Friday, 12 August 2011

ભારતમાં પણ સ્ત્રીઓ સલામત નહીં, શા માટે ?




નારી તું નારાયણી જેવા શબ્દોથી સ્ત્રીઓને નવાજતો આ સમાજ જો કે, અન્ય પછાત દેશના જેમ જ નારીઓના દુઃખનું કારણ પણ બનતો રહે છે અને તેથી જ પ્રતિદિન અખબારોમાં વિકાસની સૂફિયાણી હેડલાઈન્સ વચ્ચે આવા સમાચારો અવશ્ય જોવા મળે છે
યત્ર નાર્યસ્તું પૂજયંતે રમંતે તત્ર દેવતા...જેવી પંક્તિઓ ભારત જેવા સંસ્કારિક અને ઐતિહાસિક મૂલ્યો ધરાવતા દેશમાં જ સાંભળવા મળી શકે, પરંતુ હકીકતમાં ધારવામાં આવે તેટલું રૂપાળું ચિત્ર ભારતીય સંસ્કારી સમાજમાં જોવા મળતું નથી તે એક દુઃખદ હકીકત છે. નારી તું નારાયણી જેવા શબ્દોથી સ્ત્રીઓને નવાજતો આ સમાજ જો કે, અન્ય પછાત દેશના જેમ જ નારીઓના દુઃખનું કારણ પણ બનતો રહે છે અને તેથી જ પ્રતિદિન અખબારોમાં વિકાસની સૂફિયાણી હેડલાઈન્સ વચ્ચે આવા સમાચારો અવશ્ય જોવા મળે છે.
* યુ.પી.માં છેલ્લા કેટલાક સમયથી દલિત બાળાઓ પર બળાત્કાર કે સામૂહિક બળાત્કારની ઘટનાઓ વધવા પામી.
* વેસ્ટર્ન ઇન્ડિયાના એક નાળામાંથી એકસાથે ૯ જેટલા કન્યાભ્રૂણ મળી આવ્યા.
* ભારતની રાજધાની દિલ્હીમાં સડક પર ચાલુ કારે ગેંગરેપની ઘટનાઓમાં તેજી.
* આ સિવાય ભારત જેવા સુધરેલ સમાજમાં દેશનાં મોટાં શહેરોમાં આજીવિકા માટે ઝડપથી વધતી જતી વેશ્યાવૃત્તિ.
આ પ્રકારના સમાચારો રોજબરોજની હેડલાઈન્સ બનતા જોવા મળે છે ત્યારે નારીની સફળતાના દાવાઓ કરતાં સમાજની સાચી માનસિકતાનું વરવું સ્વરૂપ ખુલ્લી આંખના દુઃસ્વપ્ન જેવું સામે આવે છે. મુદ્દાની વાત કરીએ તો, દરેક મામલે પ્રગતિશીલ બનેલ ભારતીય સમાજમાં સ્ત્રીઓ વેસ્ટર્ન કન્ટ્રીઝની જેમ સતત આગળ વધી રહી છે. સમાજમાં સમાનતાનો સિદ્ધાંત લોકોમાં ધીમા, પરંતુ મક્કમ પગલે સ્વીકાર્ય થતો ચાલ્યો છે તો તેની ઊલટ દિશામાં સમાજમાં સ્ત્રીઓ વિરુદ્ધની ગુનાખોરી પણ વધુ ને વધુ પ્રમાણમાં પાંગરી રહી છે. ત્યારે શું આવો વિકાસ કોઈ પણ સમાજને પસંદ આવી શકે કે પછી સ્ત્રીઓ ભય વિના છૂટથી હરીફરી શકે ખરી ? કે પછી તેના કામ અર્થે બહાર નીકળે ત્યારે શું તે ભરોસો કરી શકે કે તે સુરક્ષિતપણે રોજ સાંજે તેના ઘરે પરત ફરી શકશે ?
