Friday, 12 August 2011

પતિ-પત્ની વચ્ચે જરૂરી છે પરસ્પર સમજ




પતિ-પત્ની વચ્ચે ઊભી થતી અસુરક્ષાની ભાવના તેમના સંબંધની વચ્ચે તિરાડ ઊભી કરવાની સાથોસાથ ક્યારેક દાંપત્યજીવનને અસ્તવ્યસ્ત પણ કરી શકે છે. જો થોડીક સમજદારી રાખવામાં આવે તો ઘણાં બધાં ખતરાને સમયસર ટાળી શકાય...
રામન, સ્વાતિના પહેલા અસફળ પ્રેમથી પરિચિત હતો, તેમ છતાં પણ સ્વાતિ તરફ એનું આકર્ષણ દોસ્તી પછી ધીમે ધીમે સહજ પ્રેમમાં બદલાવા લાગ્યું. બંને લગ્નસૂત્રમાં બંધાઈને સારી-સુખી જિંદગી જીવી રહ્યાં હતાં. એક દિવસ બંનેને એક વૈવાહિક સલાહકારની ઓફિસમાંથી બહાર નીકળતાં જોઈને તેની સહેલી રીમા ચોંકી ઊઠી. એવું તો શું થઈ ગયું કે આ બંને વચ્ચે કે તેમને અહીં આવવું પડયું... !
જ્યાં સુધી તે રામન-સ્વાતિને જાણતી-સમજતી હતી, બંનેમાં કોઈ મનભેદ ન હતો. ક્યારેય રામને સ્વાતિને કે સ્વાતિએ રામનને પૂર્વ પ્રેમ પ્રસંગ બાબતે કોઈ જ રકઝક કે વાદ-વિવાદ કર્યાં નહોતા. બધાંએ જીવનમાં લેટ-ગોની ભાવના સાથે જ રહેવું-જીવવું પડે છે.
રીમા સાંજે સ્વાતિના ઘરે પહોંચી તો ચાના પ્યાલાના ધુમાડાની સાથે સ્વાતિની ભીતરનો અવસાદ પણ વહેતો થવા લાગ્યો. ભીની આંખો સાથે તેણે જણાવ્યું, “તું તો જાણે છે કે, ઋતુ સાથે મારી અને રામન બંનેની સારી મિત્રતા હતી. થોડા દિવસ પૂર્વે ઋતુને પતિ વિરેન સાથે મનભેદ થવાને કારણે છૂટાછેડા લેવાનું વિચાર્યું હતું. બસ, ઋતુનો આ વ્યવહાર રામનને ખટકવા લાગ્યો. તે ઋતુના આ નિર્ણયથી એટલો નારાજ થઈ ગયો કે, તેનાથી સંબંધ તોડી નાખવા માટે દબાણ કરવા લાગ્યો અને હું ઋતુને આવી હાલતમાં એકલી છોડવા માંગતી નહોતી. રામન ઋતુને તેના આ વ્યવહાર માટે માફ કરવા ઇચ્છતો નહોતો, જ્યારે હું જાણતી હતી કે, ઋતુએ આ નિર્ણય સરળતાથી નહીં, પરંતુ પોતાના પતિ વિરેનના વ્યવહારથી ક્ષુબ્ધ થઈને લીધો હતો. વિરેન હંમેશાં ઋતુને અંધારામાં રાખીને અન્યત્ર સંબંધ બાંધતો જ રહ્યો અને અંતે ઋતુએ મજબૂર થઈને અલગ થવાનો ફેંસલો કરી લીધો. તેને લાગ્યું કે, તે હવે આનાથી વધુ પોતાની જાતને અંધારામાં નથી રાખી શકતી. એ વાત અલગ છે કે, આની વચ્ચે ઋતુને પણ કોઈ અન્ય વ્યક્તિ પાસેથી પ્રેમ મળવા લાગ્યો, પણ આવા કારણથી જ વિરેનને સાચો તો ન માની શકાય અને ન તો તેની ભૂલોને નજરઅંદાજ કરી શકાય, પરંતુ રામન માટે બસ ઋતુ ખોટી છે. ઋતુની સાથે હવે મારી દોસ્તી તેને સહન થતી નહોતી. રોજેરોજની એ જ તકરાર. તે મારી પર પણ શક કરવા લાગ્યો હતો અને હું રામનને ખોવા નહોતી ઇચ્છતી, કે ઋતુને આવી હાલતમાં એકલી છોડવા નહોતી માગતી. જ્યારે જોયું કે, સમજાવવા છતાં પણ રામન પોતાના પૂર્વગ્રહ નથી છોડતો, તો પોતાના સંબંધને બચાવવા માટે જ આજે આખરી કોશિશ કરીને સલાહકારની પાસે પણ ગઈ. કહેતાં કહેતાં સ્વાતિનો ચહેરો આંસુઓથી ભરાઈ ઊઠયો હતો. સ્વાતિને સમજાવી-પટાવીને તેની સખી પરત ઘરે તો આવી, પણ મન-મગજમાં એક મંથન ચાલી રહ્યું હતું, આખરે આટલા સુખદ્ સંબંધોનું પરિણામ પણ આવું આવી શકે છે, તો આ સંબંધનો આધાર શું છે ?
