ઉચ્ચ રક્તચાપ એટલે કે હાઈ બ્લડ પ્રેશરને આજે ઉંમરનો કોઈ બાધ રહ્યો નથી. તેનું મુખ્ય કારણ આજની જીવનશૈલી અને ખાનપાનની ટેવ છે. ઉચ્ચ રક્તચાપ પ્રારંભિક અવસ્થામાં તેનો ભોગ બનનારી વ્યક્તિના શરીરમાં ચૂપચાપ પોતાનું વર્ચસ્વ જમાવે છે અને શરીરનાં વિવિધ અંગોને ખાસ કરીને હૃદયને નુકસાન પહોંચાડતો રહે છે. વ્યક્તિને પોતાના રોગની જાણ થાય તે પહેલાં જ તે વ્યક્તિનાં મગજ, હૃદય, કિડની અને આંખોને પણ નુકસાન કરી ચૂક્યો હોય છે. આજે સ્થિતિ એ છે કે ૪૦ વર્ષની ઉંમર પછી ૧૦માંથી એક વ્યક્તિ ઉચ્ચ રક્તચાપથી પીડિત છે. ઉચ્ચ રક્તચાપ અને હૃદયરોગ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. ઉચ્ચ રક્તચાપ અસામાન્ય રક્ત દબાણવાળી વયસ્ક વ્યક્તિની એ અવસ્થા હોય છે, જે આંતરિક કારણોથી તેનું રક્તદબાણ વધતાં ૧૪૦/૯૦ ની લક્ષ્મણરેખા ઓળંગી જાય છે.
ઉચ્ચ રક્તચાપની ફરિયાદ મોટાભાગે ૪૦ વર્ષની ઉંમર પછી ઊભી થાય છે. ઉંમર વધવાની સાથે સાથે રક્તવાહિનીઓ સખત થઈ જાય છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ મહિનામાં રોગીઓમાં રક્તચાપ વધે છે. ઓગસ્ટ. સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનામાં આ રોગ ઓછો વિતાડે છે. મે, જૂન, જુલાઇમાં પરસેવાને કારણે રક્ત શુદ્ધ થતું રહે છે. તેથી આ મહિનામાં રોગીઓનો રક્તચાપ સામાન્ય રહે છે. ખાનપાનની ટેવ સુધારવામાં આવે, જીવનશૈલીમાં નિયમિતતા અને યોગનો સમાવેશ કરવામાં આવે તો આ રોગથી છૂટકારો મેળવી શકાય છે.
લક્ષણ
* ઘણી વાર રોગીને ચક્કર આવવા માંડે છે અને તેમને નબળાઈ જેવું લાગે છે.
* રોગીના હૃદયના ધબકારા વધી જાય છે અને થોડી મહેનત કરવાથી રોગીનો શ્વાસ ફૂલે છે.
* જ્યારે રોગી સવારે સૂઈને ઊઠે છે ત્યારે તેની ગરદન અને માથાના ભાગમાં દરદ થાય છે.
* રોગીને માનસિક તણાવ પણ થાય છે અને ઊંઘ આવતી નથી.
* આ રોગમાં ઘણા લોકોને ડાબા ખભા અથવા છાતીમાં દુખાવો થાય છે.
* કારણ વગર રોગીના નાક અને પેશાબની સાથે લોહી આવવા માંડે છે.
* આંખો લાલચોળ રહે છે તથા ઘણી વાર આંખોમાં કાળો મોતિયો પણ આવી જાય છે.
