Friday, 26 August 2011

સારાનું સન્માન કરો, સારાને અનુસરો

જે ગુણ માનવીએ પાળેલાં જાનવરોમાં પણ વિકસાવ્યા હતા એ હવે એ પોતાનાં સંતાનોમાં પણ કદાચ વિકસાવી નહીં શકે અને કદાચ એ જ એનું મોટામાં મોટું દુર્ભાગ્ય હશે
આજ સુધી માણસ સારી વસ્તુને સારી માની રહ્યો છે. બૂરું કામ કરતી વખતે એ શરમ અને સંકોચ અનુભવી રહ્યો છે. પણ આજના ઝડપી અને યુઝ એન્ડ થ્રોના જમાનામાં માણસ પોતાનાં મૂલ્યો ગુમાવી રહ્યો છે. સારા ગુણોની પ્રતિષ્ઠા જાણે લુપ્ત થતી જાય છે અને ગુનાઓ છડેચોક થવા લાગ્યા છે, એટલું જ નહીં ટોચ ઉપર બેઠેલા માણસો ગુનો આચરતા આંચકો ન અનુભવતા હોય તેમ લાગે છે. ત્યારે એમ પણ લાગે કે ગુનાખોરીનું ગૌરવ થવા લાગ્યું છે.
આવી સ્થિતિ જો ચાલુ જ રહેશે તો હવે પછીની પેઢી વિશે વિચાર કરવાની જરૂર છે. મનુષ્ય જેનું ગૌરવ કરતો હતો (ભલે તેના ઉપર પૂરેપૂરો અમલ કરી શકતો નહોતો, છતાં તેનો આદર કરતો હતો અને એ રસ્તે જવા મથતો હતો) એવા ગુણો એણે પોતાનાં પાળેલાં જાનવરોમાં પણ વિકસાવ્યા હતા. હવેનો માનવી એવા ગુણો, કદાચ પોતાનાં સંતાનોમાં પણ વિકસાવી નહીં શકે અને એ જ એનું મોટામાં મોટું દુર્ભાગ્ય હશે.
આ વાતને જરા ઊંડાણથી સમજવા માટે મનુષ્યના સાથીદાર, પાળેલાં બે પ્રાણીઓ કૂતરા તથા ઘોડા વિશે થોડી વાત કરીએ. પાળેલાં પ્રાણીઓ મનુષ્યના સંસ્કારની આરસી સમાન હોય છે.
આપણે જાણીએ છીએ કે ઘોડાની વફાદારી અને કુરબાની વિશેના અનેક કિસ્સાઓ નોંધાયા છે. પોતાના જાનની પરવા કર્યા વિના રણ મેદાનમાં ધસી જવું, માલિકની આજ્ઞા થાય તો થાકથી મૃત્યુ ન થાય ત્યાં સુધી દોડયા કરવું, માલિકને બચાવવા કે તેનું રક્ષણ કરવા માટે પોતાની જાતનું બલિદાન આપી દેવું, માલિકના માથે આવતી આફત પોતે વહોરી લેવી - આવી અનેક વાતો ઘોડાની વફાદારી વિશે આપણને જાણવા મળે છે. અને ઘોડાના ઉમદા સ્વભાવ અને ખાસિયતો વિશેની આ વાતો કોઈ એક દેશ કે પ્રજા સાથે જોડાયેલી નથી. બધા દેશોમાં તે પ્રચલિત છે.
આવું જ કૂતરા બાબતમાં પણ છે. કૂતરાની વફાદારી અને હોશિયારી જગજાહેર છે. માણસજાતનો તે ઉત્તમ મિત્ર ગણાય છે. માણસ જમીન ખેડીને ખેતી કરતા શીખ્યો ત્યાર પહેલાં માણસ શિકારી તરીકેનું ભટકતું જીવન જીવતો હશે ત્યારથી, કૂતરો તેનો મિત્ર છે અને આજે હજારો વર્ષ પછી પણ એની વફાદારી અને મૈત્રી એવી જ ગણાય છે. માલિક માટે કુરબાન થઈ ગયા હોય એવાં અનેક કૂતરાંઓની વાતો છે. કહે છે કે માણસ પોતાના દિલોજાન મિત્રને કે પોતાના પુત્રને પાંચમા માળની ગેલેરીમાંથી પડતું મૂકવાનું કહેશે તો તે ભાગ્યે જ તેમ કરશે, પરંતુ માણસ પોતાના કૂતરાને પાંચમા માળની ગેલેરી પરથી જમ્પકરવાનું કહેશે તો તે જરૂર નીચે કૂદી પડશે. કૂદીને મરી જશે.
