આજની તાણ અને દોડધામભરી જીવનશૈલીને કારણે છથી આઠ કલાકની ગાઢ નિદ્રા લોકો માટે એક સ્વપ્ન સમાન બની ગઈ છે. તે છતાં જેટલા કલાકની ઊંઘ મળે એ કોઈપણ પ્રકારના ખલેલ વગરની હોય તો દિવસ દરમિયાન તાજગી વર્તાય છે. અહીં આ વિશે જરૂરી એવી કેટલીક બાબતો રજૂ કરી છે. સૌપ્રથમ તો બેડરૂમમાં જો ટીવી હોય તો તે હટાવી દો. કારણ કે ટીવી જોવાથી પણ ઊંઘવાનો સમય ઘણો ઓછો થઈ જાય છે. એ સિવાય સૂતા પહેલા કમ્પ્યુટર પર ઈ-મેઈલ ચેક કરવા, મોબાઈલ ફોનથી એસએમએસ કરવા અને આઈપોડ પર ગીતો સાંભળવાથી મગજ એટલું ઉત્તેજિત થઈ જાય છે કે આંખમાંથી ઊંઘ ગાયબ થઈ જાય છે. એટલું જ નહિ આ બધાં ઇલેક્ટ્રીક ઉપકરણોમાંથી નીકળતા તરંગો બેડરૂમની ગરમીમાં વધારો કરી દે છે. તેથી સૂતા પહેલાં હૂંફાળા પાણીથી સ્નાન કરવું અને કોઈ સારું પુસ્તક વાંચતા વાંચતા સૂઈ જવું.
બેડરૂમનું ટેમ્પરેચર સામાન્ય રાખવું. એસી અથવા કૂલરનું ટેમ્પરેચર એડજસ્ટમેન્ટ એટલું વઘુ ન રાખવું કે સૂતી વખતે તમને સારું લાગે પરંતુ જ્યારે તમે ગાઢ નીંદરમાં હો તો ઠંડીને કારણે અડધી રાતે અચાનક જ તમારી ઊંઘ ઊડી જાય. તેથી એસીને ઓટો કટ મોડ ૨૨થી ૨૪ ડિ.સે. પર રાખવું યોગ્ય રહેશે. એ સિવાય કૂલરના પાણીની ટાંકી એટલી નાની ન હોવી જોઈએ કે અડધી રાતે તેમાંનું પાણી ખલાસ થઈ જાય અને ગરમીને લીધે તમારી ઊંઘ ઊડી જાય. તેથી મોટી ટાંકીવાળું કૂલર જ વસાવવું.
શનિ-રવિ દરમિયાન પાડોશીઓના ઘરે મોડી રાત સુધી કોઈ ફંકશન ચાલતું હોય ત્યારે પણ ઊંઘ ઊડી જવાથી ગુસ્સો આવે છે. પરંતુ આપણે એમને કંઈ નથી કહી શકતા. જોકે એ માટે બજારમાં મળતા ઇઅર પ્લગ એક સારો ઉપાય છે. અથવા તો કાનમાં રૂ નાખીને પણ સૂઈ શકાય જેથી આસપાસનો ઘોંઘાટ ન સંભળાય. સાંજે ઘરમાં ખૂબ પ્રકાશ આવે એવી લાઈટો ન રાખવી કારણ કે વઘુ પડતી રોશની આપણા શરીરની આંતરિક પ્રક્રિયાને નુકસાન કરે છે. તેનાથી ઊંઘ આવવામાં વાર લાગે છે. વઘુ પડતો પ્રકાશ ઊંઘ આવવા માટે જરૂરી એવા મેલાટોનિન નામના હોર્મોનને બનતા રોકે છે. માટે બેડરૂમમાં ઓછા વોલ્ટવાળો બલ્બ લગાડવો લાભદાયક રહેશે. મોટા ભાગે લોકો રવિવારે રજા રહેતી હોવાથી શનિવારે મોડી રાત સુધી જાગતા હોય છે. ફિલ્મ જોવા કે પાર્ટીમાં ન જવું હોય તો પણ રવિવારે મોડા ઊઠે છે. આને લીધે શરીરનું સંતુલન બગડી જાય છે. સવારે મોડા ઉઠવાથી કે બપોરે સૂવાથી રાતે જલ્દી ઊંઘ નથી આવતી. પરિણામે બીજે દિવસે સવારે સુસ્તી અનુભવાય છે. તેથી જો રવિવારે બધાં કામ પતાવી દેશો તો બાકીના સમયમાં ફરવા કે શોપંિગ કરવા પણ જઈ શકાશે અને રાતે સમયસર ઊંઘ પણ આવી જશે.
રેખા કાનાણી
No comments:
Post a Comment