Friday, 26 August 2011

મનની ચાવીને સવળી ફેરવતા રહો




શ્રીમદ્ પૂર્ણચંદ્ર સૂરીશ્વરજી મહારાજે મને મોકલેલાં પુસ્તકોમાં એમણે આપેલાં દૃષ્ટાંતો અને એ દ્વારા વ્યક્ત થયેલા વિચારો કેલિડોસ્કોપના વાચકોને ઉપયોગી થશે, એમ માનીને એમાંના થોડા રજૂ કર્યા છે. છેલ્લાં પાંત્રીસ વર્ષથી સંદેશમાં છપાતી આ કોલમનો વાચકવર્ગ એટલો વિશાળ અને વિવિધ છે કે કોલમ શરૂ કરી ત્યારે એને આવો ભારે પ્રતિભાવ મળશે એમ મેં માન્યું નહોતું. સંદેશના તંત્રી સ્વ. ચીમનભાઈના આગ્રહથી આ કોલમ શરૂ થઈ હતી. આજે એમના સુપુત્ર ફાલ્ગુનભાઈ અને પૌત્ર ર્પાિથવભાઈ સંદેશના તંત્રીપદ સંભાળે છે. કેલિડોસ્કોપેત્રણ પેઢીઓ જોઈ અને લેખક તરીકે મને ત્રણ પેઢી સાથે કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. મારી ઉંમર અને નાદુરસ્ત તબિયતને કારણે આ કોલમને બંધ કરવાનો ઘણી વાર વિચાર કર્યો હતો. ફાલ્ગુનભાઈના પ્રેમભર્યા આગ્રહને કારણે જ એ ચાલુ રહી છે અને એવો જ પ્રેમ મને  વાચકો તરફથી મળ્યો છે. મોટી ઉંમરની પીઢ વ્યક્તિઓ અને યુવાનોથી લઈને જૈન સાધુ મહારાજ અને મોરારિબાપુની કક્ષાના લોકો કેલિડોસ્કોપના લેખોનાં પુસ્તકો વાંચે છે એ એની સફળતા બતાવે છે.
હિંદુ ધર્મના કથાકારો અને જૈન સાધુઓના સંપર્કમાં હું નાની ઉંમરથી જ રહ્યો છું. એમને સાંભળવા એ એક લહાવો હોય છે. એમની સામે એમના અવાજમાં એમની વાત સાંભળવી એની અસર જુદી જ હોય છે. લખેલા કે છાપેલા શબ્દોમાં વાંચવાથી એટલી અસર થતી નથી.
આજે યુવાપેઢી વ્યસનોમાં ફસાતી જાય છે. થોડા સમયનાં વર્તમાનપત્રોના હેડિંગ ઉપર નજર કરીએ :
સરકારી શાળાઓમાં ત્રણ હજારથી વધારે બાળકો તમાકુના બંધાણી.
હુક્કાબાર સામાજિક દૂષણ છે.
તમામ હુક્કાબાર બંધ કરવા આદેશ.
હુક્કાક્વીનરશ્મિ લુખ્ખાગીરી પર ઊતરી.
આ માત્ર થોડાં હેડિંગ છે અને એમાંથી તો બે-પાંચ ટકાને વળગેલા વ્યસનનો ખ્યાલ આવે છે અને તમાકુ સિવાયના કોઈ વ્યસનની વાત એમાં છે નહીં. વિદેશી શરાબ પકડાયાની વાતો અવારનવાર છપાય છે. દેશીઅને લઠ્ઠાકાંડના સમાચાર તો જાણીતા જ છે અને આ તો ગુજરાતની વાત છે. બીજાં રાજ્યો અને શહેરોનો તો વિચાર જ થઈ શકે તેમ નથી.
એ બાબતમાં પૂર્ણચંદ્રજી મહારાજના વિચારો જાણીએ.
