‘હલ્લો, મૈં ડૉ.. સજની બાત કરી રહી હૂં. અમદાવાદની જાણીતી કિડની હોસ્પિટલના પીડિયાટ્રીક ટ્રાન્સપ્લાન્ટ સર્જનનો અવાજ હતો.’ એક દસ સાલ કી બચ્ચી વર્ષા કો બેડવેટિંગ કે લિએ આપ કે પાસ ભેજ રહી હૂં. મુજે લગતા હૈ વર્ષા કો સાઇકોલોજિકલ ટ્રીટમેન્ટ કી જરૂરત હૈ.’ મેં કહ્યું, ‘ઠીક હૈ, આપ ઉસે અપને મમ્મી-પપ્પા કે સાથ ભેજીએ.’
મેં એ ત્રણેયને સાથે બોલાવ્યા. કેસ હિસ્ટ્રી લીધી. વર્ષાને રાત્રે પથારીમાં પેશાબ કરવાની તકલીફ હતી. આને ‘નોકટર્નલ એન્યુરેસિસ’ની બીમારી કહેવાય. વર્ષાનાં મમ્મી-પપ્પા સાથે વાતચીત કરતાં માલૂમ પડ્યું કે બે વર્ષ પહેલાં જ એમના જોઈન્ટ ફેમિલીમાં બીજા દીકરા શરદનો જન્મ થયો હતો. એ વખતે દાદા-દાદી અત્યંત ખુશ થયા. ઘરનો કુળદીપક આવ્યો તેના માનમાં અમદાવાદની મોટી હોટલમાં પાર્ટી કરી હતી.
વખત વીતતો ગયો તેમ શરદકુમારના માનપાન વધતા ચાલ્યા. કરોડોની મિલકતનો વારસદાર જાણે કોઈ ધાર્મિક પરંપરાગત સંપ્રદાયનો ‘બાળવડો’ હોય એવું પાલનપોષણ થવા લાગ્યું હતું. વર્ષા શરૂ શરૂમાં બહુ રોમાંચિત હતી. આઠ વર્ષ નાના ભાઈને ‘બાળમમ્મી’ની જેમ સાચવતી હતી. નેપી બદલાવે, બેબી ફૂડ ખવડાવે, બાબાગાડીમાં ફરવા લઈ જાય. બધું સુપેરે ચાલતું હતું. એક તરફ મા-બાપ અને દાદા-દાદી એમની છોકરા માટે માનેલી બાધાઓ પૂરી કરવામાં વ્યસ્ત હતા. સમય સડસડાટ વધતો ચાલ્યો. સાથે-સાથે ઘરના ચારેય (કહેવાતા) વડીલો, વર્ષાને વાતે વાતે સૂચનાઓ આપવા લાગ્યા.
એક વખત એ નાના શરદને ઉંચકીને રમતી હતી ત્યારે જ મમ્મીએ શરદને હાથમાંથી ખેંચીને લઈ લીધો અને વર્ષાને ખૂબ ધમકાવી, ‘કંઈ ભાન-બાન પડે છે? કેટલીય બાધા-આખડી પછી મારો દીકરો ભગવાને આપ્યો છે. તારા હાથમાંથી છટકી જશે તો હું શું મોઢું બતાવીશ? ડફોળ, ચલ જા અહીંથી.’
વર્ષા હેબતાઇ ગઈ. ગભરાઈ ગઈ. એ જ વખતે એના પપ્પાએ પાછળથી એક ધબ્બો લગાવી દીધો. અચાનક આઘાતથી એના કુમળા માનસ પર જાણે વજ્રાઘાત થયો અને પછી તો અવારનવાર આવા આઘાતોની પરંપરા ચારેય બાજુથી ચાલુ જ રહી. વર્ષાનો જાણે-અજાણે ‘તિરસ્કાર’ અને શરદનો ‘ઓવર સ્વીકાર’ ધીરે ધીરે વર્ષામાં એક ‘અનવોન્ટેડ ચાઈલ્ડ’ની લાગણી ઊભી કરી રહ્યો હતો.
રાત્રે પથારીમાં પેશાબ કરવાનું પણ એ ‘ધબ્બા’ની ઘટના પછી જ ચાલુ થયું હતું. અહીં સવાલ માત્ર દીકરા-દીકરી વચ્ચેના તફાવતનો નહોતો પણ એબ્નોર્મલ ઉછેરનો હતો. વર્ષાને થેરપી અપાઈ. પરિવારને ‘ફેમિલી થેરપી’ અપાઇ. બાળઉછેરની ભૂલોનું કાઉન્સેલિંગ થયું. દોઢ-બે મહિનાની સારવાર બાદ હવે બધી ઋતુઓ વસંત સમાન છે.‘
No comments:
Post a Comment