Friday, 26 August 2011

કોસ્મેટીક-ક્રીમ્સની અજાયબ દુનિયા




(૪)
વિવિધ પ્રકારના ક્રીમ્સ વિષે ચાલુ કરેલી ચર્ચાને અહીં હું આગળ વધારીશ. કેટલાંક લોકો મને ગ્લીસરીન અને ગુલાબજળવાળા કીમતી ત્વચા પર થતી અસરો વિષે પ્રશ્નો પૂછે છે. ગ્લીસરીન એ એક સારું હ્યુમેક્ટંટએટલે કે પાણીને ખેંચનારું તત્ત્વ છે. ઘણાં કોસ્મેટીક્સ જેવા કે ક્રીમ્સ, લોશન્સ, ડીઓડરન્ટ્સ, લિપસ્ટિકસ વગેરેમાં તે એક મહત્ત્વનું ઘટક છે. ગ્લીસરીનને  કારણે ક્રીમ ભીનું રહે છે અને સારી રીતે પ્રસરે છે. જો કે શુદ્ધ ગ્લીસરીનને ત્વચા પર લગાવવાથી તે ત્વચામાંના ભેજને ખેંચીને ત્વચાને સૂકી બનાવી દે છે. ગ્લીસરીન અને ગુલાબજળયુક્ત  ક્રીમ્સમાં ગ્લીસરીનનું પ્રમાણ આશરે પચાસ ટકા કે તેથી ઓછું હોય છે. ત્વચા પરથી ભેજના બાષ્પીભવનની પ્રક્રિયાને રોકવામાં તે મદદરૂપ થાય છે.
બીજો એક પ્રશ્ન કે જે વારંવાર પૂછવામાં આવે છે તે છે, ‘કોસ્મેટીક-ક્રીમ્સ લગાવવાની સાચી રીત કઈ છે ?’ આ પ્રશ્ન ક્રીમને ઉપરની દિશામાં  કે નીચે તરફની દિશામાં લગાવવા અંગેનો છે. કઈ રીતે ત્વચાને સ્વસ્થ બનાવે છે ? આ વાત સમજવા માટે ત્વચાની ઢીલી પડવાની પ્રક્રિયા સમજવી જરૂરી છે. ત્વચામાં થતા ફેરફારો તેને ઢીલી બનાવવા માટે જવાબદાર હોય છે. આ ફેરફારોમાં ત્વચામાં સ્થિતિસ્થાપકતાની ઊણપ,કોલોજનનું કે ત્વચાના ફાઈબરનું ખેંચાઈ જવું વગેરેનો સમાવેશ થાય છે. આ ફેરફારો થવા માટેના જવાબદાર પરિબળો છે તડકો, વૃદ્ધત્વ, લાંબી બીમારી, દવાઓનું અતિશય સેવન અને વારંવાર નારાજ કે ગુસ્સે થવું.
ક્રીમ લગાવતી વખતે ઉપરની તરફ કે બહારની તરફ માલિશ કરવાથી મનોવૈજ્ઞાનિક લાભ થાય છે. તેનાથી ચહેરાના સ્નાયુઓ ઉપરની તરફ જાય છે. આ ક્રિયા હળવી હોવી જોઈએ. વેગપૂર્વક આ ક્રિયા કરવાથી ત્વચાના ઈલાસ્ટીક-ફાઈબર્સ ખેંચાઈ કે તૂટી શકે છે. પરિણામે ત્વચા નીચેના જોડાણો ઢીલા પડે છે. આ તબક્કે હું હોર્મોન-ક્રીમ્સની વાત કરી લઉં. આવા ક્રીમ આજે બજારમાં છૂટથી મળી રહ્યા છે. આ ક્રીમ્સમાં ઇસ્ટ્રોજન જેવા ફીમેલ-હોર્મોનની થોડી માત્રા હોય છે.
યુવાન વ્યક્તિની તુલનાએ વયોવૃદ્ધિ વ્યક્તિની ત્વચાનું બહારનું પડ એટલે કે એપીડમીંસ પાતળું હોય છે. તે સૂકું પણ હોય છે. આમ થવા પાછળનું કારણ શું હશે ? જેમ ઉંમર વધતી જાય છે તેમ ત્વચાનું આધાર આપનારું રેસાયુકત પડ પણ પાતળું થતું જાય છે. જે કારણે ત્વચાની  પાણી જાળવવાની થોડીક ક્ષમતા ઘટે છે. કરચલીયુક્ત ત્વચાને યુવાન અને સુંવાળી બનાવવા આ પાણીને જાળવવાની ક્ષમતા વધારવી જરૂરી છે. આવા હોર્મોન્સનો નિયમિત લેપ કરવાને કારણે  ત્વચામાંનો ભેજ જળવાઈ રહે છે એવો દાવો હોર્મોન્સ-ક્રીમના ઉત્પાદકો કરે છે. વૃદ્ધ ત્વચામાં જોવા મળતી બીજી એક સમસ્યા છે ત્વચાને આધાર આપનારા ચરબીના પડનું નષ્ટ થવું. આ પડ નષ્ટ થવાને કારણે ત્વચામાં કરચલીઓ પડે છે અને ચહેરામાં ઘણાં ફેરફાર દેખાય છે.જોકે ઉપરથી લગાવેલા આવા ક્રીમ્સ વૃદ્ધત્વને રોકી નથી શકતા. તેથી વૃદ્ધત્વને ગૌરવપૂર્વક સ્વીકારવું જોઇએ.
હું આશા રાખું છું કે કોસ્મેટીક-ક્રીમ્સ પરની આટલી જાણકારી તમને ચોક્કસ મદદરૂપ નીવડશે.

No comments:

Post a Comment