તમાકુના વ્યસન વિશે લખતાં તેઓ કહે છે કે જેમ ચાબુક મારવાથી ઘોડો દોડવા માંડે છે, એ જ રીતે નશો થતાં સંચિત-શક્તિ ભડકી જાય છે અને એ વખતે એવો આભાસ થાય છે કે કેવી સ્ફુર્તિ આવી ગઈ? પરંતુ અંતે આ સ્ફુર્તિ ઘાતક નીવડતી હોય છે. ચાબુક મારી મારીને ઘોડાને દોડાવવાથી એ અંતે થાકીને લોથપોથ થઈ જાય છે. આવો જ નતીજો નશાનો આવતો હોય છે. એથી ભરયુવાનીમાં બુઢાપો અનુભવાતો હોય છે. આમ છતાં, દુઃખની વાત તો એ છે કે આટઆટલી હાનિ સહી લઈનેય અને પૈસા ખર્ચીને ય લોકો દુર્વ્યસનોને વળગતા હોય છે. માણસ પોતાની પ્રકૃતિનો વિચાર કરે તોય એને નશાથી નફરત થવા માંડે. આપણું શરીર કોઈ પણ ભોગે તમાકુને સંઘરવા તૈયાર નથી... છતાં આશ્ચર્યની વાત એ છે કે પ્રકૃતિની સામે પડીને માણસ નશા દ્વારા પોતાના શરીરનો ય સર્વનાશ કરવામાં અગ્રેસર બનતો રહે છે.
... લગભગ બધાં ધર્મોમાં નશાને પાપ ગણવામાં આવ્યું છે. વેદોમાં એની નિંદા કરવામાં આવી છે. મનુસ્મૃતિ એને ઘોર ઘાતક ગણે છે. બુદ્ધે ચાર પાપોમાં એક પાપ તરીકે નશાબાજીને ગણાવી છે. કુરાનમાં કહેવામાં આવ્યું છે કે નશીલી ચીજો હરામ ગણાય. બાઈબલમાં શેતાનની જેમ નશેબાજને દુર્ગતિનો અધિકારી ગણવામાં આવ્યો છે. આમ કોઈ ધર્મે નશાને ધિક્કારવામાં બાકી રાખ્યું નથી.
દરેક ધર્મમાં ધનલોભને હાનિકારક ગણવામાં આવ્યો છે. જૈન ધર્મમાં તો અપરિગ્રહનું બહુ જ મહત્ત્વ છે. આજે જ્યારે બાબાઓ, મહારાજો અને સંતો અને સાધુઓના આશ્રમો કરોડો નહીં, પરંતુ અબજોની મિલકતો ધરાવે છે અને એમાંના કેટલાંક તો ચારિત્ર્યહીનતા અને ખૂનખરાબા સુધીની ગુનાખોરીમાં ફસાયેલા જોવા મળે છે ત્યારે ઉઘાડા પગે વિહાર કરતાં જૈન સાધુઓનો અપરિગ્રહ દૃષ્ટાંતરૂપ છે. એમાં પણ ખરાબી જોવા મળે છે, પરંતુ એની ટકાવારી બહુ જ ઓછી છે. એટલે એમનાં દૃષ્ટાંતો અને શબ્દો અસરકારક હોય છે. સુભાષિત ટાંકીને શ્રીમંતાઈ અને ગરીબાઈ વિશે સમજાવતાં આપેલું એવું જ એક દૃષ્ટાંત જોઈએ. જે શ્રીમંતાઈમાં માત્ર માલિકી હોય, પરંતુ ત્યાગ ન હોય એ સાચી શ્રીમંતાઈ નથી. એવી શ્રીમંતાઈ અને ગરીબીમાં કોઈ ફરક હોતો નથી. એક કંજૂસ શેઠ અને ઉદાર મનનાં શેઠાણીની વાત કરી છે. શેઠ મોટી ઉંમરે લોહી-પસીનો એક કરીને પૈસાદાર થયેલા એટલે ચમડી તૂટે પણ દમડી ન છૂટેએવી પ્રકૃતિના થઈ ગયેલા. શેઠાણી ધનને દાનધર્મમાં વાપરવાનું કહે ત્યારે શેઠ તરત જ જવાબ આપતા, “લોહી-પાણી એક કરીને પૈસો કમાયા પછી મળેલી સંપત્તિને કંઈ થોડી ફેંકી દેવાય?... બે બદામનું પણ મૂલ્ય ન ધરાવતા ભોગ પાછળ કંઈ રત્ન જેવું કીમતી ધન વેડફી દેવાય ખરું?”
