વરસાદના દિવસોમાં ડાયેરિયા, શરદી ખાંસીની સાથે સાથે વકરતી વ્યાધિ હોય તો તે છે અસ્થમા. ખાસ કરીને વૃદ્ધો તથા બાળકોને ઠંડા વાતાવરણમાં અસ્થમા ખૂબ હેરાન કરે છે. અતિશય નાનાં બાળકોને શરદીના કારણે વરાધ થઈ આવતી હોય છે. એટલે આ સિઝનમાં અન્ય રોગની સાથે સાથે ઘરના સભ્યો અસ્થમાથી હેરાન ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે.
ઘરના કોઈ સભ્યને શ્વાસ લેવામાં તકલીફ હોય ખાસ કરીને બાળક, તે જલદી થાકી જતું હોઈ ને તેને કફની પણ ફરિયાદ રહેતી હોય તો એ અસ્થમાનાં લક્ષણ હોઈ શકે છે.
ચોમાસામાં અસ્થમા વકરવાનું કારણ
* ઘરમાં તથા બહાર જમા થતી ગંદકી
* ઘરમાં પાલતુ પશુના વાળ ખરતા હોય
* કેટલાક ખાદ્યપદાર્થો જેમ કે સી-ફૂડ, પ્રિઝર્વેટિવ્સ ખોરાક વગેરે
ધુમાડો
આ પરિબળો તો અસ્થમાના રોગીને અસર કરે જ છે. ક્યારેક તો એવું બને છે કે ચોમાસાને કારણે ફેલાયેલી ઠંડકને કારણે જ ખબર પડે કે વ્યક્તિને અસ્થમા છે. અસ્થમામાં આ પ્રકારનાં લક્ષણો જોવા મળે છે.
* શ્વાસ લેતી વખતે તકલીફ પડવી, છાતીમાં તાણ તથા પીડા અનુભવાય, શ્વાસ લેતી વખતે ઘરરરર જેવો અવાજ આવે.
* મોડી રાત્રે કે સવાર સવારમાં કફની તકલીફ થવી.
* એક્સરસાઇઝ કે અન્ય કોઈ શારીરિક પ્રવૃત્તિ કરતી વખતે કફ થઈ જવો.
* શ્વાસ ઝડપથી લેવાતો હોય.
* અચાનક ખાંસી કે શ્વાસ લેવામાં થતી તકલીફને લીધે ઊંઘ ઊડી જવી.
* શ્વાસ લેવામાં તકલીફ પડવી અને સતત કફ રહેવો.
* આમાંથી મોટા ભાગનાં લક્ષણો ફક્ત રાતે જ અનુભવાતાં હોય.
* આમ તો આ પ્રકારનાં લક્ષણ દેખાય એટલે ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે છતાં કેટલાંક પગલાં લેવાં જરૂરી બની જાય છે.
* અસ્થમાનાં લક્ષણો દેખાય એટલે ડોક્ટરની સલાહ અનુસાર દવા શરૂ કરાવી દેવી.
* એવા સ્થળે જવાનું ટાળવું જ્યાંનું વાતાવરણ વારંવાર બદલાતું હોય.
ડાયેરિયાથી જાળવવું
ચોમાસામાં આ સમસ્યા ગંદકીના કારણે વકરે છે એટલે ઘર સ્વચ્છ રાખવું, કારણ કે ઘરમાં ફેલાયેલી ગંદકીના કારણે અસ્થમાનો હુમલો આવી શકે છે.
* બાળકને દર વર્ષે એન્ફ્લૂએન્ઝા અને ફ્લૂ તથા ન્યુમોનિયાની રસી મુકાવવી.
* અસ્થામાનો હુમલો જાનલેવા બની શકે છે માટે ડોક્ટરની સલાહ તુરંત લેવી.
* અસ્થમા હોય તે વ્યક્તિ પાસે દરેક સંજોગોમાં ઇન્હેલર રહે તેનું ધ્યાન રાખો.
