Friday, 19 August 2011

જીભના વધારે ચટાકા ચટપટા બટાકા


 
કોઇપણ બીજાં શાકભાજી કરતાં બટાકામાં પોટેશિયમ વધુ છે. બટાકામાં કેળા કરતાં પણ વધુ પોટેશિયમ મળી રહે છે.

ઓછી મલાઇવાળા દૂધમાં બનાવેલા બટાકા પણ સ્વાદિષ્ટ લાગે છે.

બધાં જ શાકમાં બટાકા સૌથી પ્રખ્યાત અને કદાચ દરેક ઘરમાં સૌથી વધુ માનીતું શાક છે. તેનું કારણ તે દરેક શાક સાથે ભળી જાય છે. તેની જાતજાતની વાનગી બને છે. બટાકાં કોમ્પ્લેકસ કાર્બોદિત પદાર્થોથી ભરપૂર છે, જે શરીરને ભરપૂર એનર્જી આપે છે. પરંતુ તમે માનો છો, તેટલાં તે હાઇ કેલેરી નથી. એક મીડિયમ સાઇઝના બટાકામાં લગભગ ૧૫૦ કેલેરી હોય છે. તેમાં ૫ ગ્રામ ફાઇબર હોય છે, જે પાચનમાં ખૂબ મદદરૂપ થાય છે. આ ઉપરાંત તેમાં વિટામિન અને મીનરલ્સ ભરપૂર છે.

એક બટાકામાંથી લગભગ ૯૦૦ મિલીગ્રામ પોટેશિયમ મળી રહે છે જે તમારી રોજની ૨૦ ટકા જરૂરિયાત પૂરી કરે છે. પોટેશિયમ શરીરના વિકાસ માટે તેમ જ સેલના મેન્ટેનન્સ માટે ખૂબ જરૂરી છે. આ નર્વ સિસ્ટમને મદદ કરે છે તેમ જ શરીરના મસલ્સને મદદરૂપ થાય છે. શરીરના બ્લડ પ્રેશરને મેન્ટેન કરવા માટે પણ બટાકામાંનું પોટેશિયમ ઉપયોગી થાય છે.

અમુક પ્રમાણમાં વિટામીન ‘સી’ અને વિટામીન બી૬ પણ ધરાવતાં બટાકા બ્લડ કલોટિંગમાં મદદરૂપ છે. તેના લીધે વાગેલા ઘા પર રૂઝ ઝડપથી આવે છે. જો બટાકા આટલાં બધા હેલ્ધી છે તો વધુ વજનવાળા લોકો તે ખાતાં આટલો બધો વિચાર કેમ કરે છે? ચાલો, બટાકા વિશે આપણા મનમાં વારંવાર ઉદ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ લાવીએ.

બટાકાની ચિપ્સ અથવા વેફર્સ કેટલી ખવાય?

જ્યારે બટાકાને તળવામાં આવે ત્યારે તેમાં તેલની ચરબી આવે છે, જે તેની કેલેરીમાં વધારો કરે છે. તે ઉપરાંત, તેમાં એક્રીલામાઇડ (acrylamide) નામનું ટોકિસન ઉમેરાય છે. જ્યારે સ્ટાર્ચવાળા પદાર્થો વધુ પડતાં તાપમાનમાં બનાવવામાં આવે ત્યારે આ ટોકિસન ઉત્પન્ન થાય છે. આવા ટોકિસન શરીર માટે નુકસાનકારક છે.

બટાકાનો ઉપયોગ

એક મીડિયમ સાઇઝનાં બટાકામાં ૧૫૦ કેલેરી આવતી હોવાથી રોજિંદા ખોરાકમાં દરેક શાકમાં બટાકા નાખીને ખાવાની પદ્ધતિને બદલવાની જરૂર છે. દરરોજ બટાકાને દરેક શાકમાં નાખવાના બદલે અઠવાડિયામાં એક અથવા બે વખત બટાકાનું શાક અથવા પેટિસ બનાવીને ખાવી વધુ હિતાવહ છે. બટાકાની છાલમાં ફાઇબર છે તેમ જ વિટામિન, મીનરલ્સ પણ રહેલા છે.

જો છાલ સાથે ખાવામાં આવે, તો વધુ ફાયદાકારક રહે છે.

બટાકા શરીર માટે સારા કે ખરાબ?

બટાકામાંથી પોષણયુક્ત વાનગી બનાવવામાં આવે અને તેને તેના કુદરતી સ્વરૂપે ખાવામાં આવે ત્યાં સુધી તે શરીર માટે સારા છે. બાફેલા કે બેક કરેલાં બટાકા શરીર માટે સારા છે. તળેલા અને માખણ, ચીઝ ઉમેરેલાં હાનિકારક છે. વધુ પડતાં લો-કાર્બ હોવાને લીધે લોકો બટાકાને ઓછા પસંદ કરવા માંડ્યા છે. તેમાં ભરપૂર સ્ટાર્ચ છે અને પ્રોટિન ઓછું છે. તેનો અર્થ એવો નથી કે બટાકા શરીર માટે ખરાબ છે.

બટાકા ખાવાથી વજન વધે?

બટાકા તળીને ખાવાથી વજન વધે છે, જ્યારે બાફીને કે બેક કરીને ખાવાથી વજન વધવાની શક્યતા રહેતી નથી.

બટાકામાંથી વાનગી બનાવવી સરળ છે. તેને બાફીને ખવાય છે. સ્ટોર પણ કરાય છે. ઓછા તેલમાં વઘારાય છે અથવા શેકીને પણ ખવાય છે.

No comments:

Post a Comment