Friday, 12 August 2011

ત્વચા રોગોનો એક ઉકાળો

આ વખતે ત્વચાના અને રક્તદુષ્ટિના અનેક રોગોમાં ઉત્તમ પરિણામ આપતા એક શ્રેષ્ઠ ઉકાળાનું આ વખતે નિરુપણ કરું છું. આ ઉકાળા અથવા ક્વાથમાં પડતાં આઠ ઔષધોમાં હરડે, બહેડા, આમળાં, હળદર, ગળો, ચોપચીની, અનંતમૂળ અને મજીઠનો ઉપયોગ થાય છે. ઉકાળો બનાવવામાં આ આઠે ઔષધો સરખા વજને લઈને તેને અધકચરા ખાંડી, સ્વચ્છ બાટલીમાં ભરી લેવા. આ ઔષધોનો ૨૫ ગ્રામ જેટલો ભુક્કો તેનાથી સોળ ગણા પાણીમાં નાંખી ધીમા તાપે ઉકાળવું. આ ઉકાળો ઊકળતો હોય, ત્યારે તેને ઢાંકવો નહીં, કારણ કે ઢાંકવાથી તે પચવામાં ભારે થઈ જાય છે. ધીમે ધીમે ઊકળતા જ્યારે આ ઉકાળાનું દ્રવ આશરે ૪૦થી ૫૦ ગ્રામ જેટલું રહે ત્યારે તેને ઉતારી ઠંડું પાડવું. આ ઉકાળો સહેજ ગરમ હોય ત્યારે પી જવો. સવારે, બપોરે અને રાત્રે એમ દિવસમાં ત્રણ વખત તાજો બનાવીને જ ઉકાળો પીવો. એક ટાઈમનો પણ ઠંડો કે વાસી ઉકાળો બીજા ટાઈમે પીવો નહીં. બાળકોમાં આ ઉકાળાનું પ્રમાણ અડધું કરી નાંખવું.
આ ઉકાળામાં પડતાં આઠે ઔષધોના નામ તમે ઉપર વાંચી ગયા. આમાંના પ્રથમ ત્રણ ઔષધો હરડે, બહેડા અને આમળાને અમે વૈદ્યો ત્રિફળાકહીએ છીએ. આ ત્રિફળા ત્રણે દોષોનું શમન કરનાર અને રક્ત શોધક છે. એટલે ત્વચાના અને લોહીના અનેક રોગોમાં તેનો ઉપયોગ કરવાની આયુર્વેદના ગ્રંથોમાં ભલામણ કરી છે. આ સિવાય પણ ત્રિફળા, વાયુના, પિત્તના, પેટના અને ચક્ષુઓના અનેક રોગોમાં વપરાય છે. જેનો વિસ્તાર ભયથી અહીં ઉલ્લેખ કરતો નથી.
પિત્ત પોતાના ઉષ્ણ ગુણને લીધે લોહીને દૂષિત કરે છે. આમે લોહી ઉષ્ણ તો છે જ. આમ બંને ઉષ્ણ હોવાથી પિત્તને લીધે લોહી વધુ બગડે છે અને અનેક વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. આમ લોહીના અને ત્વચાના મોટા ભાગના રોગોમાં પિત્તકારણભૂત હોય છે. આ કારણને લીધે આયુર્વેદના ગ્રંથોમાં ત્રિફળા જેવા પિત્તશામક ઔષધોના ઉપયોગ-પ્રયોગ વધુ સૂચવાયા છે. ત્રિફળા-પિત્તશામક તો છે જ. આ ઉપરાંત કૃમિનાશક, વિષનાશક, વાયુનાશક, કંડુ એટલે ખંજવાળનાશક અને વ્રણરોપણ એટલે કે ઘામાં રુઝ લાવનાર છે. ત્રિફળામાં પડતા આમળામાં વિટામિન સીરુઝ લાવનાર એટલે કે વ્રણરોપણ ગુણ ધરાવે છે. જેમને વ્રણ-ઘા મટતા ન હોય તેમને ત્રિફળા ચૂર્ણ એક ચમચી જેટલું રોજ રાત્રે સૂતી વખતે લેવું જોઈએ.
આ ઔષધોમાં પડતા ચોથા ઔષધ હળદરને ચામડીના દોષો જીતનાર કહેવાય છે. ગળો પણ પિત્તશામક અને રક્તની શુદ્ધિ કરે છે. એટલે લોહીના અને પિત્તના રોગોમાં તેનો ઉપયોગ ખૂબ જ હિતાવહ ગણાવાયો છે. ચોપચીની તો ચામડીના અનેક રોગોમાં વપરાતું પ્રાચીન જગપ્રસિદ્ધ ઔષધ છે. અનંતમૂળને સારીવા પણ કહેવાય છે. જે રક્તરોગને મટાડતું હોવાથી સફેદ ડાઘ, કરોળિયા, ખરજવું વગેરે મટાડે છે. આમળાં અને અનંતમૂળ ત્વચાની ભાંગી-તૂટી ગયેલી રક્તવાહિનીઓનાં છેડાને વ્યવસ્થિત કરીને ઘામાં રુઝ લાવે છે. આ કારણને લીધે જ આવી વિકૃતિઓમાં અનંતમૂળમાંથી બનાવવામાં આવતો સારિવાદિ ક્વાથ (સારિવા એટલે અનંતમૂળ) પીવાની વૈદ્યો ભલામણ કરે છે. આ ઉકાળાનું  છેલ્લું ઔષધ છે મજીઠ. આયુર્વેદનાં ગ્રંથોમાં ઉત્તમ પિત્તશામક અને નાશક ઔષધો ત્વચાના અને લોહી બગાડના રોગોમાં ઉત્તમ પરિણામ આપે છે. ઉપર્યુક્ત આઠે ઔષધના સરખા સંયોગથી કહીએ છીએ અને તે ત્વચાના ચામડીના અને લોહીને બગાડનાર અનેક રોગોમાં તેનો ઉપયોગ કરવાની સલાહ આપીએ છીએ.
ગાગરમાં સાગર
આશરે ત્રણ-ચાર ચમચી ગળોનો રસ કાઢી તેમાં એટલો જ કારેલાનો રસ મિશ્ર કરીને જો સવારે અને રાત્રે પીવામાં આવે તો સર્વ પ્રકારના પ્રમેહ મટે છે. પ્રમેહમાં દૂષિત થયેલા-બગડેલા સ્રોતોમાં જે કાચો આમ ચોંટેલો હોય છે. તેને પકવીને ઉખેડવાનું અને સ્રોતોનો આંતરિક રસ રક્તાદિ માર્ગોની શુદ્ધિ કરવાનું કાર્ય ગળો કરે છે. આ સ્રોતો શુદ્ધિના કાર્યોને લીધે જ આયુર્વેદના ગ્રંથોમાં તેની ખૂબ જ પ્રશંસા કરી છે અને અનેક રોગોમાં વિભિન્ન રીતે પ્રયોજાય છે.

No comments:

Post a Comment