* ચોમાસામાં ડાયેરિયાને કારણે પાચનતંત્ર ખોટવાઈ જાય છે. રોજિંદો ખોરાક પચતો નથી એના કારણે ડાયેરિયા થઈ જાય છે. ડાયેરિયા થવાનાં અન્ય કારણોમાં
* બગડેલું કે વાસી ખાવાનું અથવા તો પાણી.
* પાણીમાં વાઇરસ અને બેક્ટેરિયા વધવાથી ખોરાક યોગ્ય રીતે નથી પચતો.
* દૂધમાંથી બનેલી વસ્તુઓ,નોનવેજમાં દૂષિત પદાર્થો હોવાના કારણે, ઘણી વાર આવા પદાર્થો ખોરાક ગરમ કરવાથી પણ નાશ નથી પામતા અને શરીરને નુકસાન કરે છે.
ઉપાય
* આ તકલીફથી બચવા ચોમાસામાં ઉકાળેલું જ પાણી પીવું.
* બહારથી આવીને તથા જમતા પહેલાં એન્ટિ બેક્ટેરિયલથી હાથ-પગ સાફ કરવાનો આગ્રહ રાખવો.
* બજારુ વસ્તુઓ ખાવાનું ટાળવું.
* ડાયેરિયા થઈ ગયા હોય તો ઓઆરએસ કે ઇલેક્ટ્રોલ પાઉડર પીવો. ઘરમાં ઓઆરએસ બનાવવા એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી મીઠું અને એક ચમચી ખાંડ નાખીને દિવસમાં ત્રણથી ચાર વાર પીવું.
* ૧-૨ ગ્રામ જેટલો હીંગ પાઉડર તવીમાં ગરમ કરવો અને તેમાં ૩-૪ કાળા મરી વાટી લેવા,તેમાં થોડું સંચળ નાખીને આ પાઉડરને પાણીમાં નાખીને દિવસમાં બે વાર પીવું.
* ડાયેરિયા થયા હોય ત્યારે દૂધ અને પપૈયું લેવાનું ટાળવું.
* વરસાદના દિવસોમાં કોઈ પણ રીતે ફુદીનો ખાવો. ફુદીનો ડાયેરિયા તથા પેટના રોગમાં આરામ આપે છે.
સાંધાની પીડાથી મેળવો છૂટકારો
ચોમાસામાં પરેશાન કરતી અન્ય એક મુસીબત હોય છે સાંધાની પીડા. ઠંડા વાતાવરણમાં સાંધા જકડાઈ જવાની સમસ્યા પણ લોકોને ખૂબ જ હેરાન કરતી હોય છે. એટલે ચોમાસામાં બને ત્યાં સુધી ઠંડો અને વાયુ કરે તેવો ખોરાક ખાવાનું ટાળવું. ઘરગથ્થુ ઉપચાર તરીકે તમે આ પ્રમાણેના કેટલાક ઉપાય અજમાવી શકો છો.
ઉપાય
* અજમાને પાણીમાં નાખીને પાણી ઉકાળી લો ત્યાર બાદ તે પાણીથી શેક કરો.
* બથુઆની ભાજી જો મળતી હોય તો રોજ તેના પાનનો ૧૪ ગ્રામ રસ પીવાથી સાંધાની પીડા શમે છે. આ રસમાં મીઠું, ખાંડ વગેરે મિક્સ ન કરો અને રોજ સવારે ખાલી પેટે જ આ રસ પીવો. તે રસ પીધા પહેલાં અને પછી બે કલાક સુધી કંઈ જ ખાવું પીવું નહીં. આ પ્રયોગ બે ત્રણ મહિના સુધી કરવાથી ફાયદો થાય છે.
* ૧૦૦ ગ્રામ મેથીના દાણાને ક્રશ કરીને ચૂરણ બનાવી લેવું. તેમાં ૪૦ ગ્રામ સૂંઠ, ૨૫ ગ્રામ હળદર મિક્સ કરીને આ મિશ્રણ બોટલમાં ભરી લો. ને સવાર સાંજ એક એક ચમચી દૂધ સાથે લો. આ ઉપાય અજમાવતા પહેલાં તમારા ફેમિલી ડોક્ટર કે વૈદ્યને મળીને એક વાર સલાહ અચૂક લેવી.
No comments:
Post a Comment