એક રવિવારે અમારે પ્રસંગોપાત મુંબઈ જવાનું થયું. અમારા ડોક્ટર મિત્રને ત્યાં જ ઉતારો હતો. પ્રાતઃવિધિ પતાવ્યા પછી જ્યારે ડાઈનિંગ રૂમમાં નાસ્તા માટે ગોઠવાયા, ત્યારે અમારા મિત્રે સહેજ સંકોચ સાથે વાતની શરૂઆત કરી, તમને જો વાંધો ન હોય તો મારા એક પેશન્ટ કે જે સ્વજન જેવા જ છે તેમને બપોર પછી બોલાવું? તેમને છેલ્લાં પાંચ વર્ષથી ફેરીંજાયટીસની તકલીફ છે. આધુનિક રીતે ઉપચારમાં કંઈ બાકી રાખ્યું નથી. બધી જ જાતના એન્ટિ બાયોટિક્સ ક્રમશઃ અજમાવી જોયા છે. હવે એન્ટિ બાયોટિક્સની તેના પર કંઈ અસર જ થતી નથી. એટલે મારી સલાહ એવી છે કે આ દર્દીનો આપ આયુર્વેદીય ઉપચાર કરો. એટલે મેં કહ્યું, ભલે આપ દર્દીને બપોર પછી બોલાવો. હું ફ્રી જ છું, પરંતુ સાંજે સાત વાગ્યે એક રિસેપ્શન એટેન્ડ કરવાનું છે એટલે એ પ્રમાણે વ્યવસ્થા કરજો. મારી સંમતિ મળતાં એ ડોક્ટર મિત્રે દર્દીને ફોન કરીને ચાર વાગ્યે બોલાવ્યા. પ્રૌઢ અને સ્થૂળ કહી શકાય એવા જયંતીલાલ શાહે પોતાની તકલીફની વિગત ટૂંકમાં આ પ્રમાણે કહી. પાંચ વર્ષ પહેલાં મને ગળામાં કંઈક ખૂંચતું હોય એવી અનુભૂતિ થઈ. બે-ત્રણ દિવસ એ તરફ ખાસ ધ્યાન આપ્યું નહીં. ચોથી રાત્રે આ તકલીફ વધી. સવારે મોઢું ફાડીને દર્પણમાં ગળાનો ભાગ જોયો. કાકડા તો નાની ઉંમરમાં કઢાવેલા જ હતા એટલે એ ચિંતા તો હતી નહીં, પરંતુ ગળામાં કાકડાના સ્થાને જ બંને બાજુ લાલ સોજો અને નાની નાની રાઈના દાણા જેવી ફોલ્લીઓ, નાના નાના કાંટા જેવી જ હતી. પ્રથમ તો કેન્સર જ હશે એવો ધ્રાસકો પડયો. એટલે તરત જ આ પટેલ સાહેબને બતાવ્યું. તેમણે ગળું જોયા પછી તરત જ કહ્યું કે ચિંતા જેવું કંઈ નથી. ફેરીંજાયટીસ છે. અને ત્રણ- ચાર દિવસમાં જ ઠીક થઈ જશે.
પ્રથમ એમણે ટેસ્ટ કરીને ઈંજેક્શન સ્ટેપ્ટોપેનિસિલિનનાં આપ્યાં. સંપૂર્ણ આરામ થઈ ગયો, પરંતુ પંદર દિવસ પછી ફરી એ જ શરૂઆત થઈ. પછી તો પટેલ સાહેબની સલાહ પ્રમાણે ઈએનટી સ્પેશિયાલિસ્ટ પાસે છેલ્લાં પાંચ વર્ષથી ટ્રીટમેન્ટ ચાલે છે. એરીથ્રોસિન કે બીજા એન્ટિ બાયોટિક્સની હવે અસર થતી જ નથી. ગળાનો સોજો વધ-ઘટ થયા કરે છે. હવે જો આપની સલાહ પ્રમાણે આનો જો કોઈ સચોટ આયુર્વેદીય ઉપચાર હોય તો આપ કહેશો તે પ્રમાણે પરેજી પાળીને ઉપચાર કરીશ.
જુઓ જયંતીભાઈ, આપને એક ખૂબ જ સાદો અને સરળ ઉપચાર બતાવું છું. આમળાં, હળદર, કાથો, જેઠીમધ અને સાકર આ પાંચે ઔષધો સરખા ભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી બાટલી ભરી લેવી. સવારે, બપોરે અને રાત્રે એક ચમચી જેટલું ચૂર્ણ, બે ચમચી જેટલા મધ સાથે મિશ્ર કરીને ચાટી જવું. ઉપરથી અડધા કપ જેટલો ‘વાસારિષ્ટ’ એમાં એટલું જ પાણી ઉમેરી પી જવો. ઉકાળેલું જ પાણી પીવું. ફ્રીજની ઠંડી ચીજો. ઠંડાં પીણાંઓ, આઇસક્રીમ, કેળાં, માવાની મીઠાઈઓ વગેરે ઠંડી અને કફકારક ચીજોનો ઉપયોગ કરવો નહીં. રાત્રે હળદર, સૂંઠ અને એલચી નાંખેલું દૂધ સૂતી વખતે પીવું. આ પ્રમાણે બેથી ત્રણ મહિના ઉપચાર કરીને પત્ર અથવા ફોન દ્વારા પરિણામ વિશે જાણ કરજો. એક મહિના પછી રાત્રે જયંતીભાઈનો ફોન આવ્યો કે ગળામાં સાવ સારું છે. ગળાની લાલાશ અને સોજો સાવ મટી ગયો છે. વર્ષોથી બેસી ગયેલો ઘોઘરો અવાજ સાવ ખૂલી ગયો છે. પ્રયોગ ખૂબ જ માફક અને ફળદાયી રહ્યો છે. આપની સલાહ મુજબ ત્રણ મહિના આ પ્રયોગ ચાલુ રાખીશ. આપનો અને આયુર્વેદનો ખૂબ ખૂબ આભાર. ઉપર્યુક્ત પાંચે ઔષધો શીતળ, સોજાનો નાશ કરનાર અને વ્રણરોપણ એટલે કે રુઝ લાવનાર છે એટલે ગળાના સોજામાં અને ચાંદામાં ઉત્તમ પરિણામ આપે છે.
ઘરગથ્થુ ઉપચાર
કાંચનારની છાલ રક્તસ્ત્રાવી મસા-પાઇલ્સમાં ઉત્તમ પરિણામ આપે છે. અડધીથી એક ચમચી જેટલું કાંચનારની છાલનું ચૂર્ણ સવારે અને રાત્રે માખણ સાથે લેવાથી રક્તસ્ત્રાવ બંધ થાય છે. આ ચૂર્ણથી ઉદર શુદ્ધિ થવાથી મળ સાફ આવે છે. પેટ હલકું રહે છે. ગેસ- વાછૂટ થાય છે. જેથી પેટમાં સુખની અનુભૂતિ થાય છે.
No comments:
Post a Comment