Friday, 12 August 2011

આપણા જીવનમાં આહારનું મહત્ત્વ




અમેરિકા જેવા ઉચ્ચ જીવનધોરણને ભારત દેશ આંબી શક્યો નથી, પરંતુ આરોગ્ય બગાડીને પછી દવા ઉપર અઢળક ખર્ચ કરવામાં મુંબઈ, અમદાવાદ, કોલકાતા અને દિલ્હીનો સમૃદ્ધ વર્ગ અમેરિકનો સાથે બરોબરી કરી શક્યો છે
શહેરી માનવીના જીવનમાં હવે આનંદના ત્રણ જ સાધનો રહ્યાં છે : સેક્સ, સ્વાદિષ્ટ ભોજન અને ફિલ્મો. સ્વાદિષ્ટ ભોજન ખાવામાં કંઈ ખોટું નથી. ભલભલા સાહિત્યકારો, કલાકારો અને રાજકારણીઓ પણ સ્વાદિષ્ટ રસોઈનાં શોખીન હોય છે. આધુનિક ગૃહિણીઓ પોતાને ઘરે રાંધી-રાંધીને એટલી થાકી જાય છે કે, તે મહિને એકાદ વખત હોટલમાં જવાનું પસંદ કરે છે. મોટાભાગના લોકો રેસ્ટોરાંમાં કે બીજાને ઘરે જાય ત્યારે વધુ પડતો આહાર લઈને ઠાંસી ઠાંસીને ખાય છે. કારણ કે રસોઈ કરવી પડતી નહીં હોઈને તમે હળવાફૂલ હોવ છો અને બીજાના ઘરનું કે હોટલનું વધુ સ્વાદિષ્ટ લાગે છે. વાતાવરણનો પણ ફેર પડે છે. બે મિત્રોની હાજરીમાં વધુ ખવાય છે. શહેરોમાં ઘણા માણસોને તો રોજ હોટેલનું ખાવું પડે છે. ગુજરાતી ઢબે જ્યાં થાળી પીરસાતી હોય ત્યાં મોટેભાગે પૈસા વસૂલ કરવાનું લક્ષ્ય રાખીને ઘણા લોકો ઠાંસીને ખાતાં હોય છે. સ્વાદિષ્ટ રસોઈના કેટલાય ભયસ્થાનો છે તે પણ જાણવા જોઈએ. કેટલીક વ્યક્તિ તો ગટરમાં પધરાવવા જેવા આહાર પેટમાં પધરાવે છે.
ગુજરાતી ગૃહિણીઓ મુંબઈ, અમદાવાદ કે રાજકોટમાં કુકિંગ ક્લાસ ભરે છે. ફેશનેબલ સ્ત્રીઓ પાસે પંજાબી વાનગીઓ શીખે છે, ચાઈનીઝ વાનગી શીખે છે અને ઇટાલિયન પિઝા શીખે છે, પણ આરોગ્યની દૃષ્ટિએ કયો ખોરાક કેટલો હાનિકારક બને તે કોઈ શીખવતું નથી. દરેક જગ્યાએ તમને વધુ ને વધુ ચામડીના રોગીઓ માલૂમ પડશે. ફેશનેબલ કપડાંવાળી મુંબઈની સ્ત્રી કોઈ હોટલમાં બેઠી હશે તો ચૂપચાપ તેમના સાથળ ખંજવાળતી હશે. સ્વાદિષ્ટ રસોઈથી લોહી બગડે છે અને તેથી ચામડી બગડે છે. આ સ્વાદિષ્ટ રસોઈમાં એવું શું હોય છે કે જેનાથી લોહી બગડે છે, વાળ ખરે છે, આંખોની દૃષ્ટિમાં ઝાંખપ આવે છે.
