તરસ વણછીપી રહે તે એક કમજોરી છે. ઉપાય છે મનને સમૃદ્ધ કરવાનો તો તરસ આપોઆપ છીપશેપાણીનો પ્યાલો નજર સમક્ષ હોય, પાણી પીવાય અને તૃપ્તિ ના મટે તો? પરીનો પ્રશ્ન હતો ઃ પ્રેમ અને પરી એકબીજા માટે સઘળું ન્યોછાવર કરી દેતા અને છતાં પ્રેમની તરસ રહી જતી. પરીની તે જાણ બહાર નહોતું. કહેતી ઃ પ્રેમ માટે રસના કૂંડા ઠાલવો તોય એની તરસ વણછીપી રહે. તે મજાક કરી શકતી અને પતિ પ્રેમ તેમાં જોડાઇ શકતો અને કહેતો ઃ મારી તરસ છીપે જ નહીં તો- શું કરું?
પ્રેમનાં જીવનમાં કશું ખૂટતું નહોતું. બઘું સંપૂર્ણ- છલોછલ અને છતાં તરસ તેનાં કેન્દ્રમાં જીવતી હતી. તેને કશું સમજાતું નહોતું. પરી જેવી સુશિક્ષિત પ્રેમાળ પત્ની અને હૃદયના બંધ છોડે તો કશું બાકી રાખતી નહીં. છતાં પતિ તો તરસ્યો ને તરસ્યો!! હા, પ્રેમને પરી સામે કોઇ ફરિયાદ નહોતી. ફરિયાદ હોય તો પોતાના માટે રહેતી. એવો પોતે કેવો કે એની તરસ છીપે જ નહીં. કહેતો ઃ તરસ એની આસપાસ અજગરની જેમ વીંટાતી જાય છે, ભીંસ દે છે. અને પોતે કાંઇ જ નથી કરી શકતો. બધો ખેલ જુએ છે. એક હેન્ડસમ માણસ, જેને માટે પરીને કોઇ ફરિયાદ નથી- નહોતી. પોતે પૂરા દિલથી એના મય બની જતી પણ સામે ખરેખરો કોઇ રીસ્પોન્સ જ નહીં. જોકે તે માટે પણ પરીએ કદી પ્રેમને મહેણાં નથી માર્યાં. તે એની સાથે રહેવા સતત મથામણ કરતી રહી છે પણ પ્રેમની તરસ છીપાવી શકી નથી.
તરસ ન છીપે તો એ પ્રશ્ન માત્ર એકલા પ્રેમનો નથી, અનેકોનો છે. પુરુષ જ તરસ્યો રહે છે તેમ નથી, સ્ત્રી પણ તરસી રહેતી હોય છે પણ તે તરસનું રૂપાંતર કરે છે. કુટુંબમાં, બાળકોમાં ખોવાઇ જાય છે અને તરસ છીપાવે છે. પુરુષ, નહીં સ્ત્રીમાં, નહીં કુટુંબમાં, ખોવાઇ શકતો નથી. હકીકતે ખોવાવાની શક્તિ તે ગુમાવી બેઠો છે. ઓશો રજનીશ યથાર્થ કહે છે ઃ ખોવાઇ જવું કશેક- કશાકમાં એટલે પામવું. તરસ છીપાવવાનો આ એક ઉમદા માર્ગ છે પણ ખોવાઇ શકાય તો ને? કેટલીક સ્ત્રીઓએ પતિ સિવાય અન્યમાં ખોવાઇ જવાની કલા હસ્તગત કરી લીધી છે એટલે કુટુંબ કે બાળકોનો પ્રેમ પામી શકી છે. તો બહુ ઓછા પુરુષો ખોવાઇ શકે છે. ઘણુંખરું નથી ખોવાઇ શકતા- નહીં પત્નીમાં, નહીં બાળકોમાં કે નહીં કુટુંબમાં. એટલે તો કોરા રહી જાય છે. આમ તેમની તરસ માત્ર સ્ત્રી પૂરતી જ નહીં, વ્યાપકપણે છીપતી નથી. તેમની ધન લાલસા પણ જબરી હોય છે અને લાંબા જીવનની લાલસા પણ! કશી વાતે તેઓ ધરાતા નથી, તૃપ્તિ તેમનાથી દૂર ભાગે છે.
ચંિતકો કહે છે કે જીવનમાં પ્રેમ ઓછો નથી હોતો, માત્ર આપણી અપેક્ષાઓ વઘુ હોય છે. જેટલી અપેક્ષા વઘુ એટલી તરસ વઘુ. બીજું, તરસ એ તનનો વિષય નથી, મનનો વિષય છે. મન તૃપ્ત થાય તો આસાનીથી તન તૃપ્તિ પામે. હકીકતે, તરસ છીપતી નથી એનું કારણ માનસિક વઘુ હોય છે. મન નબળું હોય, હૃદય નબળું હોય તો સો ટકા તરસ જ છીપે. શરીર માત્ર સમર્થ નથી કે તરસ છીપાવાય.
શેખાદમ આબુવાલા કહેતા ઃ તરસ એ મીઠો રોગ છે. એનો ઉપાય હાથવેંતમાં છે અને નથી. નથી એટલા માટે કે મનની નગરીમાં અનેક પ્રશ્નોની હારમાળા ઊભી થાય છે, જેનો કોઇ અણસાર નથી હોતો કે નથી એનો કોઇ વરતારો. મન તોફાની છે- નાના બાળક જેવું. તોફાને ચઢે તો મન કોઇનું ન માને. અને મનની તરસ વધી જાય. વિશેષજ્ઞો કહે છે કે તોફાને ચઢ્યા તરસ્યા બાળકને સમજાય કે પ્રેમનો સાગર તો અમૃત છે- મનના ધમપછાડા અટકે તો. મન સ્થિર થાય, શાંત બને તો સામે પ્રેમનો સાગર ખડો છે અને તરસની તાકાત છે કે વણછીપી રહે.
તરસ વણછીપી રહે તે એક કમજોરી છે, કમજોર માનવીનાં મનનું પ્રતીક છે. ઉપાય છે મનને સમૃદ્ધ કરવાનો તો તરસ આપોઆપ છીપશે. સંજોગોવશાત્ કોઇને ચાલવાનું વિદેશની ધરતી પર હોય અને હૃદય સ્વદેશમાં ધૂમતું રહે તો- તો તરસ કેવી રીતે છીપે? પ્રેમને સમજાતું જાય છે મનોબળ વધે તો તરસની સમસ્યા ન રહે. પરી તેની ગુરુ બની છે- મનના શિક્ષણ માટે. પ્રેમની તરસ છીપવાના સો ટકા ચાન્સીસ ખડા થયા છે!! વિચારકો કહે છે કે જેમાં-તેમાં એકરસ બનો. ઊંડા ઊતરો તો તરસ આપોઆપ છીપી શકે!! યાદ રહે, પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો!!
No comments:
Post a Comment