Friday, 12 August 2011

બાળક કઈ ભાષામાં રડે ?




આજે બાળકને સ્કૂલમાં મૂકવાનું થાય ત્યારે લગભગ દરેક માતા-પિતાને મૂંઝવણ ઊભી થાય કે, સંતાનને કયા માધ્યમમાં મૂકવું. અહીં તેમને પોતાની માતૃભાષામાં જ બાળકને મૂકવું જોઈએ તેવી એક ઇચ્છા તો હોય છે જ, પણ સાથે અંગ્રેજી માધ્યમ પ્રત્યે એક ખાસ લગાવ પણ હોય છે
દરેક સજીવ વ્યક્તિ ભાષાના માધ્યમ દ્વારા જ જીવનવ્યવહાર અને આદાનપ્રદાન કરતી હોય છે. ભાષા એક એવું સબળ માધ્યમ છે જે બે અજાણી વ્યક્તિઓને પણ પાસે લાવી મૂકે. જેઓ બોલી કે સાંભળી નથી શકતા તેઓ પણ ખાસ સાંકેતિક ભાષા દ્વારા પોતાની વાત સમજાવી લેતાં હોય છે. ભાષા તો માનવીની ચમત્કારિક શોધ છે.
ભાષા જેમ રાષ્ટ્રની એક ઓળખ બની શકે છે અને તેના જુદા જુદા સમાજોની આગવી છાપ પણ ઊપસાવી શકે છે. આપણે ત્યાં એટલું બધું ભાષા વૈવિધ્ય છે જેના કારણે કહેવત પણ પડી ગઈ છે કે, બાર ગાઉએ બોલી બદલાય એટલે કે દરેક જ્ઞાતિ-સમાજમાં તેમની આગવી લઢણવાળી બોલી બોલાતી હોય છે.
પણ છતાં જ્યારથી ગામડાં તૂટીને શહેર ભણી વસવાટ વધતો ચાલ્યો તેમ શહેરોમાં જાણે ભાષાની ભેળપૂરી બનતી ગઈ. અસંખ્ય પ્રાંત-કસબાના લોકો મોટા શહેર-નગરોમાં આવીને વસવા લાગતાં જ જાતભાતની ભાષા સાંભળવા બોલાવા માંડી. આ બધામાં રાષ્ટ્રીય ભાષા તરીકે હિન્દી ભાષાનું ચલણ વધુ જોવાયું. એકમેક સાથે સંવાદ સાધવામાં તકલીફ પડે ત્યારે કોમન લેંગવેજ તરીકે હિન્દીમાં વાતચીત શરૂ કરી દેવાથી વ્યવહાર સરળ બની જાય.
જો કે ગમે તેટલી નવી ભાષાઓ શીખાય, પણ દરેકને પોતાની ભાષા અને બોલી જ ગમતા હોય છે. એમાં પણ કહે છે કે, ઝઘડવાનું અને રડવાનું તો પોતાની બોલીમાં જ ફાવે... ! અને ભાષા ગમે તે હોય તેમાં મહત્ત્વની છે તેની અર્થસભરતા. લાગણીઓ વ્યક્ત કરવા માટે પણ પોતાની જે-તે બોલી જ ફાવે, કેમ કે તેમાં એક પોતીકાપણું હોય છે. એક હૂંફ મળે છે જે કહેવું હોય તે સચોટ રીતે અને સરળતાથી કહેવા માટે પોતાને બરાબર ફાવતી ભાષા જ વાપરવાની મજા આવે. જો કે આજકાલ ગુજરાતમાં ભાષા બચાવોની ઝુંબેશ ચાલે છે. સંસ્કૃતિના રખેવાળો તથા ભાષાપ્રેમીઓ એવી શંકા ધરાવી રહ્યા છે કે, અંગ્રેજી ભાષાના ગાડરિયા પ્રવાહમાં આપણી ગુજરાતી ભાષા તણાઈ જશે. તેનું ગૌરવ તથા મહત્ત્વતા ગુમાવી બેસશે. પરિણામે થોડાં વર્ષો અગાઉ તો નિયમ બહાર પડાયો હતો કે, સરકારી કામકાજમાં ગુજરાતી શબ્દો તથા વાક્યોનો જ ઉપયોગ કરવો. આવા નિયમો અને તેનું પાલન કેટલા દિવસો ચાલ્યું હશે તે એક સર્વેનો વિષય બને છે.
