રક્ષાબંધનમાં રાખડી ભલે ભાઈના કાંડે શોભવાની હોય,પરંતુ દસ દુકાન ફરી ફરીને સરસ મજાની રાખડીની પસંદગી તો બહેને જ કરવાનીને?! ભલે લડીએ કે ઝઘડીએ પણ ભાઈને રાખડી તો આલાગ્રાન્ડ જ બાંધવાની હોય. રક્ષાબંધન નજીકમાં છે એટલે બહેનોની રાખડીઓ ખરીદવાની કવાયત શરૂ થઈ જ ગઈ હશે. આ વખતે નાના ક્યૂટ ગોટાથી માંડીને સોના - ચાંદીની રાખડીથી માંડીને ઇકો ફ્રેન્ડલી રાખડીની સાથે સાથે કાર્ડસ ને ગિફ્ટ કંપની દ્વારા બહાર પાડેલી થોડી ફન્કી રાખડીઓ અને આકર્ષક કાર્ડ સાથેના લખાણની રાખડીઓનો એવો ખજાનો છે કે એ વિવિધતા જોઇને તમે જરૂર મૂંઝાવાના કે ભૈયાને કેવી રાખડી બાંધશો?
ભાભી માટે સ્પેશિયલ રાજસ્થાની લુમ્બા રાખડી મળે છે જે બંગડીમાં કે બ્રેસલેટમાં બાંધવામાં આવે છે. લુમ્બા જરી, ગોટા, તાર, મીનાની મદદથી લટકણની જેમ તૈયાર કરાયા હોય છે જે સાડી કે ડ્રેસ સાથે ખૂબ સરસ લાગે છે.
રક્ષાબંધન નજીક આવતા બજાર અવનવી રાખડીઓથી છલકાવા લાગ્યું છે. જે સફેદ નાના ગોટા તથા રંગબેરંગી ગોટા પહેલાં બે કે પાંચ રૂપિયાની કિંમતમાં મળતા તેનો બરાબર મેકઓવર થઈ ગયો છે.હવે તો સ્ટાઇલિશ રાખડીની સાથે સાથે સોના, ચાંદી ને પ્લેટિનમ રાખડીની ડિઝાઇન્સ પણ મળવા લાગી છે. રાખડીમાં આ વખતે પણ પાન, સોપારી, ગણપતિ, સ્વસ્તિક, લક્ષ્મીજી, અક્ષત કંકુનાં માંગલિક ચિહ્નો ધરાવતી રાખડી તો જોવા મળશે જ સાથે સાથે મોરપીંછ, ગોલ્ડન સિલ્વર ઘૂઘરી, તાર, મોતી, રેશમી દોરાની રાખડીઓ મળવા લાગી છે તે ઉપરાંત આ વખતે લાલ,પીળા, લીલા જેવા રેશમી દોરાની સાથે સાથે પેસ્ટલ કલર્સનો ઉપયોગ પણ રાખડીઓમાં વધ્યો છે.
રાખડીમાં સૌથી વધુ ઉપાડ રહેતો હોય તો બાળકોની રાખડીઓનો. આ વખતે બાળકોના ગમતા હનુમાન,ગણપતિ, ક્રિષ્ના તો છે જ સાથે સાથે પોકેમોન, હેરી પોટર, રોબોટ જેવા કેરેક્ટરના ફેસ કટઆઉટની રાખડી જોવા મળે છે તો મિકી માઉસ જેવું કાર્ટૂન કેરેક્ટર, મોબાઇલના મિનીએચર, બટરફ્લાય, ટેડીબેર, બાર્બીના કેરેક્ટરવાળી રાખડીઓ પણ મળશે. જેની કિંમત રૂપિયા ૨૫થી લઇને ૫૫ સુધીની છે. સાથે સાથે નાનાં બાળકોને ગમે એવી લાઇટવાળી રાખડી મળે છે જે બેટરીથી ચાલતી હોય છે.
આ વખતે ડિઝાઇનર રાખડીઓ પણ એકદમ ઇન ટ્રેન્ડ છે જેમાં મીના,ટીકી,ડાયમંડ્સનો ઉપયોગ કરીને રાખડીને સરસ રીતે ડિઝાઇન કરવામાં આવી હોય, મોટા ભાગે રાખડી ગોળ આકારમાં જ મળતી. તેને બદલે આ વખતે ચોરસ, ત્રિકોણ, પાન શેઇપ, કેરીના શેઇપમાં એવા વિવિધ શેઇપમાં રાખડીઓ મળશે. જેની કિંમત ૩૫ રૂપિયાથી માંડીને ૧૫૦ રૂપિયા સુધીની હોય છે.સોના,ચાંદી અને પ્લેટિનમની રાખડીઓની ડિઝાઇનમાં પણ ઘણી વિવિધતા જોવા મળી રહી છે.
પરંપરાગત ડિઝાઇનની સાથે સાથે કાર્ડસ અને ગિફ્ટની વિવિધ બ્રાન્ડે ખાસ રાખીકાર્ડસ તૈયાર કર્યાં છે. ભાઈ-બહેન યંગ હોય અને તેમને થોડી અલગ રીતે રક્ષાબંધન ઊજવવી હોય તો સ્ટાઇલ પણ અલગ જ જોઈએને, આવા ટ્રેન્ડી યંગસ્ટર્સ માટે ખાસ ફ્રેન્ડશિપ બેલ્ટ પ્રકારની રાખડી તૈયાર કરવામાં આવી છે.
કાર્ડમાં આકર્ષક રીતે લખવામાં આવેલી રક્ષાબંધનની શુભેચ્છા અને રાખડી તમારા તહેવારની મજાને તથા ભાઈ-બહેનના સંબંધને તરોતાજા કરી દેશે એની ગેરંટી!
* બહેનો ભાઇને રાખી વિસીઝના કાર્ડની સાથે જ એટેચ કરેલી રાખડી મોકલી શકે છે
* ઇકો ફ્રેન્ડલી રાખડી પણ એકદમ નવતર ટ્રેન્ડ છે.
* છોકરાઓના હાથમાં શોભે તે પ્રકારની રાખડી ભાઈને બાંધશો તો તેનું કાંડું ભીડમાં પણ અલગ
તરી આવવાનું.
* ડ્રાય ફ્લાવર, સાચાં મોતી કે ડાયમંડને સરસ રીતે સેટ કરીને બનાવેલી રાખડીઓ મન મોહી લેશે.
No comments:
Post a Comment