* સંગતની અસર : તે વિચારી રહી હતી કે, હંમેશાં શાંત અને સમજદાર ગણાતો રામન એકદમ આમ બદલાઈ કેમ ગયો ? તે એકદમ જ પોતાને અસુરક્ષિત મહેસૂસ કેમ કરવા લાગ્યો ? કદાચ એટલા માટે કે, સ્વાતિએ એની પહેલાં કોઈ અન્યને પ્રેમ કર્યો હતો. રામનને ક્યાંય એવું લાગવા માંડયું કે, સ્વાતિ સ્વતંત્ર વિચારોવાળી આત્મનિર્ભર યુવતી છે અને પોતાની ખાસ સખીની જેમ તે પણ તેને છોડી શકે છે. એક ડોક્ટરની સામે રામને એ વાતનો સ્વીકાર પણ કર્યો કે, સ્વાતિ પતિ દ્વારા કરાયેલી બેવફાઈને માફ કરનારી સ્ત્રી નથી. તે ઇચ્છતો હતો કે તે ઋતુને આવું પગલું ન ઉઠાવવા માટે સમજાવે, પણ સ્વાતિએ રામનને કહ્યું કે, એવું જરૂરી નથી કે વૈચારિક સ્વતંત્રતાને કારણે એવી પરિસ્થિતિ આવવાને કારણે તે પોતાના પતિની સાથે પણ આવું જ કરે. દરેક સંબંધ ભાવનાત્મક રીતે પોતાની એક અલગ ઓળખ રાખે છે અને દરેક સંબંધનો પોતાનો એક અલગ અંદાજ હોય છે. રામનથી ક્યારેક એવું થઈ ગયું તો તે રોહિતની પરિસ્થિતિઓને સમજીને જ ફેંસલો કરશે. તે એ સારી રીતે જાણે છે કે, રામને પણ ક્યારેક તેને સમજી છે અને બેહદ પ્રેમ આપ્યો છે. જ્યારે વિરેન શરૂઆતથી જ ઋતુ પ્રત્યે વફાદાર ન હતો. એટલા માટે કોઈ પણ નિર્ણય પર પહોંચવા માટે સમય અને પરિસ્થિતિ જોવી પણ જરૂરી છે. એ પણ ઈશ્વરકૃપા છે કે, સમયસર કાઉન્સિલરની સલાહ-સૂચન લેવાથી સ્વાતિનું ઘર તૂટતાં બચી ગયું.
* બદલાતી માનસિકતા : આજના જમાનામાં બદલાતી જીવનશૈલી, શિક્ષણ અને નોકરીમાં યુવક-યુવતીઓની પારસ્પરિક ભાગીદારીએ આજની પેઢીની વિચારસરણીમાં ઘણું પરિવર્તન લાવી દીધું છે. દરેક આધુનિક સ્ત્રીની પોતાની એક વિચારધારા છે, પોતાનું એક સ્વતંત્ર અસ્તિત્વ અને પોતાની અંગત રુચિ છે. ભાવનાત્મક સ્તર પર કોઈ સંબંધની બુનિયાદ આપસી સાહચર્ય પર ટકી હોવા છતાં તેમની પાસે વિચારોની સ્વતંત્રતા છે, પણ વિચારોની આ સ્વતંત્રતાનો અર્થ એ નથી કે એના બળ પર તે પરિવારના મહત્ત્વને નથી સમજતી.
