ઔષધના ઇતિહાસમાં વિવિધ રોગો પર પ્રયોજાતા ઘરગથ્થું નુસખા અને કાઢાઓનું ખૂબ મહત્ત્વ રહ્યું છે. પ્રાચીન સમયમાં ઘરની દાદીમા કુટુંબની ડોક્ટર હતી. અસ્વસ્થતા અનુભવાય કે તરત ડોક્ટર પાસે દોડી જવાની પ્રથા તે સમયે ન હતી. રસોડાની સામગ્રી અને મસાલાનો ઉપયોગ કરીને બીમારીને દૂર કરવામાં આવતી હતી. દુર્ભાગ્યે, આધુનિક વિચારસરણી અને વિભક્ત કુટુંબોની વૃદ્ધિ સાથે આ કુશળતા હવે લુપ્ત થતી જાય છે. આજનાં બાળકોને દાદીમાના નુસખામાં શ્રદ્ધા નથી રહી, પરંતુ કુદરત તરફ પાછા જવાના વલણે હવે આ દિશામાં રસ જગાવ્યો છે.
કેટલીક સામાન્ય બીમારીઓમાં કામ લાગે તેવા સરળ નુસખા આ પ્રમાણે છે :
શરદી-ખાંસી માટે મરી-સૂંઠનો ઉકાળો (કાઢો)
એક ચમચી મરી, ૬ લવિંગ, સૂંઠનો એક ટુકડો અને લીલી ચા (લેમન-ગ્રાસ)નો એક ચમચી જેટલો ભૂકો લો. આ તમામ મસાલાને અધકચરા વાટી લો. બે કપ પાણીમાં નાખીને તેને દોઢ કપ થઈ જાય ત્યાં સુધી ઉકળવા દો. કાઢાને ગેસ પરથી ઉતારીને ઠરવા દો. ગાળીને તેમાં સાકર મેળવો. દિવસમાં ત્રણ વાર આ કાઢાને અડધા કપની માત્રામાં બને તેટલો ગરમ પીવાનું રાખો. અપચાની તકલીફમાં પણ આ કાઢો ઉપયોગી છે.
શરદી અને તાવ
ગળતા નાકની સમસ્યામાં આ પ્રમાણે કરો. એક ગ્લાસ ગરમ પાણીમાં અડધા લીંબુનો રસ ઉમેરો. સ્વાદ માટે તેમાં મધ કે ગોળ મેળવો. રાત્રે સૂતી વખતે આ પ્રવાહી પીઓ. તદુપરાંત ગરમ પાણીનો નાસ લો. વરાળ નીકળતા પાણીના વાસણ પર તમારું માથું નમાવો. માથાને ટુવાલથી ઢાંકી દો અને ગરમ વરાળને તમારા શ્વાસમાં જવા દો.
માથામાં ભરાયેલી શરદી અને માથાનો દુખાવો
લસોટવાના પથ્થર પર સૂંઠની એક ગાંગડી, ત્રણ લવિંગ અને બે મરીના દાણા થોડું પાણી લઈને ઘસો. થોડું ઘી મેળવીને આ લેપને થોડો ગરમ કરો અને લમણાં પર, કપાળ પર લગાવો. તેના પર પંખાનો પવન લાગવા દેશો નહીં.
શરદીનો તાવ
થોડાં તુલસીનાં પાન, ચાર દાણા મરી, બે ઇલાયચી, બે લવિંગ, તજનો નાનો ટુકડો, સ્વાદ માટે સાકર, એક કપ દૂધ અને એક કપ પાણી લો. આ મિશ્રણને અડધું થાય ત્યાં સુધી ઉકાળો. તેને ગરમ ગરમ જ પીઓ. તમારા શરીરને ધાબળામાં વીંટાળીને થોડી વાર બેસો. ખૂબ પ્રસ્વેદ થાય ત્યાં સુધી આ જ સ્થિતિમાં રહો. થોડાં કલાકમાં જ તાવ ઊતરી જશે.
હવે પછીના અંકમાં હું આ જ વિષય પર વધુ જણાવીશ.
No comments:
Post a Comment