Monday, 8 August 2011

યે દાગ અચ્છે નહીં!

એક વૃદ્ધ દરદીને મળવાનું થયું. તેમની પીઠ પર અને પેટની ચામડી પર સાત આઠ વાદળી રંગના ડાઘા હતા. પગ પર એક અને કપાળ પર બે નાના ડાઘ હતા.
આ તકલીફ આપને ક્યારથી છે?’
ચારેક વર્ષ થયાં છે. ખાસ તકલીફ નથી. પણ ધીમે ધીમે ડાઘાઓનું પ્રમાણ વધતું જાય છે એટલે આપને બતાવવાની ઇચ્છા થઈ. આધુનિક રીતે બ્લડ, યૂરિન, સ્ટુલ વગેરેના ત્રણ ચાર વખત રિપોર્ટ કરાવ્યા પણ એ બધા નોર્મલ જ આવે છે. આધુનિક દવાઓથી ખાસ ફાયદો થયો નથી. હવે આપ મને કોઈ ખાસ લાંબી કડાકૂટમાં ન પડવું પડે એવી સાદી સરળ ઉપચાર પદ્ધતિ જણાવશો તો થાય.
આપની વૃદ્ધાવસ્થાને ધ્યાનમાં રાખીને જ ઉપચારો પ્રયોજીશ કે આપને કોઈ કષ્ટ કે લાંબી ઝંઝટમાં ઊતરવું ન પડે, પરંતુ સૌથી પ્રથમ આપને એક પ્રશ્ન પૂછી લઉં કે આ ડાઘાઓ સ્થાયી છે કે અસ્થાયી સ્વરૂપના? એટલે કે આ ડાઘા પડે તે સ્વયં ધીમે ધીમે મટી જાય છે કે નહીં? અથવા મટી ગયા પછી બીજી જગ્યાએ આવા જ ડાઘ પડે છે એટલે કે ડાઘાઓ  સ્થાયી સ્વરૂપના છે એમ ન કહી શકાય. આ સિવાય ટેમ્પરેચર, ખંજવાળ, બળતરા વગેરે કંઈ તકલીફ નથી. ડોક્ટરોએ પણ લોહીનો બગાડ છે એવા નિદાન પછી દવાઓ લખી આપેલી હવે આપની રીતે જણાવો.
આયુર્વેદમાં વાયુ, પિત્ત અને કફ આ ત્રણ દોષો ગણાવાય છે. એ ત્રણે દોષો જો પોતાની સમ અવસ્થામાં કાર્ય કરે તો શરીરને ઉપકારક છે, અને જો આ દોષોની વૃદ્ધિ કે ક્ષય થાય તો તે શરીરમાં અનેક પ્રકારના રોગ ઉત્પન્ન કરી શકે છે. સુશ્રુતે રક્તને પણ દોષ ગણાવેલ છે પણ બીજા આયુર્વેદના ગ્રંથોમાં રક્ત પણ દોષ છે એવો ઉલ્લેખ નથી,  કારણ કે રક્ત સ્વયં બગડતું નથી.  પણ વાયુ, પિત્ત અને કફ આ ત્રણે દોષોમાંથી જ કોઈ એક દોષ, બે ભેગા કે ત્રણે ભેગા થઈને લોહી બગાડે છે. એટલે લોહી દોષ ન ગણી શકાય.
તમારા કેસમાં લોહીને બગાડનાર વાયુ અને પિત્ત છે. કૃષ્ણતા વાદળીપણું એ વાયુ સૂચક છે. ધીમે ધીમે ડાઘ પાછા મટી જાય છે. તે વાયુ અને પિત્તનું સૂચન કરે છે. પિત્ત પોતાના તીક્ષ્ણ ગુણથી ચામડીની નીચે રહેલ સૂક્ષ્મ રક્તવાહિનીનો એકાદ શિથીલ છેડો તોડી નાંખે છે. જેથી થોડું રક્ત ચામડી નીચે વહે છે અને ત્યાં જામી ગયેલું રક્ત એ જ આ ડાઘ પડયો ગણાય. લોહીમાં પિત્ત ભળવું એ આ રોગની આંતરિક પ્રક્રિયા છે. લોહીના ટેસ્ટમાં આ પિત્ત જણાશે નહીં.કારણ કે આ વિકૃતિમાં પિત્તની માત્રા લોહીમાં અલ્પ હોય છે. જો લોહીમાં પિત્તનું પ્રમાણ વધે તો આખું શરીર કૃષ્ણ વર્ણના ડાઘાઓથી ભરાઈ જાય. એટલે તમારી ચિકિત્સામાં પિત્ત અને વાયુ બંનેને દૃષ્ટિ સમક્ષ રાખીને ચિકિત્સા કરવી જોઈએ તો જ સફળતા મળે. પછી મેં એમને આ પ્રમાણે ચિકિત્સા લખી આપી.
* લીમડાની અંતરછાલ અડધો તોલો અને ગળો અડધો તોલો, રાત્રે અધકચરા ખાંડી બે કપ પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણીમાં ઔષધોને ખૂબ મસળીને ગરમ કરો. ઉકળતા ઉકળતા પાણી અડધા કપ જેટલું બાકી રહે ત્યારે ઉતારીને કપડાંથી ગાળી લો. સહેજ નવશેકું હોય ત્યારે આ પાણી પી જવું. આવી જ રીતે સવારે ઔષધ પલાળી  રાત્રે તેનો ઉકાળો બનાવી પીવો. દિવસમાં બે વખત
* આરોગ્યર્વિધની એક-એક ગોળી ત્રણ ચમચી મહામંજિષ્ઠાદિ ક્વાથ સાથે ગળી જવી.
* અઠવાડિયામાં બે વખત હળવો જુલાબ હિમેજ અથવા હરડેથી લેવો.
* આહારમાં ખારા, ખાટા અને તીખા રસવાળાં દ્રવ્યોનો ઉપયોગ ન કરવો.
આ પ્રમાણેના પંદર દિવસના ઉપચાર પછી હું જ્યારે એમની વિઝિટે ગયો ત્યારે અડધા ડાઘાઓ મટી ગયેલા.

No comments:

Post a Comment