જો કે, આમ તો આપણી આસપાસ રોજબરોજ ઘટતી અનેક ઘટનાઓ જ સ્વયં સમાજનું સાચું ચિત્ર રજૂ કરતી રહે છે, પરંતુ હાલમાં જ થોમસન રાઈટર્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ એક સર્વે મુજબ  સેક્સ ટ્રાફિકિંગ અને કન્યા ભ્રૂણ હત્યા મામલામાં ભારત અફઘાનિસ્તાન, કોંગો અને પાકિસ્તાન બાદ ચોથા સ્થાને આવે છે. રાઈટર્સ ફાઉન્ડેશનના સર્વેમાં સીબીઆઈના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, વર્ષ-૨૦૦૯માં લગભગ દસ કરોડ સ્ત્રીઓ અને છોકરીઓની તસ્કરી થઈ જેમાંથી ૯૦ ટકા તો દેશની અંદરથી જ કરવામાં આવી તેમ જ દેશભરમાં લગભગ ૩૦ લાખ સ્ત્રીઓ વેશ્યાવૃત્તિથી તેમના પરિવારની આજીવિકા ચલાવે છે. જેમાંથી ૪૦ ટકા તો નાબાલિગ યુવતીઓ છે. આ સિવાય બળાત્કાર, જાતીય સતામણી, તે અપમાનિત થાય તે પ્રકારે તેને નગ્ન કરી ગામમાં ફેરવવી (યુ.પી. અને બિહારના નાના ગામોમાં કૌટુંબિક અદાવતોનો બદલો પણ આ પ્રકારે લેવામાં આવે છે). જબરદસ્તી લગ્ન કરાવવાથી લઈને લેબરવર્ક માટે છોકરીઓ સપ્લાય કરવી, બાળવિવાહ, લેબર ટ્રાફિકિંગ, ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ, દહેજ હત્યા જેવા સ્ત્રી વિરુદ્ધના ગુનાઓ પણ ભારતીય વિકસિત સમાજમાં ફૂલીફાલી રહ્યા છે અને તેનાથી એક કદમ આગળ સ્ત્રીઓ માટે સન્માનની અને સુધારાની મોટી મોટી વાતો કરતો સમાજ આજે પણ કન્યા જન્મને ધિક્કારે છે અને તેથી જ ૨૦૧૧ સુધી પહોંચતા પહોંચતા જ ભારતમાં ૦-૬ના આયુષ્ય વર્ગમાં છોકરા-છોકરીઓનો રેશિયો કેવળ ૯૧૪ રહી ગયો છે. નોંધનીય છે કે, આ રેશિયો ૨૦૦૧માં ૯૨૭ હતો. એક ઇન્ડો-કેનેડિયન સ્ટડી મુજબ પાછલા બે દક્ષક દરમિયાન  દેશમાં ૧ કરોડ કન્યાભ્રૂણ હત્યાઓ થઈ છે. આ છે સુધરેલ સમાજનો દંભી ખતરનાક ચહેરો કે, જ્યાં સ્ત્રીઓના નામે માસૂમ કળીઓને મસળી નાંખવાના છાનાં છપનાં ધંધાઓ હાયર એજ્યુકેટેડ વર્ગ કરે છે અને કસાઈની ભૂમિકા ભજવે છે ડોક્ટરો, ત્યારે અન્ય ગુનેગારોની તો વાત જ ક્યાં કરવી ?  વધુમાં બળાત્કાર તો જાણે કે, આ દેશમાં સામાન્ય ક્રાઈમની લાઈનમાં આવવા લાગ્યો છે તેમાં પણ યુ.પી., બિહાર અને દેશની રાજધાની દિલ્હીમાં તો રેપ અને ગેંગરેપ તે રોજનીશી થઈ ગઈ છે.
