Tuesday, 30 August 2011

ફરી ‘ચોટલા’ ફેશનમાં

સ્ટ્રેઇટ-કટ, સ્ટેપ-કટ, યુ-કટ, વી-કટ કે બોલ્ડ હેરની હેરસ્ટાઇલોને ગુડ બાય કરીને આજે દેશ-વિદેશની મોડેલોથી માંડી ફેશનબેલ માનુનીઓ ચોટલા-ચોટલી વાળવા માંડી છે


ઘણી ગુજરાતી નવલકથામાં નાયિકાના સૌંદર્યના વર્ણનમાં નખરાળા નેણ, ગુલાબી હોઠ, દાડમની કળી જેવા દાંત અને અણિયાળા નાકની સાથે નાગણ જેવો કાળો ભમ્મર ચોટલો અચૂક વાંચવા મળે છે. સ્ત્રીના સૌંદર્યમાં વાળ મહત્ત્વના ગણાય છે અને ભારતીય સ્ત્રીની ઓળખ છે તેનો લાંબોલચક ચોટલો.
એક સમયે મહિલાના વાળ કપાવવાને અશુભ માનવામાં આવતું હતું અને જ્યારે તેનો જીવનસાથી સંસારમાંથી સિધાવી જાય ત્યારે તેના સૌંદર્યને કુરૂપ કરવાના હેતુથી (જેથી કોઇની ખરાબ નજરનો શિકાર તે ન બને) તેના વાળ ઉતારી લેવામાં આવતા હતા. સધવા સ્ત્રીઓના વાળ કમરથી લાંબા રહેતા અને તેના પર કોઇની કુદ્રષ્ટિ ન પડે તેટલા માટે માથે ઓઢવાનો રિવાજ હતો. જે વહુના વાળ વધારે લાંબા હોય અને માથે ઓઢ્‌યા છતાં નીચેથી ચોટલો બહાર દેખાતો હોય તો સાસુ તેને અંબોડો વાળવાની તાકીદ કરતા હતા. આથી જ ગુજરાતી પરિવારોમાં નાની છોકરીઓ માથામાં ચપચપાવીને તેલ નાંખીને બે ચોટલા વાળેલી, તરુણ વયની દીકરીઓ કેડથી લાંબા ચોટલામાં ફુમતું ભરાવીને તેને ગોળગોળ ફેરવતી (પાપડપોલની કોકિલાની જેમ) અને વહુવારુઓ અંબોડો વાળેલી જ જોવા મળતી હતી.
જો કે વર્ષોથી ભારતના બધા જ પ્રાંતની મહિલાઓમાં વાળનો ચોટલો વાળવાની જ પ્રથા જોવા મળે છે. ગુજરાતી ઉપરાંત પંજાબી, કાશ્મીરી કે દક્ષિણ ભારતીય મહિલાઓ પણ ચોટલામાં જ શોભતી હોય છે. હા પંજાબી માનુનીઓ ચોટલામાં નીચે લાંબુ ફુમતું નાંખે છે અને વાતેવાતે ચોટલાને આગળની બાજુ લાવી ફુમતાને ગોળગોળ ફેરવવાની આદત ધરાવે છે. કાશ્મીરી મહિલાઓના વાળ ઓઢણીથી ઢંકાયેલા રહે છે જ્યારે દક્ષિણ ભારતીય સ્ત્રીઓ લાંબા ચોટલાને આઠ-૧૦ ગજરાથી સજાવે છે.
જો કે ૮૦’-૯૦ના દાયકામાં આપણા સામાજિક જીવન પર ફિલ્મોનો પ્રભાવ, પાશ્ચાત્ય દેશોની ફેશનની દેખાદેખી અને બાહ્ય સૌંદર્યમાં ફેરફાર કરી આઘુનિક દેખાવાની હોડ શરૂ થઇ. આથી મહિલાઓમાં વાળ કપાવીને ફેશનેબલ બનવાની ઘેલછા જન્મી. માનુનીની શોભા ગણાતો ચોટલો કપાઇ ગયો અને તેના સ્થાને આવી ગઇ બોબ્ડ હેર અને પોની ટાઇલની ફેશન. પછી તો આઘુનિક ટેક્નોલોજીથી વિશ્વ સાંકડું બનતાં ભારતીય મહિલાઓમાં યુ કટ, વી કટ, સ્ટ્રેઇટ કટ, સ્ટેપ કટ વાળ રાખવાની ફેશન શરૂ થઇ. ટૂંકાવાળ ધરાવતી માનુની ફોરવર્ડ અને બુઘ્ધિશાળી ગણાવા લાગી અને આઘુનિક હેરસ્ટાઇલ પર્સનાલિટી ડેવલ્પમેન્ટનો હિસ્સો બની ગઇ.
છેલ્લા થોડા વર્ષોમાં તો હેર સ્ટાઇલના ક્ષેત્રે ક્રાંતિ આવી છે એમ કહેવું ખોટું નહિ ગણાય. હેર કલરીંગ, સ્ટ્રેઇટનીંગ, આર્યનીંગ, ર્ક્લીગે વાળના દેખાવમાં ધરમૂળથી ફેરફાર આણી દીધો અને મોટાભાગની યુવતીઓ વાળ પર જાતજાતના અખતરા કરતી થઇ ગઇ. આ કારણે વાળ ઉતરવાની, ખોડો થવાની કે અકાળે વાળ સફેદ થવાની સમસ્યા વધી ગઇ અને હેર એકસ્પર્ટનો ધંધો ધમધમવા લાગ્યો.
