રચલિત છે.

1 comment:

  1. નમસ્તે
    સોળ સંસ્કાર માટે વધુ ને વધુ માહિતી લોકો સુધી વિસ્તાર પૂર્વક પહોંચે તે હેતુસર મેં તેને મારી વેબસાઇટ પર શ્રેણીબદ્ધ કરવાની શરૂઆત કરી છે.
    કોઇપણ વ્યકિત તેનો લાભ નીચેની લિન્ક પર ક્લિક કરીને લઇ શકે છે.

    http://lifecareayurveda.com/gujarati/index.php?option=com_content&view=category&id=10&Itemid=114

    આભાર
    વૈદ્ય નિકુલ પટેલ
    આયુર્વેદ કન્સલ્ટન્સ્ટ
    અમદાવાદ
    મો – ૯૮૨૫૦૪૦૮૪૪

    ReplyDelete