Friday, 26 August 2011

સ્વાસ્થ્ય.... છુપાયું ઘરેણાંમાં




કહેવાય છે કે, આભૂષણોમાં નારીનો પ્રાણ વસે છે. કેમ ન વસે ? આભૂષણ જ તો તેના નારીત્વ, ગરિમા, સુકોમળતા, સૌંદર્ય અને મોહકતાનો અહેસાસ અપાવે છે
શૃંગાર નારીનું આભૂષણ છે. આદિકાળથી જ નારી વિભિન્ન પ્રકારની વસ્તુઓને આભૂષણ તરીકે ઉપયોગમાં લેતી આવી છે.
આભૂષણ કરે ધ્યાનાકર્ષણ : હાથમાં કંગન, માથા પર નાની સરખી નથનું ઝગમગતું રૂપ, કાનની વાળી, ગળાનો હાર, પાયલની છળછળ, નિરાળા બાજૂબંધ અને બીજુંય ઘણું બધું... જ્યારે આટલા બધાં ઘરેણાંને પહેરીને રૂપસી સામે આવે છે તો સ્વાભાવિક રીતે જ ધ્યાનાકર્ષણનું કેન્દ્ર બની જ જાય છે. કોઈ તેના કાનની લટકણના મોતી પર ફિદા થાય છે તો કોઈ નથણી પર જ જાન લૂંટાવા તૈયાર થઈ જાય છે. આપણા મહાકાવ્યોમાં અને જ્યોતિષ વગેરે ગ્રંથોમાં પણ ઘરેણાં દ્વારા કરાતાં શૃંગાર વિશે સવિસ્તાર ચર્ચા કરાઈ છે. સુંદરીઓ ફૂલ, હાડકાં, સોના-ચાંદી, હીરા, તાંબું, લોઢું અને અનેક પ્રકારની ચીજવસ્તુઓથી બનેલા ઘરેણાંથી પોતાના તનને સજાવતી આવી છે.
સૌંદર્ય અને સ્વાસ્થ્ય : સાંભળીને ચોંકી ગયા ને ! ભલા આભૂષણોના લેખમાં સ્વાસ્થ્યની ચર્ચા ક્યાંથી આવી ગઈ ! ખરેખર પ્રારંભથી જ ઘરેણાં કેવળ સૌંદર્ય વૃદ્ધિ કે વિલાસિતાનું પ્રતીક નહોતું, બલકે કંઈક વૈજ્ઞાનિક આધાર પણ હતો. એનું સ્ત્રીઓના સ્વાસ્થ્ય સાથે ગાઢ સંબંધ હતો.
આપણા પૂર્વજોએ કંઈક વિચારીને જ માથા પર ટીકો, કાનમાં ઝૂમખાં, આંગળીમાં વીંટી, ગળામાં હંસલી અને બાજૂબંધ વગેરે પહેરવાના નિયમ બનાવ્યા હતા. સ્ત્રીઓ માથાથી પગ સુધી આભૂષણોથી લદાયેલી રહેતી હતી. તે સમયે તે તેમને ભારરૂપ લાગતા નહોતાં. ધીરે ધીરે આપણે આ આભૂષણોનો વૈજ્ઞાનિક આધાર-ઉદ્દેશ્ય ભૂલી બેઠાં અને તેને ઓલ્ડ ફેશન કરાર આપી દીધો.
ઘરેણાં અને એક્યુપ્રેશર : જ્યારે કોઈ પણ ઘરેણું શરીરના કોઈ અંગ પર પહેરવામાં આવે છે, તો તે અંગને સ્પર્શ કરે છે. ઊઠતાં-બેસતાં, સૂતાં-કામ કરતાં તે ઘરેણાંને કારણે અંગ પર હળવો દબાવ પડે છે, જેથી તે ભાગના પ્રેશર પોઈન્ટ જાગૃત બને છે, જેથી પહેરનારને એક્યુપ્રેશરનો લાભ મળે છે. એક્યુપ્રેશરમાં તે અંગો પર દબાવ પડવાથી અનેક રોગોમાંથી છૂટકારો મળે છે અને શરીર સ્વસ્થ રહે છે.