સૌપ્રથમ તો તળેલી ચીજોમાં તેલ કે ઘીને કેટલું ગરમ કરવું તેનું માપ કોઈને શીખવાતું નથી. ગુજરાતીઓ માની જ લે છે કે, તેલમાં તળેલી ચીજો કરતાં ઘીમાં તળેલી ચીજો વધુ સારી છે. ચરબીમાં કોઈ પણ ચીજ તળીને ખાવી તે હૃદયરોગીઓ માટે અને લીવરના દર્દીઓ માટે ખતરનાક છે. ઘીમાં કોઈ દિવસ કંઈ જ તળવું નહીં. વૈજ્ઞાાનિક દૃષ્ટિએ આ વાત સમજાવા જેવી છે. તમે જ્યારે ઘીને તપાવો છો ત્યારે સપાટીએથી બ્લૂ રંગનો ધુમાડો નીકળે છે. આ સ્મોક પોઈન્ટથી આગળ ઘી તપે એટલે ઘીની અંદરની ચરબી ડી કમ્પોઝ થાય છે. અર્થાત્ આ ચરબીના તત્ત્વો છૂટા પડે છે. ગલીસરોલ અને એસિડો છૂટા પડે છે. હવે જો તમે ઘીને વધુ તપાવો તો ગ્લીસરોલમાં વિકૃતિ પેદા થાય છે અને તેને કારણે જે પદાર્થ પેદા થાય છે તે લીવરને નુકસાન કરે છે. તમે ઘણી વખત જોતાં હશો કે, ઘીમાં પૂરી તળાતી હશે ત્યારે સહન ન થાય તેવી ગંધ આવશે. માટે ઘીનો વઘાર કરવો નહીં અને વઘાર કરવો તો ઘીને તપાવવું નહીં. ઘીમાં પૂરી તળવી નહીં, કારણ કે તમને ઘીને તપાવવાનું માપ ખબર નહીં પડે. ઉતાવળમાં તમે ઘીને વધુ જ તપાવી દેશો. તેલમાં પૂરી તળતી વખતે પણ તેલમાંથી ધૂમાડો નીકળે તેટલું ન તપાવો. તેલનો વઘાર પણ ન કરો એટલે કે મેથી, રાઈ કે જીરું એકદમ કાળું પડી જાય ત્યાં સુધીનો તેલનો વઘાર ગરમ ન કરો. ઘરમાં કોઈ માણસ માંદું હોય કે હોજરી ખરાબ હોય તો વઘાર કરવાનું જ માંડી વાળો. વઘારની ચીજો કેન્સરવાળા માટે તદ્દન નકામી છે. ગળામાં પણ ખરાશ પેદા થાય છે.
અત્યારે કુકિંગ ક્લાસવાળા તમને સ્વાદિષ્ટ વાનગી શીખવે છે અને આજીનો મોટોનામનો એક પાઉડર વાપરીને રસોઈને વધુ સ્વાદિષ્ટ બનાવવાનું કહે છે. વળી તમને આ વાનગીમાં જેલી વાપરવાનું પણ શીખવાય છે. કુકિંગ ક્લાસવાળી ફેશનેબલ મહિલાઓને રસાયણશાસ્ત્રનો કક્કો પણ  આવડતો નથી અને આ આજીનો મોટોતેમ જ જેલીશેમાંથી બને તેની પણ ગતાગમ નથી. જેલી ગાયના હાડકાંના પાઉડરમાંથી બને છે. આજીનો મોટોએ શું પદાર્થ છે તે પણ તમારે જાણી લેવું જોઈએ.
આજીનો મોટો એ મોનોસોડિયમ ગ્લુટામેટનામનો એક રાસાયણિક પદાર્થ છે. જોન એચ. ટીબે નામના એક પશ્ચિમના લેખકે તેમની એક બૂકમાં લખ્યું છે કે, મોનોસોડિયમ ગ્લુટામેટ નામના સફેદ પાઉડરથી રસોઈ સ્વાદિષ્ટ બને છે, પણ આ પદાર્થે લગભગ મારા સ્વાસ્થ્યનો સત્યાનાશ વાળ્યો છે. આ લેખક કેન્સરથી મરી ગયા. આજીનો મોટો જેનું રાસાયણિક નામ મોનોસોડિયમ ગ્લુટામેટ છે તે શરૂમાં તો માંસ-મચ્છીની રસોઈને સ્વાદિષ્ટ બનાવવામાં વપરાતું હતું, પણ પછી ગુજરાતી ગૃહિણીઓ શાકભાજી,  દાળ અને ઇટાલિયન પિઝામાં પણ એ વાપરવા માંડી છે. આ રાસાયણિક પદાર્થમાંથી આજીનો મોટો, ગ્લીટાસીલ, સિરકો, ચાઈનીઝ સોસ વગેરે ચીજો બને છે. ટીનના ડબ્બામાં આવતા સૂપમાં આજીનો મોટો કે તેને લગતા પદાર્થ હોય છે. એટલે ડબ્બા પેક સૂપ કદી પીવો ન જોઈએ. ચાઈનીઝ વાનગી ખાધા પછી કે કેટલીક હોટલોમાં જમ્યા પછી તમને બહુ તરસ લાગે છે તે આજીનો મોટોવાળો ખોરાક ખાવાથી થાય છે. આને કારણે પછીથી પેશાબની તકલીફ પણ થાય છે. આજકાલ કિડનીના રોગીઓ વધ્યા છે તે હોટલની સ્વાદિષ્ટ વાનગીઓને કારણે જ. છેલ્લાં ૨૫ વર્ષથી મોનો સોડિયમ ગ્લુટામેટની હાનિ વિશે ડોક્ટરો ચેતવણી ઉચ્ચારે છે. આજીનો મોટો ધરાવતી ઘણી ચીજો અમુક દેશોમાં વાપરવાની છૂટ નથી.
