પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, આ હસતા ચહેરા, આ મીઠી નજર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચહેરો ફરશે આ આંખોમાં, ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે
આદિલ મન્સૂરી
માણસ જેટલી ઉત્કટતાથી મળે છે એટલી ઉત્કટતાથી છૂટો કેમ પડી શકતો નથી? લગ્નના માંડવામાં થતો હસ્તમેળાપ ઘણી વખત અદાલતમાં ડિવોર્સ પેપર પર સહી સાથે પૂરો થાય છે. એ સમયે હસ્ત મેળાપ વખતે મળેલી હાથની ઉષ્મા કેમ ભૂલાઈ જાય છે? કારણ કે આપણે છેલ્લી ક્ષણો જ યાદ રાખીએ છીએ
તમે કેવા માણસ છો? આ સવાલ તમે કોઈ દિવસ તમારી જાતને પૂછયો છે? ન પૂછયો હોય તો હવે પૂછી જુઓ. તમને પહેલો જવાબ એ જ મળશે કે હું તો સારો માણસ છું. આ તમારો જવાબ હોય તો પછી એ પ્રશ્નનો જવાબ મેળવો કે તમારામાં શું સારું છે? તમને સારું લાગે એવું ઘણું બધુ તમને તમારી જિંદગીમાંથી મળી આવશે. પછી એ શોધ જો કે તમારામાં શું ખરાબ છે? એ શોધવું બહુ અઘરું છે. અને જો એ મળી જાય તો પછી બીજું કંઈ શોધવાની જરૂર નથી.
જિંદગી એક કિતાબ જેવી છે. દરેક ક્ષણ જિંદગીની આ કિતાબમાં અક્ષરો પાડી જાય છે. કેટલાંક પાના આપણને ગમે એવા હોય અને કેટલાંક ન ગમે એવા. જિંદગીની કિતાબના અમુક પાના કોરાં રહી જાય છે. કેટલીક ઘટનાઓ અધૂરી રહી જાય છે. કેટલાંક સપનાઓ અધવચ્ચે તૂટી જાય છે. દરેક રાત સૂવા માટે હોય છે પણ દરેક રાતે ઊંઘ નથી આવતી. ક્યારેક ઊંઘ આવી જાય તો અડધી રાતે ઊંઘ ઉડી જાય છે. ઉડી ગયેલી ઊંઘનો થાક બીજા દિવસે વર્તાય છે અને છૂટી ગયેલી ક્ષણોનો થાક આખી જિંદગી વર્તાય છે.
એક માણસને સપનું આવ્યું. તેની પાછળ શિકારી કૂતરાં દોડતા હતા. એ માણસ જીવ બચાવવા ભાગતો હતો. કૂતરાંના હાથમાં આવી ગયો તો મરી જઈશ એ વિચારે એ જીવ હાથમાં લઈ દોડતો રહ્યો. પાછળ દોડતો એક કૂતરો સાવ નજીક આવી ગયો અને તેણે એ માણસ ઉપર છલાંગ મારી. કૂતરો તેને પકડે એ પહેલા જ તેની ઊંઘ ઊડી ગઈ. તેના શરીરે પરસેવો વળી ગયો હતો. થોડી ક્ષણો પછી તેને અહેસાસ થયો કે આ તો સપનું હતું. બીજા દિવસે તેણે મિત્રને વાત કરી. મિત્રએ કહ્યું કે આવા ખરાબ સપના તો આવે, એને યાદ ન રખાય. ભૂલી જવાના. માણસ ખરાબ સપનાને ભૂલી જાય છે પણ જિંદગીમાં બનતી ખરાબ સપના જેવી ઘટનાઓને ભૂલતો નથી. આપણે ક્યારેય કેમ એવું નથી કહેતા કે જિંદગીમાં ખરાબ ઘટનાઓ તો બને, તેને યાદ રાખવાની ન હોય! આપણે તેને યાદ રાખીએ છીએ, ખરાબ ઘટનાઓને વાગોળતાં રહીએ છીએ અને દુઃખી થતાં રહીએ છીએ.
તમારી જિંદગીની સૌથી ખરાબ ઘટના કઈ? એવું કોઈ પુછે તો આપણે લાંબુ લીસ્ટ આપી દઈએ છીએ. આખી જિંદગી સારી હોય છે પણ આપણે થોડીક ઘટનાઓને પકડીને બેઠાં રહીએ છીએ. જિંદગીની કિતાબના અમુક પાના એવા હોય છે જેને ફાડીને ફેંકી દેવામાં જ મજા છે, પણ આપણે એ પાના ફાડતાં નથી પણ વારંવાર વાંચતા રહીએ છીએ.