ધાતુ અને રત્નોની અસર : સ્વાસ્થ્ય વૈજ્ઞાનિકોએ પણ ઘરેણાંના પ્રાચીન વૈજ્ઞાનિક આધારને માન્યતા આપી છે. તેઓ પણ માનવા લાગ્યા છે કે, ઘરેણાં પહેરવાથી અનેક રોગોમાંથી બચાવ થવાની સાથોસાથ સ્વાસ્થ્ય પર પણ સારી અસર પડે છે. તેમણે પ્રમાણિત કર્યું છે કે, ઘરેણાંમાં જડેલાં રત્ન અને જે ધાતુના ઘરેણાં બન્યાં હોય, તે બંને પોતપોતાની રીતે સ્વાસ્થ્યને અસર કરે છે. એ ઉપરાંત ઘરેણાંની ધાતુ પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. ઘરેણાં બનાવવા માટે લોખંડ, તાંબું, પિત્તળ, સોના અને ચાંદી તથા અન્ય મિશ્રિત ધાતુઓ ઉપયોગમાં લેવાય છે. ધાતુઓ વિદ્યુતની સુચાલક હોય છે. ધાતુઓમાંથી બનેલા આભૂષણ વાયુમંડળમાં ઉપસ્થિત વિદ્યુતશક્તિને આપણા શરીર સુધી પહોંચાડતાં રહે છે.
આભૂષણ રાખે રોગોથી દૂર :
આભૂષણ કેટલાય પ્રકારના રોગોથી બચાવે છે. આવો જાણીએ :
માથાનો ટીકો
માથા પર ટીકો પહેરવાથી સુંદરતા વધવાની સાથોસાથ મસ્તિષ્કના વિકાર પણ દૂર થાય છે.
નાકની નથ
નથને સુહાગની નિશાની કહે છે. એ કેટલાય પ્રકારના આકારમાં મળે છે. નથ પહેરવાથી નાકના રોગો જેવાં કે સળેખમ વગેરેમાં રાહત મળે છે. જો સોનાનો રવો પહેરવામાં આવે તો નાક સાથે જોડાયેલા રોગોમાંથી બચાવ ઉપરાંત સૂંઘવાની શક્તિ પણ વધે છે, આપણે નાકથી જ શ્વાસ લઈએ છીએ. લવિંગ પહેરવાથી ફેફસાંમાં જનારો વાયુ પણ શુદ્ધ બને છે.
કાનના કુંડળ-ઝૂમખાં, ટોપ્સ-વાળી
કાનમાં તો સ્ત્રીઓ અને પુરુષો બંને ઘરેણાં પહેરતાં હતાં. પુરુષ કાનમાં નાની વાળી પહેરતા હતા, જેને મુરકી કહેવાતી હતી. ખરેખર કાનની નસોનો સીધો સંબંધ  ઈ.એન.ટી. અર્થાત્ કાન, નાક અને ગળા સાથે હોય છે. કાનમાં વૈજ્ઞાનિક રીતે છિદ્ર કરાવવામાં આવે તો તે નાડીછેદન, કાન, નાક, ગળું અને જીભના રોગોથી બચાવે છે.
ગળાનો હાર-ચેન-હંસલી- માળા-મંગળસૂત્ર
ગળાના આભૂષણ પહેરવાથી નેત્ર જ્યોતિ ક્ષીણ થતી નથી. માળા, હાર અને સોનાનું મંગળસૂત્ર પહેરવાથી પણ આંખોની રોશની તેજ બને છે અને પગના તળિયામાં થનારો દુખાવો ઓછો થાય છે. કદાચ, ગળાની કેટલીક નસોનો સંબંધ તળિયા સુધી હશે. એ ઉપરાંત અવાજ મધુર બને છે, ગળામાં ખરાશ વગેરે થતું નથી. ગળાની સાથોસાથ પાછળથી કરોડનું હાડકું આરંભ થાય છે. હાર વગેરે પહેરવાથી કરોડના હાડકાંના રોગોનો ભય પણ ઘટી જાય છે.
હાથના બાજૂબંધ
બાજૂબંધ અર્થાત્ આર્મલેટ હાથના સૌષ્ઠવ અને સૌંદર્યને ઉભાર આપતાં આવ્યા છે. એને પહેરવાથી ખભો, ફેફસાં અને હૃદય સ્વસ્થ રહે છે. જો બાજૂબંધ સોનાના હોય તો તેને પહેરવાથી મસ્તિષ્ક શાંત રહે છે અને રક્તસંચાર સામાન્ય બને છે.
હાથની ચૂડી-કંગન
હાથમાં પહેરાતી ચૂડીઓ અને કંગન પોતાની મધુર છનછનથી સૌનું દિલ જીતવાની સાથોસાથ સ્વાસ્થ્યની પણ સંભાળ રાખે છે. વિશેષજ્ઞાોએ પ્રમાણિત કર્યું છે કે, એને પહેરવાથી દાંતદર્દ, લકવો, અનિદ્રા અને હૃદયરોગથી બચાવ થાય છે. શંખમાંથી બનેલી ચૂડીઓ પહેરવાથી શરીરમાં કેલ્શિયમની ઊણપ પૂરી થાય છે. લોઢાની ચૂડી કે કડું પહેરવાથી ઉન્માદ ઘટે છે. તાંબાનું કડું પહેરવાથી ગઠિયાના રોગથી બચાવ થાય છે.