હવે વિચાર એ કરવાનો છે કે ઘોડામાં અને કૂતરામાં આપણને જે ઉમદા ગુણો દેખાય છે તે ખરેખર એના જન્મજાત ગુણો છે કે માણસની સોબતથી વિકસેલા છે? જંગલી ઘોડાઓનો વિચાર કરીએ તો એવા ઘોડાઓમાં કોઈ વફાદારી કે જાંફેસાની જોવા મળતી નથી. જંગલમાં ભટકતા ઘોડાઓ બીજાં પ્રાણીઓ જેવાં જ હોય છે. એવું જ જંગલી કૂતરાઓનું છે. જંગલી કૂતરાઓ પણ પૂરેપૂરા જંગલી હોય છે. પાળેલાં કૂતરાંઓમાં જે ગુણો જોવા મળે છે તેમાંના કોઈ ગુણ જંગલી કૂતરાઓમાં જોવા મળતા નથી. એટલે એટલું તો સ્પષ્ટ થઈ જાય છે કે પાળેલાં ઘોડામાં અને પાળેલાં કૂતરામાં જે ઉમદા ખાસિયતો હોય છે તે માણસ સાથે રહેવાથી, માણસની સોબતથી અને માણસે આપેલી કેળવણીથી વિકસેલી છે અને એ પણ પાંચ પચીસ વર્ષોમાં નહીં પણ અનેક વર્ષોની માણસ સાથેની સોબતથી એ વિકસી છે.
- અને આવું ક્યારે બને?
ઘોડા અને કૂતરા સાથે દોસ્તી કરનાર માણસ પોતે જો એવા ગુણોને મહત્ત્વ આપતો હોય, એના પોતાનામાં પણ એવા ગુણોનાં બીજ પડેલાં હોય. એવા ગુણો ઉપર ભલે એ પૂરેપૂરો અમલ ન કરી શકતો હોય, પણ એવા ગુણોને ચાહતો હોય, એવા ગુણોથી વિપરીત વર્તન કરતી વખતે એને આંચકો લાગતો હોય, તો જ તે પોતાની સાથે રહેતાં પ્રાણીઓમાં એવા ગુણોને વિકસાવી શકે. ઘોડામાં કે કૂતરામાં વફાદારી અને કુરબાની જન્મજાત નથી.
માણસની સોબતથી એનો વિકાસ થયો છે. એવા માણસની સોબતથી એનો વિકાસ થયો છે કે જેને એવા ગુણો પસંદ હતા. જો માણસને એ ગુણો પસંદ ન હોત તો પાળેલાં જાનવરોમાં પણ એ ગુણો વિકસ્યા જ ન હોત.
હવે આ વસ્તુના સંદર્ભમાં આપણે આજના માનવીને જરા જોઈએ. આજના માનવીનો અને એ જે તરફ જઈ રહ્યો છે એનો આના સંદર્ભમાં વિચાર કરીએ.
માનવ પ્રાણીમાંથી સંસ્કારી માનવી બનવા માટે હજારો વર્ષથી માણસ પ્રયત્નશીલ રહ્યો છે એમાં એણે ઠોકરો ખાધી છે, પડી ગયો છે, માનવી મટી, પ્રાણી જેવું વર્તન કરી બેઠો છે, પરંતુ ફરી પોતાના માનવીપણાને યાદ કરીને આગળ જવા મહેનત કરી છે. એણે લુચ્ચાઈ કરી છે, બદમાશી કરી છે, બીજાનું ઝૂંટવી લીધું છે. બીજાને કચડી નાંખ્યા છે, નિરર્થક ઝઘડાઓ કર્યા છે, લડાઈઓ કરી છે, લોહી રેડયું છે, પરંતુ એવું કરનારાઓ માનવજાતના આદર્શ થઈ શક્યા નથી. સામાન્ય જનસમૂહ ક્યારેય એમને અનુસર્યો નથી. સામાન્ય જનસમૂહ યુદ્ધો કરનારાઓને નહીં, પણ શાંતિપ્રિય અને સંસ્કારી માણસોને અનુસર્યો છે. સામાન્યજનોએ સંસ્કારી મનુષ્યોની પ્રતિષ્ઠા કરી છે.