કારણ
* ૮૫ ટકા કિસ્સાઓમાં તપાસ્યા પછી પણ ઉચ્ચ રક્તચાપનાં ખરાં કારણો વિશે ખબર જ નથી પડતી. આ અવસ્થાને પ્રાઈમરી હાઈપરટેન્શન કહેવાય છે. આમ તો આ પ્રકારનાં રક્તચાપનાં કારણો વિશે ખબર જ નથી પડતી પરંતુ તેનાં કેટલાંક નિશ્ચિત કારણો વિશે જાણી શકાય છે. આજની એશઆરાવાળી જીવનશૈલી, ધૂમ્રપાન, વારસાગત, અતિ વ્યસ્ત જીવનશૈલીને લીધે જીવન પર પડનારા કુપ્રભાવ, આળસુ જીવન, એકાકી જીવન, હતાશા, નિરાશા. આ બધાં કારણોથી બ્લડપ્રેશરમાં વૃદ્ધિ થાય છે.
* તણાવ, ચિંતા, ભય, શોક, ઊંઘ ન આવવાને કારણે પણ ઉચ્ચ રક્તચાપની સમસ્યા થઈ શકે છે.
* ડાયાબિટીસ, કિડનીમાં પથરી, કિડનીમાં સોજો, કોલેસ્ટ્રોલમાં વધારાને કારણે પણ ઉચ્ચ રક્તચાપ થઈ શકે છે.
* ખાનપાનની અનિયમિતતા, ભેળસેળવાળા ખાદ્યપદાર્થ ખાવાથી, જંતુનાશકો અને રાસાયણિક ખાતરનો વધુપડતો ઉપયોગ પણ ઉચ્ચ રક્તચાપનું કારણ બને છે.
જડીબુટ્ટીઓ દ્વારા ઉપચાર
* જટામાસી, શંખપુષ્પી, સર્પગંધા, બ્રાહ્મી અને વચનું ચૂરણ સરખા પ્રમાણમાં મેળવી, તેમાં એના કરતાં અડધા પ્રમાણમાં અકીકપિષ્ઠી * મેળવી એક શીશીમાં ભરી લો. ઉચ્ચ રક્તચાપના રોગીએ નિયમિતરીતે આ મિશ્રણમાંથી ચતુર્થાંશ ચમચી જેટલું ઠંડા પાણી સાથે લેવું.
* હરડે, બહેડાં, આંબળાં અને સર્પગંધાનું સરખા પ્રમાણમાં ચૂર્ણ લો અને સીલનાં પાંદડાંના રસ સાથે સારી રીતે ખલમાં ઘૂંટો. સુકાઈ જાય ત્યારે એક શીશીમાં ભરી લો. તેમાંથી અડધી ચમચી જેટલું દિવસમાં બે વાર તાજા પાણી સાથે લેવું જોઈએ.
* લસણને પાણીમાં ઉકાળી આ પાણીને દિવસમાં વારંવાર પીઓ.
પ્રાકૃતિક ઉપચાર
પ્રાકૃતિક ઉપચાર દ્વારા રક્તચાપ ઓછો કરવામાં સફળતા મેળવી શકાય છે. જળ ચિકિત્સા અને માટી ચિકિત્સા દ્વારા રોગને કાબૂમાં કરી શકાય છે. માટી ચિકિત્સામાં રોગીને આખા શરીર પર માટીનો લેપ કરવામાં આવે છે. કરોડ અને માથા પર માટીની પટ્ટીઓ મૂકવામાં આવે છે અને તપેલી રેતનું સ્નાન કરાવવામાં આવે છે. જળ ચિકિત્સામાં રોગીને સૌ પ્રથમ એનિમા આપવામાં આવે છે. પછી ગરમ પાદપ સ્નાન કરાવવામાં આવે છે. જળ માલિશ સાથે સ્નાન કરાવવામાં આવે છે. ઠંડું કટિસ્નાન, કરોડનું ઠંડું સ્નાન આખી ભીની ચાદર લપેટી અને સૌમ્ય બાષ્પસ્નાન રોગીને કરાવવામાં આવે છે.
યૌગિક ઉપાય
શવાસન અને શ્વસનક્રિયાઓ દ્વારા અનુલોમ- વિલોમ, ચંદ્ર અનુલોમ- વિલોમ દ્વારા ઉચ્ચ રક્તચાપના રોગી લાભ લઈ શકે છે.
No comments:
Post a Comment