શ્રાવણ મહિનો શરૂ થયો એટલે ધાર્મિક માહાત્મ્ય ધરાવતા તહેવારની સાથે સાથે વિવિધ વ્રત ઉપવાસ પણ શરૂ થઈ જશે. રસપ્રદ બાબત એ છે કે મોટા ભાગના ભારતીય તહેવારોમાં સ્વાસ્થ્યને સાંકળીને આહારની ટેવને સાંકળવામાં આવી છે જેથી કોઈ પણ ઋતુમાં સ્વાસ્થ્ય બગડતું અટકે. મુશ્કેલી ત્યારે સર્જાય છે જ્યારે આપણે એ બાબતોને અનુસરતા નથી.
શ્રાવણ મહિનામાં વ્રત, ઉપવાસ, એકટાણાંનું મહત્ત્વ વધારે હોય છે. ખાસ કરીને સ્ત્રીઓ તેમાં વધારે સામેલ થાય છે. જોકે ઉપવાસમાં કે એકટાણાં દરમિયાન તેઓનો આહાર એ રીતનો હોય છે કે ઘણીવાર તો શરીરમાં ચરબી તથા કોલેસ્ટેરોલનો ભરાવો થઈ જતો હોય છે. એટલે વ્રત ઉપવાસ દરમિયાન ખાણીપીણીમાં કેટલીક કાળજી રાખવી જરૂરી બની જાય છે.
આયુર્વેદ તથા આરોગ્યનાં શાસ્ત્રોમાં પંદર દિવસે એક વાર ઉપવાસ કરવો જોઈએ તેવું સૂચન કરવામાં આવ્યું છે, કારણ કે પંદર દિવસે એક વાર ઉપવાસ કરવાથી શરીરના પાચનતંત્રને પૂરતો આરામ મળે છે એ દિવસે ફક્ત ફળાહાર જ કરવો જોઈએ. જોકે શાસ્ત્રોનો આ ફળાહાર આધુનિક સમયમાં તો ફરાળ બનીને ખૂબ ફૂલ્યોફાલ્યો છે. અત્યારે ઉપવાસના આઇસક્રીમથી માંડીને ઉપવાસમાં ખાવાના પિત્ઝા પણ ઉપલબ્ધ છે!! આ પ્રકારના કેલરીયુક્ત પદાર્થો ખાઇને ઉપવાસ કરવાથી સ્વાભાવિકપણે જ શરીરની કેલરી વધે છે અને પાચનતંત્રને બમણું કામ કરવું પડે છે.
ધ્યાન રાખવું કે ઉપવાસનો હેતુ શરીરને નિરોગી રાખવાનો હોય છે. ક્યાંક એવું ન બને કે ખોટી રીતે ઉપવાસ કરવાથી આરોગ્યતંત્ર ખોરવાઈ જાય. ઉપવાસમાં એવો ખોરાક લેવો જોઈએ જેના કારણે તમને પૂરતી શક્તિ પણ મળી રહે. ઉપવાસ દરમિયાન મોટા ભાગે શિંગોડાનો લોટ, રાજગરો, મોરૈયો, સાબુદાણા, બટાકા, શક્કરિયાં, સૂરણ, રતાળું, પનીર, દૂધ તથા દૂધની બનાવટોનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ખૂબ કેલરી હોય છે. હવે જો તમે એમ વિચારતા હો કે ઉપવાસ કરીને થોડી ચરબી ઉતારીએ તો આ પદાર્થોના વધારે પ્રમાણને લીધે વિપરીત અસર જ થાય છે. ભલે તમે આ બધી વસ્તુઓ એક જ વાર ખાતા હો, પરંતુ તે ખોરાક ઊર્જામાં બદલાતો નથી ને શરીરમાં ચરબીનો ભરાવો થાય છે. વળી તળેલી વસ્તુ તથા ગળી વસ્તુનું પ્રમાણ વધવાથી આરોગ્ય પર તેની માઠી અસરો થાય જ છે. એટલે સ્ત્રીઓએ તળેલી કે વધારે તેલવાળી વાનગીને બદલે દહીં, છાશ, ફળ તથા ફળોના રસ, લીંબુનું શરબત પીવું જોઈએ. મોરૈયાના લોટની રોટલી બનાવીને ખાવાથી પેટ ભરાય છે અને વારેઘડિયે આચરકૂચર ખાવાની ઇચ્છા થતી નથી. વળી બટાકાની વેફર ખાવાને બદલે જો બાફેલા બટાકા ખાવામાં આવે તો એ ફાયદાકારક રહેશે.