અંગ્રેજી ભાષા માટે કટાક્ષમાં કહેવાતું આવ્યું છે કે, અંગ્રેજો તો ગયા, પણ અંગ્રેજી ભાષા આપણા માટે છોડતા ગયા. ફક્ત ભાષા જ શા માટે આપણા જીવનવ્યવહારમાં, રહેણીકરણીમાં અને અભ્યાસક્રમમાં પણ અંગ્રેજીપણું તો છોડતા જ ગયા છે વારુ ? અને તેમાં ખોટું હોય તેવું પણ લાગતું તો નથી. અંગ્રેજીપણાથી એક સ્ટાઈલ આવે છે. એક શિસ્ત અને સ્માર્ટનેસ પણ વ્યક્તિત્વમાં ઉમેરાતી હોય છે. તેનો કોણ ઇનકાર કરશે ? આપણા તો સૌના જીવન સાથે વણાઈ ચૂક્યું છે આ અંગ્રેજીપણું ! આજે બાળકને સ્કૂલમાં મૂકવાનું થાય ત્યારે લગભગ દરેક માતા-પિતાને મૂંઝવણ ઊભી થાય કે, સંતાનને કયા માધ્યમમાં મૂકવું. અહીં તેમને પોતાની માતૃભાષામાં જ બાળકને મૂકવું જોઈએ તેવી એક ઇચ્છા તો હોય છે જ, પણ સાથે અંગ્રેજી માધ્યમ પ્રત્યે એક ખાસ લગાવ પણ હોય છે.
એનું પણ એક દેખીતું કારણ છે કે, આજનો જમાનો ગ્લોબલાઈઝેશનનો ગણાય છે. એક સાથે અનેક દેશી-વિદેશી કંપનીઓ સાથે વ્યાપાર-વ્યવસાયનો માહોલ રચાતો જાય છે. ઉપરાંત નોકરી-ધંધાર્થે કે કરિયર બનાવવા અસંખ્ય લોકો વિદેશોમાં વસે છે. જ્યાં જે તે દેશની ભાષાનું ખાસ્સું જ્ઞાન જરૂરી બને છે. એ ભલે અનિવાર્ય નથી છતાં તેની મહત્ત્વતા અને ઉપયોગિતા સામે આંખ આડા કાન પણ ના કરી શકાય. કોઈ પણ દેશમાં જાવ ત્યાંની ભાષા ના આવડતી હોય તો પણ અંગ્રેજી ભાષા એક ભાંગ્યુંતૂટયું પણ માધ્યમ તો બની જ રહે છે. કમ-સે-કમ તમારું જરૂરી કામ તો ચાલી જ જાય છે. ગુજરાતમાં ઘણાં માતા-પિતા કે જેઓ તેમનાં બાળકોને ગુજરાતી માધ્યમમાં જ મૂકવા એવો આગ્રહ રાખતાં હોય છે તેમનો બચાવ અને દલીલ એવી હોય છે કે, તેનાથી તેમના સંતાનને સારા ટકા લાવી શકાશે અને માતૃભાષામાં ભણાવવાનો શીખવ્યાનો સંતોષ પણ મળશે. પણ એવા અનેક વિદ્યાર્થીઓ મળી આવશે જેઓને આગળ જતાં ઉચ્ચ અભ્યાસક્રમમાં અંગ્રેજી ભાષા નબળી હોવાના કારણે જ મૂંઝવણ તથા તકલીફ પડતી હોય છે, કેમ કે મહદ્અંશે ઉચ્ચ ભણતર અંગ્રેજીમાં જ આવતું હોય છે. એક યુવક નામ ન લખવાની શરતે કહે છે તેમ, જ્યારે જ્યારે કોઈ ફોર્મમાં વિગતો ભરવાની હોય છે ત્યારે તે સમજવામાં અને અર્થ શોધવામાં ખૂબ મૂંઝવણો થાય છે. એક એક શબ્દનો અર્થ શોધવા ડિક્શનરી ખોલવી પડે છે અને ઇન્ટરનેટ પર પણ જ્યાં લગભગ દરેક વેબાસઈટો આંતરરાષ્ટ્રીય ભાષામાં હોય ત્યાં મૂંઝવણો ઓર વધી જાય છે. અરે ક્લાસમાં પણ સર ભણાવે ત્યારે મોટાભાગનું બધું માથા પરથી જ પસાર થાય છે. ભાષા જ પલ્લે ના પડે ત્યારે તેનું અર્થઘટન જ ક્યાંથી સમજાય !
તે ખેદ સાથે એ પણ કબૂલ કરે છે કે, તેના ચારેક મિત્રો કે જેઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યાં છે તેમની વચ્ચે તે ઝાંખો પડે છે. એને અફ્સોસ થાય છે  અને મા-બાપને પ્રશ્ન પૂછવાનું મન પણ થાય છે કે, મને શા માટે ઇંગ્લિશ મીડિયમમાં ન મૂક્યો... !
આવું તો કદાચ અનેક છોકરા-છોકરીઓને થતું હશે. જેઓને ગુજરાત બહાર જઈને કે વિદેશમાં જઈને ભણવાનું આવે કે પહેલો પ્રશ્ન ભાષાનો જ નડે. મનમાં કોમ્પ્લેક્ષ ઊભો થાય.