શેઠાણીને મૌન થઈ જવું પડતું. શેઠને કહેવાવાળું કોઈ રહ્યું નહીં. એમની લક્ષ્મી લોલુપતા એટલી વધવા લાગી કે દિવસ-રાત લક્ષ્મીના સેવક બનીને એની પાછળ જ ખોવાયેલા રહેવા લાગ્યા. રોજ રાત્રે સોનામહોરો ગણીને પાછી એને સુરક્ષિત મૂકી દેવી અને ત્યાર પછી જ ઊંઘવું એવો એમનો નિત્યક્રમ થઈ ગયો.
એક દિવસ શેઠના ઘરે અચાનક જ ચોરી થઈ. મધરાતે ચોર બધી સોનામહોરો ઉઠાવીને લઈ ગયો અને ચતુર એવો કે સોનામહોરોની જગ્યાએ પથરા મૂકતો ગયો. બીજે દિવસે નિત્યક્રમ મુજબ શેઠજીએ ગણતરી કરવા માટે સોનામહોરો બહાર કાઢવા પ્રયત્ન કર્યો, પણ હાથમાં પથરા આવતાં, અંતરમાં એમને કારમો ઘા લાગ્યો. શેઠ મૂર્છા પામી ગયા. શેઠાણી દોડી આવ્યાં. શેઠ થોડી પળો બાદ સ્વસ્થ થયા, પણ રડી પડયા, કહ્યું,
સોનામહોરો ચોરી જઈને કોઈ એની જગ્યાએ પથરા મૂકી ગયું છે. શેઠાણી તો દાન-ધર્મમાં માનતાં હતાં એટલે એમને થયું કે લોઢું બરાબર તપી ગયું હોય ત્યારે જ ઘા થાય. એમણે કહ્યું કે, “શેઠ! સોનામહોરોની જગ્યાએ કોઈ પથરા પધરાવી ગયું એટલા માત્રથી તમારા માટે કંઈ મોટો ફેર પડે તેમ નથી. તમારે તો ગણવાથી જ કામ છેને? સોનામહોરોને બદલે આ પથરા પણ ગણવામાં કામ લાગવાના જ છેને? સોનામહોરોની સાથે તમારે તો માત્ર ગણવાપૂરતો જ સંબંધ હતોને? માટે સોનામહોરો ગણતા હતા, એમ હવે આજથી પથરા ગણજો.
શેઠને બરાબર ચોટ લાગી ગઈ. એમની સાન ઠેકાણે આવી ગઈ કે ત્યાગ કે ભોગમાં જેનો વપરાશ ન થાય, એ સોનામહોરો અને પથરામાં કોઈ જ તફાવત નથી.
આગળ વધીને તેઓ સમજાવે છે કે ત્યાગ કે ભોગમાં ઉપયોગી ન બને, એવા ધનના માલિકને જો ધનવાન ગણી શકાતો હોય તો પછી જેની પાસે ધન જ ન હોય એવા ગરીબને પણ ધનવાન ગણવામાં વાંધો શું? ફળશ્રુતિની સમાનતાને કારણે શ્રીમંત અને ગરીબ બંને સરખા જ ગણાવા જોઈએ.
વધુમાં બોધ આપતાં તેઓ કહે છે કે ભૌતિક દૃષ્ટિએ ધનનું ફળ ભોગ છે, પરંતુ એ સાચું નથી, કાચું છે. કેમ કે ભોગવટા પાછળ વેડફાતું ધન પાપબંધનું કારણ બને છે માટે સાચું ફળ તો ત્યાગ છે, જે ઉત્તરોત્તર વૃદ્ધિ આપે છે.
શ્રીમંતાઈ અને ગરીબાઈ વિશે બીજા એક સુભાષિતને ટાંકીને તેઓ કહે છે કે, “શ્રીમંતાઈ ગર્વ લેવા જેવી ચીજ નથી અને ગરીબાઈ ખેદ કરવા જેવી ચીજ નથી. ગરીબને શ્રીમંત અને શ્રીમંતને ગરીબ બનાવી દેવામાં ભાગ્યને પળનો ય વિલંબ થતો નથી...
... સંસારમાં સંપત્તિ-વિપત્તિ તો ભાગ્યના ખેલ સમી છે...
