Friday, 26 August 2011

ગાય, ભેંસ ને બકરીના દૂધ સિવાયનું દૂધ કેમ કોઈ પીતું નથી?




ગાયનું દૂધ સૌથી શ્રેષ્ઠ એવું આયુર્વેદમાં કહેવાયું છે. મિઠાઈ અને બીજી વાનગીઓ બનાવવામાં ભેંસનું દૂધ બેસ્ટ છે એવું પાકશાસ્ત્રીઓ કહે છે. મહાત્મા ગાંધી બકરીના દૂધના હિમાયતી હતા પણ આ સૌને ઊંટડી, ઘોડી અને ગધેડી જેવાં બીજાં માદા પ્રાણીઓના દૂધનો વિચાર કેમ ન આવ્યો? એવું તે શું છે કે આ માદાઓના દૂધનો વપરાશ છૂટથી નથી થતો?
ગાય, ભેંસ અને બહુ બહુ તો બકરી.
બસ, આપણું દૂધશાસ્ત્ર અહીંયાં આવીને અટકી જાય છે. વધુ આગળ જાણતાં હોય એ પોતાનું જ્ઞાન ઠાલવતાં એવું કહેશે કે કચ્છમાં ઊંટડીના દૂધમાંથી ચા બનાવવામાં આવે છે તો કોઈ એવું પણ કહેશે કે પંજાબમાં ઘોડાના દૂધમાંથી પનીર બનાવવામાં આવે છે. કેટલાક ભણેશરીએ એવું પણ વાંચ્યું હશે કે બંગાળમાં ભૂંડડીના દૂધમાંથી માવો બનાવવામાં આવે છે તો બ્રિલિયન્ટ હશે એ ઓસ્ટ્રેલિયાએ હમણાં જાહેર કરેલો સર્વે ટાંકીને કહેશે કે ગધેડીનું દૂધ પીવાથી ઝીરો વેસ્ટ ઇઝિલી બને છે. હશે, હોઈ શકે પણ સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે શું કામ આપણે ગાય, ભેંસ કે બકરીના દૂધથી આગળ ન વધ્યા? અમેરિકાની ધી મિલ્ક સોસાયટીએ મિલ્ક વર્લ્ડના રિસન્ટ અંકમાં લખ્યું છે કે બાકીનાં પ્રાણીઓને મજૂરોની કેટેગરીમાં મૂકવામાં આવ્યાં હોવાથી એ માદા પ્રાણીઓના દૂધને રેકગ્નાઈઝેશન મળ્યું નથી જ્યારે હકીકત એ છે કે ઊંટડી, ભૂંડડી, ઘોડીનું દૂધ વધુ પાચનવર્ધક અને વધુ ફાયદાકારક હોય છે.
મિલ્ક-વર્લ્ડના એ ઈસ્યુ પછી થોડો સમયમાં જ અલગ-અલગ દેશોમાંથી ન્યૂઝ આવવા શરૂ થયા કે ફલાણી જગ્યાએ હવેથી ઘોડીના દૂધની મીઠાઈ મળશે અને ઢીંકણી જગ્યાએ હવેથી ગધેડીના દૂધનો માવો મળશે. આ જ ન્યૂઝની સાથે એવા પણ ન્યૂઝ આવ્યા કે કચ્છના માલધારીઓ હવેથી ઊંટડીના દૂધનો આઈસક્રીમ બનાવશે. એકચ્યુઅલી આ ન્યૂઝ કે આઈસક્રીમ સાવ નવો નથી. રાજસ્થાનમાં અત્યારે ઊંટડીના દૂધમાંથી બનાવેલો સંચાનો આઈસક્રીમ મળી જ રહ્યો છે. એક સ્કૂપના ચાલીસ રૂપિયાનો ભાવ લેવાતાં આ આઈસક્રીમમાં જે ઊંટડીનું દૂધ વપરાય છે એ દૂધ આમ છૂટક કોઈ આઠ રૂપિયે લિટર લેવા પણ તૈયાર નથી.
