પૂર્ણિમાબહેન પકવાસાનાં સ્મરણોનું સુંદર પુસ્તક વાંચવામાં આવ્યું. જાતઅનુભવમાંથી પ્રગટેલી વાતોમાં એક ખાસ તત્ત્વ હોય છે જે હૈયાંને અચૂક સ્પર્શી જાય. એ પુસ્તકમાં રજનીશજી (ઓશો)ના પરિચય અને સાંનિધ્યને લગતી વાતમાં કાંઈક આવા અર્થની ભારે સચોટ નોંધ કરી છે : “કેટલાક ઓશોના ચળકાટથી આકર્ષાઈને નજીક જતા, કેટલાકને કુતૂહલ થતું, તો અનેક વ્યક્તિઓ માત્ર વેવલાવેડાથી પ્રેરાઈને એમની આજુબાજુ ઘૂમતી રહેતી.” પૂર્ણિમાબહેનના આ નિરીક્ષણ સાથે ઓશોએ જીવનના અંતે દૃઢતાપૂર્વક સ્વીકારેલો એકાંતવાસ અને મૌન જેટલું સૂચવી જાય છે, એટલું એમનાં હજારો પ્રવચનો પણ સૂચવતાં નથી.
ઓશો જેવી મહાન પ્રતિભાથી માંડીને આપણા જેવા અનેકને જીવનયાત્રામાં ભારે રસસભર અનુભવો થતા હોય છે. વ્યક્તિને પરમેશ્વર અમુક કામ સોંપીને આ દુનિયામાં મોકલે છે. એને મળતી ભૂમિકા, કરવો પડતો સંઘર્ષ, કહેવાતી સફળતા, કહેવાતી નિષ્ફળતા, કહેવાતી સિદ્ધિઓ અને કહેવાતી પ્રસિદ્ધિ, કહેવાતી લોકપ્રિયતા કે કહેવાતી એકલતા- આ બધું જ માત્ર આડપેદાશ હોય છે, યોગાનુયોગ હોય છે. સૂર્ય ઉદય પામવાથી લઈને અસ્ત થાય તે આખા ઘટનાચક્રમાં સૂર્યને સાંપડતો ઝળહળાટ, એને મળતી વિવિધરંગી આભાઓ વગેરે સૂર્ય માટે તો યોગાનુયોગ હોય છે. હકીકતમાં પ્રકાશ, અગ્નિ એનો સ્વભાવ હોય છે, સહજતા હોય છે, પસંદગી નથી હોતી.
નાના કે મોટા માણસની જિંદગીમાં આવું જ બનતું હોય છે. મહત્ત્વ એને મળતા ઝળહળાટ, દુન્યવી સિદ્ધિ કે દુનિયા જેને પ્રસિદ્ધિ કહે છે તેનું નથી હોતું. મહત્ત્વ કુદરતે એને સોંપેલા ખાસંખાસ કાર્યનું હોય છે. કુદરત બહુ વિરાટ સંદર્ભમાં, બહુ વિશાળ પરિપ્રેક્ષ્યમાં તમને અમુક ‘પાઠ’, અમુક ‘રોલ’ સોંપતી હોય છે અને એ પાઠનું મહત્ત્વ તો બહુ લાંબો કાળ વ્યતીત થઈ જાય પછી જ સમજાય. જેણે આ ‘પાઠ’ ભજવ્યો હોય એ વ્યક્તિ ત્યારે મોટે ભાગે જીવંત ન હોય, પણ મજેદાર સત્ય એ છે કે પોતાને કાંઈક વિશિષ્ટ કામ સોંપાયું છે અને સંઘર્ષ, સિદ્ધિ, પ્રસિદ્ધિ, પરિચયો, આજુબાજુ એકઠા થતાં પ્રભાવિત લોકો તો માત્ર અને માત્ર ‘યોગાનુયોગ’ છે, તેમનું મહત્ત્વ ‘ગૌણ’ છે. એ ગુપ્ત પ્રતીતિ મહાપુરુષોને બહુ જલદી થઈ જતી હોય છે. પરિણામે એમના પ્રતિભાવો અલગ હોય છે. અને એટલે જ સમકાલીનો ટોળાં વડે મહાપુરુષોની મૌલિકતાને ગૂંગળાવી શકતા નથી અને એકલા પાડી દઈને પણ ખતમ કરી શકતા નથી.
