તહેવારો, વ્રત, ઉજવણી, ફેશન ફેર, લોકમેળા, ઘણી બધી જગ્યાએ હવે તો પરંપરાગત ‘છુંદણા’ તથા આઘુનિક ‘ટેટુ’ સ્વરૂપ સૌ કોઈને ગમવા લાગ્યા છે. હવે તો ફેશન બજારમાં ટેટુની આગવી ડીમાન્ડ થઈ રહી છે.પહેલા કહેવાતી પછાત, આદિવાસી જેવી જાતિઓમાં ‘છુંદણા’ ત્રોફાવવામાં આવતા હતા. હવે આ કલાને આજના નવા ફેશનેબલ છોકરા-છોકરી સૌ કોઈ ચાહવા લાગ્યા છે. ટુટેને પોપ્યુલર કરવામાં હવે તો અનેક ટી.વી. ચેનલો ત્યાંના ‘ટેટુ સેન્ટરો’ વિશેની અનેક ટી.વી. ડોક્યુમેન્ટરી લોકોના જ્ઞાનમાં વૃઘ્ધિ કરાવે છે. ટેટુ અંગેની રંગીન જાણકારી પણ લોકોને મળવા લાગી છે. સંજય દત્ત, રાખી સાવંત, હોલીવૂડની એન્જેલીના જોલી, બોનજોવીનાં શરીર પર ચીતરાવેલ ટેટુ લોકોમાં માનીતા થયા છે. લોકો એમની ટેટૂ ફેશનનું પુનરાવર્તન પણ કરવા લાગ્યા છે.
ટેટુ ‘ટેમ્પરરી’ તથા ‘પરમેનન્ટ’ એમ બે પ્રકારમાં જોવા મળે છે. મેજીક સ્ટીકર કે રસાયણ આધારિત મેંદીની ડિઝાઈન ચીતરાવીને હંગામી ટેટુ બનાવી શકાય છે. આ ટેટુમાં શરીર પર દુઃખાવો થતો નથી. કાયમી ધોરણે ટેટુ કરવા માટે ત્વચાના ઉપલા સ્તરમાં ઇન્જેક્શનની સોય દ્વારા શાહી વડે ડીઝાઈન કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ‘જાગૃતિ’ ખૂબ જ જરૂરી છે. વપરાયેલી સોય અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણમાં ટેટુ ચિતરવાથી ચેપનો ભય રહે છે. એટલે જ્યારે પણ તમે ટેટુ પાર્લરમાં જાવ ત્યાંની સ્વચ્છતા અને સાવધાની બાબતે ચકાસણી કરો. ગમે તેવી ચલાવી લેવાની વૃત્તિ, ઓછા પૈસાની લાલચે તમારી જાતની સાથે ચેડાં ન કરશો. અલ્ટ્રાસોનીક કિરણો દ્વારા ઉપકરણો બેક્ટેરીયા રહીત કરવામાં આવે છે. એકની એક સોય જુદા જુદા ગ્રાહક પર વાપરવાથી ચામડીનાં રોગો, ફોડલીઓ થવાની શક્યતા પણ રહેલી છે. ટેટુ ગનમાં ઈન્જેક્શનની સોય લગાડવામાં આવે છે. આ સોય ત્વચાની નીચે જાય છે અને ત્યાં શાહી વડે ડિઝાઈન બનતી જાય છે. આ ગન શીવણકામના મશીનની જેમ કામ કરે છે. જો કે ટેટુ દોરવાની પ્રક્રિયાથી દુઃખાવો થાય છે. વેક્સીંગ કરાવતી વખતે થતો દુઃખાવો થાય તેના કરતા વધારે દુઃખાવો ટેટુ ચિતરાવવામાં થાય છે.
ટેટુની ડિઝાઈન જાતજાતની હોય છે. ટ્રેડીશ્નલ જાપાની ટેટુ, હાર્ટ, એન્જલસ, ગુલાબ જેવા પ્રતિક, કાર્ટુન, ભગવાનનાં ચિત્રો, પ્રતિકો, નામકરણ, ફેન્ટસીયુક્ત ચિત્રો પણ જોવા મળે છે. ટેટુ દેખાદેખીથી કે માત્ર ફેશનના ઉન્માદમાં કરાવી નાખતા પહેલાં સો વાર વિચારજો. આ પરમેનન્ટ રહેવાના છે. ડીસ્પોઝેબલ સોય જ વાપરવાનો ખાસ આગ્રહ રાખવો જરૂરી છે. ટેટુ ૭ થી ૧૦ દિવસમાં રુઝાઈ જાય છે એટલે તે દરમ્યાન દર બે કલાકે તેના પર તેલ લગાડશો. શરૂઆતમાં તેના પર કપડાં ન ઘસાય તેનું ખાસ ઘ્યાન રાખજો. ટેટુવાળો ભાગ લાંબો સમય ભીનો ન રાખવો. ટેટુ રુઝાઈ ન જાય ત્યાં સુધી ખંજવાળવું નહી. ટેટુ આર્ટીસ્ટ શાહીનાં ખડિયામાં સોય બોળીને ટેટુ ચિતરવા ન જોઈએ. નાના ડીસ્પોઝેબલ ઇન્ક કન્ટેનરમાં શાહી કાઢી કામ કરવું જોઈએ.
ટેટુની ફેશન છે મજાની પણ આજના જમાનામાં જ્યારે અચાનક ‘પ્રેમભંગ’ થાય તો ‘પરમેનન્ટ ટેટુ’માં તમારા પ્રેમીનું નામ શરીરનાં કોક અંગ પર ખૂંચશે માટે આવા ‘લવેબલ ટેટુ’ કરતા જાગતા રહેજો અને એ પણ જોજો કે તમારો હાથ પ્રેમીઓની નામાવલી ન થઈ જાય!
No comments:
Post a Comment