ઇશા શરૂઆતથી જ આત્મનિર્ભર યુવતી હતી. તે ક્યાંય પણ આવવા-જવા માટે કોઈની પર નિર્ભર રહેવાનું પસંદ કરતી નહોતી. આજે જ્યારે તેનો પતિ રાહુલ ક્યાંય મૂકવા અને લેવા માટે પૂછે છે તો તેને સારું લાગે છે. એટલા માટે કે તેના આગ્રહમાં તેને પોતાના માટેનો નિઃસ્વાર્થ પ્રેમ અને ચિંતા દેખાઈ આવે છે. તે કહે છે કે, આ સંબંધ જ કંઈક એવો છે કે, એમાં પત્ની પતિ પર નિર્ભર રહીને કે પોતાના પતિ તેની દર્શાવાયેલી ચિંતાથી અંદર ને અંદર ખુશ થાય છે. આ સંબંધ પ્રેમ અને સન્માનની બરોબરીનો છે. એમાં મિજાજી અથવા અહમ્નું કોઈ જ સ્થાન નથી હોતું. ક્યારેક ક્યારેક બીજાંની નજરે પરિસ્થિતિઓ અને સ્થિતિઓનું અવલોકન કરવું હિતકર હોય છે.
મોટાં શહેરોમાં આજકાલ જ્યાં છોકરા-છોકરીઓનું શિક્ષણ એક જ વિદ્યાલયથી માંડીને કોલેજ સુધી સાથે રહે છે, ત્યાં એમની વચ્ચે મિત્રતા થવી સહજ વાત છે. સાથે કામ કરવાથી પણ સ્ત્રી અને પુરુષની વચ્ચે ભાવનાત્મક સંબંધ જોડાઈ જાય છે, એનો મતલબ એ નહીં કે એ સંબંધ ખોટો જ હોય. અનાયાસે બનેલા આ નૈર્સિગક સંબંધ બાબતે જૂની માન્યતાઓ અર્થહીન બનતી ગઈ છે, જ્યાં યુવક અને યુવતીને વાતચીત કરવી અયોગ્ય મનાતું હતુ ને  વિવાહ થયા બાદ આવા સંબંધ પર પ્રતિબંધ લગાવાતો હતો. જરૂરી નથી કે આવું માત્ર પતિ તરફથી જ થાય છે, જે પોતાની પત્નીના મિત્રો કે સહકર્મચારીઓને શકની દૃષ્ટિથી જુએ છે. બલકે પત્નીઓ પણ આ બાબતમાં ઓછી ઇર્ષાળુ નથી હોતી. પરિણામ સ્વરૂપ, રોજરોજની નાની-નાની દખલબાજી કેટલીક વાર વૈવાહિક સંબંધોની ખુશબૂ સમાપ્ત કરી દે છે. પતિ જો સામંજસ્ય સાધી પણ લે તો સાસરીના બીજાં સદસ્યો પણ સામંજસ્ય સાધી લે એ જરૂરી નથી. વૈચારિક સંબંધ માત્ર પતિ-પત્નીનો જ નહીં, બલકે સમગ્ર પરિવારની સાથે સારી રીતે ચાલનારો સંબંધ છે. બધાં સુખી થશે ત્યારે જ તમે સુખી રહી શકશો.
એવું પણ અનેક વાર બને છે કે, કારણ કંઈક બીજું હોય છે અને ઝઘડો કોઈ બીજી જ વાત પર થઈ રહ્યો હોય છે. આપના મન-મગજમાં શું ચાલી રહ્યું છે, એ સામેવાળા જ્યાં સુધી જાણે નહીં, ત્યાં સુધી આપની અનુસાર કેવી રીતે આચરણ કરશે ?
