Monday, 8 August 2011

માનવકુળ જ એકમાત્ર કુળ છે




મહાભારત એક મહાસાગર છે. વિદ્વાનો કહે છે કે એમાં ઘણું ક્ષેપક એટલે કે પાછળથી ઉમેરાયેલું છે. મહાભારત પહેલાં એક હજાર શ્લોકનું હતું પછી એમાં ઉમેરો થતો ગયો. એ વાત સાચી હોય તોપણ મહાભારત વાંચનારને એની સાથે બહુ નિસબત નથી. શેક્સપિયર વિશે વર્ષોથી વાદવિવાદ ચાલે છે. શેક્સપિયર કોણ હતો? કયા દેશનો હતો? એણે લખેલાં નાટકો ખરેખર એણે લખ્યાં છે કે બીજાએ? અવારનવાર આવા અનેક પ્રશ્નો ઊભા થતા રહે છે, પરંતુ એથી શેક્સપિયરનાં નાટકો વાંચનારને કે જોનારને શું ફેર પડે છે? મહાભારતના મહાસાગરમાંથી આચમન કરનાર માન્યજનને પણ વિદ્વાનોના વિવાદ સાથે કશી જ લેવાદેવા નથી.
મહાભારતકાર કહે છે કે દરેક વ્યક્તિ એની સામાજિક સ્થિતિને સાથે લઈને જ જન્મે છે. કયા કુળમાં જન્મવું એ તેના હાથમાં નથી હોતું, પરંતુ કુળને દીપાવવું એ એના હાથમાં હોય છે અને આ કામ માણસ પોતાના પરાક્રમ, પુરુષાર્થ અને ભલાઈ દ્વારા કરી શકે છે.
મત્સ્યવેધ વખતે કર્ણને જ્યારે એમ કહેવામાં આવે છે કે એ સૂતપુત્ર છે એટલે એને સ્વયંવરમાં ભાગ લેવાનો અધિકાર નથી ત્યારે કર્ણ કહે છે કે જન્મ એ તો ભાગ્યની વાત છે. ક્યાં જન્મવું એ માણસના હાથની વાત નથી, પરંતુ મારું પરાક્રમ એ મારા હાથની વાત છે.
એની વાત સાચી હતી પણ એ વાત કોઈ સ્વીકારે એમ નહોતું.
કુલીનતા બહુ વિચિત્ર વસ્તુ છે. મહાભારતકારે કુલીનતા અને કુલાભિમાનને અત્યંત કલાત્મક રીતે નિરૂપીને સાચી વાત આપણને કરી છે. મહાભારત મહાન કુરુકુળની કથા હોવા છતાં, સત્યવતીની કથા સાથે શરૂ થતી એ કથા દ્વારા મહાભારતકાર માનવીમાત્રનું સાચું કુળ માનવકુળ છે એમ આપણને શીખવે છે.
સત્યવતી પોતે મત્સ્યકન્યા છે. તેને પરાશર ઋષિથી જે પુત્ર થાય છે તે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. સત્યવતી શાન્તનૂ રાજા સાથે લગ્ન કરે છે, પરંતુ તેનાં સંતાનોને સંતાન થાય તેમ નહોતાં. ભીષ્મ તો બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈને બેઠા છે. કુળનો વેલો ચાલુ રહે એટલા માટે આખરે વ્યાસને જ બોલાવવામાં આવે છે અને એની સાથેના નિયોગ દ્વારા સંતાનો મેળવાય છે, પરંતુ એમાંય એક અંધ અને બીજો પુત્ર પાંડુ રોગવાળો હોય છે. (વિદુરની વાત અહીં બાજુ પર રાખી દઈએ) એટલે ફરી દેવો દ્વારા સંતાનો પ્રાપ્ત કરવામાં આવે છે. એ સંતાનો એટલે એક સો કૌરવો અને પાંચ પાંડવો. અને પછી, કુરુકુલના એ વારસદારો વચ્ચે સંઘર્ષ શરૂ થાય છે.
