Monday, 8 August 2011

પ્રેમનાં સો નામ




શબ્દોના બંદા પોલે લાડમાં ડાએનનાં સેંકડો નામ પાડયાં હતાં, જે તે ભૂલી ગયો હતો. ડાએને પોલને નવાં નામ સર્જવા માટે પ્રોત્સાહિત કર્યો અને પોલ તરફથી ડાએનને ભેટમાં પ્રેમનાં નવાં સો નામ મળ્યાં
પોલ વેસ્ટને કિડનીમાં ચેપ લાગવાથી ન્યૂ યોર્કની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અઠવાડિયાની સારવાર પછી ઘરે પાછા ફરવાના દિવસે પોલ બાથરૂમની બહાર ફસડાઈ પડયો. એની પત્ની ડાએન દોડતી આવી અને પૂછવા લાગીઃ તને સ્ટ્રોક આવ્યો છે?”
 અમેરિકન નવલકથાકાર અને કવિ ૭૩ વર્ષના પોલ વેસ્ટને સ્ટ્રોક આવ્યો હતો અને આ માંદગીમાંથી જન્મ થયો એક પાગલલવસ્ટોરીનો! બે રમતિયાળ, ધૂની અને શબ્દોની દુનિયાના બે આશકોની પ્રેમકથાઃ વન હન્ડ્રેડ નેઇમ્સ ઓફ લવ.
૧૯૭૦માં પેન્સિલ્વાનિયા સ્ટેટ યુનિર્વિસટીમાં ભણાવતા ચાલીસ વરસના પ્રોફેસર પોલ વેસ્ટને બાવીસ વર્ષની વિદ્યાર્થિની ડાએન અકુર મુહન મળી હતી. ડાએન પહેલી ડેટના દિવસે પોલને ઘરે ડ્રિન્ક લેવા ગઈ અને મળસ્કા સુધી એ બંને જણા વાત કરતાં રહ્યા પછી એ પોલને ત્યાં જ રહી ગઈ છે. છેલ્લાં ચાલીસ વરસથી.
એક દૂજે કે લિયેની આ કથા પણ નિરાળી છે. પોલની જેમ ડાએન પણ વિદૂષી છે. કવિ છે. તે વિજ્ઞાની નથી પણ વિજ્ઞાનના વિષયો પર લખે છે. એના ડોક્ટરેટના થિસીસના એક નિર્ણાયક વિશ્વવિખ્યાત વિજ્ઞાની કાર્લ સેગન હતા. ડાએન ફિઝિક્સની સાથે પોએટ્રી ભણી છે. બાળકો ન હોવાથી એ બંને ઘરમાં બાળકોની જેમ રહેતાં હતાં. પોલ નર્સરી ફૂડની મજા માણતો હતો. લાંબા લગ્નજીવનની સફળતાના કારણમાં ડાએન કહેતીઃ અમે એકબીજાના બાળક જેવા છીએ. બંને રમૂજી શબ્દોની રમતો રમતાં. એકબીજાને અવનવા હુલામણાં નામથી બોલાવતાં. લેખન ઉપરાંત આ બંનેને નજીક લાવનાર અને જોડી રાખનાર બંનેનો ભાષા પ્રત્યેનો પ્રેમ હતો. બંને શબ્દોના ઝવેરી હતાં. શબ્દો તેઓનો પ્રાણવાયુ હતો. રોજ સવારે ડાએનનું સ્વાગત પોલે લખેલી નિતનવી નોટથી થતું હતું. પોલના જીભના ટેરવે તો શબ્દકોશ સદા સેવામાં હાજર રહેતો હતો. આ લોકોના પ્રેમની પરિભાષા જ કંઈક ઓર હતી. જેમકે, સવારે ઊઠીને બેડરૂમની બહાર આવીને પોલ પૂછે છે કે અજવાળાનો ટેકો ક્યાં છે?” તો તે પાયજામાવિશે પૂછે છે તે ડાએન સિવાય બીજું કોણ જાણી શકે? અને બંનેની જોડી રાખતી સર્વથી વડી કડીને પોલને આવેલા સ્ટ્રોકે તોડી નાંખી.
સ્ટ્રોકને કારણે પોલના બ્રેઈનના એક ચોક્કસ ભાગને નુકસાન પહોંચવાથી એ ભાષા ભૂલી ગયો હતો. શબ્દો ભૂલી ગયો હતો. શબ્દોથી ફૂલેલોફાલેલો આંબો એક ઝાટકે ઠૂંઠું બની ગયો હતો. પોલ અર્થ વિનાનો એક શબ્દ મેમ... મેમ’ (men,men) બોલ્યા કરતો હતો. ડાએન દિશાશૂન્ય બની ગઈ. એણે ઘડીભર નિયતિને સ્વીકારી લેવાનું નક્કી કર્યું, પરંતુ સંકટ સમયે એને વિજ્ઞાનનું જ્ઞાન મદદમાં આવ્યું. થોડા વખત પહેલાં જ એણે એન આલ્કેમી ઓફ માઇન્ડનામનું સંશોધનાત્મક પુસ્તક પૂરું કર્યું હતું. પત્ની તરીકે એ જે ભય અનુભવતી હતી તેને ખંખેરીને એણે બ્રેઈનની સુષુપ્ત શક્તિઓ પર વિશ્વાસ રાખીને પોલની સારવાર કરવાનું નક્કી કર્યું. આવી સારવાર સરળ નથી. અપાર ધીરજનું કામ છે. વળી, આ કામ એક અતિવ્યસ્ત લેખિકાએ કરવાનું હતું. ર્નિંસગનો અનુભવ ધરાવતી પોલની સહાયક લીઝની પણ મદદ ડાએનને મળી અને પોલની સ્પીચ- થેરાપી અને ફિઝિયોથેરાપીની સારવાર શરૂ કરવામાં આવી.
