Monday, 8 August 2011

મૂત્રમાર્ગના રોગનું ઔષધઃ અધેડો

આપણે ત્યાં વર્ષાઋતુમાં અધેડોપુષ્કળ થાય છે. તેના ચારથી છ ફૂટ ઊંચા વર્ષાકાલીન છોડ ચોમાસામાં સર્વત્ર આપોઆપ જ ઊગી નીકળે છે. ઉનાળામાં તે સુકાઈ જાય છે. પણ ઘણે સ્થળે તે બારેમાસ જોવા મળે છે. આયુર્વેદ પ્રમાણે આ અધેડામાં અનેક ઔષધીય ગુણો રહેલા છે. આજે તેના એ ગુણો અને ઉપયોગો વિષે થોડું જાણીએ.
ગુણકર્મો
અધેડાને આયુર્વેદમાં અપામાર્ગનામથી ઓળખવામાં આવે છે. તેના ઘેરા લીલા રંગના છોડ પર બારીક કાંટા જેવી ફાંસો હોય છે. અને પાન તુલસીનાં પાન જેવાં તથા લંબગોળ હોય છે. આપણે ત્યાં ત્રણ જાતનો અધેડો જોવા મળે છે. (૧) શ્વેત- સફેદ (૨) કૃષ્ણ- કાળો અને (૩) રક્ત- લાલ. આ ત્રણેમાં સફેદ અધેડો ગુણોમાં શ્રેષ્ઠ ગણાય છે. કાળો અધેડો દુર્લભ છે.
આયુર્વેદ પ્રમાણે અધેડો સ્વાદમાં કડવો અને તીખો, ગરમ, પાચક જઠરાગ્નિવર્ધક તથા મળ મૂત્રને સરકાવનાર છે. તે કફ, ખંજવાળ, રક્તવિકાર, વાયુ, ઊલટી આમ અને હરસ- મસાનો નાશ કરનાર છે. નસ્ય ચિકિત્સા માટે સફેદ અધેડો ઉત્તમ ગણાય છે. લાલ અધેડો સ્વાદમાં થોડો તીખો, શીતળ, મળાવરોધક, ઊલટી કરાવનાર, વાયુ અવરોધક અને રૂક્ષ (શુષ્ક) છે. તે વાયુ- વ્રણ- જખમ કફ અને ખંજવાળનાશક છે. રાસાયણિક દૃષ્ટિએ અધેડાના પંચાંગમાં ખાસ કરીને તેનાં બીજમાં પોટાશ નામનો ક્ષાર વિશેષ પ્રમાણમાં હોય છે. જે તેને ઔષધીય ગુણો પ્રદાન કરે છે.
 ઉપયોગ
ક્ષારનું પ્રમાણ વધારે હોવાથી અધેડો મૂત્રમાર્ગના રોગમાં ઉત્તમ પરિણામ આપે છે. મૂત્રાશય કે મૂત્રેન્દ્રિયમાં દાહ- બળતરા થતી હોય અથવા મૂત્રત્યાગ પછી વેદના થતી હોય તો અધેડાનાં પંચાંગ અથવા તેનાં મૂળ લાવી ખાંડી, ભુક્કો કરીને રાખવા. રોજ બે ચમચી જેટલા આ ભુક્કાને બે ગ્લાસ પાણીમાં મેળવી ઉકાળવો, ઉકળતા અડધો કપ પ્રવાહી બાકી રહે એટલે ઉતારી, ગાળીને તે પી જવું. ઉપર બકરીનું દૂધ પીવું. આ રીતે સવાર-સાંજ થોડા દિવસ તાજો ઉકાળો કરીને પીવાથી મૂત્રસંબંધી ઉપરોક્ત તકલીફો મટે છે.
અધેડાનો ક્ષાર મૂત્રમાર્ગની પથરીને ઓગાળીને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. બજારમાં અધેડાનો ક્ષાર વેચાતો મળી રહે છે. ગોખરું અને કાળીપાટના બે ચમચી જેટલા ભૂકાનો ઉપર પ્રમાણે અડધો કપ ઉકાળો કરી તેમાં એક ગ્રામ જેટલો અધેડાનો ક્ષાર મેળવીને દિવસમાં બે વાર પીવાથી ધીમે ધીમે પથરી ઓગળીને નીકળી જાય છે. પિત્ત પ્રકૃતિની વ્યક્તિઓએ અધેડાના ક્ષારનો ઉપયોગ કરતાં પહેલાં વૈદ્યની સલાહ લેવી હિતકારી છે.
અધેડાનાં મૂળ મુખના રોગનું સારું ઔષધ છે. દાંતમાં દુખાવો થતો હોય, પેઢાં- મસૂડામાંથી રક્તસ્રાવ થતો હોય કે પાયોરિયા રોગની પ્રારંભિક અવસ્થા હોય તો અધેડાનાં તાજાં મૂળ લાવી તેમાંથી સવાર-સાંજ મંજન કરવું. અથવા મૂળનું ચૂર્ણ દાંત અને પેઢાં પર હળવા હાથે ઘસવું. એક- બે દિવસમાં જ દાંતના દુઃખાવા અને રક્તસ્ત્રાવમાં ખૂબ જ ફાયદો જણાશે.
અધેડાનાં મૂળ રક્તસ્રાવી હરસ- મસા પર ઉત્તમ પરિણામ આપે છે. મસાની તકલીફ હોય તો અધેડાનાં મૂળ લાવી, તેને ચોખાના ધોવરામણ સાથે વાટી લેવાં. અડધી ચમચી જેટલા આ પ્રવાહી સાથે એટલું જ મધ મેળવીને સવાર- સાંજ આપવાથી મસાનો રક્તસ્રાવ શીઘ્રતાથી બંધ થાય છે. આહારમાં તીખા, તળેલાં, ગરમ પદાર્થો લેવા નહીં.

No comments:

Post a Comment