હવે, જો એ લોકો કુલીન ગણાઈ શકે તો કર્ણ પોતાની જાતને શા માટે કુલીન ન ગણી શકે? કર્ણ પોતાની  બાબતમાં જન્મ અને પરાક્રમની જે વાત કરે છે એમાં ખોટું શું છે? કુલીનતાનો જે પ્રશ્ન વ્યક્તિને વર્ષોથી સતાવી રહ્યો છે એને મહાભારતકારે વાચા આપી છે, પરંતુ એ માત્ર એક બીજ છે, જે આટલાં વર્ષે પણ પૂરેપૂરું વૃક્ષ બની શક્યું નથી. એ જ વાત કબીર વધારે ભારપૂર્વક કહે છે :
જાતિ ન પૂછો સાધુ કી
પૂછ લિજિયે જ્ઞાન,
મોલ કરો તલવાર કા
પડા રહન દો મ્યાન.
માણસ પોતાના કુળની, ધનની, જાગીરની આડશ લઈને બીજાઓને નીચા ગણે છે કે તેમનું શોષણ કરે છે એની સામે મહાભારતકારે લાક્ષણિકતાથી કૌરવો અને પાંડવોના પૂર્વજો તરફ આંગળી ચીંધીને પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે કોનું લોહી કોને ધિક્કારે છે? કોઈને તેની ખબર નથી, કારણ કે કોઈ માણસને તેના પૂર્વજોની પાકી ખબર નથી.
માણસ પોતાની જાતના અભિમાન માટે, કુળના અભિમાન માટે, સંપ્રદાય અને ચામડીના રંગના અભિમાન માટે બીજા સાથે લડે છે પણ હકીકતે કોણ કોની સામે લડે છે? કોનું લોહી કોની સામે લડે છે?
સાચું કુળ એક જ છે અને એ છે માનવકુળ. બધા માનવીઓ એક જ માનવવંશના છે. પછી જાતિ કે કુળનું અભિમાન શા માટે?
માનવ ઇતિહાસમાં એવું બન્યું છે કે કોઈ એક પ્રજા બીજી પ્રજા ઉપર ચડાઈ કરી અને વિજય પ્રાપ્ત કરતી ત્યારે વિજેતા પ્રજા પોતાને ઊંચા દરજ્જાની અને પરાજિતોને નીચા દરજ્જાની પ્રજા માનતી અને મનાવતી. તેમની પાસે ગુલામી કરાવતી તેમને શુદ્ર અને હલકા માનતી, પરંતુ ગુલામ પ્રજા ફરી એકત્રિત થઈને વિજેતા પ્રજા સામે ઘણી વાર બળવો કરતી અને વિજય પ્રાપ્ત કરતી, એટલે વળી એનું પલ્લું ઊંચે જતું. ઉપરાંત જુદી જુદી પ્રજાઓ વચ્ચે એટલા બધા લગ્ન વ્યવહારો થાય છે કે ખરેખર કઈ વ્યક્તિ કયા કુળની છે તે બેધડક કહી શકાય તેમ નથી. કોઈ પણ કુળમાં દસમી, વીસમી કે પચાસમી પેઢીએ કોણ શું હશે તે કોઈથી કહી શકાય તેમ નથી. કોના શરીરમાં કોનું લોહી વહેતું હશે તે કોઈ જાણતું નથી.
એટલે, સાચી રીતે જોઈએ તો માનવકુળ એ જ સૌથી ઊંચું અને એકમાત્ર કુળ છે અને એ માનવકુળ દીપી ઊઠે એ રીતે જીવવાની વાત, એ જ ગૌરવની વાત છે.