પોલ પરવશ હતો. દરેક તબક્કે એને મદદની જરૂર પડતી હતી. એને એકલો રાખી શકાય તેમ ન હતો. તે પડી જાય તો બીજો સ્ટ્રોક આવી તેવી શક્યતા હતી. ન્યૂમોનિયાનો ભય ટાળવા પોલને જમાડતી વખતે તે અંતરાશ જાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું પડતું હતું. સારવારના એક તબક્કે પોલે ડાએનને કહ્યું હતું. એ મરી ગયો હોત તો સારું થાત. ડાએને પોલને મૃત્યુના વિકલ્પ કરતાં બીજા વિકલ્પોની વાત કરવાનું સમજાવ્યું હતું. ડાએન પોલને સતત ભરોસો આપતી હતી કે એની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. એ પોલને ખૂબ પ્રેમ કરે છે અને એને છોડીને ક્યાંય જવાની નથી. ડાએન પોલને પરણી ત્યારે જ જાણતી હતી કે અઢાર વરસ મોટા પુરુષને પરણવાથી ક્યારેક તો સમસ્યા ઊભી થશે જ! સ્ટ્રોક પહેલાંનાં વરસોમાં પોલ ડાએનને અનેક હુલામણાં નામથી બોલાવતો હતો. શબ્દોના બંદા પોલે લાડમાં ડાએનનાં સેંકડો નામ પાડયાં હતાં. એ ડાએનને વન વુમન ઝુપણ કહેતો હતો. પોલ આ બધાં નામ ભૂલી ગયો હતો. ડાએને પોલને નવાં નામ સર્જવા માટે પ્રોત્સાહિત કર્યો. એણે પોલને ભુલાઇ ગયેલા નામને બદલે નવાં નવાં નામ શોધવાનો પડકાર ફેંક્યો. પોલે તે ઝીલ્યો. સુંદર રીતે ઝીલ્યો. અને એના તરફથી ડાએનને ભેટમાં પ્રેમનાં નવાં સો
નામ મળ્યાં.
આ નામ નામ ખાતરનાં નામ નથી. કવિતા છે. પ્રેમની છલોછલ અભિવ્યક્તિ છે. એક બૌદ્ધિકે બીજી બૌદ્ધિક વ્યક્તિને કરેલું પ્રેમાળ સંબોધન છે. તેમાં સ્નેહની આદ્રતાની સાથે ગૂઢ અર્થો, ધાર્મિક પુરાણકથાના અછડતા ઉલ્લેખો છે. કેટલાંક નામ રમૂજી છે, કેટલાંક રોમેન્ટિક છે, કેટલાંક રમતિયાળ છે તો કેટલાંક અવનવાં છે. સામાન્ય રીતે સમજાય તેવાં અમુક નામ જોઈએ. વસંતનાં પીળા ફૂલનો શિકારી, યાયાવરનું વિશ્રામસ્થાન, ઓગસ્ટના આકાશનું મેઘધનુષ્ય, અંગૂઠા જેવડું સ્વપ્ન, એપ્રિલનો તેજસ્વી અવતાર, બદામની આત્મકથા, જીવનના અનંત પુસ્તકની પ્રેમી, ક્ષિતિજે ગાતી ખિસકોલી, મારી કાવ્યમય સ્ટારફિશ... ડાએનને સોમાંથી ત્રણ નામ વધુ પસંદ છે. વાળની મારી નાની ક્યારી (ડાએન માથાના વાળની ફેશન કરતી નથી), સવારની પ્રાર્થનાની જાસૂસી પરી અને સુંદર સિતારાની નાની મેના.
બ્રેઇન પોતાની રીતે જ પોતાને કેવી રીતે રિપેર કરે છે તેનો જીવંત દસ્તાવેજ આ કથામાં છે. બે પ્રેમીઓનું યુગલગીત મુશ્કેલીને પણ મૌલિક રીતે સહન કરવાની કેવી શક્તિ આપે છે તેનું જ્વલંત ઉદાહરણ છે. સ્ટ્રોક પહેલાંની જિંદગીને નવેસરથી જોડી આપીને આ પડકારે સ્પીચ- થેરાપીની સારવારને નવી દિશા આપી છે. તેમજ વાચાઘાતના રોગીઓના ઉપચાર તરીકે ભાષા અને શબ્દોના અભ્યાસનો નવો વિકલ્પ પૂરો પાડયો છે. પોલને માટે ડાએન હંમેશ વેલેન્ટાઇન રહી છે. સાજા થયા પછી પોલે ત્રણ પાનાંનું વેલેન્ટાઇન કાર્ડ ડાએનને આપ્યું હતું. પહેલા પાનામાં મેમલખેલું હતું જેનો અર્થ બંને જાણતાં નથી જ! કાર્ડના બીજા અને ત્રીજા પાના પર કૃતજ્ઞા પતિએ લાગણીના બંધ તોડી શબ્દોની સહસ્ત્રધારા વહાવી હતી. સ્ટ્રોક પછીની અપૂર્વ સારવારનાં બે વરસ બાદ પોલે ફરી લખવાનું શરૂ કર્યું છે. એણે ત્રણ નવલકથાઓ, વાગ્ભ્રંશતાની સાથે જીવવાની સ્મરણ-યાત્રા, નિબંધો અને વિવેચનો લખ્યાં છે. ડાએને એની આ સ્મરણયાત્રાને છ શબ્દોમાં સમેટતાં કહ્યું છે કે તીવ્ર પીડા કદી કંટાળાજનક હોતી નથી.

No comments:

Post a Comment