એક સર્વે પ્રમાણે અનેક વાલી-વડીલો આજે પોતાનાં સંતાનોને અંગ્રેજી માધ્યમમાં મૂકવા બાબતે સ્પષ્ટ અને કટિબદ્ધ છે. ભલે થોડો વધુ ખર્ચ તથા અગવડો ભોગવી લઈશું, પણ બાળકની ભાવિ કારકિર્દી માટે બનતું બધું કરીશું. આવી એક સમજ તેમણે કેળવી લીધી છે. આના પરિણામે આજે બે વાત બને છે. એક તો અંગ્રેજીના સ્પેશ્યલ વર્ગો ગુજરાતી માધ્યમની શાળાઓમાં ચલાવાય છે અને કાં તો અલગ સમયે ચાલતાં સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરાવાય છે. ઘણી સ્કૂલોમાં  વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતી ન થતી હોવાથી કાં તો તેને બંધ કરાય છે કાં તો તેમાં જ અંગ્રેજી માધ્યમ શરૂ કરાય છે. આવા ટ્રેન્ડ માટે અંગ્રેજી માધ્યમની ઘેલછા અને ગાંડપણ જેવા શબ્દો પણ વાપરે છે. જે કહો તે પણ આવી ઘેલછા હવે માત્ર ગુજરાત કે ગુજરાતી પૂરતી જ સીમિત ન રહેતાં ઘણાં રાજ્યોમાં જોવાય છે. કારકિર્દીની સમજ ધરાવતાં આજના વડીલોનું કહેવું છે કે, વ્યક્તિત્વના વિકાસ માટે અંગ્રેજી ભાષા હવે અનિવાર્ય બનતી જાય છે. જો ઘણી બધી બાબતોમાં અંગ્રેજીપણાનો સ્વીકાર થતો હોય તો માત્ર ભાષા પ્રત્યે જ સુગ શા માટે ? શું ગુજરાતી કે અન્ય જે-તે પ્રાદેશિક ભાષામાં જ અર્થાત્ દરેકને પોતાની જ માતૃભાષામાં ભણવા મૂકવાથી તે નેવું-પંચાણું ટકા લાવશે જ તેવી કોઈ ગેરંટી હોય છે ખરી ?
જો કે, અનેક એવાં પણ સફળ વેપારીઓ-ઉદ્યોગપતિઓ અને મહાનુભાવો મળી આવશે જેઓ ફક્ત માતૃભાષામાં ભણ્યા પછી પણ ખૂબ સફળ છે, સમૃદ્ધ છે, પણ બધા માટે તેવું નસીબ ન પણ હોય ત્યારે ભાષાના બળે પણ નોકરી કે કારકિર્દી ટકાવી રાખવા તેઓ મજબૂર બનતા હોય છે. સારી-મોટી કંપનીઓમાં કળા-જ્ઞાન અને આવડતની સાથોસાથ વિદેશી ભાષાનું જ્ઞાન પણ અનિવાર્ય ગણાતું હોય છે. તમે જે દેશમાં વ્યાપાર-વિનિમય કરો છો તો તેની ભાષા આવડતી હોય તો તેમાં વધુ સરળતા રહે છે. એક વજન પડે છે.
અહીં ગુજરાતી ભાષા પ્રત્યે કોઈ અલગાવ નથી, પણ સાથે અંગ્રેજી ભાષા પ્રત્યે સુગ પણ નથી. આજના દેશી-વિદેશી વ્યવહાર-વ્યાપારના ખીચડિયા માહોલમાં અંગ્રેજી ભાષા બોલવી-વાંચવી અને લખવી ઘણી હદે અનિવાર્ય બને છે તે સ્વીકારવું જ રહ્યું.
પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવું છે એવો ખ્યાલ ધરાવતાં મા-બાપની એક એવી પણ લાગણી હોય છે કે, જે તકલીફો, મૂંઝવણો અને ગેરફાયદા તેમને અંગ્રેજી ના આવડવાથી થયા છે તે તેમના સંતાનોને ના થાય અને સમાજમાં નવા ઊભા થયેલા પ્રવાહમાં તેમનું બાળક પણ સરળતાથી વહેલા શીખી જાય. પછી ભલે થોડા ટકા ઓછા-વત્તા આવે તો ચાલશે.
આપણે પીઝા, બર્ગર, હોટડોગ ખાવા રેસ્ટોરાં કે હોટેલમાં જઈએ છીએ. તેને શીખવતાં ક્લાસમાં જઈએ છીએ. હોંશે હોંશે ઇંગ્લિશ સ્ટાઈલનું પેન્ટ-શર્ટ અને અન્ય જીન્સ વગેરે કપડાં પાછળ પણ ઘેલા છીએ. જેના વગર હવે ચાલે તેમ નથી તો પછી માત્ર ભાષા માટે જ અણગમો કેમ ? શું અંગ્રેજી મીડિયમમાં ભણવા મૂકેલાં બાળકને ઘરમાં જ કે વ્યવહારમાં શુદ્ધ સરસ ગુજરાતી કે જે-તે માતૃભાષા ન શીખવી શકાય ! તો બાવાના બેઉ બચાવી શકાય... ! અને યાદ કરી જુઓ કે, ગમે તેટલા પ્રયત્નો કરશો તોયે રોજિંદી બોલીમાં વપરાતાં અંગ્રેજી શબ્દોથી તો પીછો નહીં જ છોડાવી શકાય.

No comments:

Post a Comment