મોનો સોડિયમ ગ્લુટામેટના ઉંદર ઉપર પ્રયોગ કરતાં તેમના મગજને હાનિ પહોંચી હતી. જાપાનીઓ મોનો સોડિયમ ગ્લુટામેટ બહુ વાપરે છે (તેમની વાનગીમાં) અને અત્યારે જાપાનમાં પેટના કેન્સર બહુ જ વધી ગયાં છે. એટલે મહેરબાની કરીને સ્વાદિષ્ટ રસોઈ માટે માત્ર તમારા હાથનો કસબ વાપરો, પણ કોઈ અજાણ્યા સફેદ પાઉડરનો આશરો ન લો. ઘણી વખત શાકભાજીમાં માવો અને દૂધ મિક્સ કરતી વાનગીઓ બનાવાય છે. લીલા શાકભાજી સાથે દૂધ વિકૃત બને છે. તમને સ્વાદ આવે છે તે વિકૃતિનો હોય છે. તમે જાણો છો કે, દૂધમાં ગોળ ભળે ત્યારે દારૂ બને છે અને આયુર્વેદમાં દૂધની સાથે બીજી ઘણી ચીજોનો મેળ નથી તેમ કહેવામાં આવ્યું છે. ફેશનેબલ વાનગીમાં કદી જ શાકમાં દૂધ કે માવો ન નાંખો. આવી વાનગીથી લોહી બગડે છે. અમેરિકા જેવા ઉચ્ચ જીવનધોરણને ભારત દેશ આંબી શક્યો નથી, પરંતુ આરોગ્ય બગાડીને પછી દવા ઉપર અઢળક ખર્ચ કરવામાં મુંબઈ, અમદાવાદ, કોલકાતા અને દિલ્હીનો સમૃદ્ધ વર્ગ અમેરિકનો સાથે બરોબરી કરી શક્યો છે. અમેરિકામાં દર વર્ષે બીમારી પાછળ ૪૦૦૦ કરોડનો ખર્ચ થાય છે, પરંતુ અમેરિકાના લોકો દવા અને ડોક્ટરી સારવાર પાછળ આટલાં બધાં નાણાં કેમ ખર્ચે છે તેનું રહસ્ય આપણે જાણીશું તો કદાચ આધુનિકતાનો અંચળો ઓઢીને જે કૃત્રિમ આહાર ખાવાને રવાડે આપણે ચડયા છીએ તે છોડી દઈશું. આહાર એ તો શરીરને પોષણ આપવા માટે લેવાય છે. ગરીબ લોકોને પૂરતાં પોષક તત્ત્વો મળતાં નથી, કારણ કે તેમને પૂરતા પ્રમાણમાં ખોરાક મળતો નથી. એક આશ્ચર્યની વાત એ જાણવા મળી છે કે,  સમૃદ્ધ લોકોનાં બાળકો પણ અપૂરતાં પોષક તત્ત્વોથી પીડાય છે! આ સમૃદ્ધ બાળકો ગલત પ્રકારનો આહાર ખાતાં હોય છે. અમેરિકા અને મુંબઈના સમૃદ્ધ લત્તામાં કેન્ડી, આઈસક્રીમ અને બીજાં પીણાં વેચતી રેસ્ટોરાં અને દુકાનો ઉપર લોકોનો સતત ધસારો રહે છે. બાળક નાનપણથી જ જાણે સાકરિયા દાંત લઈને આવ્યો હોય તેમ તેને ગળ્યો ન હોય તેવો પદાર્થ ભાવતો જ નથી. ખૂબ ગળ્યા અને ચરબીવાળા પદાર્થમાં કેલરી ઘણી હોય છે, પરંતુ તેમાં પોષક તત્ત્વો હોતાં નથી. મોટેભાગે અબુધ લોકો અકરાંતિયા બનીને ખાતાં હોય છે. ભૂખ ન લાગી હોય તો પણ ઝાપટે રાખે છે અને જાતજાતના ટોનિકથી ભૂખ લગાડીને ચાર-ચાર વખત ભોજન આરોગતા હોય છે.