કાંટા વચ્ચે ય ગુલાબ અને ગુલાબની આસપાસ પણ કાંટા? આમાં વાત એકની એક જ હોવા છતાં જેમ આશાવાદી અને નિરાશાવાદી દૃષ્ટિકોણનો તફાવત હોવાથી કાંટા વચ્ચે ય ગુલાબઆ જાતનું દર્શન પ્રસન્ન બનાવી જાય છે અને ગુલાબની આસપાસ કાંટાઆ જાતના દર્શનથી ગમગીન બની જવાય છે. આ જ રીતે સુખની આસપાસ દુઃખ અને દુઃખની આસપાસ સુખનું દર્શન થવા પામે, તો એ સુખમાં લીન તેમજ દુઃખમાં દીન ન થવાય અને આ જ તો સાચો ધર્મ છે.
માણસની વિદ્વત્તા વિશે તેઓ વાત કરે છે કે, “માણસ ગમે તેટલો વિદ્વાન બને, પણ એણે મેળવેલા જ્ઞાનની સરખામણીમાં, અજ્ઞાનનો અંશ (જથ્થો) જ હંમેશાં વધારે હોવાનો... જ્ઞાન બિંદુ જેટલું જ ગણાય અને એનું અજ્ઞાન સિંધુ જેટલું!... જો ધારી લઈએ કે તમને દસ ભાષાઓ ઉપર કાબૂ છે તો હજારેક વપરાતી ભાષા (એક ધારણા) પૈકી ૯૦૦ ભાષાઓનો એકડો પણ તમને આવડતો નહીં હોય! તમને દસ ભાષા આવડે છે એ જેટલું સાચું છે એટલું જ સાચું તમને નવસો ભાષા બિલકુલ નથી આવડતી એ પણ છે.
આ દૃષ્ટિકોણ દરેક વિષયમાં અપનાવાય, તો માણસ છતમાં છકી ન જાય અને અછતનો અણસાર એને હંમેશાં રહ્યા કરે!
માણસે કેવું જીવન જીવવું જોઈએ?
તો, એ વિશે બોધ આપતાં તેઓ કહે છે કે, “આપણી વૃત્તિ-પ્રવૃત્તિ પરોપકારમય જ હોવી જોઈએ. .... માનવ જીવન ઉપર પશુઓના કેટલાં બધાં અહેસાન છે? ... માત્ર પશુઓ જ નહીં, બીજાના કેટકેટલા ઉપકારોથી આપણું જીવન નભે છે, એનો કોઈદી વિચાર કર્યો છે ખરો? પૃથ્વી, પાણી, પ્રકાશ, પવન અને વનસ્પતિના જીવોની સહાય ન મળે, તો આપણી જીવનયાત્રા કેવી વેરવિખેર અને વેરણછેરણ થઈ જાય! આ ઉપરાંત માતા-પિતાદિ, સ્વજનો, મિત્રો, સમાજ વગેરે કેટકેટલા બધા ઉપકારીઓનો ઉપકાર આપણને પળે પળે જિવાડી રહ્યો છે, એનું જો ભાન થઈ જાય, તો આપણને પરોપકાર વિના બીજું કાંઈ જ કરવાનું મન ન થાય.
અને, મન વિશે વાત કરતાં તેઓ કહે છે કે ભૂતકાળમાં આજના જમાના જેવાં સાધનો-યંત્રો નહોતાં, પણ આજના જમાના જેવી જ ચિંતાઓ તો હતી જ, કારણ કે ચિંતાઓ પેદા કરતું મન તો બંને કાળમાં સમાન જ હતું... જ્ઞાનીઓ નિદાન કરે છે કે માનવ જો દુઃખી હોય, તો મનના કારણે અને જો સુખી હોય, તો તે મનના કારણે... મન એક એવી ચાવી છે કે, જે સુખના ભંડાર ખોલી શકે અને આવા ભંડારને બંધ પણ કરી શકે. ચાવી સવળી ફરે તો તાળું ખૂલી જાય અને અવળી ફરે તો તાળું બંધ થઈ જાય.
આ બધી વાતોનો સાર એક જ છે. મનની ચાવીને સવળી ફેરવતા રહેવું. માણસ છીએ વારંવાર ભૂલો કરવાના છીએ- દુઃખી થવાના છીએ, પરંતુ ફરી ચાવીને સવળી ફેરવવી જોઈએ. કોશિશ કરવી જોઈએ. જીવનભર કોશિશ કરતાં રહેવું જોઈએ.

No comments:

Post a Comment