Friday, 26 August 2011

રાત્રે મોડા સૂવાની ટેવ વજન ન ઘટવાનું કારણ બની શકે છે




અઠવાડિયામાં ચાર વખત જિમમાં જતી કે મર્યાદિત આહાર લેતી વ્યક્તિઓની પણ ફરિયાદ હોય છે કે તેમને વજન ઉતારવું છે પણ ઉતરતું નથી. તેમનું વજન ન ઉતરવાનું શું કારણ છે તે સંશોધકોએ શોધી કાઢયું છે. સંશોધકોએ તાજેતરમાં હાથ ધરેલા એક અભ્યાસના તારણો મુજબ, વજન ન ઘટવાનું કારણ રાત્રે મોડા સૂવાની ટેવ હોઇ શકે છે.
સંશોધકોએ આ પાછળના તર્ક રજૂ કરતાં જણાવ્યું હતું કે રાત્રે મોડા સૂવાથી મોટા ભાગે ઊંઘ અપૂરતી રહે છે અને અપૂરતી ઊંઘ હોર્મોન્સમાં ગરબડ ઊભી કરે છે. આપણા શરીરમાંનું ઘ્રેલિન હોર્મોન ભૂખ જગાડવા માટે અને લેપ્ટિન હોર્મોન કેટલા આહારથી તૃપ્તિનો અહેસાસ થાય છે તેનું ભાન કરાવવા જવાબદાર છે. મોડા સૂવાથી અને સરવાળે અપૂરતી ઊંઘથી ઘ્રેલિનું લેવલ વધે છે અને લેપ્ટિનનું લેવલ ઘટે છે.
સરળ શબ્દોમાં કહીએ તો મોડા સૂવાની ટેવથી ભૂખ વધારે લાગે છે અને પૂરતું ભોજન લીધા પછી પણ તૃપ્તિનો અહેસાસ થતો નથી. વળી પૂરતી ઊંઘથી શારીરિક અને માનસિક તાણમાં પણ ઘટાડો થતો હોય છે. અપૂરતી ઊંઘના કારણે શારીરિક તાણ વર્તાય છે, જેનાથી સ્ટ્રેસ હોર્મોન ર્કોિટસોલના પ્રમાણમાં વધારો થાય છે, જે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે અને આ ગ્લુકોઝ ચરબીમાં રૃપાંતરિત થાય છે.
દરમિયાન, તાજેતરમાં જ કરવામાં આવેલા અન્ય એક અભ્યાસથી જાણવા મળ્યું છે કે એક સપ્તાહ સુધી રાત્રે પાંચ કલાકથી ઓછી ઊંઘ માણનાર વ્યક્તિના જાતીય જીવનને ભારે નુકસાન થાય છે. ઓછી ઊંઘ યુવાનોના જાતીય જીવનને નુકસાન પહોંચાડવામાં ભૂમિકા ભજવે છે. તાજેતરમાં જ કરાયેલા આ અભ્યાસમાં અન્ય કેટલાક મહત્ત્વપૂર્ણ તારણો પણ સપાટી ઉપર આવ્યાં છે, જેમ કે સંપૂર્ણ રાત્રિની ઊંઘ માણનાર વ્યક્તિનું જાતીય જીવન વધારે સારું રહે છે, કારણ કે તેમના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનાં પ્રમાણમાં વધારો થાય છે જ્યારે ઓછી ઊંઘ લેનાર લોકોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
  • અપૂરતી ઊંઘથી ભૂખ જગાડતા હોર્મોનનું પ્રમાણ વધે
  • સ્ટ્રેસ હોર્મોન પણ વધે છે, જે ચરબીમાં વધારો નોતરે છે

No comments:

Post a Comment