ઉપવાસમાં વધારે તળેલું ખાવાને લીધે મોટા ભાગે એસિડિટી થઈ જતી હોય છે. આ ઉપરાંત મીઠાવાળી વેફર, ખારી સિંગ ખાવાને કારણે ઘણી વાર મહિલાઓને બ્લડપ્રેશર પણ વધી જાય છે એ ઉપરાંત કબજિયાત, અપચો, બેચેની પણ થાય છે. તો ક્યારેક કશું જ ન ખાવાને લીધે અથવા તો શરીરમાં મીઠાની ઉણપને કારણે ચક્કર આવવાં, લો બીપી થઈ જવું કે અશક્તિ પણ અનુભવાય છે.
જમ્યા બાદ પચાવવું જરૂરી
જે લોકો ઉપવાસ કે એકટાણાં કરે છે તે લોકો એવું વિચારતા હોય છે કે એક વારમાં બધી વસ્તુઓ સામટી જમી લેવી તથા ભરપેટ જમી લેવું. આ ખૂબ ખોટું છે. ભૂખ હોય તે પ્રમાણે માપનું જ જમવું જોઇએ. અકરાંતિયાની જેમ જમવાનું ટાળવું. સામાન્ય રીતે ઉપવાસના દિવસોમાં લોકો થાકનો અનુભવ વધારે કરે છે જોકે આ બાબત ઘણા અંશે માનસિક પણ હોય છે એટલે થાકને દૂર કરવા પણ ઘણા લોકો વધારે ખોરાક લેતા હોય છે. તેના કારણે ખૂબ ઊંઘ આવે છે. એટલે જમ્યા બાદ ખૂબ ઊંઘ આવવા લાગે છે. જમીને તરત સૂવાને કારણે પેટની માંસપેશીઓ ખેંચાય છે અને જઠરમાં સ્ટોમેક એસિડ ઉત્પન્ન થવાને કારણે પેટમાં બળતરા થવા લાગે છે. ઉપવાસમાં જમ્યા બાદ વીસેક મિનિટ સુધી ધીમે ધીમે ચાલવું જોઈએ અથવા તો હળવી લટાર મારવી જોઈએ જેથી ખોરાક પચશે અને ગેસની સમસ્યા નહીં થાય.
ઉપવાસમાં સ્વાસ્થ્ય ન ખોરવાય
* બ્લડપ્રેશર, અલ્સર, ડાયાબિટીસ કે એનિમિયાથી પીડાતા લોકો તથા સર્ગભા સ્ત્રીઓએ વ્રત -ઉપવાસ ટાળવા.
* ગર્ભવતી સ્ત્રી ઉપવાસ કરે તો બાળકના પોષણ પર માઠી અસર પડે છે.વળી ગર્ભાવસ્થામાં તો સામાન્ય કરતાં વધારે ખોરાકની જરૂર હોય છે માટે ઉપવાસ ટાળવા.
* સંપૂર્ણપણે સ્વસ્થ વ્યક્તિએ જ ઉપવાસ કરવા, કારણ કે લાંબા ગાળાના ઉપવાસને કારણે ઘણી વાર ગળું સુકાવું, નબળાઈ આવવી, ખોરાક પ્રત્યે અરુચિ થઈ જવી,પુષ્કળ તરસ લાગવી એ પ્રકારની સમસ્યાનો સામનો પણ કરવો પડે છે.
* જે સ્ત્રીઓ કે યુવતીઓ વજન ઓછું કરવા માટે ઉપવાસ કરે છે તેના કારણે નુકસાન થાય છે. આડેધડ ઉપવાસ કરવાને લીધે શરીરમાં જરૂરી વિટામિન તથા ખનીજ તત્ત્વોની ઉણપ વર્તાય છે.
* ઉપવાસ દરમિયાન પાણીનું તથા પ્રવાહી વસ્તુઓ લેવાનું પ્રમાણ વધારવું જેથી કિડની વ્યવસ્થિત રીતે કામ કરે. શરીરમાં પાણીનું પ્રમાણ યોગ્ય હશે તો ત્વચામાં કુમાશ પણ જળવાઈ રહેશે અને ચામડી સૂકી નહીં થઈ જાય.
No comments:
Post a Comment