Monday, 8 August 2011

વર્ષાઋતુઃ ત્વચાની સંભાળ રાખવાનો સમય




ગરમીથી ત્રસ્ત બનેલા લોકો માટે વર્ષાઋતુ ઠંડક અને ગરમીથી રાહત આપનારી હોય છે. વરસાદમાં નહાવાની ખુબ જ મજા આવે છે, પરંતુ સાથે શરીરના સ્વાસ્થ્યની કાળજી પણ રાખવી પડે છે. વરસાદની ઋતુમાં વાતાવરણમાં ભેજ હોય છે. આવા સમયે જો શરીરની સ્વચ્છતા સારી રીતે ન જળવાય તો ત્વચાના રોગ થવાની શક્યતાઓ ખુબ વધી જાય છે. ત્વચા રોગમાં ઘણાં રોગ તો એવા હોય છે કે જેની કાળજી રાખવામાં ન આવે તો તે જીવનભર પીછો છોડતા નથી. શારીરિક સૌદર્યનો સંબંધ પણ ત્વચા સાથે જોડાયેલો છે. ત્વચા પ્રત્યે બેદરકારી રાખવામાં આવે તો અસ્વસ્થ બની જાય છે અને પરિણામે અનેક પ્રકારના ચર્મ રોગ થવા માંડે છે. આ રોગમાં એક્ઝિમા, ખસ- ખંજવાળ, પિત્ત થવું (શીત-પિત્ત), ફોડા- ફોલ્લી, ઘા થવો, શરીરમાં સોજો, ખીલ વગેરે નો સમાવેશ થાય છે. વરસાદની ઋતુમાં આ રોગોમાં વધારો થાય છે.
એક્ઝિમા
આ રોગ શરીરમાં પગ, મોં, કોણી, ગરદન, પેટ વગેરે ક્યાંય પણ થઈ શકે છે. લૂ લાગવાથી, માસિકચક્રમાં ગરબડી, લોહીની બીમારી, સાબુ, ચૂનો, સોડા, ક્ષાર વગેરેનો વધુ પ્રમાણમાં પ્રયોગ કરવાથી, ટાઈટ કપડાં પહેરવાથી, ખોટા આહાર વગેરેને કારણે એક્ઝિમાની ફરિયાદ થઈ શકે છે.
લક્ષણ : આ રોગમાં શરીર પર લાલ લાલ દાણા દેખાય છે. જેમાં બળતરા થાય છે. ઘણી વાર ચકામાં પડી જાય છે. ઘા પણ થઈ જાય છે. ઘામાંથી થોડું ઘાટું અને પીળા રંગનું પાણી નીકળે છે. ઘણી વાર આ રોગને કારણે સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. એક્ઝિમાના દરદીએ એક વાત ક્યારેય ન ભૂલવી જોઈએ કે જો આ રોગ એકવાર જૂનો થઈ જાય તો મહામુશ્કેલીએ મટે છે. માટે તેનો તરત જ ઈલાજ કરવો જોઈએ.
ઘરગથ્થુ ઉપચાર
વરસાદની ઋતુમાં (ચોમાસામાં) પાણીમાં થોડાં લીમડાનાં પાન નાંખી ઉકાળો પછી તેનાથી સ્નાન કરો. લીમડાનાં પાંદડાંના રસને એક્ઝિમા પર પણ લગાડો.
 મરીમસાલાથી ભરપૂર ભોજન, ખાંડ, મિઠાઈ, ગોળ, તેલ તથા કાચાં ફળ ખાવાનું બંધ કરી દો.
યોગથી ઉપચાર
લોહી શુદ્ધ થાય તથા પેટનું આરોગ્ય વધે તેવાં આસનોનો અભ્યાસ કરો. જેમાં તાડાસન, કટિચક્રાસન, ઉત્તાનપાદાસન, સુપ્ત પવનમુક્તાસન, ગોમુખાસન તથા અર્ધમત્સ્યેંદ્રાસનની સાથે પ્રાતઃકાળે સૂર્ય નમસ્કારનો પણ અભ્યાસ કરો.
સૂક્ષ્મ  વ્યાયામની પહેલી પાંચ ક્રિયાઓ તથા પેટને શક્તિ મળે તેવી ક્રિયાઓનો અભ્યાસ દરરોજ કરો. સ્થાયી લાભ થશે.
ખસ- ખંજવાળ
તેમાં ત્વચા શુષ્ક થઈ જાય છે અને તેના પર ડાઘ પડે છે પછી દાણા નીકળે છે. તેમાં ખંજવાળ થાય છે. ત્વચા છોલાઈ જાય છે. એક વાત ક્યારેય ન ભૂલવી જોઈએ કે આ રોગ ચેપી છે. આ રોગથી પીડાતાં રોગીનાં કપડાં બીજુ કોઈ પહેરે તો તેને પણ આ રોગ થાય છે. ત્વચા ખરબચડી થઈ જાય છે. સતત ખંજવાળમાં બળતરા, પીડા થાય છે. રાતના સમયે તકલીફ વધી જાય છે.
એવું માનવામાં આવે છે કે આહાર-વિહારની ગરબડી અને લોહીને દૂષિત કરનારા ખાદ્યપદાર્થો, ખાટા મસાલાવાળા તથા વધુપડતો ગોળ કે ખાંડવાળો પદાર્થ વધુ ખાવાથી આ રોગ થવાની શક્યતા વધી જાય છે. સતત કબજિયાત રહે તે પણ રક્તવિકારનું કારણ છે. રક્તની આ દૂષિત વિકારયુક્ત અમ્લીય અવસ્થા જ જાતજાતના ચર્મ રોગનાં કારણ હોય છે.
ઘરગથ્થુ ઉપાય
* લીંબુનો રસ તથા ચમેલીનું તેલ બંનેને સરખા પ્રમાણમાં લઈ ખંજવાળવાળા સ્થાને લગાવો.
* મોગરો તથા લીમડો બંનેને સરખા પ્રમાણમાં સરસિયાના તેલ મેળવી લો અને પછી તેને લગાવો.
* લીમડાનાં પાનને પાણીમાં વાટી ખંજવાળવાળા ભાગ પર લગાવો.
* પીપળાનાં પાનના રસને પાણીમાં નાખી તેનાથી ખસ-ખંજવાળને સવાર- બપોર અને સાંજે ધૂઓ.
યૌગિક ઉપાય
* આ રોગમાં યૌગિક શુદ્ધિ ક્રિયાઓ જેમ કે કુંજલ, જલનેતિ તથા વસ્ત્રધૌતિનો દરરોજ અભ્યાસ કરવો જોઈએ. શંખપ્રક્ષાલન તથા બાહ્યક્રિયાનો અભ્યાસ મહિનામાં એક વાર જરૂર કરવો.
* તાડાસન, કટિચક્રાસન, ઉત્તાનપાદાસન, સુપ્ત પવનમુક્તાસન, સર્વાંગાસન, ચક્રાસન, હલાસન, ભુજંગાસન, ધનુરાસન, પશ્ચિમોત્તાનાસન, ગોમુખાસન તથા અર્ધમત્સ્યેંદ્રાસનની સાથે પ્રાતઃકાળે સૂર્ય નમસ્કારનો પણ અભ્યાસ કરવો.
* પ્રાણાયામમાં નાડીશોધન, શીતલી તથા સીત્કારી પ્રાણાયામનો અભ્યાસ કરો.

No comments:

Post a Comment