Monday, 8 August 2011

શીતળ અને સ્વાસ્થ્યપ્રદ ઔષધ ખસ-વાળો




આપણે એકાદ શીતળ- ઠંડા, દાહશામક અને આહ્લાદક ઔષધનો પરિચય કરાવવાની તક કેમ જતી કરાય? આ ઔષધનું નામ છે ઉશીરઅથવા વીરણ વાળો. ઉશીર શબ્દનો અર્થ થાય ઉચ્યતે ઇષ્યતે કામ્યતે ઉશીરમ્? જેની સુગંધ લઈને સૌ કોઈ એની કામના કરે છે. તેનું એક બીજું સંસ્કૃત નામ છે. અભય’. નાસ્તિ ભયં અસ્માત્ જેના સેવનથી કોઈ જાતનો ભય નથી.
આ ઉશીરના મૂળ એ જ ખસ અથવા વાળો. આ મૂળનો ઔષધરૂપે, ચૂર્ણરૂપે, આસવરૂપે, શરબતરૂપે ઉપયોગ થાય છે. આ વાળામાં એક ઉડનશીલ તેલ, રાળ, રંજક પદાર્થ, અમ્લ દ્રવ્ય, કેલશ્યિમ અને લોહતત્ત્વ રહેલાં છે. તેનું અત્તર બનાવવામાં આવે છે. આ ખસ-વાળો સહેજ કડવો, મધુર, ઠંડો અને કફ, પિત્તના રોગ મટાડે છે. આ વાળો સર્વત્ર પાણીવાળા સ્થાનમાં થાય છે. આ ઔષધનું ઘાસ બેથી પાંચ ફૂટ ઊંચું થાય છે. તેનાં પાન અને મૂળનો વિસ્તાર ઘણો મોટો છે. મૂળ સુગંધિત, પાન લાંબાં, ઊભાં અને વચ્ચેથી નીકળતાં હોય છે. તેનાં ફૂલોની ચમરી લાંબી, ગુચ્છાદાર અને પાતળી શાખાઓવાળી હોય છે. મૂળ જાડા વાળ જેવાં હોય છે. આ વીરણ વાળો અથવા ખસની ટટ્ટીઓ ઉનાળામાં બારીઓ પર ઠંડક અને સુગંધ માટે લટકાવવામાં આવે છે. માથામાં નંખાતા ધૂપેલ તેલના મસાલામાં પણ એ વપરાય છે. ખસનું અત્તર અને શરબત ખૂબ જ મનમોહક અને મનભાવન છે. પ્રાચીન સમયમાં ઉશીર, ચંદન, હળદર વગેરેનો લેપ ખૂબ જ પ્રચલિત હતો.
ગુણધર્મોઃ હવે ઉશીર એટલે ખસ-વાળાના ગુણધર્મોનું આયુર્વેદીય રીતે નિરૂપણ કરું છું. વીરણ વાળો સ્વાદમાં કડવો, મધુર, ઠંડો, બળતરા અને થાકનો નાશ કરનારો, વાયુ હણનાર, જ્વરનો નાશ કરનાર, તૃષા, મધુપ્રમેહ અને રક્તદોષ હણનાર છે. આ ઉશીર વાળો પરસેવો, પિત્તના રોગ અને દુર્ગંધને હરનાર છે. ઉશીર પાચન, સ્થંભન, લઘુ, મધુર, જ્વરહર, પ્રમેહ, કફ, પિત્તહર, વિસર્પ, મૂત્રકૃચ્છ, વિષ, ઊલટી, ઊબકા અને વ્રણ- ચાંદાં મટાડનાર છે. વાળો કેશ્ય એટલે વાળને માટે હિતાવહ, તે અતિસાર, હૃદયના રોગ, અરુચિ, લાલ સ્ત્રાવ, ત્વચા રોગ અને ખંજવાળનો નાશ કરે છે.
ઉપયોગઃ
* ગરમીથી- ઉકળાટથી અળાઈ થાય તે ઉપર વાળો, ચંદન, ધાણા અને નાગરમોથનો લેપ કરવો.
* દાહ- બળતરા પર વાળો, ગુલાબ કળી, કચૂરો અને સાકરનું ચૂર્ણ ચોખાના ધોવરામણમાં અથવા દૂધમાં ઉંમર પ્રમાણે ઉચિત માત્રામાં નાંખી સવારે અને રાત્રે આપવું.
* બાળકોના રક્તાતિસાર અને બીજા સર્વ પ્રકારના અતિસાર પર તથા ઉધરસ, દમ અને ઊલટી પર વાળો પા ચમચી, સાકર અડધી ચમચી અને મધ એક ચમચી મિશ્ર કરી સવારે અને રાત્રે ચાટવા આપવું- ચટાડવું.
* દાહ ઉપર વાળો અને ચંદન વાટી શરીર પર લેપ કરવો.
* હૃદયશૂળ પર વાળો અને પીપરીમૂળનું સમભાગે બનાવેલું ચૂર્ણ મિશ્ર કરી પાથી અડધી ચમચી જેટલું મલાઈ કાઢેલા દૂધમાં નાંખી સવારે અને રાત્રે આપવું. ઊલટી ઊબકા ઉપર વાળો અને ધાણાનું સમભાગે ચૂર્ણ બનાવી તેમાંથી અડધી ચમચી જેટલું ચૂર્ણ એક ચમચી વાટેલી સાકર સાથે એક કપ પાણીમાં નાંખી પીવા આપવું.
ખસનું શરબતઃ અઢીસો ગ્રામ વાળાને ખૂબ ખાંડી બારીક ચૂર્ણ બનાવી તેને બે કિલો પાણીમાં નાંખી આખી રાત પલાળી રાખી સવારે તેને કપડાંથી ગાળી લેવું. આ દ્રવમાં પાંચસો ગ્રામ સાકર નાંખી તેને ધીમા તાપે ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું. ઉતારતી વખતે તેમાં કેસર, એલાયચી, જાયફળ, જાવંત્રી વગેરે થોડી માત્રામાં નાંખવા. ઠંડું પડે એટલે બાટલી ભરી લેવી. બેથી ત્રણ ચમચી જેટલું આ ઘટ્ટ શરબત એક ગ્લાસ પાણીમાં મિશ્ર કરીને શરબત બનાવી ગ્રીષ્મમાં આપવાથી ઉપર્યુક્ત રોગ મટે છે.

No comments:

Post a Comment