આપણે એમ માનીએ છીએ કે આપણે ઘણુંબધું જોઈએ છીએ, ઘણુંબધું સાંભળીએ છીએ, અનેક પ્રકારની સુગંધ અને અનેક પ્રકારના સ્વાદ માણી શકીએ છીએ. પણ હકીકત એમ નથી. આપણને જે ઈન્દ્રિયો મળી છે એની શક્તિઓના દસમા ભાગનો પણ આપણે ભાગ્યે જ ઉપયોગ કરીએ છીએ. આનંદથી ભરપૂર આ જીવન અને રહસ્યોથી ભરપૂર કુદરતને માણવા માટે આપણે લગભગ કુંઠિત થઈ ગયા છીએ. આપણે પોતે ઊભી કરેલી મર્યાદાઓની દીવાલોને કારણે આપણે પોતે જ કેદી બની ગયા છીએ.
વહેલી સવારે તમે ઊઠો છો, જલદી જલદી નહાવા ધોવાનું, નાસ્તાનું પતાવો છો, કામ પર જવા તૈયારી કરો છો. આસપાસની આખીયે કુદરત અવાજોથી ભરપૂર છે પણ તમને એની ખબર નથી. પછી એક દિવસ તમે એક પક્ષી લઈ આવો છો- પોપટ, મેના, બજરીગર, એક નાનકડો જીવ તમારા ઘરમાં આવે છે અને થોડા દિવસોમાં જ તમને ખબર પડે છે કે તમારી આસપાસ અવાજોની ઓરકેસ્ટ્રા વર્ષોથી ગુંજી રહી છે. કાગડા, કાબર, કબૂતર, ચકલા કેટલાં બધાં પક્ષીઓ બોલે છે! સંગીતથી બધું ભર્યું ભર્યું છે. અવકાશ મૌન નથી. આજ સુધી તમે એ સાંભળવા માટે જાગૃત નહોતા. એકાએક તમારા કાન તીવ્ર બની જાય છે. આજ સુધી કાન માત્ર બસની ઘરઘરાટી, રિક્ષાનાં હોર્ન, બોસની ધમકી, માણસોનો કોલાહલ, ટીવીનું ઘોંઘાટિયું સંગીત જ સાંભળતા હતા. હવે એ જુદું જ સાંભળવા માટે તૈયાર છે. જોવાનો વિચાર કરીએ તો આપણને એમ લાગશે કે જેને આંખો હોય એ બધાં જોઈ શકે છે. પરંતુ, જોવાની પ્રક્રિયા અત્યંત અટપટી અને ગૂઢ છે. જે રીતે જોવાની આપણને ટેવ હોય છે એ રીતે જ આપણે વસ્તુને જોઈ શકીએ છીએ.
આપણે પોતે સ્વીકારી લીધેલાં બંધનો અને મર્યાદાઓ ત્યાં પણ આપણને નડે છે. કશુંક જોવા જેવું જોવા માટે આપણે આપણી જાતને કેળવવી પડે છે. કેળવણી વિના માત્ર આપણી આંખો ફરતી હોય છે પણ આપણે જોઈ શકતા નથી.
ફ્રેંચ ચિત્રકાર પોલ ગોગેંનાં ચિત્રો જેની કિંમત અત્યારે આંકવી મુશ્કેલ છે એ ચિત્રો જોઈને લોકો મશ્કરી કરતા હતા. સામાન્ય માણસો તો ઠીક કલા- વિવેચકો પણ એની હાંસી ઉડાવતા હતા. અતિ સુંદર અને અમૂલ્ય કહી શકાય એવાં ચુમાલીસ ચિત્રોનું એણે જ્યારે પેરિસમાં પ્રદર્શન ગોઠવ્યું ત્યારે એક વિવેચકે લખ્યું કે, જો તમારે તમારા બાળકોને હસાવવાં હોય તો ગોગેંનાં ચિત્રો જોવા લઈ જજો. એનો અર્થ સ્પષ્ટ છે કે, ગોગેંનાં ચિત્રો જોવાની દૃષ્ટિ એના સમયના લોકોમાં નહોતી. આંખો હતી. દૃષ્ટિ નહોતી.
