Saturday, 6 August 2011

તમારી પાસે જીવવા જેવાકેટલા સંબંધો છે?




સંબંધમાં સ્નેહ તો જ જળવાય જો તમે તમારી તરફ આવતા બધા રસ્તાને ખુલ્લા રાખો. જો રસ્તો બંધ કરી દો તો તમને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી કે તમારું કોઈ નથી
ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,
અહીં  આપણે તો જવું હતું, ફકત એકમેકનાં મન સુધી.- ગની દહીંવાલા
માણસ બધા વગર જીવી શકે પણ સંબંધો વગર જીવી ન શકે. દરેકની જિંદગીમાં થોડાંક એવા લોકો હોવા જોઈએ જેના માટે માણસને જીવવાનું મન થાય. દરેક પાસે પોતાના આયખા પૂરતા સંબંધો હોય જ છે. આપણે આપણા સંબંધો કેવી રીતે જીવીએ છીએ તેના પરથી જ આપણી માનવીય ઊંચાઈ મપાતી હોય છે. ઘણી વ્યક્તિ પાસે પોતાના કહી શકાય એવા ઘણા લોકો હોય છે, છતાં એ એકલો હોય છે. સંબંધો જાળવવામાં થાપ ખાઈ જઈએ તો ઘણી વખત આપણે એકલા પડી જઈએ છીએ.
ઘણા માણસોના મોઢે આપણે એવું સાંભળીએ છીએ કે મારુ કોઈ નથી. મારી કોઈને પડી નથી. આવી ફીલિંગ જીવનને અઘરું, અધૂરું અને આકરું બનાવી દે છે.
એક માણસ સાધુ પાસે ગયો. તેણે કહ્યું કે, “મારું કોઈ નથી. સાધુએ પૂછયું કે, “કેમ તારી પાસે મા-બાપ, ભાઈ-બહેન, સગાં-વહાલાં, મિત્રો, પાડોશીઓ, સાથે કામ કરતા લોકો નથી?” પેલા માણસે કહ્યું, “બધાં છે પણ મારા કોઈ નથી. બધા નક્કામા છે. મારું કોઈ નથી. આ વાત સાંભળીને સાધુએ સવાલ કર્યા કે, “હવે તું મને કહે કે તું કોનો છે?” યુવાન પાસે તેનો જવાબ ન હતો. સાધુએ કહ્યું કે, “સાચી વાત એ છે કે બધાં જ તારા છે પણ તું કોઈનો નથી. તારા લોકોને થોડોક પ્રેમ તો કરી જો, તારા લોકો આપોઆપ તારા થઈ જશે. કોઈના થયા વગર આપણે કોઈને આપણા ન કરી શકીએ.
માણસની તકલીફ જ એ છે એને પોતાની ખામી ક્યારેય દેખાતી નથી. આખી દુનિયાને તમારી સાથે સંબંધ રાખવા હોય છે પણ તમે જો દિલના દરવાજા બંધ કરી દો તો કોઈ તમારા જીવનમાં પ્રવેશી ન શકે. તમે વિચારજો કે તમે કોના છો? તમે ઘણાના હશો. તમે તેના છો એટલે જ એ તમારા છે. તમારા સંબંધો કેવા અને કેટલા છે, એનો આધાર માત્ર અને માત્ર તમે છો. તમારી પાસે તમારા સંબંધો ન હોય તો માનજો કે પ્રોબ્લેમ તમારામાં છે, તમારા લોકોમાં નહીં. હા, દરેક સંબંધ સાચો નથી હોતો, આપણે જેની સાથે સંબંધો હોય એ ઘણી વખત ખોટા પણ હોય છે. યાદ રાખવા જેવી વાત એ છે કે દરેક સંબંધ ખોટા પણ નથી હોતા. સાચા-ખોટામાં પડીને બધા જ સંબંધો પૂરા કરી દેવાય નહીં. તમારા સંબંધો સાચા અને સારા રાખો, સામેવાળી