એકાદ ચંગીઝખાન કે હિટલરની સામે જે લોકો ઝૂકી ગયા હતા. પણ કેટલો સમય? છેવટે તો માણસના હૃદયમાં સદાય સારા, ભલા, નેક માણસોનો જ વાસ રહ્યો છે. લોકો ચંગીઝ કે હિટલરને નહીં કોન્ફયુશિયસ અને ખ્રિસ્તને જ અનુસર્યા છે. બુદ્ધને અનુસર્યા છે. મહાવીર સ્વામીને અનુસર્યા છે, મહંમદ સાહેબને અનુસર્યા છે. કબીર, નાનક, તુલસીદાસ કે ગાંધીને ચાહનારા માણસોના મુકાબલે યુદ્ધખોર માણસોને લોકોએ ક્યારેય ચાહ્યા નથી અને એમને અનુસર્યા પણ નથી. માણસોએ હંમેશાં સંસ્કારી બનવા તરફ ગતિ કરી છે.
પરંતુ આજના માનવીને એમ લાગી રહ્યું છે કે આ ઝડપી યુગમાં વફાદારી, મૈત્રી, પ્રેમ, ત્યાગ, સચ્ચાઈ, ભલાઈ વગેરે ગુણો નિરર્થક છે. આજના માનવીને એવા ગુણોની કોઈ જરૂરિયાત લાગતી નથી. એને તો બધું જ જલદી જલદી મેળવી લેવું છે. એ પ્રેમ કે મૈત્રી માટે થોભી શકે તેમ નથી. સચ્ચાઈ કે ભલાઈ ઉપર અમલ કરી શકે તેમ નથી. વફાદારીથી કોઈ સાથે જોડાઈને પોતાની ગતિમાં અવરોધ સ્વીકારી શકે તેમ નથી. અને એટલે કોઈ માટે ત્યાગ કે બલિદાનની વાત એની સમજણના પરિધની બહારની વાત છે. ધીરજ, સહનશીલતા, ફરજ એને મંજૂર જ નથી.
આજનો માનવી પૈસા કમાવા નહીં, પરંતુ પૈસા બનાવવા ઇચ્છે છે. પૈસા કમાવા માટે મહેનત કરવા તે તૈયાર નથી. ધીરજ એના સ્વભાવમાં નથી. પૈસા તેને જોઈએ છે અને ગમે તે રીતે એ મેળવી લેવા તે મથે છે. ગુંડાગીરી, બદમાશી, ચોરી, લબાડી જેવી ગુનાઈત પ્રવૃત્તિ કરવાનો કોઈ છોછ નથી. પૈસા જલદીથી મળી રહે તેવા રસ્તાઓ તે શોધ્યા કરે છે.
અને જીવનના દરેક ક્ષેત્રમાં એના આ વર્તનની અસર આપણને દેખાય છે. સાહિત્ય, કલા, સમાજસેવાનાં ક્ષેત્રોને પણ તેની આવી નીતિ રીતિએ અભડાવ્યાં છે. આવી રીતે પૈસા મેળવનારાઓ, યુનિર્વિસટીના ડિગ્રીધારીઓ, સન્માનો અને ચંદ્રકો ધારણ કરનારાઓ, ઊંચા હોદ્દાઓ ઉપર પણ બિરાજેલા જોવા મળે છે. એટલે સામાન્ય માનવી સોનું કયું છે અને કથીર કયું છે તેને ઓળખી શકતો નથી. તે તો માત્ર અગ્રેસરોને અનુસરે છે અને એમ કરતાં ગુનેગારોને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ રહી છે. અગાઉ જે છાની રીતે થતું હતું, જેની શરમ હતી, તે હવે છતરાયું થવા લાગ્યું છે અને એટલે જ શરૂઆતમાં લખ્યું છે કે જો આ સ્થિતિ ચાલુ રહેશે તો હવે પછીની પેઢી ક્યાં પહોંચશે?