કલોડ મોનેનાં ચિત્રોની દશા પણ શરૂઆતમાં એવી જ થઈ હતી. એની પત્ની કેમિલ અને એના બાળકનું ચિત્ર પચાસેક વર્ષ પહેલાં પાંચ લાખ ડોલરમાં વેચાયું હતું. (આજે તો એ અમૂલ્ય ગણાય.) એટલી રકમથી મોને એની આખીયે જિંદગી આરામથી જીવી શક્યો હોત પણ એના વખતમાં એનાં ચિત્રોને ખરીદનાર કોઈ નહોતું. માણસોની દૃષ્ટિ કેળવાયેલી નહોતી. કલોડ મોને સૂર્ય પ્રકાશનો કલાકાર હતો, રંગોનો ચાહક હતો, ફૂલો પાછળ ગાંડો હતો. પોયણાંઓ એને એટલાં બધાં ગમતાં કે એનાં લગભગ સાઠ જુદાં જુદાં ચિત્રો એણે બનાવ્યાં છે. સંતોષ નહીં થતાં એણે કેટલાંક કેનવાસ તો ફાડીને ફેંકી દીધા હતા. એ કહેતો કે, “મારી પીંછી જ્યારે પોયણાંઓનું સૌંદર્ય કેનવાસ પર ઉતારી શકતી નથી ત્યારે મને રાત્રે ઊંઘ આવતી નથી.”
આ સૌંદર્ય કાંઈ દરેકની આંખો પકડી શકતી નથી. એ માટે આંખોને ય કેળવવી પડે છે. મનને શિક્ષણ આપવું પડે છે.
પોલ સેંઝાએ જ્યારે મોનેનાં ચિત્રો જોયાં ત્યારે એ બોલી ઊઠયો હતો, ‘આ ચિત્રકાર મનુષ્ય નથી. માત્ર આંખ છે! અને એ પણ કેવી અદ્ભુત આંખ! એટલું જોવું એ સહેલું નથી. જોતાં શીખવું પડે છે. મહાન ચિત્રકારો આપણને જોતાં શીખવે છે. કાર્ટૂનિસ્ટને જે દેખાય છે એ આપણને દેખાતું નથી. ચહેરાની જે રેખાઓ પકડે છે એ આપણી દૃષ્ટિમાં જ આવતી નથી. એ જ રીતે ચિત્રકારને જે દેખાય છે તે આપણને દેખાતું નથી.
એક સામાન્ય ફળની ટોપલી, સફરજન, બ્રેડના ટુકડા, દુકાનમાં પડેલા આપણે અનેક વાર જોઈએ છીએ. એમાં કોઈ સૌંદર્ય હોય એમ ક્યારેય આપણને લાગતું નથી. પણ સેઝાંના ચિત્રમાં પડેલાં સફરજન અદ્ભુત લાગે છે. હમણાં દડશે. સફરજનમાં સૌંદર્ય, ગતિ, અવાજ સેઝાં મૂકી શકે છે.
અને એક જ વસ્તુ જુદા જુદા ચિત્રકારો જુએ છે. ટિશિયન, જ્યોર્જિઓન, વેલોઝક્વેઝ, માને, કેટલાયે ચિત્રકારોએ સ્ત્રીના દેહના સૌંદર્યને કેનવાસ પર ઉતાર્યું છે. ટિશિયનની ‘વિનસ ઓફ ઊર્બીનો’ જે રીતે લાંબી થઈને પડી છે એ જ રીતે માનેની ‘ઓલિમ્પીયા’એ પણ લંબાવ્યું છે, છતાં ટિશિયન અને માનેની દૃષ્ટિએ અલગ અલગ સૌંદર્યને પકડયું છે અને કેનવાસ પર ઉતાર્યું છે. ચિત્રકારોએ એમની છિન્નભિન્ન દૃષ્ટિથી સૌંદર્યની જુદી જ છટાઓને રજૂ કરી છે. દરેક ચિત્રકાર સૌંદર્યની કોઈ વણઉકેલી, ન જોયેલી છટાને વ્યક્ત કરી શકે છે.