તેમાં પણ ઉત્તરપ્રદેશમાં હાલમાં જ દલિત યુવતીઓ પર થયેલ બળાત્કારની ઘટનાઓએ દેશમાં ચર્ચા જગાવવાનું કામ કર્યું છે. જો કે, ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી માયાવતીએ આ ઘટનાઓને પગલે સીઆરપીસીની કલમ ૪૩૭ અને ૪૩૯માં સંશોધન કરવાનો ફેંસલો કર્યો છે જેથી કરીને રેપના મામલામાં સુનાવણી છ માસમાં જ પૂરી કરી શકાય અને આ અપરાધને ગેરજમાનતી  બનાવી શકાય, પરંતુ  બળાત્કારને લાગેવળગે છે ત્યાં સુધી તેના માટે થોડા કાયદાઓમાં સુધારા-વધારા કરવાથી કોઈ વિશેષ ફાયદો થઈ શકશે નહીં. તેની પાછળ અનેક કારણો છે. જો કે બળાત્કારના ગુનાઓ ભારતીય સમાજમાં જ વધુ બને છે તેવું હરગીઝ નથી. દુનિયાભરના દેશોમાં સ્ત્રી સંબંધિત આ જઘન્ય અપરાધ સદીઓથી જડ જમાવી ચૂક્યો છે અને દુનિયાના વિકસિત દેશોમાં આ માટે કડક કાયદાઓ ઉપલબ્ધ હોવા છતાં તેને રોકી શકાતો નથી અને તે માટેનું સૌથી મોટું કારણ એ છે કે, દુનિયાભરના તમામ દેશોના પુરુષવર્ગમાં નારીઓ અંગેની માન્યતાઓ જેમાં સૌથી પ્રબળ માન્યતા છે નારીને નુમાઈશની ચીજ માનવી અને આ માન્યતા આજે સદીઓની સફર બાદ પણ તેમના ભેજામાંથી ભૂંસાઈ શકી નથી અને એટલે જ બળાત્કારો
કે જાતીય સતામણીના કિસ્સાઓ ભારત જેવા સંસ્કારી દેશથી લઈને પશ્ચિમના ફ્રી માઈન્ડેડ દેશોમાં પણ બનતાં રહે છે. જો કે નવાઈની વાત તો તે છે કે, બળાત્કાર જેવી અમાનવીય ઘટનાઓ અંગે કેટલાક લોકો તેવી પણ દલીલ કરે છે કે, સ્ત્રીઓ દ્વારા પહેરવામાં આવતા ભડકાઉ કપડાંઓ અને ચેષ્ટાઓને કારણે આ કામુક અત્યાચાર પાંગરે છે. જો કે આ માટે મોટાભાગના સમાજ તેવું માને છે કે, કામુકતા સંબંધિત આ ગુનો આવા જ કારણોસર પાંગરે છે. ત્યારે આ જ મુદ્દાને કારણે હાલમાં જ પશ્ચિમના કેટલાક દેશમાં ઉગ્ર આંદોલન થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પશ્ચિમના કેટલાક દેશોમાં ધૂમ મચી છે. કેનેડાથી શરૂ થયેલ આ આંદોલન હાલ ઘણા દેશોમાં પહોંચી ચૂક્યું છે. આ આંદોલનમાં સ્ત્રીઓએ સાવ ઓછા અને ટૂંકાં કપડાં પહેરીને દેખાવો કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, હાલના દશકાઓમાં આટલું મોટું નારીવાદી આંદોલન ક્યાંય થયું નથી. હકીકતમાં આ ઇસ્યુ ટોરેન્ટો (કેનેડા)ના એક પોલીસ અધિકારીએ કરેલ એક નિવેદનને પગલે ઊભો થયો છે. તેણે તેવું વક્તવ્ય કર્યું હતું કે, સ્ત્રીઓએ અગર યૌન હિંસાથી બચવું હશે તો તેમણે સ્લટ (ફુવડ) જેવાં કપડાં ન પહેરવા જોઈએ. એટલે કે, અસુરક્ષા તથા યૌન હિંસા માટે તે અધિકારીએ મહિલાઓના પોષાકને તથા તેમના વ્યવહારને જવાબદાર ઠેરવ્યો હતો. આ પ્રકારની ટિપ્પણી બાદ કેનેડાની મહિલાઓએ જાણીજોઈને આવા કપડાં પહેરીને સ્લટવોક કરી હતી અને વિરોધ દર્શાવ્યો હતો.
ત્યારે દુનિયાના ઘણા દેશોમાં આ મુદ્દે  ચર્ચા છેડાઈ છે કે, આવી અર્ધનગ્ન પરેડ વિરોધ દર્શાવવા કેટલી યોગ્ય છે ? જો કે તેમાં મુદ્દાની વાત તો વિસરાઈ જ જાય છે કે, બળાત્કાર જેવા ગુના માટે આવી દલીલ કેટલે અંશે યોગ્ય છે ? જો કે, વાતમાં દમ હોય કે ન હોય, પરંતુ તે હકીકત છે કે, આ જ પુરુષપ્રધાન અને કદાચ સમગ્ર સમાજ કે જેમાં નારી પોતે પણ સામેલ છે તે સ્ત્રીના રૂપાળા શરીરને ક્યાંક ને ક્યાંક પ્રદર્શનનું સાધન માને છે. દા.ત. સ્પોર્ટ્સની જ વાત કરો તો બેડમિન્ટનને આકર્ષક બનાવવા તથા પોપ્યુલર બનાવવા માટે આ ક્ષેત્રના અધિકારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે, મહિલા ખેલાડીઓ માટે ટૂંકા સ્કર્ટનો ડ્રેસ રાખવો અને આ માટે તેવો તર્ક રાખવામાં આવ્યો હતો કે, તેનાથી ગ્લેમર વધશે અને લોકો તે જોવા આકર્ષાશે. નોંધનીય છે કે, ટેનિસમાં ઓલરેડી આ જ પ્રકારનો ડ્રેસ મહિલા ખેલાડીઓ માટે રાખવામાં આવેલ છે.
