આયુર્વેદિય મત પ્રમાણે આહારમાં અતિ રુક્ષ, લઘુ, કડવા, તીખા, તુરા, ઠંડા-વાસી તથા તળેલા આહાર દ્રવ્યોના અતિ સેવનથી પાચન સંસ્થાનમાં વાયુનો પ્રકોપ થાય છે. ખાસ કરીને પકવાશયમાં જેનું ખાસ સ્થાન અને કાર્યક્ષેત્ર છે, એવા ‘અપાન’ વાયુનો વિશેષ પ્રકોપ થાય છે. આ પ્રકૃપિત થયેલો વાયુ પોતાના ચલ, રુક્ષ વગેરે ગુણોથી મળને સૂકવી નાખે છે, જેથી કબજિયાત ઉત્પન્ન થાય છે.
આધુનિકો કબજિયાતને અનેક રોગોમાં એક લક્ષણરૂપે ગણાવે છે. દુર્બળ વ્યક્તિ, જીર્ણ, ક્રોનિક વ્યાધિ, રક્તાલ્પતા, લીવર અને ફેફસાંના રોગો તથા આંતરડાંના રોગોમાં કબજિયાત એક લક્ષણરૂપે હોય છે, પરંતુ અહીં આપને કોઈ રોગના લીધે નહીં, પરંતુ સ્વભાવતઃ એક સ્વતંત્ર વ્યાધિરૂપે જ કબજિયાત છે. એટલે અહીં એ બાબતને ધ્યાનમાં રાખીને જ નિરુપણ કરું છું.
કબજિયાતવાળી વ્યક્તિને મળ પ્રવૃત્તિમાં પરિશ્રમ પડે છે. સખત કૃષ્ણ-કાળા રંગનો રુક્ષ અને ગાંઠોવાળો મળ ઊતરે છે. કોઈ કોઈ વખત મળની કઠિનતાને લીધે મળમાર્ગની ત્વચા છોલાવાથી સાધારણ રક્ત અને ચીકાશ-પરુ-આમ પણ પડે છે. પકવાશયમાં મળને વાયુ સૂકવી નાખે છે અને લાંબા સમયની કબજિયાતથી પીંડીઓનો દુખાવો, શિરઃશૂળ, અનિદ્રા, આફરો, અપચો, ગેસ, ઊબકા, ઊલટી, બગાસાં, હૃદયના ધબકારા વધી જવા વગેરે લક્ષણો ઉત્પન્ન થાય છે. શ્યામજીભાઈ, તમને કબજિયાત ઘણા સમયથી છે અને એ મટાડવા જે કાયમ રેચક દવાઓ લેવાની ટેવ પાડી છે, એ તમારે પ્રથમ છોડવી પડશે. એ ટેવ છોડયા વગર તો તમારી કબજિયાત મટશે જ નહીં.
આયુર્વેદમાં તો સ્પષ્ટ જ કહેવાયું છે કે, જે કારણોથી રોગ ઉત્પન્ન થયો હોય, તે કારણોનો તો સૌથી પ્રથમ ત્યાગ કરવો જોઈએ. અમુક કારણોને લીધે જ રોગ ઉત્પન્ન થાય છે. આ રોગ ઉત્પન્ન થવાની સમગ્ર પ્રક્રિયાને સંપ્રાપ્તિ કહેવામાં આવે છે.
જો આ રોગોત્પાદક પ્રક્રિયાનો જ ભંગ કરવામાં આવે તો રોગ અને રોગીને છૂટા પાડી શકાય.
આ ઉપરથી તમે સમજી ગયા હશો કે, કબજિયાત ઉત્પન્ન કરનાર કારણોથી જો દૂર રહેવામાં આવે તો કબજિયાત સ્વયં મટી જાય. ધારો કે, તમારો વ્યવસાય પરિશ્રમ વગરનો અને બેઠાડું છે, તો તમારે સવારે અને સાંજે અડધો કલાક ઝડપથી ચાલવું જોઈએ તથા તીખા, તળેલા, ઠંડા, રુક્ષ આહાર દ્રવ્યોનો ઉપયોગ કરતાં હોય તો તેના ઉપર કાબૂ મેળવવો જ જોઈએ.
કબજિયાત અને તેના ઉપચાર વિશે આપને વધારે ન જણાવતાં, કબજિયાત માટે આપને ઉપયોગી એક પ્રયોગ જણાવું છું. આ ઉપચારથી આપની કબજિયાત મટશે, દરરોજ સરળ મળ પ્રવૃત્તિ થવા લાગે, એટલે આ ઉપચાર પ્રયોગ ધીમે ધીમે બંધ કરવો.
ઉપચાર પ્રયોગ
ચારથી પાંચ ચમચી એટલે કે ૧૦થી ૧૫ ગ્રામ ગાયના ઘીમાં ૧૦થી ૧૨ ગ્રામ જેટલું સિંધાલૂણ મિશ્ર કરી રોજ રાત્રે સૂતી વખતે પીવું તથા ઉપરથી એક ગ્લાસ જેટલું ગરમ દૂધ પીવું. ઇઝી મળ પ્રવૃત્તિ થવા લાગે, એટલે આંતરે દિવસે પછી દર ત્રીજે દિવસે પછી અઠવાડિયામાં બે વાર ધીમે ધીમે કબજિયાત મટતી જાય તેમ ઉપચાર બંધ કરવો.
No comments:
Post a Comment