Friday, 26 August 2011

પૈઠણી સાડી




મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે, જેણે આધુનિકતાને અપનાવવાની સાથોસાથ પોતાના પારંપારિક કલા-સંસ્કૃતિના વારસાને પણ સદીઓથી જાળવી રાખ્યો છે. અહીંયાની પૈઠણી સાડીઓ તેની બારીક બનાવટ અને કલાત્મકતા માટે આખી દુનિયામાં મશહૂર છે
મહારાષ્ટ્રની પૈઠણી સાડીઓ, ત્યાંની સ્ત્રીઓની આર્થિક સમૃદ્ધિ અને સામાજિક પ્રતિષ્ઠાનું પ્રતીક મનાય છે. મહારાષ્ટ્રમાં વિવાહ પ્રસંગે દુલ્હનને પહેરાવાતી પૈઠણી સાડી વિવાહ સમારોહમાં ઉપસ્થિત સૌના આકર્ષણનું કેન્દ્ર બને છે.
ઇતિહાસ : મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાથી ૫૬ કિ.મી.ના અંતરે ગોદાવરી નદીના કિનારે આવેલું ગામ પૈઠણ. અહીંયાની જરીકામવાળી સિલ્કની સાડીઓ પૈઠણી સાડીના નામે જગમશહૂર છે. પ્રાચીન ગ્રંથોમાં મધ્યપ્રદેશના મંદસોર જિલ્લામાં રહેનારા પૈઠણી વણકરોનો પણ ઉલ્લેખ મળે છે. મહારાષ્ટ્રના મરાઠા પેશવા શાસકોને આ વસ્ત્રકલા બહુ પસંદ હતી. તેમણે પૈઠણી સાડીના વણકરોને ઘણાં પ્રોત્સાહિત કર્યા. ૧૯મી શતાબ્દીમાં હૈદરાબાદના નિઝામે પણ પોતાની પત્નીને ઉપહાર સ્વરૂપે પૈઠણી સાડીઓ આપ્યાનો ઉલ્લેખ મળે છે. નિઝામની પત્ની નિલોફરે જાતે પૈઠણી સાડીઓની બોર્ડર અને પાલવ માટે કેટલીય નવી નવી ડિઝાઈન તૈયાર કરી હતી.
પારંપારિક પૈઠણી સાડી હંમેશાં શુદ્ધ રેશમના દોરામાંથી જ વણાય છે. સમયની સાથે સાથે બધાં જ પારંપારિક વસ્ત્રોમાં ઘણો બદલાવ આવ્યો છે, પરંતુ પૈઠણી સાડી આજે પણ પારંપારિકરૂપે શાળ ઉપર જ વણાય છે. આજકાલ સાડીઓ માટે વપરાતી સોનાની જરીને બનાવતી વખતે તેમાં કોપર પણ ભેળવવામાં આવી રહ્યું છે, જેથી સાડીની બોર્ડરની મજબૂતી જળવાઈ રહે. શુદ્ધ રેશમ અને સોના-ચાંદીની જરીથી બની હોવાને કારણે પૈઠણી સાડીઓ દામમાં મોંઘી હોય છે.
રંગોનું સંયોજન : પૈઠણી સાડીઓને મહારાષ્ટ્રની સંસ્કૃતિમાં બહુ સન્માન અપાયું છે. ત્યાં આ સાડીઓને લક્ષ્મીદેવીનું મહાવસ્ત્ર માનવામાં આવે છે. અહીંયાં પારંપારિકરૂપે લાકડાંના શાળ પર સાડીઓ વણવાનું કામ સ્ત્રીઓ જ કરે છે. આ સાડીઓમાં પારંપારિકરૂપે બોર્ડર અને પાલવનો રંગ સાડીના રંગ કરતાં બિલકુલ અલગ હોય છે. આ સાડીઓમાં સામાન્ય રીતે મરૂન, મેજંટા, કાળો, મોરપિચ્છ નીલો, પેરટ ગ્રીન, રીંગણી, બોટલ ગ્રીન અને ક્રીમ રંગોનો ઉપયોગ વધુ થાય છે. સામાન્ય રીતે કોઈ લાઈટ રંગની સાડીની બોર્ડર અને પાલવ માટે ડાર્ક રંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાડીઓની ડિઝાઈન અનુસાર તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. જેમ કે નરલી (નાળિયેર  જેવી ડિઝાઈનવાળી), મુનિયા (બારીક કામવાળી બોર્ડર), મોર બાંગડી (ગોળાકારમાં મોરની જોડી), આશાવલી (ફૂલ-વેલની ડિઝાઈનવાળી) વગેરે. અજંટા-ઇલોરાની ચિત્રકલાની અસર પણ આ સાડીઓ પર જોવા મળે છે.
આધુનિકતાના રંગે રંગાઈને પૈઠણી સાડીઓ હવે પારંપરિક ચટક રંગોની સાથોસાથ હવે પેસ્ટલ રંગોમાં પણ મળવા લાગી છે. વળી, એક જ રંગના લાઈટ-ડાર્ક શેડવાળી સાડીઓ પણ આકર્ષક બની રહી છે. પહેલાંના જમાનામાં પૈઠણી સાડીઓમાં  શુદ્ધ સોનાની જરીથી કામ કરવામાં આવતું હતું, હવે તો સોનાના બદલે ચાંદીની જરીની ઉપર ગોલ્ડન કલરની પોલિશ કરીને તે વાપરવામાં આવે છે. આ સાડીઓની કિંમત બે હજારથી શરૂ કરીને દોઢ-બે લાખ સુધીની હોય છે. એટલે ખરીદતાં પહેલાં ચાર વાર વિચાર કરવો જોઈએ, પણ એક વાર ખરીદેલી પૈઠણી સાડી વર્ષો સુધી ખરાબ થતી નથી અને દાદીના લગ્નની સાડીને પૌત્રી પણ ખુશીથી પહેરી શકે છે.
પૈઠણી સાડીઓ આજે મહારાષ્ટ્રની સીમાને પાર કરીને સમગ્ર ભારતમાં ઉપરાંત અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ વગેરે દેશોમાં વસનારા ભારતીય પરિવારોની સ્ત્રીઓની પ્રથમ પસંદગી બની ચૂકી છે. મહારાષ્ટ્રની પૈઠણી સાડીની વાત જ કંઈ ઓર છે. આ સાડી જોઈને એવું લાગે કે, જાણે કોઈ કલ્પનાશીલ કવિએ રેશમ અને સોનેરી જરીથી સુંદર કવિતા લખી હોય.
પૈઠણી સાડીની સંભાળ
* અન્ય સાડીઓની જેમ પૈઠણી સાડીઓને ન વાળો અને તેને હેંગરમાં પણ ન ટાંગો. કેમ કે તેના પર ફોલ્ડના નિશાન પડી જાય છે અને વધુ સમય વીત્યા પછી ફોલ્ડના નિશાનવાળી જગ્યાએથી સાડીનું વણાટ ઢીલું પડવા લાગે છે.
* પૈઠણી સાડીઓને હંમેશાં કેલેન્ડરની માફક ગોળાકારમાં લપેટીને સફેદ અને સુતરાઉ કાપડના થેલામાં જ રાખો.
* સાડીઓની સાથે નેફથલીનની ગોળીઓ કદાપી ન રાખશો, કેમ કે એનાથી જરીનો રંગ કાળો પડી જાય છે.
* જ્યારે તમે પૈઠણી સાડી પહેરો ત્યારે, સાડીની ઉપર પરફ્યૂમ કે અત્તર ન છાંટો.
* પૈઠણી સાડીઓને હંમેશાં સારા ડ્રાય ક્લિનર પાસે ડ્રાય ક્લીન કરાવીને જ રાખો.
* પૈઠણી સાડીઓની જરી અસલી સોના કે ચાંદીની હોય છે. એટલા માટે તેની ચમક વર્ષો સુધી એવી ને એવી જ જળવાઈ રહે છે. એને ક્યારેય પોલિશ ન કરાવશો, પોલિશ કરાવવાથી સાડી ખરાબ થઈ જઈ શકે છે.

No comments:

Post a Comment