ફૂટવેર આકર્ષક હોય તે જ બાબતને પ્રમાણભૂત ન બનાવતાં મોસમ અને પગને મળતાં આરામને પણ પ્રાથમિકતા આપો.
ફૂટવેર ખરીદતાં પહેલાં તે પહેરીને આરામથી ચાલી જુઓ. દુકાનમાં કાર્પેટ પાથરેલી હોય, તો જમીન પર થોડા ડગલાં અવશ્ય ચાલો. તેનાથી તમને ખ્યાલ આવી જશે કે ફૂટવેર આરામદાયક છે કે નહીં. ફૂટવેરમાં ક્યાંયથી અવાજ તો નથી આવતો ને તે પણ ચકાસી લો.
ટ્રેન્ડ્ઝ
મસ્ત મજાનાં સેન્ડલ પહેરીને નીકળો અને ધોધમાર વરસાદ તૂટી પડે, તો એ સેન્ડલ તમારા મનગમતાં ડ્રેસને કાદવના ડાઘ પાડવામાં જરાય બાકી નહીં રાખે. એ જ રીતે તમારી પ્રિય બેલીઝની હાલત પાણીમાં પલળ્યા પછી એવી થઇ જાય કે એ ચાર મહિના પણ માંડ પહેરી શકાય. આવું કંઇ ન બને તે માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે.
ગણતરી કરી જુઓ
સૌથી પહેલાં તો એ જોઇ લો કે તમારી પાસે કેટલી જોડી ફૂટવેર છે. જુદી જુદી જગ્યા અને ઋતુ અનુસાર લગભગ ૪-૬ જોડી ફૂટવેર તો હોવા જોઇએ. દરેક ઋતુ પ્રમાણે એકથી વધારે ફૂટવેર પણ જોઇએ. તમે એક-બે દિવસ બદલીને ફૂટવેર પહેરશો, તો અલગ લાગશે અને ફૂટવેર પણ લાંબા સમય સુધી ચાલશે.
ખરીદી કરવાનો સમય
ફૂટવેર ખરીદવાનું વિચારતાં હો, તો સાંજના સમયે જ ખરીદવા જાવ. વાસ્તવમાં, આખો દિવસ કામ કરવાથી કે ખુરશીમાં બેસવાને લીધે કેટલીક મહિલાઓના પગમાં સાંજ સુધીમાં થોડોઘણો સોજો આવી જાય છે. એવામાં સાંજના સમયે ખરીદેલા ફૂટવેર યોગ્ય માપનાં રહેશે. આ ઉપરાંત, ખરીદી કરતી વખતે કેટલીક બાબતોનો ખ્યાલ રાખો.
- ફૂટવેર ખરીદતાં પહેલાં તે પહેરીને આરામથી ચાલી જુઓ. દુકાનમાં કાર્પેટ પાથરેલી હોય, તો જમીન પર થોડા ડગલાં અવશ્ય ચાલો. તેનાથી તમને ખ્યાલ આવી જશે કે ફૂટવેર આરામદાયક છે કે નહીં. ફૂટવેરમાં ક્યાંયથી અવાજ તો નથી આવતો ને તે પણ ચકાસી લો.
- ફૂટવેર પહેરવાનો હેતુ સુંદરતા વધારવાનો નહીં, પણ પગનું રક્ષણ કરવાનો હોય છે. આથી સેન્ડલ ખરીદતી વખતે તે પહેરીને એ જોઇ લો કે તમારા પગ સેન્ડલની અંદર રહેતાં હોય. જેથી ઠેસ વાગે તો પણ સેન્ડલ તમારા પગનું રક્ષણ કરી શકે.
- કેટલાક લોકોના પગનું માપ એક્સરખું હોતું નથી. આવા લોકોએ રેડીમેડ ફૂટવેર ખરીદવાના બદલે પોતાના પગના માપ પ્રમાણે તે બનાવડાવવા જોઇએ.
ભીની ભીની મોસમ
ચોમાસામાં વરસાદ વરસતો હોવાથી ફૂટવેરની પસંદગી કરતી વખતે અન્ય કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખો.
- ચોમાસામાં કપડાં અથવા જયૂટની બેલી, જુતી, કોલ્હાપુરી ચંપલ વગેરે ન પહેરો. તે પલળ્યા પછી સૂકાતાં વાર લાગે છે. આથી આવા ફૂટવેર ન પહેરતાં ચોમાસાને અનુરૂપ મટિરિયલ ધરાવતા ફૂટવેર જ પહેરો.
- જો તમે ઝડપથી ફંગલ ઇન્ફેકશન થતું હોય તો સેન્ડલ અથવા આગળથી ખુલ્લા હોય એવી ડિઝાઈનના જ ફૂટવેર પહેરો. બંધ ફૂટવેરમાં ભેજ અંદર જ રહેવાથી ઇન્ફેકશન અંદર જ ફેલાવાની શક્યતા ઘણી વધી જાય છે.
- જો તમે રોજ બૂટ પહેરતાં હો, તો રોજેરોજ એ જ જોડી બૂટ ન પહેરો. દરરોજ પહેરવાથી તેમાં પરસેવાને કારણે ભેજ જમા થઇ જાય છે, જેથી પગ (ખાસ કરીને આંગળીઓ)ની ત્વચા નરમ પડી જઇને ફોગાઇ જાય છે. આનાથી પગને નુકસાન પહોંચે છે અને બૂટમાંથી દુર્ગંધ પણ આવવા લાગે છે.
- દોરીવાળા અથવા એડજસ્ટેબલ સ્ટ્રેપ્સવાળા ફૂટવેર પગની સાઇઝ અને આરામ બંને દ્રષ્ટિએ સારા હોય છે કેમ કે તેને તમારી ઇચ્છાનુસાર ફિટ અથવા ઢીલાં રાખી શકો છો. અત્યારે રેઇની કલેક્શન ફૂટવેર્સમાં પણ એવા અનેક વિકલ્પ છે, જેમાંથી તમે પસંદગી કરી શકો છો. મોસમ અને પગને આરામ મળે તેનું ધ્યાન રાખીને પસંદગી કરો.
No comments:
Post a Comment