આ બધા ચિત્રકારો આપણને કહે છે, માત્ર જોવું એટલે જોવું જ નહીં. જોવા માટે બે આંખો ઉપરાંત ત્રીજી કોઈક ચીજની પણ જરૂર છે. જ્હોન કોન્ટેસ્બલે ઈંગ્લેંડના ગ્રામ વિસ્તારનાં ચિત્રો દોર્યાં છે. તળાવ, ગાયો, હોડીઓ, વાદળાં એ બધું તો ત્યાં હતું જ પણ એના અલૌકિક સૌંદર્યની એની પહેલાં કદાચ કોઈએ નોંધ લીધી નહોતી.
કોર્હેના લેન્ડસ્કેપ જોઈને કે ટર્નરનાં રમ્ય અને ભયાનક ચિત્રો જોઈને કે કાંગરાવેલી શૈલીનાં ચિત્રો જોઈને આપણે આપણાં જ પ્રદેશમાં, આપણાં જ પાદરમાં, પથરાયેલાં સૌંદર્યને માણતા શીખી શકીએ છીએ. અમૃતા શેરગીલના ઊંટ જોઈને આપણે આશ્ચર્યથી મુગ્ધ થઈ જઈએ છીએ. ઊંટ તો આપણે પણ કાયમ જોઈએ છીએ પણ એણે ઊંટને જે રીતે જોયા છે એ રીતે જોવા આપણી જાત કેળવાયેલી જ નથી. અહીં રાજા રવિવર્માને પણ યાદ કરી લઈએ. ભારતીય ચિત્રકલા જગતમાં એમણે જે સૌંદર્યનું પાન કરાવ્યું છે એ કાંઈક અનોખું જ છે.
એમ કહેવાય છે કે માણસના પગની રચના એવી છે કે એ કાંગારું જેટલું કૂદી શકે પણ, આપણે એટલું કૂદી શકતા નથી, કારણ કે એમ કરવાનું આપણે વર્ષોથી છોડી દીધું છે. આપણા પગ બંધાઈ ગયા છે. એવું જ બીજા અવયવોનું છે. બીજી ઈન્દ્રિયોનું છે. આપણે બંધાઈ ગયા છીએ. જીવનને માણવા માટે આપણે મુક્ત થવાની જરૂર છે.
સામાન્ય રીતે આપણે પંદર-વીસ પ્રકારની સુગંધ ઓળખી શકીએ છીએ. પણ જગતમાં એવી પણ વ્યક્તિઓ છે જે સેંકડો પ્રકારની ભિન્ન ભિન્ન ગંધને પારખી શકે છે. આપણાં શરીરને, અરે, આપણી લાગણીઓને પણ અમુક પ્રકારની ગંધ હોય છે એમ કોઈ આપણને કહે તો આપણને નવાઈ લાગ્યા વિના ન રહે, પરંતુ એ હકીકત છે. માણસને જ્યારે ડર લાગે છે ત્યારે એના શરીરમાંથી અમુક વિશિષ્ટ ગંધ પ્રસરે છે, એ ગંધથી જ કૂતરો ડરતાં માણસને ઓળખી કાઢે છે. પ્રાણીઓ તો પ્રેમ પણ ગંધથી દોરવાઈને જ કરે છે. આપણી પ્રેમની લાગણીને પણ જરૂર એવી વિશિષ્ટ ગંધ હોવી જ જોઈએ. જીવન ભરપૂર છે. સભર છે. કુદરત સૌંદર્ય, સૂર, સુગંધથી ઊભરાઈ રહી છે. પણ પોતાની જાતને કેળવ્યા વિના આ લૌકિક જીવનમાં છવાયેલ અલૌકિક તત્ત્વને આપણે પામી શકતા નથી. અહીં જે કાંઈ છે, જે પ્રાપ્ય છે, એ પણ એટલું બધું છે કે માણસ જો પોતાની જાતે મર્યાદિત અને કુંઠિત ન બને તો એ જરૂર તૃપ્ત થઈ જાય. તૃપ્તિ થઈ જાય. તૃપ્તિ કે સુખ શોધવા એને બહાર ભટકવું ન પડે.

No comments:
Post a Comment