અભણથી કક્ષાના લોકોથી તદ્દન ઊલટા ભણેલા સારી ટેવવાળા લોકો પણ શહેરોમાં હજારો, લાખો વેપારીઓ અને યુવાન વર્ગના લોકો સવારે ઉતાવળે-ઉતાવળે ચા-કોફી કે ટોસ્ટનો નાસ્તો લઈને કે બે-ત્રણ કોળિયા દાળ-ભાત ખાઈને ટ્રેન પકડવા દોડે છે. આમ જમવાને વખતે પૂરું જમતાં નથી. વચ્ચે વચ્ચે ભૂખ લાગે કે ન લાગે ત્યારે નાસ્તા અને પેટને ભરે છે. રાત્રે પાછા ફરીને પેટ ભરીને વાળું કરે છે. અંગ્રેજીમાં જેને ડિનર કહેવામાં આવે છે તે ડિનર જ માણસના સ્વાસ્થ્ય માટે ઘણું મોંઘું પુરવાર થાય છે. રાતને સમયે જ્યારે માણસને કેલરીની બિલકુલ જરૂર હોતી નથી ત્યારે જ તે ઊંચી કેલરીવાળો ખોરાક પેટમાં ખડકે છે.
આનું પરિણામ શું આવે ? ખોટા આહાર સાથે સંકળાયેલા રોગો ઊભા થાય છે. હૃદયરોગ, ડાયાબિટીસ, મેદ, કિડની, લીવર, ગોલબ્લેડરના રોગો, એનિમિયા વગેરે પ્રકારના જાતજાતના રોગો થાય છે. નાનાં બાળકોનાં દાંત બારથી તેર વર્ષની ઉંમરે જ પડવા લાગે છે. ખાસ કરીને ખાંડ અને રિફાઈન્ડ કરેલા ઘઉંના આટાના ખાદ્યોનો વપરાશ બહુ જ વધી ગયો છે. દરેક અમેરિકન વરસની સરેરાશ ૧૨૦ રતલ ખાંડ ખાય છે. મુંબઈના ઘણા ધનપતિના બૈરાં-છોકરાં પણ માથાદીઠ વરસે ૯૦ રતલ ખાંડ ખાઈ જાય છે. અગર તો એમ કહી શકાય કે દરેક ૩૫ મિનિટે પૈસાપાત્ર લોકો બે ચમચી ખાંડ ખાય છે ! એક રતલ ખાંડમાં ૧૮૦૦ કેલરી જેટલી શક્તિ હોય છે અને રતિભાર જેટલાં પોષકતત્ત્વો ખોરાકમાં હોતાં નથી.
ખાંડના આટલા બધા આહારને કારણે અમેરિકાની ૯૮ ટકા વસતી તો ૨૫ વર્ષની વયે દાંતના સડાનો ભોગ બને છે. એ લોકો દાંતના ડોક્ટરો ઉપર જ વર્ષે ૪૦ અબજ રૂપિયા ખર્ચે છે. અડધા કરોડ જેટલા અમેરિકનોએ પુખ્ત વયમાં જ તેમના અડધાં દાંત ગુમાવ્યા હોય છે.  ૫૦ લાખ લોકોને દર વર્ષે ડાયાબિટીસનો રોગ ઝડપી લે છે.
આહારની ભૂલો કર્યા પછી અમેરિકાના લોકો નકામી પિલ્સ, પાઉડરો, કસરતની સ્કીમવાળી બૂકલેટો, પેટ ફૂલે નહીં તે માટેના પટ્ટાઓ, સોનાબાથ, હેલ્થ ક્લબ અને બીજી ફોગટ બાબતો ઉપર કરોડો રૂપિયા ખર્ચે છે અને તેના બદલામાં આરોગ્ય મળતું નથી, પણ નવા નવા રોગો અને તકલીફો મળે છે.
હાઈપોગ્લિસેમિયા (રક્ત શર્કરાનું કમીપણું) નામનો રોગ હમણાં હમણાં સમૃદ્ધ લોકોના શરીરમાં ઘૂસી ગયો છે. અમેરિકાના ડો. ઈ. એલ. અબ્રાહમ્સને કહ્યું છે કે, આ રોગ પેદા કરવામાં ખાંડ સારો ભાગ ભજવે છે. બેચેની, હૃદયના ધબકારા વધવા, ભય, આતુરતા અને બેભાન બની જવું વગેરે લક્ષણો રક્ત શર્કરાના કમીપણાને કારણે આવે છે. જેટલો ખાંડનો આહાર વધે એટલી રક્ત શર્કરા ઓછી થાય છે. રક્ત શર્કરા એ ખાંડ અને સાકરથી તદ્દન નિરાળી વસ્તુ છે અને આપણા શરીરનું પાચનતંત્ર કુદરતી આહારમાંથી રક્ત શર્કરા મેળવી લે છે. જેટલું પ્રોટિન ખાઈએ છીએ તેમાંથી રક્ત શર્કરા પેદા થાય છે, પણ આપણે જે ખાંડ ખાઈએ છીએ તે આવશ્યક રક્ત શર્કરાનો નાશ કરે છે. રક્ત શર્કરા  આપણને જે શક્તિ આપે છે તે શક્તિ આપોઆપ નષ્ટ થાય છે.

No comments:

Post a Comment