જો કે, આવું સ્પોર્ટ્સમાં જ છે તેવું નથી. આજે અનેક ક્ષેત્રોમાં મહિલાના શરીર સૌષ્ઠવના પ્રદર્શનનો ભરચક ઉપયોગ કરી લાભ લેવામાં આવે છે. પ્રાઈવેટ એર ર્સિવસિસથી લઈને સમાજમાં યોજવામાં આવતાં લગ્ન સમારંભોમાં ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા લગ્ન સમારંભ દરમિયાન ખાણી-પીણી પીરસતી યુવતીઓને પણ શોર્ટ સ્કર્ટનો ડ્રેસ રાખવામાં આવે છે. તો કેટલાક પરિવારની યુવતીઓ રોજબરોજના પરિધાનો પણ તેવા જ પહેરે છે કે, જેમાં તેમનું યૌવન ડોકાતું હોય અને આવાં જ કપડાંઓમાં તેઓ શોપિંગથી લઈ અનેક કામો પણ કરતી જોવા મળે છે. ત્યારે સવાલ એ થાય છે કે, શું સમાજ પોતે પણ અશ્લીલતાને તેના લાભ માટે પોષતો નથી ? કે તે પોતે પણ આ કામુક ગુનાઓ માટે ક્યાંક જવાબદાર છે ?
તો સામે છેડે એક વાત પણ એટલી જ સાચી છે કે, કોઈની આઝાદીમાં ખલેલ પાડવાનો કોઈને હક નથી. સ્ત્રીઓ ફેશનેબલ કે થોડા નોટી કપડાં પહેરે એટલે શું તેમને ગંદી નજરે જોવાની ? શું તેમને તેમના શોખ પોષવાનો કોઈ હક નથી ? સંવિધાનમાં પણ સ્વતંત્રતાનો સ્વીકાર કરવામાં આવ્યો છે, ત્યારે બળાત્કાર માટે આવા કપડાંઓને જ દોષિત ઠેરવવા તે વાજબી કારણ નથી અને વધુમાં આ જ સમાજ કે પુરુષવર્ગ તેના ધંધા-વ્યવસાય માટે જ્યારે સ્ત્રીઓના શરીરનો એક પ્રદર્શન તરીકે ઉપયોગ કરતો હોય ત્યારે તેને વ્યવહારુ ગણવાનું અને બળાત્કાર થાય ત્યારે સ્ત્રીઓ જવાબદાર ઠેરવવાની. ત્યારે તે સ્થિતિમાં ગુનો બને ત્યારે હરીફરીને સઘળો દોષ સ્ત્રીઓના માથે ઢોળી દેવો તે એક અન્યાય જ ગણાય.
વાસ્તવમાં કોઈ પણ વિકાસશીલ કે વિકસિત દેશમાં કે સમાજમાં આવા ગુનાઓ તે પ્રગતિમાં વિઘ્ન સમાન છે. સમાનતાના આ યુગમાં દરેકને પોતાની રીતે જીવન જીવવાનો હક છે અને તેનાથી વિશેષ બાબત તો તે છે કે, ભારત જેવા સંસ્કારી દેશમાં કે જ્યાં નારી સન્માનની ઊંચામાં ઊંચી ભાવનાને શાસ્ત્રોમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે પણ જો નારી સલામત જ ન હોય તો એ મોટી મોટી વાતો જ બની રહે છે. સલામતી વિનાના વિકાસને વિકાસ કહેવો એટલે નર્યો દંભ આચરવા જેવી બાબત છે.

No comments:

Post a Comment