આંગળીની વીંટી
વીંટી પહેરવાથી હાથ-પગની ધ્રુજારી શાંત થાય છે.  દમ અને તાવમાં આરામ મળે છે. એમ તો પ્રત્યેક આંગળીમાં પણ વીંટી પહેરવાનું મહત્ત્વ છે. આપની રિંગ ફિંગર અર્થાત્ અનામિકા આંગળીનો સીધો સંબંધ હૃદય સાથે હોય છે. દિલ સાથે એનો નાતો જોડાયેલો છે, એટલા માટે પ્રિયની વીંટી આ આંગળીમાં પહેરાય છે. સગાઈની વીંટી પણ આ આંગળીમાં પહેરવાનો રિવાજ છે, જેને સ્ત્રીઓ સમગ્ર જિંદગી દરમિયાન પહેરી રાખવાનું પસંદ કરે છે.
આ આંગળીમાં વીંટી પહેરવાથી  ફેફસાં સ્વસ્થ રહે છે તથા પાચનતંત્ર પણ સુચારુ બની જાય છે.
નાની આંગળી અર્થાત્ કનિષ્ઠામાં વીંટી પહેરવાથી શરીરમાં ઊર્જા પેદા થાય છે, જે શરીરના બધાં જ કાર્યોને ચાલુ રાખવા માટે આવશ્યક છે. આ આંગળીમાં વીંટી પહેરવાથી કરોડનાં હાડકાં સ્વસ્થ રહે છે. મસ્તિષ્ક અને હૃદયરોગોમાં લાભ પહોંચે છે. મિડિલ ફિંગર અર્થાત્ મધ્યમામાં વીંટી પહેરવાથી સળેખમ દૂર થાય છે તથા ગળા અને હૃદયરોગોમાં ફાયદો થાય છે.
એનાથી નેત્રજ્યોતિ પણ વધે છે. વીંટી કોઈ પણ આંગળીમાં પહેરવામાં આવે, એનાથી આંગળીઓનું ઢીલાપણું દૂર થાય છે. ચાંદીના પાયજન (ઝાંઝર) પહેરવાથી કમરની નીચેના ભાગમાં થતા દુખાવામાં આરામ મળે છે તથા આંગળીઓના સાંધા મજબૂત બને છે. જો મસ્તિષ્કમાં વિકાર હોય તો લોઢાની વીંટી પહેરવાથી લાભ થાય છે. અસલી મોતી જડેલી વીંટી પહેરવાથી પણ શરીરને ઠંડક મળે છે અને મન શાંત રહે છે.
કમરનો કંદોરો
પ્રાચીન સંસ્કૃત અને હિન્દી સાહિત્યમાં આ આભૂષણનો ઘણો ઉલ્લેખ મળે છે. કિંકણી, કમરકસ અને ઘંટિકા વગેરે નામોથી ઓળખાતો કંદોરો પહેરવાથી કમરદર્દ થતું નથી. કમરનો ઘેરાવો પોતાના આકારમાં રહે છે. કરોડના હાડકાંના રોગોથી બચાવ થાય છે. ગર્ભાશય રોગો અને ર્હિનયા માટે લાભદાયક છે.
પગમાં
મહિલાઓ પગની આંગળીઓમાં વીંટી જેને બીછુઆ કે માછલી કહેવામાં આવે છે તે પહેરતી હોય છે. આજકાલ ચાંદી ઉપરાંત સોનાના બીછુઆ પણ ચલણમાં છે. કહેવાય છે કે, એનાથી માસિકધર્મ વખતે થનારા દર્દમાં રાહત રહે છે તથા મન શાંત રહે છે.
પગમાં પાયલ-ઝાંઝર
પગમાં પાયલ કે ઝાંઝર વગેરે આભૂષણ પહેરવાથી એડી અને ઘૂંટીઓમાં દુખાવો થતો નથી. જો પગની પીંડીઓમાં દુખાવો હોય તો તેને પણ આરામ મળે છે. સાયટિકાનું દર્દ ઘટે છે તથા કૂલાના નીચેના ભાગને ક્યારેય લકવો થતો નથી.
હવે તો તમે પણ જાણી ગયા હશો કે ઘરેણાં માત્ર સુંદરતા કે સ્ટેટ્સ સિમ્બોલ માટે જ નથી. એ વિભિન્ન રૂપોમાં આપની તંદુરસ્તીની રખેવાળી પણ કરે છે, તો સુંદર આભૂષણોથી આપનું તન સજાવો અર્થાત્ સુંદર દેખાઓ અને સ્વસ્થ રહો.

No comments:

Post a Comment