Friday, 12 August 2011

કોસ્મેટિક ક્રીમ્સની અજાયબ દુનિયા (2)



આ અંકમાં હું વિવિધ સ્ટોર્સમાં મળતા વિવિધ પ્રકારના ક્રીમ્સ વિષે વાત કરીશ.
અગાઉના લેખમાં મે વાત કરી તે મુજબ અદ્યતન ક્રીમ્સ પ્રાચીન મૂળભૂત ઓઈલ, વેક્સ અને પાણીની ફોર્મ્યુલાની જ નિપજ છે. મૂળભૂત ફોર્મ્યુલામાં જુદા પ્રકારના તેલો, મીણ તેમજ આલ્કોહોલ જેવા પદાર્થો ઉમેરવામાં આવે છે. ત્વચા પર ક્રીમની અસરને સુધારવા તેલ અને મીણના પ્રમાણને બદલવામાં આવે છે. અથવા ક્રીમના સ્વરૂપને બદલવા બેમાંથી એક પદાર્થની બાદબાકી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ત્વચાના પ્રકાર પ્રમાણે ક્રીમની સફાઈ કરવાની ક્ષમતાને વધારવા કે ઘટાડવા માટે ક્રીમની ફોર્મ્યુલામાં ફેરફારો કરવામાં આવે છે.
સામાન્ય રીતે ક્લિન્ઝિંગ - ક્રીમ્સ સાદા કોલ્ડ - ક્રીમ્સની તુલનાએ વધુ પાતળાં, હલકા તેમ જ ઓછા તૈલી હોય છે. ઝડપથી ઓગળતા ક્લીન્ઝિંગ - ક્રીમ્સ એવા ઓઈલ અને વેક્સ ધરાવતા હોય છે જે ત્વચા પર લગાવતા જ ઓગળવા માંડે છે. તેમાં નહિંવત અથવા બિલકુલ પાણી ન હોવાને કારણે તે ત્વચા પર શીતળ લાગવાને બદલે હુંફાળા લાગે છે. આવા લિક્વિફાઈંગ ક્રીમ્સ ખાસ કરીને સુકી ત્વચા પર વાપરવામાં આવે છે.
કેટલાંક ક્રીમ ખાસ ભારે મેકઅપને દૂર કરવા બન્યા હોય છે. રંગમંચ માટે કરવામાં આવતો મેકઅપ કે માસ્કને દૂર કરવા આ પ્રકારના ક્રીમ્સનો ઉપયોગ થાય છે. તેમાં તેલનું પ્રમાણ વધારે હોય છે જેથી ભારે મેકઅપ સહેલાઈથી દૂર થાય છે.
ક્લિન્ઝિંગ - લોશન્સ કે ક્લિન્ઝિંગ ફોમ્સ એ પ્રવાહી કે ફીણના સ્વરૂપમાં ક્લિન્ઝિંગ ક્રીમ્સ જ હોય છે. ત્વચા પર તેમની અસર ક્લિન્ઝિંગ ક્રીમ્સ જેવી જ હોય છે, પરંતુ તે ત્વચા પર ઝડપથી પ્રસરતા હોવાને કારણે કેટલાંક લોકો તેમને લોશન કે ફોમ સ્વરૂપે પસંદ કરે છે.
વોટર-સોલ્યુબલ- ક્રીમ્સ તરીકે ઓળખાતા ક્રીમ્સ કે જે પાણીમાં સહેલાઈથી ઓગળી જાય છે એ પણ મૂળભૂત કોલ્ડક્રીમ્સની ફોર્મ્યુલામાં થોડોક ફેરફાર કરીને બનાવવામાં આવે છે. આ ક્રીમ્સને ફક્ત પાણીથી ધોઈને દૂર કરી શકાય છે.
ખાસ સૂકી ત્વચા માટે બનાવેલા ક્રીમ્સમાં ત્વચાના કુદરતી તેલોને નષ્ટ ના કરે તેવા ઘટકો હોય છે અથવા ક્લિન્ઝિંગની પ્રક્રિયામાં નષ્ટ થયેલા તેલની પૂર્તિ કરે તેવા ઘટકો હોય છે. તૈલી ત્વચા માટે બનેલા ઉત્પાદનોમાં વધારાના કુદરતી તેલોનો નાશ કરે તેવા ઘટકો હોય છે. તેવી ત્વચાવાળા ઘણાં લોકો ક્લિન્ઝિંગ - ક્રીમ્સનો ઉપયોગ કરવાને બદલે સાબુ અને પાણીથી ચહેરો સાફ કરવાનું પસંદ કરે છે. સાબુ અને પાણીથી ત્વચા પરના તેલના અવશેષો કેટલાંક પ્રમાણમાં દૂર થાય છે, પરંતુ ભારે મેકઅપ કે વોટરપ્રૂફ મેકઅપને દૂર કરતા ક્લિન્ઝિંગ - ક્રીમ વાપરવું જરૂરી છે. ચહેરાને સારી રીતે સાફ કરવા પહેલાં ક્રીમનો ઉપયોગ કરો અને ત્યાર બાદ સાબુથી ચહેરાને ધુઓ. કેટલાંક પ્રકારની શુષ્કતાની સમસ્યામાં ડોક્ટરો સાબુ વાપરવાની મનાઈ કરે છે.

No comments:

Post a Comment