
એક જાણીતી ગુજરાતી ફિલ્મનાં આ ગીતથી બધા વાકેફ છે. શ્રીમંત ગુજરાતી ઘરની સ્ત્રીઓમાં ચંદનહારની ઠીક-ઠીક ડિમાન્ડ હોય છે. મરાઠીઓમાં ઘણી મહિલા સોનાની ગીની જડેલા હાર પહેરે છે. મૂળ વાત એજ છે કે દસ વરસની બાળકી હોય કે વીસ વરસની કોડભરી કન્યા કે એંસી વરસનાં માજી. સ્ત્રીઓમાં દાગીના પ્રત્યેનો પ્રેમ આજીવન ટકી રહ્યો છે. પરંતુ અત્યારે જ્યારે સોનુ કૂદકે ને ભૂસકે મોંઘું થતું ગયું છે ત્યારે સામાન્ય કે શ્રીમંત લોકોની નારીને પોતાનો શોખ પૂરો કરવા કેવી જાતના અલંકારોથી સજાવવું તે હવે એક ગ્રામ સોનાના આભૂષણોથી શોખ પૂરો થાય છે.
પ્રશ્ન એ થાય કે આ દાગીના હોય કેવા ?
એક ગ્રામ દાગીનામાં બેઝ તાંબાનો હોય છે. એંસી ટકા તાંબુ હોય અને વીસ ટકા જેટલી ચાંદી હોય છે. ડિઝાઇન તૈયાર થયા બાદ એક ગ્રામ સોનાનો ઢોળ ચડાવવામાં આવે.
આ આભૂષણો એકદમ રીચ લાગે છે. આ દાગીના અત્યંત સસ્તા હોવા છતાં એની ખરીદીમાં અત્યંત સાવધ રહેવું જરૂરી છે. કેમકે એમાં ગોલમાલની શક્યતા પૂરી છે. સાદો દાખલો લઇએ એક શો-રૂમમાં બ્રેસલેટનો ભાવ પૂછયો તો જવાબ મળ્યો. એક હજાર રૂપિયા. જ્યારે રકઝક કરી તો તે આઠસો રૂપિયામાં આપવા તૈયાર થઇ ગયો. તમે જ વિચારો, અત્યારે સોનાનો શું ભાવ છે ? મતલબ કે એક ગ્રામ સોનાનો ભાવ શું થયો ? આ ઉપરાંત એમાંં ઉમેરો કરીએ દાગીના ઘડવાની મજૂરી.
આવું શા માટે ? એની તપાસ કરતાં જાણવા મળ્યું કે એક ગ્રામ (૧૦૦૦ મિલીગ્રામ)ને બદલે માત્ર ૧૦૦ મિલીગ્રામ સોનાનો ઢોળ ચઢાવવામાં આવે તો સસ્તામાં એ કેમ વેચી ન શકે ?
અત્યારે સોનાની અપ માર્કેટના અનુસંધાનમાં આ સોનાના અલંકારો હાલની સ્ત્રીઓ માટે આશીર્વાદ સમાન નીવડશે.
પ્રશ્ન એ થાય કે રીચ લાગતા આવા દાગીનાનો આવરદા કેટલો ગણાય ?
લગ્ન કે પાર્ટી જેવા પ્રસંગોમાં જ એક ગ્રામના દાગીના પહેરો તો બે-ત્રણ વર્ષ કંઈ વાંધો આવતો નથી. બંગડી અને મંગળસૂત્ર રોજિંદા વપરાશમાં છે. એને પણ તમે વર્ષ-દોઢ વર્ષે પોલિશ કરાવી શકો છો. ભેજવાળી હવા હોય ત્યાં એક ગ્રામના દાગીના પ્રસંગોમાં પહેર્યા બાદ એરટાઇટ પેકિંગમાં રાખવા જોઇએ અને બીજું, આલ્કોહોલનો બેઝ ધરાવતું પરફયુમ આવાં ઘરેણાંને ન લાગે એનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. કેટલાક કિસ્સામાં તાંબા પર નિકલ ચઢાવીને એના પર પચ્ચીસ કે પચ્ચાસ મિલીગ્રામ સોનાનો ઢોળ ચઢાવ્યા બાદ એના પર પ્લાસ્ટિકનું કોટિંગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને માઇક્રોપ્લેટિંગ કહે છે. એક ગ્રામ સોનાના ઘરેણાંમાં આ રીતે પણ છેતરપિંડી થાય છે.
એક ગ્રામની બંગડી કે મંગળસૂત્ર ખરેખર એકગ્રામમાંથી બનાવેલા હોય તો દરરોજ વપરાશમાં લેવા છતાં એકાદ વર્ષ સુધી એની ચમક જળવાઇ રહે છે. પણ જો સોનું ઓછું વપરાયું હોય તો પાંચ-છ મહિનામાં જ ચમક જવા લાગે છે.
એક ગ્રામ સોનાના ઘરેણાં બનાવતા એક સૂવર્ણકારનું કહેવું છે કે : આ બિઝનેસ માઉથ પબ્લિસિટી પર ચાલે છે. એકવાર મહિલાનો વિશ્વાસ ઊઠી જાય તો બીજી વાર દુકાનનાં પગથિયાં ચઢે નહીં એટલે વ્યવસ્થિત બિઝનેસ કરવા માગતી વ્યક્તિ ઓછું સોનું વાપરવાની છેતરપિંડી કરે નહીં.
એક જમાનામાં ‘દેવદાસ’ ફિલ્મમાં માધુરી દિક્ષીત અને ઐશ્વર્યા રાય બચ્ચને પહેરેલો ‘કુંદન સેટ’ની ફેશન એ વખતમાં બહુ ચાલેલી. બહુ રીચ લાગતો આ ‘કુંદન સેટ’ કોઈ પણ નારી ઘડાવવા જાય તો તેને મોંઘો પડે. પોતાની ઈચ્છા પૂરી કરવા, તે વખતે સ્ત્રીઓ એક ગ્રામ સોનાનો ‘કુંદન સેટ’ બનાવડાવીને પહેરતી હતી.
આજે ઘણા લગ્નપ્રસંગે ખુદ દુલ્હન પણ એક ગ્રામ સોનાના ઘરેણાંનો સેટ ખરીદીને પહેરે છે. એક ગ્રામ દાગીનામાં એક જુઓ અને એક ભૂલો એટલી હજારો જાતની ડિઝાઈન, અપાર ઘરેણાં જોવા મળે છે. દુલ્હા-દુલ્હન ઠાકોરજી-લાલા માટેનાં આભૂષણ એક ગ્રામ સોનાના બનાવાય છે.
માત્ર સ્ત્રીઓ માટે જ નહીં, પુરુષો માટે પણ એક ગ્રામના દાગીના બને છે. પણ એમાં કાંઈ વિવિધતા નથી. ચેન બ્રેસલેટ, વીંટી અને કફલીન્સ એ પુરુષોના દાગીના છે.
આવી રીતે પ્રસંગ, આબરૂ કે ભપકો જાળવી રાખતા એક ગ્રામનાં ઘરેણાંની ચમક ભલે લાંબી ન ચાલે, પણ આ ઘરેણાંનું ચલણ વર્ષો સુધી ચાલે તો નવાઇ નહીં.
No comments:
Post a Comment