Friday, 12 August 2011

ગૃહિણીનું સ્મિત




દિન-પ્રતિદિન વધતી જતી મોંઘવારીએ માણસના સુખચેન છીનવી લીધા છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થતાં માણસની જિંદગી પણ કપરી અને સંઘર્ષમય બની રહી છે. આર્થિક જીવન પર આની સીધી અસર પડતી હોય છે. નોકરી અને કામકાજ માટેની તકો ઘટવા લાગી છે. આને કારણે દરેક ક્ષેત્રે સ્પર્ધા વધી છે અને સતત સ્પર્ધાત્મક વાતાવરણે માણસના મગજ પર તાણ અને તંગદિલી વધારી દીધી છે.
આજના માણસની જિંદગી પહેલાંના જેવી સરળ અને સીધી રહી નથી. આ સંજોગોમાં શું સ્ત્રી કે શું પુરુષ બંનેએ પોતપોતાના કાર્યક્ષેત્ર ઉપરાંતની પણ ઘણી બધી સજ્જતા કેળવવી પડી છે.
આજે એક ગૃહિણી માત્ર રસોડું સંભાળીને નચિંત રહી શકતી નથી. એનું વર્તુળ રસોડું, ઘર, પતિ, બાળકો, કુટુંબ, સમાજથી વિસ્તરીને ઓફિસ સુધી પહોંચ્યું છે. સફળ પત્ની, સફળ વહુ, સફળ માતા અને સફળ કર્મચારી તરીકેની તેની ઉમદા કામગીરી માટે કમર કસી રહી છે. ઘર, બાળકનો અભ્યાસ તેમજ ઓફિસે સમયસર પહોંચવાની પણ દોડધામ કરવી પડતી હોય છે. આ રોજિંદી કામગીરી એના મન પરનો બોજ અવશ્ય વધારી મૂકતી હોય છે. ઘરની વ્યવસ્થા પાટા પરથી ઊતરી ના જાય, પતિ, બાળક કે વડીલોની સુવિધા સમયસર સચવાય તે તો એણે જોવું જ પડે છે, પણ આ બધું કરવા જતાં, ઓફિસે પણ મોડી ન પહોંચે તેની ચિંતા પણ એણે સેવવી પડતી હોય છે. આ ઉપરાંત રસ્તા પરનો બેફામ ટ્રાફિક, એ ટ્રાફિકમાંથી  બહાર નીકળવાની મથામણ એની માનસિક તંગદિલી વધારે છે. આટલી તાણ સાથે ઘરની વ્યવસ્થા સુપેરે જાળવવાનું પણ તેના શિરે જ હોવાથી ચીજવસ્તુઓની ખરીદી પણ કરવી પડે છે. સમાજમાં ઘરનો મોભો જાળવવા, કુટુંબીઓનું માન જાળવવા, સામાજિક પ્રસંગોએ હાજરી પણ આપવી પડે છે. બાળકની શાળામાં થતાં કાર્યક્રમોના આયોજનમાં પણ તેની હાજરી, બાળક અને શાળા બંનેની દૃષ્ટિએ જરૂરી બની રહે છે. આ બધું સમયની ખેંચ ઊભી કરે છે અને સમયની  ખેંચ પણ માનસિક તાણ જન્માવે છે. દોડાદોડી ભરેલી માનસિક સ્થિતિમાં દોડતું મગજ ઘણું બધું વિસરી જતું હોય છે અને આ ભૂલાઈ ગયેલા કામો પણ માનસિક તંગદિલી ઓર વધારી મૂકે છે.
ત્યારે જરૂરી બને છે થોડી ચોકસાઈ, થોડી તકેદારી. એનાથી મગજનો ઘણો બધો ભાર હળવો થઈ જતો હોય છે. રોજેરોજ બીજા દિવસની કામગીરીની યાદી આગલી રાત્રે સૂતા પહેલાં બનાવવાની ટેવ પાડો. એ યાદીના કામોને ફરીથી અગ્રતાક્રમે ગોઠવી, ઘરની બહાર નીકળતા એ યાદી પાસે રાખવી એ મુજબ એનો અમલ કરવામાં આવે તો કામકાજ સરળ બને છે. સમયની બચત થાય છે અને કામનો બોજો ઘટે છે અને એમ થતાં માનસિક પરેશાનીમાંથી પણ ઉગરી જવાય છે.
જીવનને અકાળે વૃદ્ધત્વ આપતી માનસિક તાણથી મુક્ત થતાં જીવન મસ્ત અને ઉમંગભર્યું બને છે. જીવન જીવવા જેવું લાગે છે. સૌની ખુશાલી જોતાં ગૃહિણીના હોઠ પર ફરકતું સ્મિત તેના આંતરક તથા બાહ્ય જીવનની સુંદરતા, તાજગી અને સ્વસ્થતા વ્યક્ત કર્યા વગર રહેતું નથી.

No comments:

Post a Comment