આજનાં બાળકો એ આવતી કાલનું ભવિષ્ય છે. પરંતુ વ્યસ્ત જીવનશૈલી અને અયોગ્ય ખાન-પાનને કારણે આ ભવિષ્ય જોખમાઈ રહ્યું છે. મોટી ઉંમરના લોકો તો ઠીક, પરંતુ નાનાં બાળકોમાં પણ હવે મેદસ્વિતા જોવા મળે છે. મેદસ્વિતા કે સ્થૂળતાને કારણે બાળકો હૃદયની બીમારી, બ્લડપ્રેશર તથા તણાવ વગેરે જેવી બીમારીઓનાં શિકાર બની રહ્યાં છે. બાળકોને સ્થૂળતાથી બચાવવા માટે યોગ, વ્યાયામ અને આહાર જ કારગર ઉપાય સાબિત થઈ શકે છે.
સ્થૂળતા રોકવાના ઉપાય
* બાળકને સવારના સમયે ભરપૂર નાસ્તો આપો. આ નાસ્તામાં પ્રોટીન જરૂર હોવું જોઈએ. એક ગ્લાસ દૂધ અથવા ફળોના જ્યૂસ, ચીઝ, પનીર અથવા કોર્નફ્લેક્સ આપો.
* મીઠી વસ્તુઓ જેમ કે ચોકલેટ, કેક, પેસ્ટ્રી અને ઠંડાં પીણાં ન આપો.
* બાળકોને સલાડ, કાચાં શાક અને ફળ આપો કે જેથી તેમને નાનપણથી જ આ બધી વસ્તુઓ ખાવાની સારી ટેવ પડે.
* બાળકોને ગળ્યું ખાવાનું મન હોય અથવા ગળ્યું ગમતું હોય તો ફળોને કાપી તેમાં થોડો કસ્ટર્ડ નાખીને આપો. આઈસક્રીમ, મીઠાઈ, ચોકલેટ ન આપશો.
* હૃદયરોગ વિશેષજ્ઞોનું માનવું છે કે, સામાન્યથી વધુ વજનવાળાં બાળકોમાં હૃદય પર હુમલો થવાની શક્યતા મોટી ઉંમરવાળા લોકોની જેમ જ હોય છે. બાળપણમાં બાળકોના વધતા વજનને વણદેખ્યું કરી દેવાય તો ૬૫ વર્ષની ઉંમર પહેલાં જ હૃદયાઘાત અથવા સ્ટ્રોક પડે જ છે. મધુપ્રમેહ (ડાયાબિટીસ)પણ વધી જાય છે.
* પ્રમાણસર ભોજન સ્થૂળતા ઘટાડશે એક અભ્યાસ મુજબ જાડી વ્યક્તિ કસરતથી પાતળી બની શકતી નથી, પણ તેમણે પ્રમાણસર ડાયટ લેવો જોઈએ કે જેથી સ્થૂળતા ઘટી શકે. વ્યાયામથી વજન ઓછું થવામાં મદદ મળે છે, પણ જાડાં બાળકોમાં માત્ર વ્યાયામ કરવાથી કોઈ ફાયદો થતો નથી.
* જાડાં બાળકો પોતાના વજનને કારણે આળસુ હોય છે. તેથી માતા-પિતાએ બાળકોને વ્યાયામ કરાવવાને બદલે ન્યૂટ્રિશન્સ ખાવાનું આપવું જોઈએ. તેનાથી તેમના ભોજનમાં કેલરી ઓછી થાય છે અને વજન ઘટે છે. જાડાં બાળકો બહુ જલદી હાંફી જાય છે તેથી તેઓ કસરત કરી શકતાં નથી તથા તેઓ હંમેશાં કસરતથી બચવાનો પ્રયત્ન કરે છે. તેથી જરૂરી છે કે ફેટ ઓછું કરવા કસરતને બદલે બીજા કારગર સહેલા ઉપાય અપનાવવા જોઈએ. બાળકોને જંકફૂડની ટેવ ન પડે તેનું જરૂર ધ્યાન રાખવું જોઈએ.
* બાળકો પોપકોર્ન (ધાણી) ખાતા હોય તો ખાવા દો, કારણ કે તેમાં રેસાં અને એન્ટિ ઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. જો કે તેમાં કેલરીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.
* વજન ઓછું કરવાનો સૌથી સરળ ઉપાય છે કે, ખાવામાં આખા અનાજવાળી વસ્તુઓ, સલાડ, ફળનો સમાવેશ કરો. આખાં અનાજ ૯૮ ટકા ફેટ ફ્રી હોય છે.
* બાળક ભારે વ્યાયામ ન કરી શકે તો હળવા વ્યાયામ કરાવો. જેમ કે નૃત્ય, નિસરણી ચડવી-ઊતરવી, ચાલવું, તરવું વગેરે.
* મીઠું ઓછું ખાઓ. ખાવામાં સ્વાદ વધારવા લીંબુનો રસ, આદુ, લસણ તથા ડુંગળીનો ઉપયોગ કરો.
* અથાણાં અને અન્ય ચીકાશવાળા તૈલીય ખાદ્યપદાર્થોનું સેવન ઓછું કરો. ઘરમાં બનેલા ખાદ્યપદાર્થોને મહત્ત્વ આપો. પોતાના ભોજનમાં શેકેલી વસ્તુઓ જેમ કે ચણા, મમરાને સ્થાન આપો.
* ફળોનો ઉપયોગ કરો. યોગ્ય સમયે ભોજન કરો અને હંમેશાં ભૂખ કરતાં ઓછું ખાઓ.
* દરરોજ ૧૫-૩૦ મિનિટ નિયમિત વ્યાયામ કરો.
* તુલસીનાં ચાર પાન દરરોજ ચાવીને ખાવા જોઈએ.
ઉપયોગી યોગાસન
નિયમિત યોગાસન કરવાથી પણ સ્થૂળતા ઘટે છે. યોગ્ય ભોજન સાથે યોગાસનોનો અભ્યાસ કરવાથી પણ સ્થૂળતા ચોક્કસ ઘટે છે.
પશ્ચિમોત્તાસન, ભુજંગાસન, ધનુરાસન વગેરે કરવાથી સ્થૂળતા પર કાબૂ મેળવી શકાય છે, કારણ કે આ આસનો કરવાથી માંસપેશીઓ પર ખેંચાણ પડે છે. સ્થૂળતાનું મુખ્ય કારણ વધુ ભોજન છે. શરીરને જેટલી ઊર્જા જોઈએ તેનાથી વધુ કેલરી લેવી નહીં. આ ઉપરાંત દ્વિચક્રાસન, પાદવૃત્તાસન, અર્ધ હલાસનનો અભ્યાસ કરવાથી પણ સ્થૂળતા ઘટે છે. કપાલભાતિ પ્રાણાયામ કરવાથી પણ સ્થૂળતા ઓછી થાય છે અને ૫થી ૧૦ મિનિટ કરવાથી પૂરતો લાભ થાય છે. નાડીશોધન પ્રાણાયામ પણ કરો. તેના નિયમિત અભ્યાસથી સ્થૂળતા ઘટે છે અને શરીરનું સ્વાસ્થ્ય વધે છે.
No comments:
Post a Comment