ડેન્ગ્યુના તાવમાં આ પ્રકારના લક્ષણો દેખા દે છે અને તાવ ચઢવાની શરૂઆત થતી હોય છે માટે સત્વરે ડોકટરી તપાસ કરાવવી
ત્યારે આપણે સાંભળી રહ્યા છીએ કે વરસાદ જેમ જેમ પોતાનું સામ્રાજ્ય વિસ્તારતો જાય છે તેમ તેમ ડેન્ગ્યુનો ભરડો પણ વધતો જાય છે. જ્યાં વરસાદ વધારે છે અને જે વિસ્તારનું તાપમાન ૩૦થી ૩૨ ડિગ્રી હોય તથા ભેજનું પ્રમાણ વધારે રહેતું હોય ત્યાં ડેન્ગ્યુ માઝા મૂકે છે અને લોકો હેરાન થાય છે.
ચોમાસામાં એમ પણ મચ્છરથી થતા વિવિધ રોગ જેવા કે મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ ખૂબ ફેલાતા હોય છે. વધતું તાપમાન,વધતો ઘટતો વરસાદ, ભેજના લીધે આ પ્રકારની બીમારીઓ વધે છે. ભેજવાળું વાતાવરણ મચ્છરના આયુષ્યમાં વધારો કરતું હોવાથી મચ્છરોની રોગ ફેલાવવાની ક્ષમતામાં બમણો વધારો થાય છે. વરસાદમાં ત્રાસ ફેલાવતા ડેન્ગ્યુના રોગ પાછળ પણ આ જ પ્રકારનાં કારણ જવાબદાર છે.
ડેન્ગ્યુ વાઇરસના ચાર પ્રકારના છે તેમાંથી કોઈ પણ એક વાઇરસના ચેપ ધરાવતી માદા એડીસ ઇજિપ્તી મચ્છર કરડી જાય તો ડેન્ગ્યુ થાય છે.
ડેન્ગ્યુમાં શું કરવું? શું ના કરવું
* ઘરની અંદર ચોખ્ખાઈ રાખવી જરૂરી બની જાય છે વોશ બેઝિન, સિન્ક, ક્યારા, પાણી વહી જતું હોય તે નીક- જ્યાં પણ સફાઇનું કે પાણી સાથેનું કામ થતું હોય તે જગ્યા એકદમ કોરી અને સ્વચ્છ રાખવી.
* ડેન્ગ્યુનાં લક્ષણ જેમ કે તાવ,માથાનો અતિશય દુખાવો,સાંધાની પીડા થાય તો તે માટેની દવા લેવી અને ડોક્ટરનો સંપર્ક કરવો.
* વાસણમાં પાણી ભરીને સંગ્રહ કરવાનો હોય તો પાણીના પાત્રને હંમેશાં ઢાંકીને જ રાખવાં.
* કૂલરમાં પાણી ભરીને ન રાખો.
* મોટી ટાંકી, કોઠી કે કેરબામાં પાણી ભરી રાખતા હો તો અઠવાડિયા બાદ પાણી બદલી નાખવું.
* નકામી થઈ ગયેલી વસ્તુઓ ખાસ તો વાહનોનાં ટાયર, નારિયેળના છોડા, ખાલી બાટલીઓ, પાણી ભરાઈ રહે તેવી તમામ વસ્તુઓનો નાશ કરવો જોઈએ. જેથી તેમાં પાણી ન ભરાઈ રહે અને મચ્છર ના થાય.
* ઘરના બગીચામાં રાખેલા ફુવારાને અઠવાડિયામાં એક વાર જરૂર સાફ કરવા જોઈએ.
* ઘરની નજીકમાં ક્યાંય પણ પાણી ભરાયેલું રહેતું હોય તો તે જગ્યાને પાણી કાઢીને કોરી રાખવાનો પ્રયત્ન કરવો અને ત્યાં જંતુનાશક દવા છાંટવી
ડેન્ગ્યુનાં લક્ષણ
* ડેન્ગ્યુનો તાવ ઝડપથી ચઢે છે.
* માથામાં ખૂબ જ દુખે છે અને આંખના પાછળના ભાગમાં અતિશય લપકારા મારે છે.
* માંસપેશીઓ તથા સાંધામાં ખૂબ જ દુખાવો થાય છે. સાંધામાં થતાં દુખાવાના જ એક આફ્રિકન નામને કારણે જ તાવનું નામ ડેન્ગ્યુ (ડેન્ગ્યુ એટલે હાડકાંને તોડી નાખતો તાવ)પડયું છે
* ઊલટી, ભૂખ ન લાગવી એ ડેન્ગ્યુનાં ખૂબ સામાન્ય લક્ષણ છે.
* આ તાવ દસેક દિવસ સુધી તો રહે જ છે પણ વ્યક્તિને સાજા થતા લગભગ એક મહિનો થઈ જાય છે.
* નાનાં બાળકોની સરખામણીમાં વૃદ્ધ તથા વયસ્ક લોકોને વધારે ઝડપથી થાય છે.
* મોટા ભાગના ડેન્ગ્યુના ચેપમાં હળવો તાવ જ આવતો હોય છે, પરંતુ કેટલાક કેસમાં ડેન્ગ્યુ હેમરેજિક ફીવરનું સ્વરૂપ ધારણ કરી લે છે.
સારવારનાં પગલાં
* એસ્પિરિન તથા ડિસ્પરિન જેવી દવાઓ ન લેવી.
* આખું શરીર ઢંકાય તેવાં કપડાં પહેરવાં.
* પેરાસિટામોલનું તત્ત્વ ધરાવતી ક્રોસિન જેવી ગોળી લઇને તાવને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરવો.
* ડેન્ગ્યુ થયો હોય તે દર્દીને પાણી તથા લીંબુ શરબત જેવાં હળવાં પ્રવાહી પીણાં વધારે આપવાં.
* હળવો ખોરાક પણ લેવાનો ચાલુ જ રાખવો
* દર્દીને પૂરતો આરામ મળે તે જરૂરી છે
* ડોક્ટરની સલાહ પ્રમાણે દવા નિયમિત લેવી.
* સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો.
No comments:
Post a Comment