Monday, 8 August 2011

સ્ત્રીરોગ રક્તજાયોનિનો ઉપચાર



રક્તજાયોનિ એક સ્ત્રી રોગ છે. આ રોગથી પીડિત સ્ત્રીઓને પ્રજા થતી નથી. એટલે આયુર્વેદાચાર્યોએ આ રોગને અપ્રજાયોનિએવું નામ આપ્યું લાગે છે.
ગયા અષાઢમાં મહેસાણાથી એક ચૌધરી કુટુંબનાં બહેનનો કેસ આવેલો. ૧૦ વર્ષે પણ સંતાન નહોતું. એની નાડી પરીક્ષા પછી જે પ્રશ્નોતરી થઈ એ પરથી જાણી શકાયું કે તેમને રક્તજાયોનિની તકલીફ હતી.
એમને પિત્તવૃદ્ધિને લીધે તથા પિત્ત પ્રકૃપિત કરતાં આહારને લીધે માસિક વખતનું આર્તવ- રક્ત પુષ્કળ પ્રમાણમાં વહી જતું. આ કારણને લીધે જ તેમના ગર્ભાશયમાં ગર્ભ ટકી શકતો નહીં. આ રોગમાં આર્તવના સતત સ્રાવને લીધે ગર્ભ બહાર ફેંકાઈ જાય છે. લોહીવા માસિકસ્રાવ વખતે જ થાય છે જ્યારે અપ્રજાયોનિમાં માસિક સિવાયના સમયમાં પણ ઘણા દિવસો સુધી રક્તસ્રાવ થયા કરે છે.
લોહી અને પિત્તને કોપાવનાર આહાર વિહારનું અધિક સેવન કરતી સ્ત્રીઓને આ વિકાર થાય છે. આવી સ્ત્રીઓનું આર્તવ પિત્તને લીધે દૂષિત થઈને સતત અને પુષ્કળ પ્રમાણમાં વહ્યા કરે છે. મહેસાણાનાં એ બહેનને અમે અષાઢ અને શ્રાવણ આ બે મહિના આહારમાંથી તીખી, ખાટી, અને ખારી તથા ઉષ્ણ, તીક્ષ્ણ અને સૂક્ષ્મ ગુણવાળી ચીજો બંધ કરાવી. આહાર પણ પિત્તશામક ગોઠવી આપ્યો. આવા આહારમાં ગળી, તૂરી અને કડવી ચીજો, ભાત, દૂધ પૌંઆ, ખીર, ખીચડી, દૂધ, ખાટાં ન હોય એવાં મીઠાં ફળો, ઓછાં મીઠા-નમકવાળા અને ઘીમાં જ બનાવેલી મોળી શાકભાજી અને દાળની છૂટ આપી.
ઔષધમાં શતાવરી, આમળાં, જેઠીમધ, સાકર અને નાગકેસર, આ પિત્તશામક ઔષધો સરખા વજને લઇને તેનું ચૂર્ણ બનાવી બાટલી ભરી લેવાની. આમાંથી એક ચમચી જેટલું ચૂર્ણ સવારે અને રાત્રે દૂધ સાથે લેવાની સલાહ આપી તથા વધારાનાં પિત્તશામક ઔષધોમાં ફલઘૃત અને ચંદ્રકળા આપ્યાં. એક ચમચી પીપળાની લાખ અને એક ચમચી ફુલાવેલ ફટકડી મિશ્ર કરી તેની સરખી માત્રામાં પંદર પડીકી બનાવી તેને આપી. રોજ સવારે અને રાત્રે એક એક પડીકી દૂધ સાથે લેવાની.
આ પ્રકારના પિત્તશામક ઉપચારથી એમને ત્રણ મહિનાની અંદર તો ગર્ભ રહ્યાનાં લક્ષણો પણ જણાયાં છે. હજુ પણ એમના પિત્તશામક આહાર-વિહાર અને ઔષધોપચાર ચાલુ જ છે. જોઈએ હવે આવતો શ્રાવણ ઊતરતાં શું રિઝલ્ટ આવે છે.
ઘરગથ્થુ ઉપચાર
આયુર્વેદમાં જાંબુને ગ્રાહી કહેવાયું છે. પાતળા પાણી જેવા મળને- ઝાડાને જે બાંધીને ઘટ્ટ બનાવે તે ગ્રાહી. જાંબુ પિત્તશામક હોવાથી પિત્તના અને રક્તના વિકારો મટાડે છે. આ ઋતુમાં ઘણી વ્યક્તિઓને જાંબુનાં કૂણાં પાંદડાંનો રસ કાઢી, ત્રણથી ચાર ચમચી આ રસ દિવસમાં ત્રણ વખત પીવો અને પાકા જાંબુ ઠળિયા સાથે ચાવી જવા એટલે મળ બંધાઈ અને રક્તસ્રાવ અટકે છે.

No comments:

Post a Comment