સૌથી શ્રેષ્ઠ છે ગધેડીનું દૂધ
ગધેડીનું દૂધ વર્લ્ડ-બેસ્ટ ગણાય છે. ગધેડીના દૂધનું ચીઝ ફેટ-ફ્રી હોય છે. રિસર્ચ તો એવું પણ કહે છે કે જો કોઈને નાનપણથી જ ગધેડીનું દૂધ પીવડાવવામાં આવ્યું હોય તો જે તે બાળકમાં હાર્ડવર્ક કરવાની ક્ષમતા વધે. ગધેડીના દૂધમાં ફેટ અને કોલેસ્ટેરોલનું પ્રમાણ નહીવત્ હોય છે જ્યારે કેલ્શિયમનું પ્રમાણ થોકબંધ હોય છે. ઈટાલિયન રિસર્ચ એજન્સીના સંશોધન મુજબ ગાયના દૂધ કરતાં લગભગ સાઠ ટકા જેટલું વિટામિન સી ગધેડીના દૂધમાં વધુ હોય છે. જો આ દૂધનું સેવન કરવામાં આવે તો સ્કિનને પણ બહુ મોટો લાભ થાય છે. જોકે આ ગધેડીના દૂધમાં વિટામીન સીને કારણે તેમાંથી ચા કે કોફી બનાવી શકાતા નથી.
રાતે શરાબ, સવારે ઘોડીનું દૂધ
જેને રેગ્યુલર શરાબ પીવાની આદત છે એમની માટે ઘોડીનું દૂધ બેસ્ટ છે. અમેરિકામાં ઘોડીના દૂધનાં હવે પાઉચ મળવાં શરૂ થયાં છે. લિવર સ્ટ્રોંગ કરતું ઘોડીનું દૂધ અન્ય બધાં પ્રાણીઓમાં સૌથી મોંઘું મળે છે. ઘોડી દરરોજ ત્રણથી ચાર લિટર દૂધ આપે છે. આ દૂધ દોહવું મુશ્કેલ છે. જો એના આંચળને સહેજ પણ નખ લાગી ગયો કે ઈજા પહોંચી તો એ દૂધને ઊંડું ખેંચી લે છે એવું ઘોડા-શાસ્ત્રના જાણકારોનું કહેવું છે. ઘોડીના દૂધમાં કેલ્શિયમના અમુક એવા પ્રકારો છે કે જે પગની તાકાત વધારે છે. સામાન્ય રીતે ઘોડી પાંચ વર્ષની વયથી બાર વર્ષની ઉંમર સુધી બેસ્ટ દૂધ આપે છે. ઘોડીના દૂધ પર થયેલા એક રિસર્ચ પછી ખબર પડી છે કે નિયમિતપણે ઘોડીના દૂધનું સેવન કરનારાઓને ક્યારેય કરચલીઓ નથી પડતી. જૂના જમાનાના કાઉબોય યાદ કરી જુઓ. જંગલમાં રખડતાં-ભટકતાં રહેતાં એ કાઉબોય ઘોડીના દૂધનું સેવન કરતાં અને સિત્તેરની ઉંમરે પણ ચાલીસ જેવા તરોતાઝા દેખાતા. ઘોડીના દૂધનો ટેસ્ટ ગાયના દૂધ જેવો સહેજ ફિક્કો અને આછી સરખી ખારાશવાળો હોય છે. મુંબઈના રેસકોર્સમાં ઘોડીના દૂધ માટે વહેલી સવારે અનેક સેલિબ્રિટીના ડ્રાઈવર આવે છે અને રેસકોર્સના વોચમેન પાસેથી ઘોડીનું દૂધ લઈ જાય છે. ઘોડીના અડધા લિટર દૂધનો ભાવ સાઠ રૂપિયા છે. ઘોડીનું દૂધ લેવા આવનારા ડ્રાઈવરના માલિકો ચિક્કાર દારૂ પીનારા હોવાથી એ લોકો માંગ્યા ભાવ આપવા માટે તૈયાર હોય છે. જો ગુજરાતમાં ઘોડીનું દૂધ શોધવું હોય તો જે કોઈ પોતાના પ્રાઈવેટ ફાર્મહાઉસ પર ઘોડી રાખે છે એનો કોન્ટેક્ટ કરવો પડે. જો સંબંધ હોય અને ટેસ્ટ કરવાની હિંમત હોય તો એક વાર ચાખી જો જો.
