Friday, 12 August 2011

જીવનમાં શું કરવું ?




જીવન શું છે ? જિંદગી એટલે શું ? વગેરે પ્રશ્નો યુગોથી ઉઠાવાતા અને ઉત્તરાતા આવ્યા છે અને છતાં કોઈની પાસે નક્કર અને નકોર રણકતો જવાબ હજી સુધી આવ્યો નથી. આટલું તો સૌ કોઈ કબૂલ કરશે, કારણ કે જવાબ કોઈને મળી ગયો હોત તો પ્રશ્ન પણ પૂછાતો બંધ થઈ ગયો હોત, પણ એનો એ જ પ્રશ્ન એક યા બીજી રીતે આજે પણ પૂછાય છે માટે એટલું નક્કી છે, કે જવાબ કોઈની પાસે નથી.
અને ન જ હોય ને ? જો સવાલ ખરેખર ગંભીરતાપૂર્વક, નિષ્ઠા સહિત પૂછાયો હોય તો જવાબ ન મળે એવું કદી બન્યું નથી. બાકી માત્ર દેખાડો કરવા પૂછાયેલા પ્રશ્નોનો જવાબ તો એક જ હોઈ શકે ! જિંદગી એટલે શું ?’ તો કહે, ‘ઢેફું ભાંગીને ધૂળ.જેનો જવાબ મેળવ્યા વિના ચેન જ ન પડે તેવા પ્રશ્નો ક્યારેક જ થતાં હોય છે. કોઈકને જ કરતાં હોય છે અને જવાબ આપનારા અસલી જાણતલ પણ મળી જતા હોય છે. જીવનને અને જગતને અંદર-બહાર, ઊલટ-પુલટ કરીને જાણી-પ્રમાણી લેનારા અલગારી મનિષીઓ સર્વત્ર પાક્યા છે અને તેમણે જગત અને જીવનનો સાર એટલા ઓછા શબ્દોમાં અને એટલા સરળ શબ્દોમાં આપી દીધો છે કે, દંગ થઈ જવાય. જીવન શું છે ? એમ પૂછવું તેનો અર્થ એ થાય કે, જીવનમાં શું કરવું તે મૂળ પ્રશ્ન છે. કરવા જેવું શું છે એ તો કબીરજીએ પણ કહી દીધું છે અને તુલસીદાસજીએ પણ કહી દીધું છે.
કબીર કહે કમાલ કો દો બાતે સીખ લે,
કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અન્ન દે.
તુલસીદાસજી પણ એ જ કહે છે -
તુલસી ઈસ સંસાર મેં, કરને કો દો કામ,
દેને કો ટુકડા ભલા, ઔર લેને કો હરિ નામ.
હજી જોઈએ ગુરુ નાનકજીએ જરા જુદા સંદર્ભમાં એ જ વાત કરી છે :
રામ કી ચીડિયાં, રામ કા ખેત,
ખા લો ચીડિયાં, ભરભર પેટ.
ટૂંકમાં, ભૂખ્યાને, વંચિતને, ગરીબને કે જરૂરતમંદને આપવું તેમાં જીવનનું સાર્થક્ય છે. એવું તમામ જ્ઞાની સંતોએ કહેલું છે. આ વાત આપણા દેશના સીમાડાઓની બહાર દૂર પશ્ચિમી દેશોમાં એટલી જ સાચી અને સચોટ બની રહી છે. એક યુવાન યુરોપીય કવયિત્રી- એરીએન ડી ગ્રેલેટે પણ એ જ પુરાણો સંદેશ હવે ફરી કવિતારૂપે પ્રસરાવ્યો છે :
આઈ શેલ પાસ યૂ ધિસ લાઈફ બટ વન્સ
એની ગુડ, ધેર ફોર, ધેટ આઈ કેન ડુ,
ઓર એની કાઈન્ડનેસ આઈ કેન શો
ટુ એની ફેલો ફિચર, લેટ મી ડુ ઈટ નાઉ.
લેટ મી નોટ, ડીફર ઓર નિગ્લેક્ટ ઈટ,
ફોર આઈ શેલ નોટ પાસ ધીસ વે અગેન.
મળી જાય છે ને સ્પષ્ટ, નક્કોર અને  રણકતો જવાબ ? જિંદગીના આ રસ્તે આપણે માત્ર એક જ વખત પસાર થવાના છીએ, માત્ર એક જ વખત ! તો, કોઈ માનવજીવ માટે કંઈ કરવા જેવું અને કરી શકાય તેવું હોય તો તે શા માટે અત્યારે જ ન કરવું ?

No comments:

Post a Comment