કોઈ સંબંધ કાયમી હોતો નથી. દરેક સંબંધની એક એક્સપાયરી ડેટ હોય છે. પણ જ્યારે સંબંધ તૂટે કે સંબંધ પૂરો થાય ત્યારે આપણે એ સંબંધની કઈ ક્ષણોને યાદ રાખીએ છીએ તેના પરથી આપણાં સંબંધોની ડેપ્થ નક્કી થાય છે. મળવું સહેલું છે, છૂટા પડવું અઘરું છે. માણસ જેટલી ઉત્કટતાથી મળે છે એટલી ઉત્કટતાથી છૂટો કેમ પડી શકતો નથી? લગ્નના માંડવામાં થતો હસ્તમેળાપ ઘણી વખત અદાલતમાં ડીવોર્સ પેપર પર સહી સાથે પૂરો થાય છે. એ સમયે હસ્ત મેળાપ વખતે મળેલી હાથની ઉષ્મા કેમ ભૂલાઈ જાય છે? કારણ કે આપણે છેલ્લી ક્ષણો જ યાદ રાખીએ છીએ. જિંદગી હેપી એન્ડીંગવાળી ફિલ્મ નથી. જિંદગી સતત જીવાતી કહાની છે. એવી કહાની જેમાં અપ્સ અને ડાઉન્સ છે. સાપ અને સીડી જેવી રમતમાં માણસ સાપથી ડરતો રહે છે અને સીડી પરથી પણ લસરી જાય છે. જિંદગીનો સાચો ‘ગ્રેસ’ તમે કેવી રીતે મળો છો તેના પર નહીં પણ તમે કેવી રીતે જુદા પડો છો તેના પરથી નક્કી થાય છે.
ડીવોર્સને એક વર્ષ પૂરું થયું ત્યારે એક યુવતીએ તેના ભૂતપૂર્વ પતિને પત્ર લખ્યો : આજે આપણે છૂટા પડયા તેને એક વર્ષ થયું. છૂટા પડયા પહેલા આપણે પાંચ વર્ષ સાથે રહ્યા હતા. આપણે સાથે હતા તેમાં છેલ્લું વર્ષ આપણું ખરાબ રહ્યું. આપણા સંબંધો બગડયા. આપણે છૂટા પડયા. આજે મારી સામે છૂટાછેડા પછીનું એક વર્ષ છે, છૂટાછેડા પહેલાનું ખરાબ સંબંધોનું એક વર્ષ છે અને તારી સાથે લગ્ન કર્યા પછીનું એક વર્ષ પણ મારી નજર સામે છે. હું વિચાર કરતી હતી કે આ ત્રણ વર્ષમાં કયુ વર્ષ યાદ રાખવું જોઈએ? હું મારા વિચારોથી ત્રણે વર્ષમાં પાછી ચક્કર મારી આવી. તારી સાથેનું પહેલું વર્ષ કેટલું સુંદર હતું? એવું લાગતું હતું કે જાણે આપણે જ એક-બીજાની જિંદગી છીએ. આપણે સરસ જીવ્યા અને પછી જીવવાનું ભૂલતાં ગયા. એક-બીજાના વાંક શોધવા લાગ્યા અને અંતે છૂટા પડયા.
છૂટાછેડા પછીના એક વર્ષમાં મેં તને ખૂબ ધિક્કાર્યો છે. તને નફરત કરી છે પણ ગઈકાલની એક ઘટનાએ મારી વિચારવાની દિશા જ બદલી નાખી. ગઈકાલે હું આપણાં જૂના ફોટોગ્રાફસ કાઢીને બેઠી હતી. આપણે ફરવા ગયા હતાં એ બધી જ તસવીરો ફરીથી જોઈ. આપણું હસવું, આપણી મસ્તી અને એક-બીજામાં ખોવાઈ જવાની ક્ષણો. મેં વર્ષો પછી આ ફોટા જોયા.
આલબમ બંધ કર્યો ત્યારે વિચાર આવ્યો કે, આપણે કેવા વિચિત્ર છીએ? સારી યાદોને આલબમમાં મઢાવીને રાખીએ છીએ અને ખરાબ યાદોને દિલમાં સંઘરીએ છીએ! સારી યાદોના આલબમને ભાગ્યે જ ખોલીએ છીએ અને દિલમાં ધરબેલી ખરાબ યાદોને રોજ ખોતરીએ છીએ! એના કરતાં ઊલટું કરીએ તો? સારી યાદોને દિલમાં રાખીએ અને ખરાબ યાદોને દફનાવી દઈએ! મેં આજે મારી બધી જ ખરાબ યાદોને દફનાવી દીધી છે. આ પત્ર હું તને એટલું કહેવા માટે જ લખું છું કે, હવેથી હું તને ક્યારેય નફરત નહી કરું. કદાચ હવે હું તને યાદ જ નહી કરું અને યાદ કરીશ તો પણ ખરાબ રીતે તો નહીં જ કરું! હું ખરાબ ક્ષણોને ભૂલી જાવ છું, તું પણ ભૂલી જજે અને તારી જિંદગીને સરસ રીતે જીવજે... હા, અને છેલ્લી વાત. આજે હું એટલું શીખી છું કે, આપણે આપણા દિલને સારી યાદોનો બગીચો બનાવવો કે ખરાબ યાદોની કબર એ આપણે નક્કી કરવાનું હોય છે. આજે મેં એક કબર ઉખેડીને ફેંકી દીધી છે... મને બહુ હળવાશ લાગે છે.
બાય ધ વે, તમારા દિલને ફંફોસી જોજો. ચેક કરજો ત્યાં બગીચો છે કે કબર?
No comments:
Post a Comment