ઊંટડીના દૂધમાં ડાયાબિટીસ મટાડવાની તાકાત છે પણ એ દૂધનો ઉપયોગ કરવાની ક્ષમતા અને સામાજિક હિંમત કચ્છથી માંડીને બાકીના ગુજરાતમાં નથી. એકલા કચ્છમાં દરરોજ ચાલીસ હજાર લિટરથી વધુ ઊંટડીનું દૂધ ઊંટડીના પેટમાં રહી જાય છે. બકરીનું પણ એવું જ છે. મહાત્મા ગાંધી પણ જે બકરીને પ્રમોટ કરવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે એ બકરી માત્ર લીલોતરી પર જીવે છે અને એટલે જ બકરીના દૂધમાં હિમોગ્લોબિનનું પ્રમાણ સૌથી વધુ હોય છે. બકરીનું દૂધ ગાય અને ભેંસના દૂધની જેમ જ ઈઝી અવેલેબલ હોવા છતાં આ દૂધનો વપરાશ થતો નથી અને કાં તો વપરાશ કરવામાં સંકોચ થઈ રહ્યો છે. જોકે આ સંકોચ હવે છોડવો જોઈએ. જો પેટ્રોલ અને ડિઝલના ભાવવધારા સામે નવા ઓપ્શન શોધવામાં આવતા હોય તો ગાય-ભેંસના દૂધનો ઓપ્શન પણ એન-કેશ કરવામાં કશું ખોટું નથી.
જો આ દૂધનો ઉપયોગ શરૂ થાય તો...
જો પૃથ્વી પર રહેલાં બીજાં પ્રાણીઓના દૂધનો ઉપયોગ શરૂ થાય તો અત્યારે દૂધનો જે ભાવ છે એ અડધાથી પણ ઓછો થઈ જાય એ વાતમાં બેમત નથી. ૨૦૦૭માં થયેલી પ્રાણીઓની વસતી ગણતરી મુજબ, એકલા ભારતમાં બત્રીસ કરોડ ઊંટડી, બકરી, ભૂંડડી, ઘેટી, ગધેડી અને ઘોડી છે. આ બત્રીસ કરોડ માદાના દૂધનો જો હિસાબ કરવામાં આવે તો કહી શકાય કે આ પ્રાણીઓ એવરેજ દરરોજ ત્રણ લિટર એટલે કે દરરોજ છન્નું કરોડ લિટર દૂધ આપે છે. સામા છેડે ભારતની દૈનિક દૂધની જરૂરિયાત એકસો ચૌદ કરોડ લિટર દૂધની છે. સીધો હિસાબ છે કે જો અન્ય માદા પ્રાણીઓનું દૂધ માર્કેટમાં આવે અને ગવર્ન્મેન્ટ એ દૂધનું માર્કેટ બનાવે તો દૂધની જે અછત માર્કેટમાં છે એ સરળતાથી હલ થઈ જાય છે. અત્યારે ઈટાલી, સિયાચીન, ઈથોપિયા, મિડલ-ઈસ્ટ જેવા દેશોમાં તો ગાય અને ભેંસના દૂધ સિવાયનાં દૂધ વપરાશમાં આવી ગયાં છે. મિડલ-ઈસ્ટના દેશોમાં તો ઊંટડીના દૂધનું ઓફિશ્યિલ માર્કેટ છે. જાણીને નવાઈ લાગશે કે દૂબઈમાં ઊંટડીના દૂધનો ભાવ ગાય અને ભેંસના દૂધ કરતાં વધારે છે.

No comments:

Post a Comment