હવે ફેશનનું ચક્ર ઊંઘું ફર્યું છે અને ચોટલાની સ્ટાઇલ પાછી આવી છે. વળી આ સ્ટાઇલ ભારત પૂરતી મર્યાદિત નથી રહી. પરંતુ આંતરરાષ્ટ્રીયસ્તરે શરૂ થઇ છે. હાલમાં હિન્દી ફિલ્મની અભિનેત્રીઓ જેમ કે દિયા મિર્ઝા, સોનાક્ષી સંિહા, સોનમ કપૂર, દીપિકા પદુકોણ વિવિધ કાર્યક્રમો અને પાર્ટીમાં ચોટલો વાળેલી જોવા મળે છે. પરિવાર સાથે મોડે સુધી પાર્ટીમાં મહાલવું હોય તો મલયકા અરોરા ખાન પણ ચોટલો વાળવાનું જ પસંદ કરે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ‘અમ્બ્રેલા’ ગાયિકા તરીકે જાણીતી રિહાના હાલમાં ન્યુયોર્ક ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ચોટલો વાળીને આવી હતી. કાળી આંખો ધરાવતી પીસ એક કાર્યક્રમમાં તથા ‘ગોસીપ ગર્લ્સ’ ટીવી સિરીઝમાં ભૂમિકા ભજવી જાણીતી બનેલી બ્લેક લાઇવલીએ પોતાની ફિલ્મ ‘ગ્રીન લેન્ટર્ન’ના પ્રિમિયરમાં લાલ રંગના પરિધાન સાથે ખજૂરી ચોટલો વાળ્યો હતો. બ્રાઝિલ ખાતે યોજાયેલા સાઓ પાઉલો ફેશનવીકમાં પેરિસ હિલ્ટન લાંબા ચોટલા સાથે જોવા મળી હતી.
‘રહેના હૈ તેરે દિલ મેં’ ફિલ્મની અભિનેત્રી દિયા મિર્ઝાએ કહ્યું કે, ‘હિન્દી સિનેજગતમાં ચોટલાની ફેશન મેં શરૂ કરી છે. એક વર્ષ અગાઉ મને એક કાર્યક્રમમાં જવામાં મોડું થતું હતું અને વાળને બ્લોડ્રાય કરવાનો સમય નહોતો. આથી મેં વાળનો ચોટલો વાળી લીધો હતો. મને ચોટલાવાળો મારો લુક ખૂબ ગમ્યો હતો અને મેં અવારનવાર ચોટલો વાળવાનું શરૂ કર્યું હતું. મારું જોઇને અન્ય અભિનેત્રીઓ પણ ચોટલો વાળતી થઇ હતી.’
એક સેલિબ્રિટી હેરડ્રેસરે ફેશન ટ્રેન્ડનું આંધળું અનુકરણ ન કરવાની સલાહ આપતાં કહ્યું હતું કે, આજે ટીવી સિરિયલમાં ઘણી અભિનેત્રીઓ ચોટલો વાળેલી જોવા મળે છે. આઘુનિક યુવતીઓમાં ટૂંકા વાળનું વળગણ જોવા મળે છે. પરંતુ ગરમીમાં ચોટલો વાળવાથી રાહત લાગે છે અને લેટેસ્ટ ટ્રેન્ડ અનુસર્યાનો સંતોષ પણ મળે છે.
ઉનાળા અને ચોમાસામાં ખુલ્લા વાળ રાખવાને બદલે ચોટલો વાળવાથી વાળને નુકસાન ઓછું થાય છે તથા તેની ચમક પણ જળવાઇ રહે છે. ઢીલો ચોટલો સ્ટાઇલીશ દેખાવા સાથે ગ્લેમરસ લુક આપે છે. અને જીન્સ, ટી-શર્ટ, સ્કર્ટ જેવા વેસ્ટર્ન ડ્રેસીસ પર પણ તે શોભે છે.
ચોટલા મુખ્યત્વે ત્રણ પ્રકારે વાળી શકાય છે. એક તો સાદો ચોટલો જે વર્ષોથી આપણે વાળતાં આવ્યા છીએ. બીજો છે ખજૂરી ચોટલો જેને અંગ્રેજીમાં ‘રોપ બ્રેઇડ’ કહેવામાં આવે છે. ત્રીજો ચોટલો ‘ક્રાઉન બ્રેઇડ’ છે. આમાં સાદા ચોટલાને કોઇપણ એકબાજુથી આગળ લઇ કપાળ અને માથા ફરતે ગોળ વીંટાળવામાં આવે છે. કેટલાક હબસીઓ વાળમાં ઝીણી-ઝીણી ચોટલીઓ વાળે છે. આને ‘માઇક્રો બ્રેઇડ’ કહેવામાં આવે છે.
શાળામાં જતી છોકરીઓ બે ચોટલા વાળીને કાળી રિબીન બાંધેલી જોવા મળે છે. અદ્‌લ આ જ સ્ટાઇલથી બે ચોટલા વાળેલી મોડેલો અમેરિકામાં યોજાયેલા ફેશન-શોમાં જોવા મળી હતી.
અભિનેત્રી દિવ્યા મિર્ઝાએ પોતાના શાળા જીવનને યાદ કરતાં કહ્યું હતું કે, ‘મારી મમ્મી મને ટાઇટ બે ચોટલા વાળી દેતી હતી અને હું જ્યારે જ્યારે ચોટલો વાળું છું ત્યારે મને તે દિવસો યાદ આવી જાય છે.’
આ લેખ વાંચીને શું તમને તમારું બાળપણ યાદ નથી આવતું?

No comments:

Post a Comment