Wednesday, 10 August 2011

ચોમાસામાં કિચન રાખો ભેજમુક્ત


સ્માર્ટ શ્રીમતી - સ્મિતા સંઘવી
ગયા અંકમાં આપણે બેડરૂમ, ડ્રોઇંગરૂમ સહિત ઘરને ચોમાસામાં ભેજ રહિત રાખવા વિશે વાત કરી. આ વખતે રસોડાને અને રસોડાની સામગ્રીની જાળવણી અંગે જાણીશું. ચોમાસામાં ખાદ્ય ચીજો અને ક્રિસ્પી આઇટમોને ભેજ લાગતાં તે હવાઈ જાય છે. વર્ષભરનું અનાજ, મસાલા, અથાણાં એકસાથે જ ભરીએ છીએ, ત્યારે ચોમાસાના ભેજમાં સંગ્રહ કરેલી ચીજો બગડી જાય છે. તેમાં ફૂગ આવી જવાનો ભય સતત સતાવતો રહે છે. તો ભેજવાળા વાતાવરણમાં રસોડાને ભેજમુક્ત રાખવાથી નુકસાન ટળે છે. આજે આ લેખમાં જાણીશું કે ભેજવાળા વાતાવરણમાં આવી ખાદ્ય વસ્તુઓની કેવી રીતે જાળવણી કરી શકાય?
રસોડામાં છત પરથી કોઇ જગ્યાએથી પાણી નથી ટપકતુંને તે તપાસો અને વહેલી તકે તેનો ઉકેલ લાવો. વોશબેસિનના પાણીનો યોગ્ય નિકાલ કરવો. રસોડાની સાફસફાઇમાં ફિનાઇલ કે ડેટોલનો વપરાશ કરો. પાણીથી ધોયા પછી રસોડામાં કોરા કપડે પોતું મારો. ઘણી વાર રસોડાની ચોકડી, વોશબેસિન, પાણિયારું કે નળ હોય એ જગ્યા ભેજવાળી હોવાથી કંસારી, વંદા અને મચ્છરનો ઉપદ્રવ વધે છે. જેના નિકાલ માટે અનાજને અસર ન કરે તેવાં જંતુનાશક છાંટો. ભેજના કારણે અનાજ, કઠોળ અને મસાલામાં ધનેડાં, ઇયળ પડે છે તેથી અનાજને સુરક્ષિત રાખવા અને ભેજ ન લાગે તે માટે રસોડાની દીવાલમાં ભેજ લાગતો હોય તેનાથી  અનાજની કોઠી, મસાલાના ડબ્બા દૂર રાખવા. અનાજની કોઠીને સ્ટેન્ડ પર જ રાખવાનો આગ્રહ રાખો. અનાજ પછી વાત આવે છે તળેલી વસ્તુઓની. પાપડ, વેફર, સેવ, મમરી, ચિપ્સ અને ફરસાણ જેવી તળેલી વાનગીઓની ફરમાઇશ ચોમાસામાં વધુ રહે છે.  આવી ચીજોને તળવા માટે કાઢતી વખતે કે તળાઇ ગયા બાદ ડબ્બામાં પેક કરતાં પહેલાં પોલિથિન બેગમાં પેક કરવી. ડબ્બા, બરણી, જારને પણ સૂકી અને ભેજરહિત જગ્યાએ રાખવી.  જો કોઈ વસ્તુ સ્ટીલનાં વાસણમાં બરવી હોય તો તે વાસણને હળવી આંચમાં ગરમ કરીને ઠંડું પડે પછી તેમાં વસ્તુઓ ભરવી.
અનાજ દાળ કે કઠોળનો કાચો લોટ, તલ, મગફળી વગેરેને પણ પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને રાખવા જોઇએ. વસ્તુઓના સંગ્રહ માટે બજારમાં મળતી ઝીપલોક બેગ પણ વાપરી શકાય. ભેજવાળાં વાતાવરણમાં કોફીને લાપરવાહીથી રાખવાથી તે જામી જાય છે. ચોમાસામાં કોફી બોટલમાં ભરવાને બદલે પ્લાસ્ટિકની પેકવાળી કે એરટાઈટ બોટલમાં ભરો. કોફીના પેકેટને પણ પૂરેપૂરું ન ખોલતા કોફી આસાનીથી નીકળી શકે તેટલું જ ખોલો. તે પેકને પણ એરટાઇટ જારમાં પેક કરીને રાખો. જેનાથી કોફી જામવાની સમસ્યા નહી નડે.
રોજિંદા વપરાશની ચીજોના ઉપયોગ કરતાં ચોમાસામાં હંમેશાં ભેજની સમસ્યા નડતી રહે છે તેનો ઘરગથ્થુ ઉકેલ પણ આપણી પાસે જ રહેલો છે તો આ વખતના ચોમાસામાં ખાધે-પીધે લહેર કરો, પણ વસ્તુની જાળવણીમાં પણ કાચા ન રહેતા.

No comments:

Post a Comment