બૂરાં કામો તરફ નફરત કોણ કરશે? બૂરાં કામો છોડવા કોણ તૈયાર થશે? જે માબાપ પોતાનાં સંતાનોને ગુનાખોરીના વાતાવરણમાં જ ઉછેરશે એ એમને ગુના નહીં કરવાનું કઈ રીતે સમજાવી શકશે? ઝેરી વૃક્ષો વાવનારાઓ એ વૃક્ષો ઉપર અમૃત ફળ આવશે એવી આશા કઈ રીતે રાખી શકશે? બીજા સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત, ઉદ્ધતાઈ, દગાખોરી, ક્રૂરતા આચરનાર પેઢી પોતાની નવી પેઢી પાસેથી, પોતાનાં સંતાનો પાસેથી, પ્રેમની, ફરજની, આજ્ઞાંકિતપણાની, વફાદારીની આશા  કઈ રીતે રાખી શકશે? અને એટલે જ આગળ લખ્યું છે કે, જે ગુણ માનવીએ પાળેલાં જાનવરોમાં પણ વિકસાવ્યા હતા એવા ગુણ હવે એ પોતાનાં સંતાનોમાં પણ કદાચ વિકસાવી નહીં શકે અને કદાચ એ જ એનું મોટામાં મોટું દુર્ભાગ્ય હશે.
અને એવા દુર્ભાગ્યથી બચવા માટે દરેક સમજદાર વ્યક્તિએ પોતાની જાતને સંભાળવાની જરૂર છે. ઘણાં બધા માણસો ખોટાં કામો કરે એથી એ ખોટાં કામોને સાચાં માની લેવાની જરૂર નથી. સમાજ જ્યારે કરવટ બદલતો હોય ત્યારે એવું ઘણી વાર બને છે. અત્યારે જે વધારે પ્રમાણમાં બની રહ્યું છે એ થોડા ઓછા પ્રમાણમાં ભૂતકાળમાં પણ બનતું જ હતું. પણ સાચાં માણસોએ એમાં લપસી પડવાના બદલે સદાય પોતાનાં દિલ સાબૂત રાખ્યાં છે.
ઈસુ ખ્રિસ્તે એવી વ્યક્તિઓને જ અપીલ કરી હતી.એમણે કહ્યું હતું કે, તમે ધરતીનું લૂણ છો, તમે અલૂણા ન બની જશો.
- કારણ કે જો લૂણ, સબરસ (મીઠું) પોતાનો રસ ગુમાવી દેશે તો તેનામાં રસ કોણ મૂકી શકશે?
સમાજમાં જ્યારે કાંઈ પણ અનિષ્ટ બને ત્યારે સારા માણસને આંચકો લાગવો જોઈએ.આઘાત લાગવો જોઈએ, દુઃખ થવું જોઈએ. આખા સમાજને એ રોકી ન શકે પણ એવાં કામોથી પોતાની જાતને તો એ જરૂર અલિપ્ત રાખી શકે. બીજા જે કરતા હોય એ નહી પણ જે સાચું લાગતું હોય એ કરવું જોઈએ. આવી વ્યક્તિઓ કદાચ બહુ જૂજ હોય, એકલદોકલ હોય એવું બને, પણ એથી એણે નિરાશ થવાની જરૂર નથી. ધીમે ધીમે એનો કાફલો વધતો જ જશે.
ચારે બાજુ ઊગી નીકળેલાં કાંટા-ઝાંખરામાં એ જ રીતે વડનાં બીજ ક્યાંક પડેલાં હોય છે. જાળાં-ઝાંખરાં સમયાંતરે નાશ પામે છે, વડ નાશ પામતો નથી. નવી નવી વડવાઈઓ દ્વારા એ વિકસતો જ રહે છે. સારી અને સાચી વ્યક્તિઓની બાબતોમાં પણ એવું જ બને છે. એમની વાત જ વિકસે છે, એમની વાત જ ફેલાય છે.

No comments:

Post a Comment