Friday, 26 August 2011

બ્યૂટીને ઝાંખી પાડતા બ્યુટી સ્પોટ્સ



આ ઉંમરે પિગમેન્ટેશન(ત્વચા પર થતા તલ જેવા ડાઘા) જોવા મળતા હોય છે. આવું ઘણાંબધાં કારણોને લીધે બને છે. કેટલાંક કિસ્સાઓમાં છાશનો ઉપયોગ મદદરૂપ થઈ શકે છે. આ ઉપરાંત ડાઘ-ધબ્બા છુપાવવા માટે કન્સિલર અથવા તો અન્ય કોઈ મેકઅપ સ્ટિકનો ઉપયોગ કરી શકો છો. દરરોજ રાત્રે જ્યાં ડાઘા પડયા હોય તેટલાં ભાગમાં વિટામિન ઈ ઓઈલથી મસાજ કરવાનું રાખો. ૩૦ પ્લસ એસપીએફ ધરાવતું સનસ્ક્રીન લોશન પણ રોજ લગાવવું જોઈએ જેથી તમારી ત્વચા ફરીથી ટેન ન થાય.
પ્રશ્ન : મારા વાળ ભૂખરાં છે. મારે મેંદી લગાવવી જોઈએ કે વાળમાં કલર કરવો જોઈએ?
ભૂખરાં વાળની સમસ્યા હંમેશાંથી સતાવતી હોય છે. મેંદી કે કલર બેમાંથી શું વાપરવું જોઈએ એ ઘણો મોટો પ્રશ્ન છે. જો તમારા વાળ દસ ટકા જેટલા જ ભૂખરાં હોય તો તમે મેંદી કરી શકો છો પણ હંમેશાં એક વાત ધ્યાનમાં રાખજો કે મેંદીના કારણે વાળ સૂકા બની જાય છે અને જો ભૂખરાં વાળની ટકાવારી વધુ હોય તો કોઈ પ્રતિષ્ઠિત કંપનીના હેર કલરને વિકલ્પ તરીકે પસંદ કરી શકો છો. આ સ્તરે વાળને સારા પ્રમાણમાં પોષણયુક્ત રાખો. મેંદી કદાચ તમારા વાળને વધુ સૂકાં બનાવશે અને તેના કારણે વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવાનો વારો આવી શકે છે.
પ્રશ્ન : મારાં શરીરની ત્વચા અને ચહેરો ખૂબ ખરબચડાં છે, હું શું કરું?
અન્ય અંગોની જેમ જ ત્વચા પણ કાળજી માંગી લે છે. નહાતી વખતે સાબુનો ઉપયોગ કરવાનું ટાળો. તેના બદલે બદામને સારી રીતે વાટીને તૈયાર કરવામાં આવેલા પાવડરમાં ગુલાબજળનાં થોડાં ટીપાં ઉમેરીને મિશ્રણ બનાવો અને તેનો ઉપયોગ કરવાનું રાખો. આ મિશ્રણ આખા શરીર પર લગાવી શકો છો. સ્નાન કર્યા બાદ સૂકી ત્વચા માટેના મોઇશ્ચરાઈઝરને વાપરી શકો. ત્વચાની લવચીકતા જાળવી રાખવા માટે વર્ષ દરમિયાન હાથ અને આખા શરીર પર લોશન લગાવવું જ જોઈએ. રાત્રે ચહેરો ધોયા બાદ બેબી ઓઈલથી મસાજ કરી શકો છો. અથવા તમે એન્ટિ એજિંગ સિરમ કે નાઈટ ક્રીમ પણ લગાવી શકો છો. દર ત્રણ અઠવાડિયે નિયમિત રીતે એક વાર ફેસિયલ કરાવવાનું રાખો. તે યોગ્ય રીતે કરવામાં આવે તેની કાળજી રાખો નહિતર ત્વચામાં સુધારો આવવાને બદલે તે વધુ નુકસાન પામશે.
પ્રશ્ન : મારે મેનોપોઝ આવી ગયું છે હવે મારી ત્વચા જુદી દેખાશે? હું ગમે તેટલા રૂપિયા ખર્ચવા તૈયાર છું પરંતુ મારે યુવાન દેખાવવું છે. હું શું કરું?
મેનોપોઝ બાદ ઈસ્ટ્રોજન લેવલ ઘટી જાય છે, તેથી ત્વચા તેની નૈર્સિગકતા ગુમાવી બેસે છે અને ત્વચા સૂકી, જાડી અને કરચલીઓવાળી બની જાય છે. તેથી ભરપૂર પ્રમાણમાં પાણી પીવાનું રાખો. એક વાસ્તવિકતા જેનો દરેકે સામનો કરવાનો વારો આવતો જ હોય છે એ એ છે કે તમે વયવૃદ્ધિની ગતિને ધીમી પાડી શકો પરંતુ તેને અટકાવી શકો નહીં. તેથી તમે જ્યારે જીવનચક્રના આ તબક્કામાં પ્રવેશો છો ત્યારે યુવાનીને ઝંખો છે અને તે મેળવવા માટે તમે ઘણી બધી કિંમત ચૂકવો છો. જેને કારણે પરિસ્થિતિ વધુ વણસી જાય છે. તમે ફરી સોળ વર્ષના નહીં દેખાઈ શકો તેથી વૃદ્ધત્વને માણો એ જ યુવાન રહેવાની ચાવી છે. તેથી જીવનના પાછલા તબક્કામાં પ્રવેશો અને જીવનચક્રને માણો.
ટિપ્સ
ક્લીન્ઝર વાપરવાની રીતઃ ક્લીન્ઝર લો, કોટનનો એક ટુકડો લો તેને તેમાં બોળો, ત્વચાને હળવેકથી ઉપરની તરફ અને બહારની તરફ ત્વચા ખેંચાય નહીં એ રીતે સાફ કરો. હવે ચહેરા પર હળવેથી મસાજ કરો, ફરીથી એક કોટનનો ટુકડો લો અને તેને પાણીવાળો કરો અને ચહેરાને અગાઉ જ જણાવેલી દિશામાં સાફ કરો. ચહેરા પર પાણીની છાલક નાંખો અને તેને લૂછી નાખો.

No comments:

Post a Comment