આપણે અહીં જેમને માટે ‘ગૌણ’ શબ્દ વાપર્યો, જે લોકો જીવનયાત્રા દરમિયાન તમારે રસ્તે આવે છે, જેઓ કાં તો તમારી પ્રતિભાથી અંજાયેલા છે અથવા તો પોતાની ઓકાત સમજ્યા વિના ઇર્ષ્યા કરી રહ્યા છે. તમારી આજુબાજુ મંડરાય છે, તમને સાંભળ્યા, વાંચ્યા કે સમજ્યા વિના કાયરની માફક, શાહમૃગની માફક તમારી નિંદા કરીને ઇર્ષ્યા પોષી રહ્યા છે, જેઓ એક જમાનામાં વાડ પર ઊભા રહી, રાહ જોતા હતા કે આ માણસ નીચે પડે તો મજા આવે ને હવે તમને ર્નિિવઘ્ને દોડતા જોઈને તાબોટા પાડીને વધાવી રહ્યા છે. આવા બધા લોકોનું મનોવૈજ્ઞાનિક વર્ગીકરણ કરો તો મોટા ભાગે ઇર્ષ્યા અથવા કહેવાતી પ્રસિદ્ધિના ઝળહળાટથી ખેંચાઈને દાખવાતો ‘અહોભાવ’ જોવા મળે છે. જરા કટાક્ષની ભાષા વાપરીએ તો ‘વેવલાવેડા’ જોવા મળે છે, પણ મુદ્દો એ છે કે વ્યક્તિને ‘ઓળખનારા’ કેટલાક કોઈ જ ચળકાટ, સફળતા, નિષ્ફળતા, કહેવાતી સિદ્ધિ કે કહેવાતી પ્રસિદ્ધિ વિના, માત્ર તમારી વાત દ્વારા, તમારામાં રહેલાં કાંઈક ‘અદ્ભુત’, કાંઈક ‘ઈશ્વરપ્રેરિત ખાસ તત્ત્વ’ને પારખી શકે, તમારી માનવીય સબળ અને નિર્બળ લાક્ષણિકતાઓ વચ્ચે પણ તમારામાંનાં ‘અલૌકિક’ને ઓળખીને તમને વંદન કરે એવા કેટલા મળે જીવન-પંથે?
કદાચ બહુ ઓછા મળે, બહુ વિરલા મળે. પરમહંસદેવના જીવનની એક ભારે રોમાંચક ઘટના છે : દક્ષિણેશ્વરની અગાસી પર રામકૃષ્ણ જાય છે ને પોકારી પોકારીને મા જગદંબાને કહે છે : મા, એ લોકોને મોકલ, જેમની સાથે હું વાત કરી શકું, જેઓ મને ઓળખી શકે, જેમને હું ઓળખી શકું. આપણા આધુનિક મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો જેમની સાથે હું ‘કમ્યૂનિકેટ’ કરી શકું!
આ ‘ઓળખ’ શું છે? શું એ મિથ્યાભિમાન છે? હા, અનેક ઉદાહરણોમાં એ મિથ્યાભિમાન હોઈ શકે. દાખલા તરીકે ભીમસેન જોષી કે ઓમકારનાથ ઠાકુરને વ્યાસપીઠ પર ગાયન રજૂ કરતાં જોઈને સરેરાશ, નિમ્ન કક્ષાના, ઝાઝી પ્રતિભા નહીં ધરાવનાર ગાયક એમ કહે કે, “આપણને બંદાને આવી ‘તક’ ન મળી, નહીંતર આપણે પણ કાંઈ ‘કમ’ નથી! આ ભીમસેન પૂનામાં મારા પિતાશ્રી પાસેથી રાગરાગિણીનું પુસ્તક લેવા આવતા!” આવી કૂપમંડૂક મનોદશા જાતને છેતરવામાંથી પેદા થતી હોય છે. આવી હાલતમાં માણસજાતે પોતાને છેતરે છે અને પછી એ ‘અસાધ્ય’ ઓળખને કારણે અન્યો પણ આવા માણસને છેતરતા થઈ જાય છે અને ન કરે નારાયણ ને તકદીર મહેરબાની કરે ને આ બંધુને બે ચાર જ્ઞાતિમંડળો કે ઓર્કેસ્ટ્રામાં ગાવાની ‘તક’ મળી ગઈ તો (તકદીર મહેરબાન તો ગર્દભ પણ પહેલવાન) પછી આવા માણસોને કદી જ પોતાની ‘ખરી’ ઓળખ થતી નથી.
વ્યક્તિઓ દેખીતી રીતે સરખી લાગે છતાં સાથે ઊઠવા બેસવા છતાં, એક વ્યક્તિની ઊંચાઈ આસમાનને આંબતી હોય છે ને અન્ય વ્યક્તિની ઊંચાઈ ભૂંડ, ઘેટાં, બકરાં કે અળસિયાંથી વિશેષ હોતી નથી.
આસમાની ઊંચાઈવાળી વ્યક્તિને કોઈ આરતી ઉતારે, કોઈ એને ‘મહાન’ કહે એની જરૂર હોતી નથી, પણ આખરે મુઠી ઊંચેરા મહાપુરુષ પણ માનવ હોય છે અને કુદરતે તેમને કશુંક ‘કમ્યૂનિકેટ’ કરવા મોકલ્યા હોય છે. આ સત્યની તેમને ઓળખ’ હોય છે, પ્રતીતિ હોય છે, પરિણામે અનેક વાર તેમની ‘પ્યાસ’, તેમની જરૂર, તેમની આવશ્યકતા ‘ઓળખ’ની, ‘કમ્યૂનિકેશન’ની હોય છે, એવોર્ડ, અહોભાવ કે ઇર્ષ્યાથી એમને ઝાઝી નિસબત હોતી નથી.
No comments:
Post a Comment