અખરોટનું ફળ જેટલું કદરૂપું લાગે છે તેથી વિરુદ્ધપણે તેનું ઝાડ ખૂબ સુંદર હોય છે. પરંતુ આ મૂલ્યવાન ફળને કુદરતને બાહ્ય રીતે ખૂબ મજબૂત બનાવ્યું છે જેથી તેની અંદરનું સ્વાદિષ્ટ મીંજ સુરક્ષિત રહે. સ્વાદ, સુગંધ અને પૌષ્ટિકતામાં અખરોટ જેટલો અનન્ય કોઈ નાસ્તો નથી. વાનગીઓમાં તેને ઉમેરવાથી વાનગી વધુ સ્વાદિષ્ટ અને કકરી બને છે.
અખરોટની અંદરનું મીંજ બે ભાગમાં વહેંચાઈને પતંગિયા જેવો આકાર બનાવે છે. તેની અંદરનો પદાર્થ સફેદ રંગનો અને ઉપરના ભાગમાં બદામી રંગના આવરણથી ઢંકાયેલો હોય છે. અખરોટ મુખ્યત્વે ત્રણ જાતના હોય છે. ઈંગ્લિશ- વોલનટ્સ, બ્લેક-વોલનટ્સ અને બટર- નટ્સ. ઈંગ્લિશ વોલનટ્સ સૌથી જાણીતી જાત છે. આ જાત એશિયા અને યુરોપમાં થાય છે. અત્યારે કેલિર્ફોિનયા તેનું મોટું ઉત્પાદક છે. આ જાતનું ફળ સહેલાઈથી તૂટે છે અને તેથી અંદરના મીંજને અકબંધ સ્થિતિમાં બહાર કાઢી શકાય છે. બ્લેક- વોલનટ્સ ઘેરાં રંગનું અને ખૂબ સખત ફળ છે. તેની અંદરના પડ પણ સખત હોય છે. આ ફળની સુગંધ ચીઝ જેવી હોય છે. બટર- નટ્સ વધુ તૈલી અને વધુ મીઠા હોય છે.
અખરોટના વૃક્ષો વર્ષોથી ઉગાડવામાં આવે છે. તેના મૂળસ્થાન વિવિધ છે. ભારત અને કેસ્પીયન- સીની આસપાસના પ્રદેશોમાં ઊગતું હોવાથી વર્ષો પહેલાં તે ‘પર્શીયન- વોલનટ્’ તરીકે જાણીતું હતું. અંગ્રેજોએ જ્યારથી યુરોપ અને તેની પારના પ્રદેશો સાથે તેનો વેપાર શરૂ કર્યો ત્યારથી તે ઈંગ્લિશ-વોલનટ્ તરીકે જાણીતું થયું. વ્હાઈટ અને બ્લેક વોલનટ્સ ઉત્તર અમેરિકાની મીસીસીપીવેલી અને એપેલેશીયન વિસ્તારમાં થાય છે. આ ફળના ગુણો અને ફાયદા અનેક છે.
કોલસ્ટરોલને ઘટાડે છે
વૈજ્ઞાનિકોએ કરેલાં કેટલાંક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ઓલીવ- ઓઈલ કે અન્ય ચરબીયુક્ત ખાદ્યોને બદલે અખરોટના સેવનથી હાનિકારક કોલસ્ટરોલ ઘટે છે. વૃદ્ધ લોકો પણ આ ફળ ખાઈને આ લાભ મેળવી શકે છે. કોલસ્ટરોલ ઘટવાથી હૃદયરોગની સંભાવના પણ ઘટે છે. તેમાં રહેલી ચરબી (એક મુઠ્ઠી જેટલાં અખરોટ અઢાર ગ્રામ ચરબી ધરાવે છે.) મોટાંભાગે પોલી- અનસેચ્યુરેટેડ હોય છે. તેમાં આલ્ફા લીનોલેનીક- એસિડ નામનો ઓમેગા- ૩ ફેટી એસિડ હોય છે. અખરોટમાં મોનો અનસેચ્યુરેટેડ ફેટ પણ હોય છે. આ બંને પ્રકારની ચરબી શરીરને ઉપયોગી છે. તે કોલસ્ટરોલને (હાનિકારક ચરબી)ને ઘટાડે છે.