દરેક વ્યક્તિ-પોતાના કુળ વિશે, પોતાના કુટુંબ વિશે અમુક માન્યતાઓ ધરાવતી હોય છે અને એ માન્યતાઓથી વિરુદ્ધ વર્તતી નથી. ‘‘અમે રજપૂત છીએ, આવું કામ અમારાથી ન જ થાય.’’, ‘‘અમે નગરશેઠના કુટુંબના, અમારાથી આવું તો ન જ થાય.’’, ‘‘અમે પઠાણ...’’, ‘‘અમે આરબ...’’, ‘‘અમે કાઠી...’’ દરેક માણસ પોતાના કુળને બટ્ટો લાગે એવું કામ કરતાં અચકાય છે.
એ જ રીતે દરેક માણસે પોતે ઉચ્ચ માનવકુળની વ્યક્તિ છે એમ માનીને ખોટું કામ કરતાં પહેલાં વિચાર કરવો જોઈએ કે પોતાના કામથી પોતાના માનવકુળને બટ્ટો તો નથી લાગતો ને? આવા વિચાર કોઈ પણ માણસને બૂરા કામથી રોકી રાખશે.
દરેક વ્યક્તિ પોતાનું કુળ દીપી ઊઠે એવું કામ કરવા પ્રયત્ન કરે છે એટલે તો તેજસ્વી પુત્રને આપણે કુળ-દીપક કહીએ છીએ.
અહીં આપણે યુધિષ્ઠિર અને નાગરાજ વચ્ચે થયેલો વાર્તાલાપ પણ જોઈએ.
નાગરાજ : બ્રાહ્મણ કોને કહેવો?
યુધિષ્ઠિર : જેના સ્વભાવમાં સત્ય, સરળતા, દાનીપણું, ક્ષમા અને તપશ્ચર્યા જોવામાં આવે તેને.
નાગરાજ : આવા ગુણ તો કેટલાક શુદ્રોમાં પણ હોય છે.
યુધિષ્ઠિર : એવા ગુણ જે શુદ્રમાં હોય તે શુદ્ર નહીં પણ બ્રાહ્મણ જ છે અને જે બ્રાહ્મણમાં આ ગુણ ન હોય તેને બ્રાહ્મણ નહીં પણ શુદ્ર જાણવો.
નાગરાજ : જો બ્રાહ્મણ, શુદ્ર વગેરે જાતિ ચારિત્ર્યના આધારે જ નક્કી કરવાની હોય તો પુખ્ત ઉંમર થતાં સુધી કઈ વ્યક્તિ કઈ જાતિની છે એ નક્કી થઈ શકે નહીં, કારણ કે પુખ્ત ઉંમર થયા પહેલાં ચારિત્ર્ય ઘડાયું હોતું નથી.
યુધિષ્ઠિર : નક્કી ન જ થઈ શકે, કારણ કે મનુ પોતે જ કહે છે કે પુરુષ વેદનું અધ્યયન ન કરે ત્યાં સુધી એ શુદ્ર જેવો જ હોય છે. મેં હમણાં જ કહ્યું હતું કે જાતિ વર્ણનો વિચાર ન કરતાં જેનામાં શુદ્ધ સંસ્કારવાળું ચારિત્ર્ય હોય તે જ બ્રાહ્મણ કહેવાય.
અને આ લેખ પૂરો કરતાં પહેલાં આજના વિશ્વના સંદર્ભમાં મહાભારતકારને યાદ કરીને, એક અગત્યની વાત કરવાનું મન થઈ જાય છે.
આરબો સામે યુદ્ધ છેડનાર અને અંગ્રેજો માટે જે આદરણીય હતાં એ લોખંડી લેડી માર્ગારેટ થેચરના DNAના પરીક્ષણથી એ જાણવા મળ્યુ હતું કે તેમના પૂર્વજો આરબો હતા! આ વાત જાણ્યા પછી એકબીજાનો નાશ કરવા તૈયાર થયેલ આજના રાજકારણીઓના DNA પરીક્ષણ કરવાની જરૂર હોય એમ નથી લાગતું?

No comments:

Post a Comment