Saturday, 6 August 2011

ગળે પડતાં ગળાના રોગોથી બચો




આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તે આપણા ગળામાંથી અન્નનળી દ્વારા આપણા પેટમાં જાય છે. આપણા સ્વરતંત્રની વાહિનીઓ પણ ગળામાંથી જ પસાર થાય છે. એક રીતે ગળું આપણા શરીરની મુખ્ય વાહિકા છે. તેથી જો ગળામાં કોઈ પણ બીમારી કે વિકાર ઉત્પન્ન થાય તો આપણું જીવવું દુષ્કર થઈ જાય છે.
ટોન્સિલઃ ગળાના પ્રવેશદ્વારની આજુબાજુ ઝેરીલાં તત્ત્વો અને જીવાણુઓ એકઠા થાય છે ત્યારે ગળામાં સોજો આવે છે. ટોન્સિલ રોગમાં ગળાના પ્રવેશદ્વારની બંને તરફ માંસની ગાંઠ પેદા થાય છે. તેને જ ટોન્સિલ કહેવામાં આવે છે. આ રોગથી પીડાતી વ્યક્તિ જ્યારે બટાટા, ભાત, મેંદો, ચોકલેટ, ખાંડ, મિઠાઈ, વધુ ખાટા તથા ઠંડા ખાદ્યપદાર્થોનું સેવન કરે છે ત્યારે સોજો વધી જાય છે. ઠંડીને કારણે પણ ટોન્સિલ વધે છે. આ રોગમાં પાણી પીવામાં થૂંક ગળવામાં પણ મુશ્કેલી થાય છે અને ગળામાં તીવ્ર વેદના થવા માંડે છે. ગળામાં ખરાશની સાથે સાથે ઉધરસ પણ આવે છે.
ડિપ્થેરિયાઃ આ રોગ બાળકોને વધુ થાય છે. આ રોગના ઇલાજમાં જરાય મોડું કરવું જોઈએ નહીં. આ રોગની ઉત્પત્તિ ગળા અને નાકમાં થાય છે. ઠંડા અને પહાડોવાળા સ્થાને ડિપ્થેરિયા રોગ વધી થાય છે. આ રોગ ચેપી છે. જ્યારે બાળકોને શરદી, ગળાની બીમારી, તીવ્ર ઉધરસ અને ઓરી રોગથી ઘેરાય ત્યારે તેમને ડિપ્થેરિયા રોગ થવાની આશંકા રહે છે. જ્યારે ગળાના પડમાં જીવાણુઓનો હુમલો થાય છે ત્યારે ગળામાં આ રોગ થાય છે. છીંકવાથી, થૂંકવાથી, ઉધરસથી આ રોગના જીવાણુ રોગીના મોઢામાંથી નીકળી બીજા લોકોમાં ફેલાય છે. વાસી ભોજન કરવાથી, પ્રદૂષિત વાતાવરણમાં રહેવાથી આ રોગમાં સપડાઈ જવાય છે.
સ્વરભંગ (ગળું બેસવું) : સ્વરભંગની સમસ્યા ઊભી થાય ત્યારે રોગીનો અવાજ કર્કશ થઈ જાય છે. વાણી અસ્પષ્ટ થઈ જાય છે. એવું લાગવા માંડે છે કે રોગીના ગળામાં કોઈ વસ્તુ ફસાયેલી છે. રોગીના ગળાનો કાકડો વધી જાય છે. રોગીના ગળામાં દાણા થાય છે. સિફિલિસ રોગને કારણે શ્લૈષ્મિક વ્રણ વગેરે ઉત્પન્ન થાય છે. રોગીના ગળામાં ખંજવાળ, ગલીપચી, અતિશય સ્રાવ, શુષ્કતા, ઉધરસ રહેવા માંડે છે. રોગીને શ્વાસ લેવામાં અને ખાવા-પીવામાં પણ ઘણી મુશ્કેલી થાય છે. જ્યારે રોગીને ઉધરસ થાય છે ત્યારે એવું લાગે છે કે જાણે રોગીને ફેફસાંના રોગ છે,પણ વાસ્તવમાં એવું હોતું નથી.
ગળામાં પેદા થયેલા વ્રણ (ઘા) : ઘણી વાર ગળાની શ્લેષ્મ કળા અને ગળાની ત્વચામાં કોઈ ઘા ઉત્પન્ન થાય છે ત્યારે આ સ્થિતિમાં રોગીને અસહ્ય વેદનાનો સામનો કરવો પડે છે.
સ્વરતંત્રમાં આવેલો સોજો : વધુ બોલનારા, ગાયક, પ્રવક્તા, જોરથી બોલનારા, અભિનેતા વગેરે લોકોમાં સ્વરતંત્રમાં સોજાની સમસ્યા જોવા મળે છે.
ગળાના રોગની ઉત્પત્તિનાં કારણ
વરસાદમાં પલળવાથી, શરદી થવાથી, પ્રદૂષિત વાતાવરણમાં રહેવાને કારણે, ઋતુ બદલવાથી, ભેજવાળા વાતાવરણમાં રહેવાને કારણે ગઠિયો, આમવાત, સંધિવા, સૂકી ઉધરસ, જ્વર, ઓરી, અછબડા, સ્કોરલેટ, કમળો, ટીબી, પાયોરિયા, ડિપ્થેરિયા, સિફિલિસ, દાંત સડવાથી, દાંત સડવાથી પણ ગળાના રોગ ઉત્પન્ન થાય છે. બેક્ટેરિયાજન્ય ટોક્સિન્સને કારણે, મોઢાથી શ્વાસ લેવાને કારણે, નાકમાં અવરોધને કારણે, શરદી, વધુ બોલવાથી, ધૂમ્રપાન કરવાથી, ઝેરીલો વાયુ શ્વાસમાં જવાથી, તળેલાં ખાદ્યપદાર્થ ખાવાથી, ઠંડા ખાદ્યપદાર્થ વધુ ખાવાથી, જોરથી બોલવાથી, ગળામાંથી જુદા જુદા પ્રકારના અવાજ કાઢવાથી, કબજિયાત રહેવાથી ગળામાં ટોન્સિલ અને સ્વરતંત્રમાં ખરાબી થવાથી રોગ થાય છે.
ટોન્સિલ અને થાઈરોઇડનો અનુભવી ઉપચાર
૫૦ ગ્રામ ત્રિકટુ ચૂર્ણ, ૨૦ ગ્રામ બહેડાં ચૂર્ણ, ૧૦ ગ્રામ પ્રવાલપિષ્ટી લઈ આ બધાંનું ચૂર્ણ બનાવી રાખો. મોટી ઉંમરના લોકોએ એક એક ગ્રામ તથા નાની ઉંમરના રોગીએ અડધા અડધા ગ્રામની માત્રા જેટલું ચૂર્ણ લઈ સવાર- સાંજ ખાલી પેટ મધ સાથે લેવું. નિયમિત સેવન કરવાથી થાઈરોઈડ રોગમાં ખાસ લાભ થાય છે તથા બાળકોની ટોન્સિલની સમસ્યા દૂર થાય છે.
યોગ : દરરોજ યોગાસન, ધ્યાન અને પ્રાણાયામ જરૂર કરવા જોઈએ. તેનાથી શરીર પણ સ્વસ્થ રહે છે અને શરીરમાં રોગ થતા નથી.

No comments:

Post a Comment