અખરોટમાં રહેલાં ‘સ્ટેરોલ્સ’ નામના સંયોજનો કે જે રાસાયણિક દૃષ્ટિએ જોઈએ તો કોલસ્ટરોલ જેવાં હોય છે, તેં હૃદય માટે હિતકારી છે. એક મુઠ્ઠીભર અખરોટમાં પચાસ મિલિગ્રામ જેટલાં પ્લાન્ટ- સ્ટેરોલ્સ હોય છે.
રક્તપરિભ્રમણને સુધારે છે
અખરોટમાં રહેલો આલ્ફા- લીનોલેનીક- એસિડ રક્તમાંના પ્લેટલેટ્સને એક સ્થાને ભેગાં થતાં અટકાવે છે. જામેલું ભેગું થયેલું રક્ત અનેક પ્રકારની ગંભીર સમસ્યાઓ સર્જી શકે છે. તે ખાવાથી હૃદયરોગનું જોખમ ત્રીસથી પચાસ ટકા જેટલું ઘટે છે.
કેન્સરનો સામનો કરે છે
‘એલેજિક- એસિડ’ નામનું તત્ત્વ અખરોટમાં રહેલું છે જે કેન્સરની ગાંઠો પર સારી અસર કરે છે. ખાસ કરીને ફેફસાં, લીવર, ત્વચા, અન્નનળીના કેન્સર પર તે વિશેષ પ્રભાવ પાડે છે. અખરોટમાં રહેલું ઓમેગા- ૩ ફેટી- એસિડ પણ કેન્સર સામે રક્ષણ આપે છે.
યાદશક્તિ વધારે છે
અખરોટની અંદરનું મીંજ મગજનો આકાર ધરાવતું હોવાથી વર્ષોથી એવી માન્યતા ચાલી આવે છે કે તે મગજ માટે લાભકારક છે. આ વાત સાચી પણ છે. તેમાં રહેલું ઓમેગા- ૩ મગજના કાર્યને સુધારે છે. યાદશક્તિને વધારે છે અને મૂડને પણ સુધારે છે.
હૃદયરોગ સામે રક્ષણ આપે છે
અખરોટ ખાવાથી હૃદયના કાર્યની ક્ષમતા વધે છે. અખરોટમાં રહેલી ફુલ ચરબીમાંની પંદર ટકા ચરબી સ્વાસ્થ્યવર્ધક મોનો- અનસેચ્યુરેટેડ ફેટ છે. તે હાનિકારક કોલસ્ટરોલને ઘટાડીને હૃદયના કાર્યને સુધારે છે. હૃદયના અનિયમિત ધબકારા કે જે લોહીના ગઠ્ઠા બનવા માટે જવાબદાર મનાય છે તેને સુધારે છે. આથી નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઓછી સેચ્યુરેટેડ-ફેટ ધરાવતો, અખરોટ સંમિલિત સંતુલિત આહાર હૃદયરોગના જોખમને ઘટાડે છે.
અખરોટના સેવનથી ટાઈપ-૨ ડાયાબિટીસ સામે રક્ષણ આપે છે. જેમને આ પ્રકારનો રોગ હોય તેઓ અખરોટ (એક મુઠ્ઠીભર) ખાય તો તેઓને હૃદયરોગ સામે રક્ષણ મળે છે.
અખરોટની જાળવણી
અખરોટ ખૂબ ઝડપથી ખરાબ થઈ જાય છે. તેથી તેમને તેમના કોચલામાં રાખવા હિતાવહ છે. ગરમી,ભેજ, પ્રકાશ વગેરેની તેના પર ઘણી અસર થાય છે. તેમાં રહેલી પોલી- અનસેચ્યુરેટેડ- ફેટને કારણે આમ બને છે. લાંબો સમય રાખવા હોય તો તેમને ફ્રીઝરમાં રાખો. થોડાં સમય માટે રાખવા હોય તો સૂકી ઠંડી જગ્યામાં રાખો. અખરોટના પેકેટ પર એક્સપાયરી ડેટ ના હોય તો તેમને ત્રણ-ચાર મહિનામાં વાપરી નાંખો.
ઈંગ્લિશ- વોલનટમાં પંદર ટકા પ્રોટીન, પાંસઠ ટકા ચરબી, ચૌદ ટકા કાર્બોહાઈડ્રેટસ અને છ ટકા રેસા હોય છે. તેમાં રહેલી ચરબીમાંની મોટાભાગની ચરબી સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે તેથી ગુણવત્તાની દૃષ્ટિએ ઈંગ્લિશ- વોલનટ ચઢિયાતા છે.
No comments:
Post a Comment