Monday, 8 August 2011

સત્યની સંવેદના દરેકને સ્પર્શે છે




ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી, તેથી બધાં કહે છે જમાનો ખરાબ છે.- મરીઝ
સત્ય દરરોજ માણસની પરીક્ષા કરે છે. સત્ય દરરોજ માણસને સવાલ કરે છે. માણસે તેનો જવાબ આપવાનો હોય છે. જેમ દરેક સવાલના જવાબમાં હા કે ના હોય છે તેમ સત્યના સવાલમાં સત્ય અને અસત્ય હોય છે. સત્ય નહીં જીતે એવું લાગે ત્યારે માણસ અસત્યનો સહારો લે છે અને ત્યારથી તેની હારની શરૂઆત થાય છે. સત્ય કદાચ પહેલા તબક્કામાં હારે પણ અંતિમ તબક્કામાં તો જીતતું જ હોય છે. અસત્ય હંમેશાં પહેલા તબક્કામાં જીતે છે, પણ છેલ્લે હારે છે. અસત્યનું આયુષ્ય લાંબું હોતું નથી. સત્ય સનાતન છે. માણસ અને દરેક જીવનું આયુષ્ય ખૂટે છે, પણ સત્યનું આયખું ખૂટતું નથી. માણસની ગેરહાજરી પછી પણ એનું સત્ય જીવતું રહે છે.
સત્યનો મહિમા ગાવા માટે નથી, સત્યનો મહિમા અનુસરવા માટે છે. સત્ય સહેલું નથી. સહેલું હોત તો દરેક માણસ આરામથી સત્ય બોલત. સત્ય અઘરું છે અને અઘરું હોય એ જ શીખવું પડે છે. નાના હોય ત્યારથી વડીલો કહેતા હોય છે કે, હંમેશાં સત્ય બોલવું, કારણ કે અસત્ય બહુ સહજ છે. એટલે જ આપણે આસાનીથી અસત્ય બોલતાં હોઈએ છીએ. ખોટું બોલો ત્યારે તમને ખબર હોય છે કે તમે ખોટું બોલો છો? ના. તમને એટલી જ ખબર હોય છે કે હું જે બોલું છું એ મારા ફાયદામાં છે. બધાનો હોઈ શકે, સત્યનો અપવાદ ન હોય. સત્યનો વિકલ્પ પણ ન હોય. આપણે એવું સાંભળીએ છીએ કે સો વખત બોલાય તો અસત્ય પણ સત્ય થઈ જાય છે. આ વાત દિલ કો બહેલાને કે લિયે અચ્છી હૈ, પણ સાચી નથી, કારણ કે સત્ય હજાર વખત બોલાય તોપણ એ અસત્ય થતું નથી, ઊલટું એ વધુ ચળકતું સત્ય બની જાય છે.
એક કંપનીનો માલિક વૃદ્ધ થયો. તેને થયું કે હવે મારે મારો ધંધો મારા ચાર પુત્રોમાંથી એકને સોંપી દેવો જોઈએ. તેને દ્વિધા એ હતી કે કયા પુત્રને તેનો ધંધો સોંપવો? જો ખોટા હાથમાં જાય તો ધંધો ચોપટ થઈ જાય. તેણે એક તરકીબ અજમાવી.
એક દિવસે ચારેય પુત્રોને બોલાવ્યા. નિવૃત્તિ લેવાની ઇચ્છા જાહેર કરી. પુત્રો રાહ જોઈને જ બેઠા હતા કે ક્યારે મારા હાથમાં બધો ધંધો આવે. જોકે પિતાએ એક શરત મૂકી. પિતાએ કહ્યું કે, “તમને ચારેયને હું ફૂલના છોડનું એક બી આપું છું. તમારે કુંડામાં એ બી વાવવાનું છે અને એક મહિના પછી એ કૂંડું લઈને મારી પાસે આવવાનું છે. જેનો છોડ સૌથી મોટો હશે તેને હું મારો ધંધો સોંપી દઈશ. પિતાએ ચારેય પુત્રોને બી આપ્યાં. ત્યારથી બધાના મનમાં એક જ વિચાર ચાલતા હતા કે મારો છોડ કેવી રીતે મોટો થાય!
ચારેય પુત્રોએ પોતાના ઘરે જઈ કૂંડામાં બી વાવ્યાં. એક પુત્રની હાલત કફોડી થઈ ગઈ. અઠવાડિયું થઈ ગયું છતાં કૂંપળ જ ન ફૂટી. બી કૂંડાની માટીમાં દબાયેલું જ રહ્યું. તેને થયું કે પિતાનો કારોબાર હવે તેના હાથમાં નહીં આવે. ત્રણેય ભાઈઓને ઘરે જઈને જોયું તો તેના છોડ ઉગવા લાગ્યા હતા.