* સલાહ માનો : કેટલીક વાર આપણી ઉપરનું આસમાન એટલું મોટું થઈ જાય છે. કે નીચેની જમીન નાની પડી જાય છે. એક સલાહકારના કહેવા મુજબ, “કેટલીક વાર આ પ્રકારની અસમંજસમાં પતિ પોતાની પત્ની પ્રત્યેનો વિશ્વાસ ખોઈ બેસે છે, જેમ કે, રામનના કિસ્સામાં જોયું. સ્વાતિને તે ઋતુની જગા પર રાખીને જોવા-પરખવા લાગ્યો અને તેના પ્રતિ શંકાસ્પદ બની ગયો. તેમાં આ વાત લઈને અસુરક્ષા પણ હતી કે સ્વાતિ, ઋતુના પ્રતિ કંઈક વધુ સંવેદનશીલ બની રહી છે અને  તેના લાખવાર મના કરવા છતાં પણ તે તેની વાત ન માનીને ઋતુ સાથે સંબંધ સમાપ્ત નથી કરી રહી, પણ રોજ રોજની તકરારને બદલે રામન જો ખુલ્લા મને આ સંદર્ભે સ્વાતિ સાથે વાત કરતો અને ભાવનાત્મક રીતે પોતાના સંબંધોની અંતરંગતાને સમજતો તો તેને કોઈ સલાહકારની કદાચ આવશ્યકતા જ ન પડત. જેટલું બહેતર તમે બંને એકબીજા વિશે જાણો છો, એટલું બીજું કોઈ નથી જાણી શકતું. એટલા માટે એ જ યોગ્ય બનશે કે પોતાની સમસ્યાઓ પોતે જ સમજદારીપૂર્વક નિવારો.
જ્યાં પતિ-પત્ની બંને વચ્ચે સામાજિક મૂલ્યો પ્રત્યે જો પરસ્પર ભાગીદારી હોય તો તેમના સંબંધો હંમેશાં સફળ બને છે. પણ કોઈ બાબતે બંનેના વિચાર જો મળતા ન હોય તો તેમણે નિખાલસપણે એ વિષય પર વાત કરવી જોઈએ અને એ વાતનું વિશેષ ધ્યાન રાખે કે આ વાત વિવાદ કે ઝઘડારૂપે ન થાય, બલકે કોઈ એવી સહજ ક્ષણોમાં થાય, જ્યાં મૌન પણ અભિવ્યક્ત રાખતું હોય. દરેક વખતે લડી-ઝઘડીને જ નહીં, ક્યારેક શાંતિથી એકબીજાંને જોઈ-સમજીને પણ પરિસ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. સમસ્યા પર ધ્યાન આપો અને ચૂપચાપ બેસીને તેની ઉપર મંથન કરો, સારી રીતે વિચારશો તો નિવારણ પોતાની મેળે જ નીકળી આવશે.  જ્યારે બંને ગુસ્સામાં હોવ તો એકનું ચૂપ થઈ જવું જ યોગ્ય રહેશે, વળી- એ સંબંધોની મજબૂતી માટે પણ જરૂરી છે. બંને જો બોલતાં જ રહેશો તો પરેશાની ક્યારેય હલ નહીં થાય.
* ભાવનાઓ પ્રત્યે આદર : મૂલ્ય આપના હોય કે તેમના, મહત્ત્વપૂર્ણ એ છે કે, સૌથી પહેલાં તે મૂલ્યોની યાદી બનાવો. જે વાતો આપના જીવનમાં ખૂબ મહત્ત્વ ધરાવતી હોય તો તેનું ધ્યાન રાખે, સાથે જ પોતાના જીવનસાથીના બનાવાયેલા મૂલ્યો પર પણ નજર નાખો. પછી બંનેના મૂલ્યોની તુલના કરો. જ્યાં વિચારોમાં ભિન્નતા હોય, ત્યાં એકબીજાંના મૂલ્યોને સમજવાનો પ્રયત્ન કરો અને પૂર્ણ સન્માન પણ આપો. એવી કોશિશ કરો કે, તમને એ સમજાય કે ક્યાં ભૂલચૂક થઈ રહી છે અને ક્યાં સુધાર કે  બદલાવ લાવવાની શક્યતાઓ છે. પતિ-પત્નીના પ્રેમના સંબંધ અને ગૃહસ્થીની ગાડી સાહચર્યની સાથે જ સંભવ છે. તેના વગર બિલકુલ નહીં. એને જાળવી રાખવા માટે ભાવનાઓની મારી અને આપસી સમજના ખાતર દ્વારા જ એને સિંચવાની બેહદ જરૂર છે. સંબંધોના વિકાસ માટે અને સુખદ્ પરિણામો માટે આપ આપની મદદગાર ખુદ બની જાવ... !

No comments:

Post a Comment