વ્યક્તિ ઓટોમેટિક તમને ચાહવા લાગશે. સંબંધમાં સ્નેહ તો જ જળવાય જો તમે તમારી તરફ આવતા બધા રસ્તાને ખુલ્લા રાખો. જો રસ્તો બંધ કરી દો તો તમને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી કે તમારું કોઈ નથી. હા, ઘણા સંબંધોમાં ડાયવર્ઝન આવી જાય છે, પણ યાદ રાખો કે ડાયવર્ઝન ગમે એટલું મોટું હોય અંતે મુખ્ય માર્ગને મળતું જ હોય છે. ક્યારેક કોઈ સંબંધ બગડે તો તેને સુધારી લો. જીવવા માટે તમને કોઈ પ્રેમ કરે એ જરૂરી છે અને પ્રેમ મેળવવા માટે તમે કોઈને પ્રેમ કરો એ માત્ર જરૂરી નહીં પણ અનિવાર્ય છે.
એક ભિખારી હતો. મંદિરની બહાર ભીખ માંગે. એક વખત એક માણસ તેની પાસે ગયો. ભિખારીને પૂછયું કે બોલ, તારે શું જોઈએ છે? તને જોઈએ એ બધું જ આપું! ભિખારીએ લીસ્ટ આપી દીધું. એક નાનું ઘર જોઈએ. ઘરમાં થોડીક સુવિધા અને સાધનો જોઈએ. એક નાનું વાહન જોઈએ. ઘર ચાલે અને કામ કરી શકું એ માટે નોકરી જોઈએ.
પેલા માણસે કહ્યું, “ડન. હું તને બધું જ આપીશ. એ માણસે ભિખારીને તેણે માગ્યું તે બધું જ આપ્યું. થોડા સમય પછી ભિખારી મટીને સામાન્ય માણસ બની ગયેલી વ્યક્તિએ કહ્યું કે તમે બધું આપ્યું પણ મારી પાસે હજુ એક ચીજ નથી! પેલા માણસે પૂછયું કે, “હવે શું નથી?” તેણે કહ્યું કે, “મારી પાસે મારા લોકો નથી, જેને હું પોતાના કહી શકું. મારી પાસે મારા સંબંધો નથી.
પેલા માણસે હસીને કહ્યું કે દોસ્ત, તારા સંબંધો તો તારે જ બનાવવા પડે. હું તને બધું જ આપી શકું પણ તારા સંબંધો તો તારે જ સર્જવા પડે. એ હું તને ન આપી શકું.
આ વાત આપણને બધાને લાગુ પડે છે. ઈશ્વરે આપણને આપણી જરૂરિયાત મુજબનું બધું જ આપ્યું છે અને બધું આપીને ઈશ્વર કહે છે કે, “દોસ્ત, તમારા સંબંધ તો તમારે જ બનાવવા, જાળવવા અને જીવવા પડે. સંબંધો ભીખમાં નથી મળતાં!
દરેક માણસ પાસે પોતાના લોકો અને પોતાના સંબંધો હોય છે. જેની પાસે સંબંધો નથી હોતા એ મોટાભાગે પોતે જ દૂર ચાલ્યો ગયો હોય છે, પછી પોતાના લોકોને દોષ દે છે કે બધાં મારાથી દૂર થઈ ગયા છે. તમારા સંબંધોની નજીક રહો, તમારા સંબંધોને જકડી રાખો. દરેક વ્યક્તિએ તમને પ્રેમ કરવો છે પણ તમે મોકળાશ અને હળવાશ તો આપો! બારી બંધ હોય તો ટાઢક થાય એવી હવા ન આવે, સંબંધોનું પણ એવું જ છે.
છેલ્લો સીન
લોકો એ વાત સમજવા તૈયાર જ નથી હોતા કે દુનિયા પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ વાસ્તવમાં તો તેમના પોતાના જ ચારિત્ર્યની અભિવ્યક્તિ હોય છે.

No comments:

Post a Comment