પંદર દિવસ થયા. ભાઈઓના છોડ મોટા થવા લાગ્યા હતા. ત્રણેય વચ્ચે સ્પર્ધા હતી કે કોનો છોડ મોટો થાય. ખાતર નાખી પોતાનો છોડ મોટો કરવાની ત્રણેય મહેનત કરતા હતા. જ્યારે આ ભાઈનો છોડ તો ઉગ્યો જ નહીં. એ મૂંઝાઈ ગયો. શું કરવું એ સમજ નહોતી પડતી. પત્નીને વાત કરી. પત્નીએ કહ્યું કે, “હશે, ચિંતા ન કરો. આપણા નસીબમાં નહીં હોય. તમે ખાલી કૂંડું લઈને જજો. છોડ ન ઉગ્યો એમાં તમારો વાંક નથી. જે છે તે છે. છેક સુધી એ બીમાં સળવળાટ જ ન થયો.
એક મહિનો પૂરો થયો. ચારેય ભાઈઓ કૂંડાં લઈને પિતા સમક્ષ હાજર થઈ ગયા. ત્રણ છોડ મોટા થતાં, એકમાં ફૂલ પણ ઊગી ગયું હતું. ચોથા ભાઈના કૂંડામાં દાટેલા બી સિવાય કંઈ જ ન હતું. એ ભાઈને થયું કે, “હમણાં પિતા આવશે અને ફૂલ ઉગ્યું છે એ ભાઈને ધંધો સોંપી દેશે. બાકીના બે ભાઈઓને પણ કદાચ થોડો હિસ્સો આપશે. મને તો કાઢી જ મૂકશે.  ઠપકો પણ આપશે અને કહેશે કે એક છોડ ન ઉગાડી શક્યો, ધંધો શું ખાક સંભાળવાનો છે?
પિતા આવ્યા. ચારેય કૂંડાં જોયાં. તેણે કહ્યું કે, “હવે હું મારો નિર્ણય સંભળાવું છું. ખાલી કૂંડા પાસે આવીને તેણે એલાન કર્યું કે આ કૂંડાવાળા દીકરાને મારો ધંધો સોંપું છું! પેલા દીકરાને તો કંઈ સમજાયું જ નહીં કે આ પિતા શું કહે છે? મારું બી તો ઉગ્યું જ નથી!  જોકે બાકીના ત્રણેય દીકરાની નજર ઝૂકી ગઈ.
પિતાએ કહ્યું કે, “મેં તમને ચારેયને જે બી આપ્યાં હતાં એ ઝેરમાં બોળીને આપ્યાં હતાં. એ ઉગવાનાં જ ન હતાં એની મને ખબર હતી. તમે ત્રણેયે બી બદલાવી નાખ્યાં! તમારો છોડ જેટલો મોટો છે એટલી મોટી તમારી છેતરપિંડી છે. પેલા દીકરા પાસે આવીને કહ્યું કે, “તેં અસત્યનો સહારો ન લીધો તને હાર સ્વીકાર હતી, પણ અસત્ય નહીં, એટલે જ તારી જીત થઈ છે. તું જ મારો ધંધો સંભાળવા લાયક છે. સત્ય પહેલી નજરે હારતું લાગે છે, પણ હકીકતે એ જ જીતતું હોય છે.
સત્ય બોલવા માટે સોગંદ લેવાની પણ જરૂર નથી, કારણ કે સત્ય પરખાઈ જ જવાનું છે. સત્યને કોઈ આધારની જરૂર નથી. સત્યને કોઈ આકારની પણ જરૂર નથી. સત્ય નિરાકાર છે. અસત્ય ઘડવું પડે છે. સત્ય દિલમાંથી નીકળે છે અને અસત્ય મગજમાંથી જન્મે છે. મગજ દાવપેચ રમે છે, દિલ સહજ રીતે વર્તે છે. દરિયામાં ઉત્પાત છે એટલે જ એનાં મોજાં કિનારે માથાં પછાડે છે, ઝરણું સહજ છે. ઝરણામાં મોજાં નથી હોતાં, એનો સ્વભાવ તો ખળખળ વહેતા રહેવાનો છે. દિલ અને દિમાગ તથા સત્ય અને અસત્યનું પણ આવું જ છે. તમારા પક્ષે સત્ય હોય તો પછી કોઈના સાથની જરૂર નથી. સત્યને સાથે રાખો પછી અસત્ય માટે કોઈ અવકાશ જ નહીં રહે. સત્ય એટલું બધું સહજ છે કે એ બોલતાં પહેલાં કંઈ જ વિચારવું પડતું નથી. બાય ધ વે, આપણે આપણા પક્ષે સત્ય છે કે નહીં એટલું વિચારીએ છીએ ખરાં?

No comments:

Post a Comment